ગુજરાતમાં જન્માષ્ટમી પર જ શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ, કયા જિલ્લામાં ભારે, ક્યાં પડશે અતિભારે વરસાદ?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય થઈ રહ્યું છે અને આજથી રાજ્યના ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદ શરૂ થવાની શક્યતા છે.
હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જન્માષ્ટમીના તહેવારની સાથે જ રાજ્યમાં ફરી નવો વરસાદી રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે.
ગુજરાતમાં હાલની સ્થિતિ પ્રમાણે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની ઘટ છે અને ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે.
બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ આગામી 24 કલાકમાં આગળ વધશે અને તેની અસર ગુજરાતને થવાની શરૂઆત થઈ જશે.
આ સિસ્ટમ રાજ્ય પર પહોંચતા પહેલાં જ ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે.
ગુજરાતમાં કયા દિવસથી શરૂ થશે ભારે વરસાદ?

ઇમેજ સ્રોત, IMD
બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ આગામી 24 કલાકમાં ભારતના ભૂ-ભાગો પર આગળ વધવા લાગશે. જેથી તેની અસર દેશના ઘણાં રાજ્યો પર થવાની શક્યતા છે.
આ સિસ્ટમ ગુજરાત પર આવતા લગભગ હજી ત્રણથી ચાર દિવસનો સમય લાગે તેવી શક્યતા છે. જેમ જેમ સિસ્ટમ નજીક આવશે તેમ-તેમ રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધતું જશે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આજથી જ વરસાદનું પ્રમાણ વધવા લાગશે અને આવતીકાલ એટલે કે 16 ઑગસ્ટથી રાજ્યમાં ભારે વરસાદની શરૂઆત થઈ જશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલની સ્થિતિ પ્રમાણે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ પડશે અને સિસ્ટમ ગુજરાતની નજીક આવતાની સાથે જ રાજ્યમાં ભારે વરસાદની શરૂઆત થશે.
16 ઑગસ્ટે વરસાદનું પ્રમાણ વધશે પરંતુ તે બાદ 19થી 21 ઑગસ્ટ સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે.
ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી?

ઇમેજ સ્રોત, IMD
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતમાં સૌપ્રથમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થશે અને ત્યારબાદ રાજ્યના બીજા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે.
ગુજરાતમાં 16 ઑગસ્ટના રોજ નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ડાંગ, તાપી, નર્મદા, સુરત, ભરૂચ, છોટા ઉદેપુર, વડોદરા, પંચમહાલ, આણંદ, ખેડા, દાહોદ, મહીસાગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર-સોમનાથ, બોટાદ અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
17 ઑગસ્ટના રોજ પણ સ્થિતિ આ જ પ્રકારે રહેવાની શક્યતા છે. જ્યારે 18 ઑગસ્ટના રોજથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ ખૂબ વધવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ પ્રમાણે 18 ઑગસ્ટના રોજ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
19થી 21 ઑગસ્ટ દરમિયાન મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ થોડું ઘટશે પરંતુ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે.
ગુજરાતમાં વરસાદનો આ રાઉન્ડ કેટલા દિવસ ચાલશે?

ઇમેજ સ્રોત, IMD
રાજ્યમાં 15 ઑગસ્ટથી જ વરસાદનું પ્રમાણ વધવાની શરૂઆત થઈ ગઈ છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જ્યારે મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું સક્રિય થયું છે.
16 ઑગસ્ટથી રાજ્યમાં ભારે વરસાદની શરૂઆત થશે અને તે બાદ પણ વરસાદનું પ્રમાણ અને જોર વધશે અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.
ગુજરાતમાં શરૂ થયેલો વરસાદ ઑગસ્ટ મહિનાના અંતિમ અઠવાડિયા સુધી ચાલુ રહે તેવી સંભાવના છે. હવામાનનાં વિવિધ મૉડલો અનુસાર ગુજરાતમાં એક વખત ભારે વરસાદના રાઉન્ડ બાદ હળવોથી મધ્ય વરસાદ ચાલુ રહેશે.
જે બાદ વરસાદ બંધ થાય તે પહેલાં જ ફરીથી ભારેથી અતિભારે વરસાદનો એક નવો રાઉન્ડ આવશે અને લગભગ 27થી 28 ઑગસ્ટ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















