પાકિસ્તાનના લાહોરમાં પ્રદૂષણ ખતરનાક, એક્યૂઆઈ 1000ના આંકને પાર - ન્યૂઝ અપડેટ

 
પાકિસ્તાનના લાહોરમાં પ્રદૂષણ ખતરનાક, એક્યૂઆઈ 1000ના આંકને પાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનનું લાહોર બીજી વખત દુનિયાનું સૌથી પ્રદૂષિત હવા ધરાવતું શહેર બન્યું
પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ

પાકિસ્તાનના લાહોર શહેર દુનિયાનું સૌથી વધુ પ્રદૂષણ ધરાવતું શહેર બની ગયું છે. લાહોર બીજી વખત આ યાદીમાં પહેલા સ્થાને છે.

રવિવારે સવારે શહેરનો ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ(એક્યૂઆઈ) કેટલાક સમય માટે હજાર આંકની પાર જતો રહ્યો હતો. આ આંક શુક્રવારે નોંધાયેલા રેકૉર્ડસ્તરથી થોડો વધારે હતો.

શુક્રવારે પહેલી વખત લાહોરમાં એક્યૂઆઈએ એક હજારના આંકને પાર કર્યો.

અહીંની હવામાં સ્વાસ્થ્ય માટે હાનિકારક સૂક્ષ્મ કણોનું સ્તર ખતરનાક સ્તરે પહોંચી ગયું છે.

પ્રદૂષણની સ્થિતિ જોતા લાહોર નગર નિગમે પ્રાથમિક સ્કૂલોને એક સપ્તાહ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે.

અમેરિકાની રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે હાલ થયેલા સર્વેમાં કોણ આગળ, કમલા હૅરિસ કે ટ્રમ્પ?

અમેરિકાની રાષ્ટ્રપતિપદની ચૂંટણીના હાલ થયેલા સર્વેમાં કોણ આગળ, કમલા હૅરિસ કે ટ્રમ્પ? - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કમલા હૅરિસની ફાઇલ તસવીર

અમેરિકાના રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં હાલમાં જે સર્વે થયો તેમાં કમલા હૅરિસે ટ્રમ્પ પર થોડી બઢત બનાવી લીધી છે.

538/એબીસી ન્યૂઝના નવા ડેટા પ્રમાણે કમલા હૅરિસ અને ટ્રમ્પ વચ્ચે 48 ટકા અને 47 ટકાનું અંતર છે.

કમલા હૅરિસ જુલાઈના અંતમાં ચૂંટણીની દોડમાં સામેલ થયાં હતાં. છતાં તેઓ ચૂંટણીમાં આગળ છે.

જોકે, રાષ્ટ્રીય સર્વે એ જાણવા માટેની સારી પદ્ધતિ છે કે આખા દેશમાં કયા ઉમેદવાર લોકપ્રિય છે. પરંતુ તેના પરથી ચૂંટણીનાં પરિણામોનું અનુમાન લગાવવું એ યોગ્ય રીત નથી.

આમ એટલા માટે કારણકે અમેરિકામાં એક ઇલેક્ટોરલ કૉલેજ પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં દરેક રાજ્યને તેની જનસંખ્યા પ્રમાણે કેટલાક વોટ આપવામાં આવે છે.

કુલ 538 ઇલેક્ટ્રોલ કૉલેજ વોટ હોય છે જેમાં કોઈ પણ ઉમેદવારને જીતવા માટે 270 વોટ જરૂરી છે.

અમેરિકામાં 50 રાજ્યો છે. પરંતુ તેમાં મહત્તમ એક જ પાર્ટીના પક્ષમાં મતદાન કરે છે.

કેટલાક રાજ્યો છે જ્યાં બંને ઉમેદવારોની જીતવાની સંભાવના છે. આ જ રાજ્યો ઉમેદવારની જીત કે હાર નક્કી કરે છે. તેને સ્વિંગ સ્ટેટ્સ કહેવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિપદની ચૂંટણી 2024માં જે સાત સ્વિંગ રાજ્યોને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે ત્યાં કાંટાની ટક્કર છે.

અનુમાનોમાં પેન્સિલ્વેનિયા, નેવાડા, નૉર્થ કૅરોલિના, જ્યૉર્જિયા અને ઍરિઝોનામાં ટ્રમ્પ આગળ છે જ્યારે કે વિસ્કૉન્સિન અને મિશિગનમાં હૅરિસ આગળ છે.

શ્રીનગરના સંડે માર્કેટમાં ગ્રેનેડથી હુમલો, પાંચ લોકો ઘાયલ

શ્રીનગરના સંડે માર્કેટમાં ગ્રેનેડથી હુમલો, પાંચ લોકો ઘાયલ – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં રવિવારે સંડે માર્કેટમાં ચરમપંથીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો.

