અયોધ્યા રામમંદિર દાન મામલે કૉંગ્રેસે મૂકી આ છ માંગ – ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

અયોધ્યાના રામમંદિરમાં દાનમાં કથિત ગોટાળા મામલે કૉંગ્રેસે એસઆઈટીનો તપાસ રિપોર્ટ જાહેર કરવાની માગ કરી છે.

કૉંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે મંગળવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે, "રામમંદિરમાં દાનચોરીનો મહાપાપ સામે આવતા જ એક એસઆઈટીનું ગઠન કરાયું હતું જેનો રિપોર્ટ સબમિટ કરી દેવાયો છે પણ તે જાહેર નથી કરાયો."

તેમણે કહ્યું કે, "આ એસઆઈટીનું કામ હતું પ્યાદાંને પકડો અને મોટા લોકોને છોડી દો જેથી માલ ઠેકાણે પહોંચી જાય. દેશના લોકોએ સંપૂર્ણ આસ્થા સાથે દાન આપ્યું હતું પરંતુ જ્યારે તેમની આસ્થા સાથે રમત રમાઈ તો એક ગોપનીય એસઆઈટી બનાવાઈ જેના રિપોર્ટની કંઈ ખબર જ નથી."

સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે, "અયોધ્યાના રામમંદિરમાં દાનચોરી થઈ, આ મહાપાપ થયો છે. પણ રામમંદિરની પ્રાણ-પ્રતિષ્ઠાથી લઈને શિલાન્યાસ કરનારા નરેન્દ્ર મોદી દાનચોરી પર એક શબ્દ નથી બોલ્યા."

કૉંગ્રેસે સરકાર પાસે આ કથિત દાનચોરી મામલે આ છ માંગ કરી છે-

- યોગી સરકાર એસઆઈટી રિપોર્ટને સાર્વજનિક કરે

- શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને ભંગ કરવામાં આવે

- ચંપત રાય અને અન્ય લોકો વિરુદ્ધ એફઆઈઆર અને તપાસ થાય

- શરૂઆતથી બધા દાનનું નિષ્પક્ષ ઑડિટ કરવામાં આવે

- આ કથિત ગોટાળાની સુપ્રીમ કોર્ટના સિટિંગ જજ પાસેથી તપાસ કરાવાય

- વડા પ્રધાન મોદી ચુપકીદી તોડે અને લોકો પાસે માફી માગે.

ભારતના નવા આર્મી ચીફ બન્યા જનરલ ધીરજ સેઠ

જનરલ ધીરજ સેઠે મંગળવારે (30 જૂન, 2026) ભારતના નવા સેના પ્રમુખની જવાબદારી સંભાળી છે. તેઓ ભારતના 31મા આર્મી ચીફ છે.

જનરલ સેઠે જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની જગ્યા લીધી છે. જનરલ દ્વિવેદી સેનામાં 40 વર્ષથી વધુની સર્વિસ બાદ રિટાયર થયા છે.

સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર, જનરલ સેઠ નૅશનલ ડિફેન્સ ઍકેડેમી (એનડીએ), ખડકવાસલાના વિદ્યાર્થી રહ્યા છે. તેમને ડિસેમ્બર 1986માં આર્મર્ડ કોરમાં કમિશન મળ્યું હતું.

સેના પ્રમુખના પદનો કાર્યભાર સંભાળતા પહેલાં તેમણે થળસેના ઉપપ્રમુખ તરીકે પણ કામ કર્યું છે.

'ભારત સાથે ટ્રેડ ડીલ અંતિમ ચરણમાં', ભારતમાં અમેરિકાના રાજદૂતે શું કહ્યું?

ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે મંગળવારે કહ્યું કે ભારત-અમેરિકા વ્યાપાર સમજૂતી તેના 'અંતિમ ચરણ'માં છે અને વાતચીતનો માત્ર 'છેલ્લો એક-બે ટકા ભાગ પૂર્ણ થવાનો બાકી' છે.

તેમણે ભરોસો વ્યક્ત કર્યો કે લગભગ 18 મહિનાની વાતચીત બાદ આ સમજૂતી અંતિમ સ્વરૂપ લેશે.

વૉશિંગ્ટનમાં આયોજિત યુએસ-ઇન્ડિયા સ્ટ્રૅટેજિક પાર્ટનશિપ ફોરમ લીડરશિપ સમિટને સંબોધિત કરતા ગોરે કહ્યું કે તેઓ આ સમજૂતીને પૂર્ણ કરવા માટે 'પ્રતિબદ્ધ' છે, કારણકે તેનાથી બંને દેશોને ફાયદો થશે.

તેમણે કહ્યું, "અમે આ સમજૂતીના અંતિમ ચરણમાં છે. સમજૂતીનો મહદંશે ભાગ પૂર્ણ થઈ ચૂક્યો છે. બંને પક્ષો તરફથી કેટલીક ચીજો છે જે બાકી છે. પરંતુ તે સમજૂતીના એક-બે ટકા જેટલું જ બાકી છે."

આ ઉપરાંત સર્જિયો ગોરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સંભવિત અમેરિકા યાત્રા મામલે પણ વાતચીત કરી.

તેમણે ન્યૂઝ એજન્સી એએઆઈને કહ્યું, "વિદેશ મંત્રી માર્કો રુબિયોએ વડા પ્રધાન મોદીની મુલાકાત માટે આમંત્રિત કર્યા હતા. અમે તેમને ફરી અહીં મુલાકાતે આવતા જોઈને ખુશ થઈશું. અને મને ખબર છે કે તેઓ ડિસેમ્બરમાં જી20 સમિટ માટે અહીં આવી રહ્યા છે."

