You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાની તબિયત સુધારા પર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાને નાદુરસ્ત તબિયતને પગલે અમદાવાદની યુએન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાની તબિયત નાજુક થતા તેઓ દિલ્હીથી અમદાવાદ આવી પહોંચ્યા હતા.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, માતાના ખબરઅંતર પૂછ્યા બાદ વડા પ્રધાન મોદી યુ. એન. મહેતા હૉસ્પિટલમાંથી રવાના થયા હતા.
વડા પ્રધાન મોદી યુ. એન. મહેતા હૉસ્પિટલમાં એક કલાક જેટલો સમય રોકાયા હતા. તેમના સિવાય ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ ઘણા મંત્રીઓ અને અમદાવાદના ધારાસભ્યો પણ સવારથી હૉસ્પિટલમાં હાજર હતા.
હવે ગુરુવારે યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલૉજી ઍન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા હીરાબાની તબિયત અંગે જાણકારી અપાઈ છે.
હૉસ્પિટલે જાહેર કરેલ અખબારી સંદેશ અનુસાર વડા પ્રધાન મોદીનાં માતા ‘હીરાબાની તબિયત સુધારા પર છે.’
નોંધનીય છે ગુરુવારે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ હીરાબાની મુલાકાત લીધી હતી.
અગાઉ એએનઆઈએ હૉસ્પિટલને ટાંકીને જણાવ્યું છે કે 'હીરાબાની તબિયત સ્થિર છે.'
યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલૉજી ઍૅન્ડ રિસર્ચ સેન્ટર (અમદાવાદ)ના પ્રવક્તાએ પ્રેસ રિલીઝ કરીને જણાવ્યું કે 'વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતાને યુએન મહેતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે અને તેમની તબિયત સ્થિર છે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી સંવાદદાતા સાગર પટેલે યુએન મહેતા હૉસ્પિટલ બહારથી ફેસબુક લાઇવ કર્યું હતું.
તેમણે જણાવ્યું કે હૉસ્પિટલની બહાર લોકોની ભીડ વધી રહી છે, મીડિયાકર્મીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા છે.
તેમજ અધિકારીઓ અને મંત્રીઓની અવરજવર પણ વધી ગઈ છે. પોલીસનો બંદોબસ્ત પણ વધારાઈ રહ્યો છે. સાંસદ પરિમણ નથવાણી પણ અહીં પહોંચ્યા હતા.
જ્યારે વડા પ્રધાન મોદીએ હીરાબા અંગે બ્લૉગ લખ્યો
આ વર્ષે 18 જૂને વડા પ્રધાન મોદીએ ગાંધીનગર પહોંચીને માતા હીરાબાનો 100મો જન્મદિવસ ઊજવ્યો હતો.
હીરાબાનાં 100 વર્ષ પૂરાં થવા પર પીએમ મોદીએ એક ભાવુક બ્લૉગ પણ લખ્યો હતો.
તેમણે લખ્યું હતું, “આજે હું મારી ખુશી, મારું સૌભાગ્ય, આપ સૌ સાથે વહેંચવા માગું છું. મારાં માતા, હીરાબા આજે 18 જૂને 100મા વર્ષે પ્રવેશ કરી રહ્યાં છે. એટલે કે તેમના જન્મશતાબ્દી વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. જો આજે પિતાજી હોત તો ગયા અઠવાડિયે તેમનાં પણ 100 વર્ષ પૂર્ણ થયાં હોત. એટલે કે 2022 એક એવું વર્ષ છે જ્યારે મારી માતાનું જન્મશતાબ્દી વર્ષ શરૂ થઈ રહ્યું છે અને મારા પિતાજીનું જન્મશતાબ્દી વર્ષ પૂર્ણ થયું છે.”
વડા પ્રધાન મોદીએ લખ્યું હતું, “આજે મારા જીવનમાં જે કાંઈ પણ સારું છે, મારા વ્યક્તિત્વમાં જે કંઈ પણ સારું છે, તે મા અને પિતાજીના કારણે જ છે. આજે જ્યારે હું દિલ્હીમાં બેઠો છું, તો ઘણી જૂની વાતો યાદ આવી રહી છે.”
“મારી માતા દરેક માતાની જેમ જેટલી સામાન્ય છે, એટલી જ અસાધારણ પણ છે. આજે જ્યારે હું મારી માતા વિશે લખી રહ્યો છું, તો એ વાંચીને તમને પણ એ લાગી છે કે ‘અરે, મારી માતા પણ આવી જ છે. મારી માતા પણ આવું જ કરે છે.’ આ વાંચીને તમારા મનમાં પણ માતાની છબિ ઊભી થશે.”