સમાચાર સંસ્થા પીટીઆઈના જણાવ્યા પ્રમાણે આ હુમલામાં પાંચ લોકો ઘાયલ થયા છે.

અધિકારીઓએ જણાવ્યું કે રવિવારે ચરમપંથીઓએ શ્રીનગર શહેરના વચ્ચે આવેલા બજારમાં ગ્રેનેડ ફેંક્યો હતો.

પીટીઆઈના જણાવ્યા પ્રમાણે આ હુમલા ભારે સુરક્ષા ધરાવતા ટૂરિસ્ટ રિસેપ્શન સેન્ટર(ટીઆરસી) પાસે થયો. આ હુમલો ત્યારે થયો જ્યારે એક દિવસ પહેલાં જ ભારતીય સુરક્ષાદળોએ શ્રીનગર ડાઉનટાઉન ખનયાર વિસ્તારમાં 'લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદી'ને મારી નાખ્યો હતો.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પોલીસ અને અર્ધલશ્કરીદળોએ રાહત-બચાવ માટે ઘટનાસ્થળ પર મોકલવામાં આવ્યા છે. ચરમપંથીઓને પકડવાનું અભિયાન ઝડપી બનાવી દેવામાં આવ્યું છે.

આ હુમલા પર જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી ઉમર અબ્દુલ્લાહે ઍક્સ પર પ્રતિક્રિયા આપી.

તેમણે લખ્યું, "કેટલાક દિવસોથી ખીણના અલગ-અલગ વિસ્તારોમાં હુમલાઓ અને ઍન્કાઉન્ટરોની ખબર હેડલાઇન બની છે. આજે શ્રીનગરમાં સંડે માર્કેટમાં બેગુનાહ ખરીદારો પર થયેલા ગ્રેનેડ હુમલાની ખબર ચિંતા પેદા કરનારી છે."

"નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવાનું કોઈ ઔચિત્ય નથી. સુરક્ષાતંત્રને આ હુમલાની શ્રૃંખલાને જલદી સમાપ્ત કરવા તમામ સંભવ પ્રયાસો કરવા જોઈએ. જેથી લોકો ડર વગર પોતાની જિંદગી જીવી શકે."

ન્યૂઝીલૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ક્લિનસ્વીપ બાદ ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ શું કહ્યું?

ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ત્રીજી અને સિરીઝની છેલ્લી મૅચમાં ન્યૂઝીલૅન્ડે ભારતને પરાજય આપીને 3-0થી ટેસ્ટ સિરીઝ પોતાને નામ કરી લીધી છે.

ત્રીજી ટેસ્ટ મૅચના ત્રીજા દિવસે ભારતે જીતવા માટે 148 રન કરવાના હતા, પરંતુ ભારતીય બૅટ્સમૅન આટલા રન બનાવવામાં પણ નિષ્ફળ રહ્યા હતા.

ભારતીય બૅટ્સમૅનોની સ્થિતિ એટલી હદે ખરાબ હતી કે આઠ બૅટ્સમૅનનો સ્કૉર બે આંકડે પણ નહોતો પહોંચ્યો.

સમગ્ર ભારતીય ક્રિકેટ ટીમ માત્ર 121 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી. આમ ત્રીજી ટેસ્ટ મૅચમાં ન્યૂઝીલૅન્ડનો 25 રને વિજય થયો છે.

આમ ભારતીય ક્રિકેટ ટીમનો ઘરઆંગણે પહેલી વખત 3-0થી રકાસ થયો છે.

ઋષભ પંતે 64 રનની ઇનિંગ રમીને ભારતીય આંકડાને સન્માનજનક સ્તરે પહોંચાડ્યો હતો. આમ બાકીના નવ ખેલાડીઓ કરતાં વધુ રન પંતે ફટકાર્યા હતા.

કૅપ્ટન રોહિત શર્મા બીજા ક્રમે રહ્યા હતા. તેમણે 11 રન બનાવ્યા હતા. ન્યૂઝીલૅન્ડ તરફથી એઝાઝ પટેલે છ વિકેટ લીધી હતી.

ઉલ્લેખનીય છે કે મૅચની શરૂઆતમાં ન્યૂઝીલૅન્ડની ટીમે પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને પહેલી ઇનિંગમાં 235 રન બનાવ્યા હતા.

એ પછી ભારતીય ટીમે તેના પહેલા દાવમાં 263 રન બનાવ્યા હતા. ન્યૂઝીલૅન્ડની ટીમે તેની બીજી ઇનિંગમાં 174 રન બનાવ્યા હતા.