ઈરાને દોહામાં અમેરિકા સાથે વાતચીતના ટ્રમ્પના દાવાને ફગાવી દીધો

ઈરાની વિદેશ મંત્રાલયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દોહામાં ઈરાનની સાથે બેઠકના દાવાને ફગાવી દીધો છે.

બીબીસી ફારસી સેવાના જણાવ્યા પ્રમાણે, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્લામઇલ બકાઈએ કહ્યું છે કે આવનારા દિવસોમાં ઈરાન "અમેરિકાના પક્ષ સાથે કોઈ પણ સ્તર પર કોઈ વાતચીત માટેની બેઠક નહીં કરે."

તેમણે એ વાત પર ભાર મૂક્યો કે કતારમાં અમેરિકાના પ્રતિનિધિઓની યાત્રાનો ઈરાની પ્રતિનિધિમંડળ સાથે કોઈ સંબંધ નથી.

બીબીસી ફારસી સેવાના જણાવ્યા પ્રમાણે, ઈરાનના ઉપ વિદેશ મંત્રી અને મુખ્ય વાટાઘાટકાર કાઝેમ ગરીબાબાદીએ પણ કહ્યું કે આ સપ્તાહે કોઈ બેઠકની યોજના નથી.

ઈરાની અધિકારીઓનાં આ નિવેદનો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા બાદ આવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે ઈરાનના અનુરોધ પર મંગળવારે, 30 જૂને અમેરિકા અને ઈરાની પ્રતિનિધિ દોહામાં મળશે.

વ્હાઇટ હાઉસનાં પ્રેસ સચિવ કૅરોલાઇન લેવિટે જણાવ્યું કે ટ્રમ્પના પ્રતિનિધિ સ્ટીવ વિટકૉફ અને જૅરેડ કુશ્નર આ બેઠકમાં સામેલ થશે.

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાને કરેલા હવાઈ હુમલા પર ભારતના વિદેશ મંત્રાલયે શું કહ્યું?

ભારતે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના હવાઈ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે અને આ હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેને લઈને ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કર્યું છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે "ભારત અફઘાન ક્ષેત્રમાં પાકિસ્તાનના હવાઈ હુમલાની ઘોર નિંદા કરે છે, જેમાં ઘણા સામાન્ય નાગરિકો માર્યા ગયા છે. તેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે."

ભારતે કહ્યું, "પાકિસ્તાનની આ ખુલ્લી આક્રામક કાર્યવાહી અફઘાનિસ્તાનની સંપ્રભુતા પર હુમલો છે અને ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતા માટે સીધું જોખમ છે."

વિદેશ મંત્રાલયે કહ્યું છે કે આ હુમલા પાકિસ્તાનના 'લાપરવાહ વ્યવહાર'ને દેખાડે છે અને તે પોતાની આંતરિક નિષ્ફળતાઓથી ધ્યાન ભટકાવવા માટે આવાં કામોનો સહારો લે છે.

આ ઉપરાતં ભારતે અફઘાનિસ્તાનની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતા પ્રત્યે પોતાના અતૂટ સમર્થનને ફરી વ્યક્ત કર્યું છે.

પાકિસ્તાની સેનાઓએ રવિવાર અને સોમવારની રાતે અફઘાનિસ્તાનમાં જમીની અને હવાઈ અભિયાન ચલાવવાની વાત કરી હતી. પાકિસ્તાન સરકારના જણાવ્યા પ્રમાણે, હુમલામાં 29 ચરમપંથી માર્યા ગયા હતા.

ત્યાં, અફઘાનિસ્તાનની તાલિબાન સરકારનો દાવો છે કે આ હુમલામાં ડઝનો નાગરિકો માર્યા ગયા, જેમાં બાળકો અને મહિલાઓ સામેલ છે.

યુએનએ કહ્યું, 'અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની હુમલામાં મહિલાઓ અને બાળકો સહીત 28 નાગરિકોનાં મૃત્યુ' – ન્યૂઝ અપડેટ

સંયુક્ત રાષ્ટ્રસંઘના અફઘાનિસ્તાન મિશને કહ્યું છે કે પાકિસ્તાને રવિવારે સરહદ પાસે આવેલા અફઘાન પ્રાંતોમાં હવાઈ હુમલા કર્યા હતા અને ત્યાં સૈનિકો મોકલીને સૈન્ય અભિયાન ચલાવ્યું હતું. જેમાં ઓછામાં ઓછા 28 સામાન્ય નાગરિકોનાં મૃત્યુ થયાં છે.

યુએનએએમએના જણાવ્યા પ્રમાણે, આ હુમલામાં 49 લોકો ઘાયલ થયા છે. મૃતકો અને ઘાયલોમાં મહિલાઓ અને બાળકો સામેલ છે.

અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે કહ્યું છે કે આ હુમલામાં સામાન્ય નાગિરકોનાં ઘરોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. તેણે આ હુમલાને 'કાયરતાપૂર્ણ કાર્યવાહી' ગણાવી અને તેને 'અત્યાચાર' ગણાવ્યો.

ત્યાં, પાકિસ્તાને કહ્યું કે તેણે અફઘાનિસ્તાનમાં પક્તિયા, પક્તિકા અને કુનાર પ્રાંતોમાં ચરમપંથી ઠેકાણાંને નિશાન બનાવ્યાં.

બંને પાડોશી દેશોએ ગત વર્ષે ઑક્ટોબરમાં ઘણાં સપ્તાહો સુધી ચાલેલી ઝડપ બાદ યુદ્ધવિરામ પર સહમતિ વ્યક્ત કરી હતી. પરંતુ આ સમજૂતી બાદમાં તૂટી ગઈ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન