'તારક મહેતા...' સિરિયલના નિર્માતા અસિત મોદી મુશ્કેલીમાં મુકાયા, જાતીય સતામણીનો કેસ શું છે?

    • લેેખક, સુપ્રિયા સોગલે
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત

મુંબઈ પોલીસે આ મંગળવારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ની એક્ટરની ફરિયાદ પર શો સાથે જોડાયેલા ઘણા લોકો સામે કેસ દાખલ કર્યો છે.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, પવઈ પોલીસે નિર્માતા અસિત મોદી, ઑપરેશન હેડ સોહિલ રામાણી અને કાર્યકારી નિર્માતા જતીન બજાજ સામે કેસ દાખલ કર્યો છે. તેમની સામે આઈપીસીની કલમ 354 અને 509 લગાવવામાં આવી છે.

એજન્સી અનુસાર, અત્યાર સુધી કેસમાં કોઈ ધરપકડ થઈ નથી.

જોકે, અસિત મોદીએ આ આરોપો નકારી કાઢ્યા છે. તેમનું કહેવું છે કે તેમને બદનામ કરવા માટે તેમની સામે કેસ કરવામાં આવી રહ્યો છે.

મુંબઈ પોલીસે જણાવ્યું છે કે, જૅનિફર મિસ્ત્રીએ લેખિતમાં ફરિયાદ કરી હતી.

સાથે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંનું નિર્માણ કરનારા સંગઠન નીલા ફિલ્મ પ્રોડક્શન લિમિટેડે પણ તમામ આરોપો ફગાવી દીધા છે.

સંગઠને કહ્યું છે કે એફઆઈઆર અંગે તેમને કોઈ માહિતી મળી નથી અને તેની પર કોઈ ટિપ્પ્ણી કરી નહીં શકે.

ત્યારે મુંબઈના ડીસીપી દત્તાત્રેય નલવડેએ બીબીસીને એફઆઈઆરની પુષ્ટિ કરી હતી.

મુંબઈ પોલીસે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંના નિર્માતા અસિત મોદી, ઑપરેશન હેડ સોહિલ રામાણી અને ઍક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ સામે જાતીય સતામણીનો ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) નોંધ્યો છે.

જાતીય સતામણી વિશે જૅનિફરે શું કહ્યું?

સૌથી તાજેતરનો વિવાદ સિરિયલમાં મિસિસ સોઢીનું પાત્ર ભજવી ચૂકેલાં જૅનિફર મિસ્ત્રી બંસીવાલ સાથે જોડાયેલો છે.

જૅનિફરે કહ્યું હતું કે, તેમણે 8 એપ્રિલે રાષ્ટ્રીય મહિલાપંચ અને મુંબઈ પોલીસને પોતાની ફરિયાદ મોકલી હતી. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે અસિતકુમાર મોદી સિવાય પ્રોજેક્ટ હેડ સોહિલ રામાણી અને પ્રોડ્યુસર જતીન બજાજે પણ તેમની જાતીય સતામણી કરી છે.

જૅનિફરનો દાવો હતો કે છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન અસિતકુમાર મોદીએ ઘણી વખત તેમની જાતીય સતામણી કરી હતી. અભિનેત્રીએ આરોપ લગાવ્યો છે કે અસિતકુમાર ઘણી વખત અશ્લીલ વાતો કરતા હતા, પરંતુ તેઓ તેને અવગણતાં હતાં.

જૅનિફરે કહ્યું હતું કે માર્ચ 2019માં સિંગાપોરમાં અસિતકુમાર મોદીએ તેમને પોતાના રૂમમાં બોલાવીને વ્હિસ્કી પીવા કહ્યું હતું.

જૅનિફરે સમાચાર એજન્સી પીટીઆઈને કહ્યું હતું કે, “હું ચૂપ રહી, પરંતુ એ વાત મારી સાથે કામ કરનારા લોકોને જણાવી હતી. એવી હાલતમાં તેઓ અવારનવાર મારો બચાવ કરતા હતા.”

તેમણે ઉમેર્યું હતું કે, “જોકે, મારા એ મિત્રો હાલ પણ શો માટે કામ કરતા હોવાથી તેઓ વધારે કંઈ કરી શકે તેમ નથી. તેથી મેં આ વિશે પ્રોજેક્ટ હેડ રામાણી સાથે વાત કરી તો તેમણે કહ્યું કે તેઓ મારું પેમેન્ટ ચાર મહિના માટે રોકી દેશે.”

સોહિલ રામાણી અને જતીન બજાજનું કહેવું શું હતું?

શોના પ્રોડક્શન હેડ સોહિલ રામાણી અને જતીન બજાજનું કહેવું હતું કે, “જૅનિફર અમારી આખી ટીમ સાથે અવારનવાર ગેરવર્તન કરતાં હતાં. તેમનામાં મૂળભૂત શિસ્તનો અભાવ હતો અને તેઓ કામ પર ધ્યાન પણ આપતાં નહોતાં.”

“અમારે તેમના વર્તન અંગે નિયમિતપણે ફરિયાદ કરવી પડતી હતી. છેલ્લા દિવસે કામ પરથી જતી વખતે પણ તેમણે સમગ્ર યુનિટ સાથે અપમાનજનક વર્તન કર્યું હતું અને શૂટિંગ પૂર્ણ કર્યા વગર રસ્તામાં ઊભેલા લોકોની પરવા કર્યા વગર બેફામ સ્પીડે ગાડી હંકારીને ચાલ્યાં ગયાં હતાં.”

તેમણે ઉમેર્યુ હતું કે, “જૅનિફરે સૅટની પ્રૉપ્રટીને પણ નુકસાન પહોંચાડ્યું હતું. તેમના ખરાબ વર્તન અને ગેરશિસ્તના કારણે તેમનો કૉન્ટ્રેક્ટ રદ કરવો પડ્યો હતો.”

જૅનિફરે મૂકેલા આરોપો વિશે તેમણે કહ્યું હતું કે, “તેઓ જે બનાવની વાત કરી રહ્યા છે તે સમયે અસિતજી અમેરિકામાં હતા. તેઓ પાયાવિહોણા આરોપો મૂકીને અમારી બદનક્ષીનો પ્રયાસ કરી રહ્યા છે. અમે આ આરોપો સામે સંબંધિત સત્તાધીશો સમક્ષ અમારી ફરિયાદ દાખલ કરી દીધી છે.”

સિરિયલના નિર્માતા અસિતકુમાર મોદીએ પોતાના પક્ષમાં કહ્યું હતું કે, “શૂટિંગ દરમિયાન તેમના ખરાબ વર્તન અને શિસ્તભંગના કારણે અમારે તેમનો કૉન્ટ્રેક્ટ રદ કરવો પડ્યો. ત્યારપછી તેઓ આવા પાયાવિહોણા આરોપો લગાવીને અમને અને શોને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.”

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ ભારતીય ટેલિવિઝનનો સૌથી સફળ અને દર્શકોનો સૌથી મનગમતા શોમાંથી એક રહ્યો છે.

આ શો લગભગ 15 વર્ષથી દર્શકોનું મનોરંજન પૂરું પાડતો આવ્યો છે. આ વર્ષોમાં ઘણા નવા કલાકાર આ શો સાથે જોડાયા છે, તો સામે ઘણા કલાકારોએ આ શોને અલવિદા પણ કહ્યું છે.

જ્યાં એક બાજુ સિરિયલ અને તેના કલાકારોને લોકપ્રિયતા મળી, ત્યાં બીજી બાજુ સિરિયલ ધીરેધીરે વિવાદોમાં ઘેરાતી રહી છે.

ઘણી વખત સિરિયલના કારણે તો ઘણી વખત સિરિયલના કલાકારોને લીધે વિવાજ સર્જાતા રહ્યા છે.