કેજરીવાલ ઈડીના સમન્સ અને ધરપકડની આશંકા વચ્ચે ગુજરાત કેમ આવ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હીની નવી શરાબનીતિ મામલે કથિત ગોટાળાના આરોપસર પ્રવર્તન નિદેશાલય (ઈડી)ના સતત ત્રીજા સમન્સ બાદ પણ પૂછપરછ માટે હાજર ન રહેલા દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના (આપ) રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ રવિવારથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે.
કેજરીવાલ પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન સાથે રાજ્યના પ્રવાસે પહોંચ્યા હતા.
તેમણે પોતાના પ્રવાસની શરૂઆત ભરૂચના નેત્રંગ ખાતે જનસભાને સંબોધીને કરી હતી.
આપ ગુજરાતના એક ટ્વીટ અનુસાર બંને નેતાએ ‘આપના ધારાસભ્ય ચૈતર વસાવા’ના સમર્થનમાં આયોજિત જનસભા સંબોધવાના છે.
જનસભા અગાઉ બંને નેતા ચૈતર વસાવાના પરિવારજનોને મળ્યા હતા.
આમ આદમી પાર્ટી ગુજરાતએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે 'અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન નેત્રંગમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ઐતિહાસિક જનસભાને સંબોધશે.'
નોંધનીય છે કે ખુદ કેજરીવાલે ગત ગુરુવારે પ્રેસ કૉન્ફરન્સ યોજીને આરોપ મૂક્યો હતો કે ભાજપ સરકાર તેમના ચૂંટણીઅભિયાનને રોકવા માટે લોકસભાની ચૂંટણી પહેલાં તેમની ધરપકડ કરવા માગે છે.
ધરપકડની વાતો વચ્ચે કેજરીવાલના ગુજરાત પ્રવાસ અને તેના આશય અંગે ઘણી આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, ગુજરાતમાં આપના નેતૃત્વ દ્વારા અરવિંદ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ ‘પૂર્વાયોજિત’ અને ‘આગામી લોકસભાની ચૂંટણી માટેનો શંખનાદ’ ગણાવી રહ્યા છે.
બીજી તરફ ઈડીના સમન્સ છતાં કેજરીવાલ પૂછપરછ માટે હાજર ન રહેતાં ભાજપે પણ આપ અને કેજરીવાલ પર શાબ્દિક હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે ‘કેજરીવાલ દિલ્હીના મુખ્ય મંત્રી છે પરંતુ કાયદાની ઉપર નથી.’
ધરપકડની આશંકા વચ્ચે કેજરીવાલના ગુજરાત પ્રવાસ અને તેનાં કારણો અંગે વધુ સ્પષ્ટતા મેળવવા માટે બીબીસી ગુજરાતીએ ગુજરાત અને દિલ્હીમાં આપના નેતૃત્વ સાથે વિગતવાર વાત કરી હતી.
દિલ્હીમાં આપના ભૂતપૂર્વ ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયા અને રાજ્યસભાના સાંસદ સંજયસિંહની પણ અગાઉ આ મામલે ધરપકડ થઈ હતી. આપના મોટા નેતાઓની ઈડીની પૂછપરછ બાદ ધરપકડ થતાં ઘણા સમયથી અરવિંદ કેજરીવાલની પણ ધરપકડ થશે એવી આશંકા વ્યક્ત કરાઈ રહી હતી.
કેજરીવાલના ગુજરાત પ્રવાસનું શું છે કારણ?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ કેજરીવાલના ગુજરાત પ્રવાસ અંગે બીબીસી ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્ય સાથે વાત કરતાં કહ્યું હતું કે, "અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન 7 અને 8 જાન્યુઆરીએ ગુજરાત આવીને આપના ધારાસભ્ય ચૈતર વસાવાની જેલમાં મુલાકાત લેશે. અરવિંદ કેજરીવાલે સમનને ગેરકાયદે ગણાવ્યું છે અને પોતાની ધરપકડની શંકા વ્યક્ત કરી છે."
નોંધનીય છે કે વનવિભાગના કર્મીને ધમકી આપવા અને હવામાં ફાયરિંગ કરવાના આરોપસર ગુજરાતના નર્મદા જિલ્લાની દેડિયાપાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગત 15 ડિસેમ્બરના રોજ પોલીસ સામે આત્મસમર્પણ કર્યું હતું. જે બાદથી તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
ધરપકડની આશંકા અને તેની કેજરીવાલના પ્રવાસ પરની અસર અંગે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "તેમનો ગુજરાત પ્રવાસ યથાવત્ રહેશે."
આ સિવાય ગુજરાત પ્રવાસ વખતે કેજરીવાલની ધરપકડની વાત અંગે પણ તેમણે પોતાનો અભિપ્રાય આપ્યો હતો.
ગઢવીએ કહ્યું હતું કે, "કેજરીવાલજી ગુજરાત આવશે જ. તેમની ધરપકડ નહીં થાય, કેમ કે એ માટે રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે."
પરંતુ જો અનિવાર્ય સંજોગોને કારણે કાર્યક્રમમાં ફેરફાર થાય તો એ અંગે વાત કરતાં ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, "તો ભગવંત માન સાહેબ આવશે અને નિર્ધારિત કાર્યક્રમ ચાલુ રહેશે."
કેજરીવાલના ગુજરાત પ્રવાસ માટેનાં કારણો અંગે સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું હતું કે, "અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ગુજરાત આવી રહ્યા છે."
"અમારા પ્રદેશ નેતાઓ સાથે કેજરીવાલજી અને ભગવંત માનજીની મીટિંગ છે. આ ઉપરાંત સભાઓ છે. તેઓ નગરસેવકો અને ચૈતર વસાવાના પરિવારને મળવાના છે. કેજરીવાલજીનો પ્રવાસ આમ આદમી પાર્ટીનો લોકસભા ચૂંટણી માટેનો ગુજરાતનો શંખનાદ છે."
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, "અરવિંદજી અને ભગવંત માનજી નેત્રંગ ખાતે સભા યોજ્યા બાદ ચૈતર વસાવાની જેલમાં મુલાકાત લેવા જશે."
આપનાં પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલે રાજ્યના પ્રવાસ વખતે ધરપકડની આશંકાઓ અંગે ચેતવતાં કહ્યું હતું કે, "જો કેજરીવાલજીની ધરપકડ થશે તો એનાં આકરાં પરિણામ ભાજપે ભોગવવાં પડશે. ગુજરાતમાં માત્ર આપના કાર્યકર્તા જ નહીં, જનતાનો જુવાળ ફાટી નીકળશે."
તેઓ ઈડીની કાર્યવાહી અંગે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં કહે છે કે, "કેજરીવાલજીને મળેલા સમનને અમે વખોડીએ છીએ. ભાજપની સરકાર ડરી ગઈ છે મજબૂતાઈથી પ્રામાણિકતાપૂર્વક આગળ વધતા નેતાઓ સામે બંધારણીય સંસ્થાઓનો દુરુપયોગ કરીને રોકવાનો પ્રયાસ કરે છે."
જોકે, ભાજપ નેતાઓએ ઈડીના સમન્સ છતાં પૂછપરછ માટે ન પહોંચતાં અરવિંદ કેજરીવાલની ટીકા કરી હતી.
ભાજપે અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા કહ્યું હતું કે 'જો કંઈ ખોટું ન કર્યું હોય તો કેજરીવાલ કેમ તપાસથી ડરે છે?' સમાચાર સંસ્થા એએનઆઈ સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી જનરલ (રિટાયર્ડ) વી.કે.સિંહે કહ્યું હતું કે 'આમ આદમી પાર્ટીના સંયોજક જો નિર્દોષ હોય તો તેમણે તપાસમાં સહકાર આપવો જોઈએ.'
હિંદુસ્તાન ટાઇમ્સ ડૉટ કૉમના એક અહેવાલ અનુસાર ભાજપનાં બાંસુરી સ્વરાજે આ મુદ્દે કહ્યું હતું કે, "કેજરીવાલ એ ભૂલી રહ્યા છે કે તેઓ દિલ્હીના મુખ્ય મંત્રી હોવા છતાં કાયદાથી ઉપર નથી. તપાસકર્તા એજન્સીઓ તપાસની પદ્ધતિ નક્કી કરશે કે કેજરીવાલ? શું એક સામાન્ય માણસ ઈડીને તેના પ્રશ્નો ઍડ્વાન્સમાં આપવાનું જણાવી શકે?"
શું હતી દિલ્હીની નવી શરાબનીતિ?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ફાઇનાન્સિયલ એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર નવી પૉલિસી અંતર્ગત દિલ્હી સરકારે પોતાને શરાબના વ્યવસાયથી બહાર કરી દીધી હતી.
આ નીતિના અમલ સાથે જ દિલ્હીમાં શરાબની સરકારી દુકાનો બંધ કરી દેવાઈ હતી અને શરાબવેચાણ માટે ખાનગી પાર્ટીઓને લાઇસન્સ અપાયાં હતાં. આ સિવાય દિલ્હીમાં શરાબ પીવાની કાયદાકીય ઉંમર 25 વર્ષથી ઘટાડીને 21 કરી દેવાઈ હતી.
નવી શરાબનીતિનો હેતુ સરકારની આવક વધારવાનો, ગ્રાહકોને સારો અનુભવ આપવાનો, શરાબમાફિયાની અસર ખતમ કરવાનો અને દારૂની કાળા બજારી બંધ કરાવવાનો હોવાનું જણાવાયું હતું.
આ પૉલિસી નવેમ્બર 2021થી અમલી બની હતી.
દિલ્હી સરકારના દાવા અનુસાર આ નવી નીતિના અમલીકરણથી સરકારની આવકમાં 27 ટકાનો વધારો થયો હતો, જે 8,900 કરોડ રૂપિયા જેટલો હતો.
આ પૉલિસીને વધુ આકર્ષક બનાવવા માટે સરકારે લાઇસન્સધારકોને શરાબની કિંમત નક્કી કરવાની સ્વતંત્રતા આપી હતી, જેમાં MRPમાં ભારે ડિસ્કાઉન્ટ આપવાની શક્યતા પણ વધી ગઈ હતી. તમામ દુકાનો વહેલી સવારના ત્રણ વાગ્યા સુધી ચાલુ રાખી શકાય તેવી પરવાનગી પણ અપાઈ હતી તેમજ હોમ ડિલિવરી માટેની સુવિધા પણ ઊભી કરાઈ હતી.
ઉપરાજ્યપાલના આરોપો અને ચીફ સેક્રેટરીનો રિપોર્ટ?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
આ વર્ષે જુલાઈ માસમાં દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાએ નવી શરાબનીતિ મામલે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી.
તેમણે દિલ્હીના ચીફ સેક્રેટરી નરેશકુમારને અધિકારીઓએ આ નવી નીતિના નિર્માણ મામલે કરેલ યોગદાન, સુધારા અને તેના અમલીકરણ બાબતે રિપોર્ટ તૈયાર કરવા કહ્યું હતું.
કુમારે પોતાના રિપોર્ટમાં નોંધ્યું કે દિલ્હીની શરાબનીતિમાં બદલાવ ઉપરાજ્યપાલની મંજૂરી વગર કરાયો છે, જેનાથી શરાબના ખાનગી વેપારીઓને 'ખોટી રીતે ફાયદો' કરાયો હતો.
કુમારે આ નીતિ અંગે ઘણી પ્રક્રિયા સંબંધિત ત્રુટિઓ ગણાવી હતી. આ નીતિ અંતર્ગત કોરોનાના કારણે 144.36 કરોડ રૂપિયાની લાઇસન્સ ફીમાં છૂટ અપાઈ હતી.
જેના માટે ઉપરાજ્યપાલની મંજૂરી લેવાઈ નહોતી. પ્રતિ બિયર 50 રૂપિયાની ઇમ્પૉર્ટ પાસ ફી માફ કરાઈ હતી. જેના કારણે સરકારને ભારે નુકસાન થયું છે અને બીજી તરફ લાઇસન્સધારકોને ભારે ફાયદો થયો છે.
દિલ્હી ઍક્સાઇઝ રૂલ્સ, 2010 અને ટ્રાન્ઝેક્શન ઑફ બિઝનેસ રુલ્સ, 1993 અંતર્ગત આમાં કોઈ પણ પ્રકારના ફેરફાર માટે ઉપરાજ્યપાલ અને કૅબિનેટની મંજૂરી લેવી આવશ્યક છે.
જો એવું ન કરવામાં આવે તો આ બદલાવ ગેરકાયદેસર ઠરે છે. આ કારણે જ દિલ્હી પોલીસનો ઇકૉનૉમિક ઑફેસન્સ વિંગ અને સીબીઆઈએ આ સમગ્ર મામલે તપાસ આદરી છે.
ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ જે-તે સમયે નવી નીતિ લાવવા પાછળ મુખ્યત્વે બે કારણો જણાવ્યાં હતાં. પ્રથમ શરાબમાફિયા પર નિયંત્રણ મેળવવું અને બીજું સરકારની આવક વધારવી.
સાથે જ તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે શરાબની દુકાનોનું વિસ્તાર અનુસાર સમાન વિતરણ થવું જોઈએ, ગ્રાહકો માટે શરાબ ખરીદવાની પ્રવૃત્તિ સુવિધાજનક હોવી જોઈએ.
તેમણે કહ્યું કે, નવી નીતિમાં ફેરફાર કરીને આ તમામ ફૅક્ટરોને હઠાવવામાં આવ્યા છે. આ ફૅક્ટરોને કારણે જ શરાબમાફિયા પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા હતા.
મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, "અમુક મહિના પહેલાં આબકારી વિભાગમાં દિલ્હીમાં શરાબ ખરીદવા અને વેચવાની સિસ્ટમ, રેવન્યૂ લિકેજને ઠીક કરવા માટે એક વિશેષજ્ઞ સમિતિ બનાવવામાં આવી હતી. સમિતિએ રિપોર્ટમાં જનતાની ભલામણો માગી હતી. લગભગ 14,700 ભલામણો આવી હતી."
























