વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કૉંગ્રેસની ચૂંટણીપંચમાં ફરિયાદ, શું છે સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, Getty Images
લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એક નિવેદનને લઈને કૉંગ્રેસ પાર્ટીએ ચૂંટણીપંચને ફરિયાદ કરી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરામાં મુસ્લિમ લીગની છાપ દેખાય છે.
રાજસ્થાનના અજમેરમાં છ એપ્રિલના રોજ એક સભાને સંબોધતા કહ્યું હતું, "ગઈકાલે કૉંગ્રેસે જે ચૂંટણીઢંઢેરો જાહેર કર્યો છે તે સાબિત કરે છે કે કૉંગ્રેસને ભારતની આશાઓ અને આકાંક્ષાઓ વિશે કોઈ અંદાજો નથી."
"કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરામાં એવી છાપ જોવા મળે છે જેવી સ્વતંત્રતા સમયે મુસ્લિમ લીગની હતી. કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરામાં મુસ્લિમ લીગની છાપ સંપૂર્ણપણે જોવા મળે છે. આ મુસ્લિમ લીગ જેવા ચૂંટણીઢંઢેરાનો જે ભાગ બાકી હતો તેમાં ડાબેરીઓની છાપ જોવા મળે છે."
ચૂંટણીપંચમાં વડા પ્રધાન મોદી સામે ફરિયાદ

ઇમેજ સ્રોત, ANI
કૉંગ્રેસ નેતા જયરામ રમેશ તથા પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે મળીને સોમવારે ચૂંટણીપંચની મુલાકાત કરી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ નિવેદન સામે ફરિયાદ નોંધાવી.
તેમણે સોશિયલ મીડિયા એક્સ પર આ વિશે જાણકારી આપી હતી.
જયરામ રમેશે જણાવ્યું કે તેમણે પોતાના સહયોગી સલમાન ખુર્શીદ, મુકુલ વાસનિક, પવન ખેડા અને ગુરદીપ સપ્પલે સાથે મળીને ચૂંટણી પંચ સમક્ષ છ ફરિયાદો નોંધાવી છે અને આ મામલે તેમની સાથે ચર્ચા કરી છે.
તેમણે જણાવ્યું કે છ માંથી બે ફરિયાદો વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જયરામ રમેશે લખ્યું, "આ સમયે ચૂંટણીપંચે દરેક પક્ષને સમાન અવસર આપીને પુરાવો આપવો જોઈએ કે તે સ્વતંત્ર છે. અમને આશા છે કે ચૂંટણીપંચ પોતાની બંધારણીય સ્વાયત્તતા દેખાડશે."
ચૂંટણીપંચને આપેલી લેખિત ફરિયાદમાં કૉંગ્રેસે કહ્યું કે અજમેરની સભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરાને જૂઠાણાંના પોટલા જેવો અને મુસ્લિમ લીગની છાપ ધરાવતો ગણાવ્યો.
કૉંગ્રેસે કહ્યું કે દેશમાં આચાર સંહિતા લાગુ છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ ટિપ્પણીઓ તેનું ઉલ્લંઘન કરે છે.
પાર્ટીએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન ભારતીય દંડ સંહિતાની કલમ 153એ હેઠળ એક દંડનીય ગુનો છે. કારણ કે તેઓ ખોટા દાવાઓ કરીને વિભાજનની ભયાનકતાનો ઉપયોગ કરે છે અને તેના થકી મતદારોનું ધ્રુવીકરણ કરવા માગે છે.
કૉંગ્રેસ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકોને એ વિશ્વાસ કરાવવા માગે છે કૉંગ્રેસ ભારતને તોડવા ઇચ્છે છે. જે એક ગંભીર મામલો છે અને ચૂંટણીપંચ આ વિશે પોતાની આંખ બંધ ન કરી શકે.
ચૂંટણીપંચની મુલાકાત લીધા પછી સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા કૉંગ્રેસ નેતા પવન ખેડાએ કહ્યું, "જે રીતે વડા પ્રધાને અમારા ચૂંટણીઢંઢેરાને મુસ્લિમ લીગનો દરજ્જો આપ્યો તેની સામે અમારો વિરોધ છે. વડા પ્રધાનનાં જે બેનરો યુનિવર્સિટીમાં લાગ્યાં છે તે વિશે પણ અમે અમારી વાત ચૂંટણીપંચ સમક્ષ રાખી છે."
"રાજીવ ચંદ્રશેખરજી જે ત્રિવેન્દ્રમથી ભાજપનાં ઉમેદવાર છે તેમના સોગંદનામા વિશે પણ વાત કરી છે. ઇન્ફૉર્મેશન અને બ્રૉડકાસ્ટિંગ મંત્રાલયે ચૂંટણીની જાહેરાત થયા પછી પણ કેટલીક યુટ્યૂબ ચેનલોને કારણ જણાવ્યા વગર જ બંધ કરી દીધી છે. ચૂંટણીની જાહેરાત થઈ ચુકી છે અને આ તેમના અધિકારક્ષેત્રમાં નથી. ચૂંટણીપંચને આ વિશે પણ નોંધ લેવા માટે કહ્યું છે."
ભાજપે શું વળતો જવાબ આપ્યો

ઇમેજ સ્રોત, ANI
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરા પર સવાલો કર્યા.
તેમણે કહ્યું, "જનતાએ કૉંગ્રેસને વારંવાર નકારી છે. કૉંગ્રેસ પાર્ટી તેમ છતાં તુષ્ટિકરણનું રાજકારણ કરે છે. મેં કૉંગ્રેસનો ચૂંટણીઢંઢેરો જોયો છે અને મને જોઈને આશ્ચર્ય થયું કે આ કૉંગ્રેસ પાર્ટીનો ચૂંટણીઢંઢેરો છે કે મુસ્લિમ લીગનો ચૂંટણીઢંઢેરો."
"દેશને તોડવા માટે અને સત્તાને મેળવવા માટે કૉંગ્રેસ પાર્ટી કઈ હદ સુધી જઈ શકે છે તેનો અંદાજ લગાડવો મુશ્કેલ છે. મુસ્લિમ લીગ 1929માં જે ધર્મના આધારે આરક્ષણની વાત કરી હતી તે જ વાત કૉંગ્રેસ પાર્ટી આજે કરી રહી છે. સત્તાની લાલચમાં કૉંગ્રેસ પાર્ટી દેશને ક્યાં લઈ જશે તેનો અંદાજ લગાડવો મુશ્કેલ છે."
"આજે લઘુમતી માટે ધર્મના આધારે અનામતની વાત થઈ રહી છે. જે 50 ટકા કરતા વધારે અનામતની વાત છે તે અનામતની વાત કોના માટે કરવામાં આવી છે. હું એ પણ કહેવા માંગું છું કે દેશ ભૂલી ન જાય કે યુપીએની સરકારે બહુમતી સમાજ વિરુદ્ધ એક એવો કાયદો બનાવ્યો હતો જે સંસદમાંથી પસાર ન થઈ શક્યો. જોકે, કૉંગ્રેસ પાર્ટીનો ઇરાદો સાફ હતો."
"તેઓ(કૉંગ્રેસ) ઇચ્છે છે કે દેશ વેચાય જાય પરંતુ તેમની સત્તાની ભૂખ પૂરી નહીં થાય. મને રાહુલ ગાંધી જવાબ આપે કે વાયનાડમાં ઉમેદવારીપત્રક ભરતી વખતે કાઢેલી રેલીમાં કૉંગ્રેસ પાર્ટીના ઝંડા ગાયબ કેમ હતા. આ તુષ્ટિકરણનું રાજકારણ ક્યાં સુધી જશે. કૉંગ્રેસે પોતાના ઝંડા એટલા માટે હટાવી દીધા કારણ કે મુસ્લિમ લીગને પસંદ ન હતા. કૉંગ્રેસે પોતાના ચૂંટણીઢંઢેરામાં અનામત અને તુષ્ટિકરણ વિશે વાત કરી છે તેના વિશે સ્પષ્ટીકરણ આપવું પડશે."
આ ઉપરાંત નાણામંત્રીએ પણ કહ્યું કે કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરામાં વિરોધાભાસ છે.
તેમણે કહ્યું કે કૉંગ્રેસે કરેલા વાયદાઓને પૂરા કરવા માટે તેમની પાસે બજેટ જ નથી.
"કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરામાં ત્રણ-ચાર બાબતે વિરોધાભાસ છે. જો આ વાતને વ્યવહારમાં લઈ આવવામાં આવે તો એટલું નુકસાન થશે કે બજેટમાં રૂપિયા બચશે જ નહીં."
બીજી તરફ કૉંગ્રેસ પોતાના ચૂંટણીઢંઢેરાને "ન્યાય પત્ર" કહી રહી છે. આ વિશે તેલંગાણાની એક રેલીમાં વાત કરતા કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, "કૉંગ્રેસે જાહેર કરેલ ચૂંટણીઢંઢેરો ભારતને બદલી શકે છે."
મુસ્લિમ લીગથી પ્રેમ

ઇમેજ સ્રોત, ANI
ચૂંટણીપંચમાં ફરિયાદ પહેલાં કૉંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર જવાબ આપ્યો.
કૉંગ્રેસે કહ્યું કે મુસ્લિમ લીગ પ્રત્યે નરેન્દ્ર મોદીને એવો કેવો પ્રેમ છે જે વારંવાર છલકાઈ રહ્યો છે.
કૉંગ્રેસનાં પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું, "ઇશ્ક ઔર મુશ્ક છુપાયે નહીં છુપતે પરંતુ મોદીજી અને તેમના પૂર્વજોનો મુસ્લિમ લીગ પ્રત્યે એવો પ્રેમ છે જે છુપાવી ન શકાય."
તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરા વિશે કંઈપણ કહી શકે છે. તેઓ કહી શકતા હતા કે આ અસંભવ છે પરંતુ તેમણે મુસ્લિમ લીગને લઈને નિવેદન આપ્યું કારણ કે તેમને મુસ્લિમ લીગથી પ્રેમ છે.
કૉંગ્રેસે કહ્યું, "આ ન્યાય પત્ર "ભારત જોડો યાત્રા" અને "ભારત જોડો ન્યાય યાત્રા" દરમિયાન મળેલા લોકોની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને બનાવવામા આવ્યું છે. તેને જોઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગભરાઈ ગયા છે. એટલે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી એવાં શરમજનક નિવેદનો કરે છે કે અમારા ન્યાય પત્રમાં મુસ્લિમ લીગની છાપ છે."
મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભા
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર મહમદ સજ્જાદે બીબીસી ઉર્દૂનાં મિર્ઝા બેગને જણાવ્યું કે ભાજપની જનની કહેવાતી પાર્ટી હિંદુ મહાસભાએ 1940ના દાયકામા સિંધ, બંગાળ અને એનડબ્લ્યુએફપીમાં મુસ્લિમ લીગની સાથે સરકાર બનાવી હતી.
સજ્જાદે કહ્યું, "આ પહેલાં લખનૌ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં મેયરશિપ માટે પણ મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાએ હાથ મિલાવ્યો હતો."


