ભારત તરફથી રવીન્દ્ર જાડેજાએ બંને ઇનિંગમાં પાંચ-પાંચ વિકેટ લીધી હતી. ભારતે બેંગલુરુ અને પુણેની મૅચમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

ભારતે બેંગલુરુની ટેસ્ટ મૅચ આઠ વિકેટે ગુમાવી હતી. પુણેની મૅચમાં ભારતનો 113 રનનો પરાજય થયો હતો. ભારતે 12 વર્ષ બાદ ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ ગુમાવી છે.

રોહિત શર્માની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

મૅચમાં પરાજય બાદ ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન રોહિત શર્માએ કહ્યું, "એક સિરીઝ કે ટેસ્ટ મૅચમાં પરાજય સરળ નથી હોતો. તે સહેલાઈથી પચાવી શકાય તેમ નથી. અમે સારી રીતે નથી રમ્યા."

"પહેલી બંને મૅચની પહેલી ઇનિંગ્સમાં અમે પૂરતા રન નહોતા બનાવ્યા. આ મૅચમાં અમારી પાસે લીડ હતી અને તેને જીતી શકાય એમ હતો."

"ન્યૂઝીલૅન્ડની ટીમે ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કર્યું. એ સ્વીકારવું રહ્યું કે અમે ઘણી ભૂલો કરી છે."

રોહિત શર્માએ કહ્યું કે બૅટ્સમૅન તરીકે તેમણે સારું પ્રદર્શન નહોતું કર્યું, તેમની કોઈ યોજનાઓ કામ ન આવી. ટીમે સામૂહિક રીતે સારું પ્રદર્શન ન કર્યું, જેના કારણે ન્યૂઝીલૅન્ડ સામે પરાજય થયો.

ખામેનેઈનો હુંકાર, ઈરાનના દુશ્મનોને 'જડબાતોડ' જવાબ મળશે

વિદ્યાર્થીઓને સંબોધિત કરી રહેલા ખામેનેઈની તસવીર

ઇમેજ સ્રોત, Handout via Reuters

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈએ હુંકાર કર્યો છે કે ઈરાનના દુશ્મનોને જડબાતોડ જવાબ મળશે.

વર્ષ 1979માં તહેરાનસ્થિત અમેરિકન ઍમ્બેસી પર ઈરાનીઓએ કબજો જમાવી લીધો હતો અને શનિવારે તેની 45મી વરસી હતી.

આ તકે વિદ્યાર્થીઓ સાથે વાત કરતા ખામેનેઈએ કહ્યું કે અમેરિકા અને ઇઝરાયલ ઈરાન, ઈરાની લોકો તથા પ્રતિરોધક દળો સાથે જે કંઈ રહ્યા છે, તેનો ચોક્કસપણે 'જડબાતોડ જવાબ' મળશે.

ખામેનેઈના નિવેદનથી આગામી દિવસો દરમિયાન મધ્યપૂર્વનું સંકટ વકરશે એવી આશંકા સેવાઈ રહી છે.

લગભગ એક અઠવાડિયા પહેલાં ઇઝરાયલી ઍરફૉર્સના વિમાનોએ (26 ઑક્ટોબર) ઈરાનનાં લશ્કરી ઠેકાણાં પર હુમલા કર્યા હતા. સત્તાવાર રીતે ઈરાનનું કહેવું છે કે આ હુમલામાં તેના ચાર સૈનિક મૃત્યુ પામ્યા હતા.

આ હુમલાનો કેવી રીતે જવાબ આપવો, તેના વિશે ઈરાન વિચારણા કરી રહ્યું છે.

ઇઝરાયલનું કહેવું હતું કે ઈરાન દ્વારા તેના પર મિસાઇલો છોડવામાં આવી હતી, જેના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

અરવિંદ સાવંતની માફી વિશે શાયના એનસીએ શું કહ્યું?

શાયના એનસીની તસવીર

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, શાયના એનસી

શિવસેનાના (યુબીટી) નેતા અરવિંદ સાવંતે શિવસેનાનાં નેતા શાયના એનસી વિશેના નિવેદન વિશે માફી માગી લીધી છે.

શાયના એનસીએ કહ્યું, "આજે શિવસેનાના (યુબીટી) સંજય રાઉતના નિવેદન વિશે પૂછવા માગું છું, જેમાં તેમણે કહ્યું હતું કે માફી માગવાની નથી, તે ઇમ્પૉર્ટેડ છે."

"સંજય રાઉતજી ત્રણ પેઢીથી મારો પરિવાર દક્ષિણ મુંબઈમાં કાર્યરત્ છે. મેં તેના પુરાવા પણ દેખાડ્યા છે. વર્ષ 2014થી 2019 સુધી મેં અરવિંદ સાવંત માટે પ્રચાર કર્યો, ત્યારે હું તમારી બહેન હતી અને આજે ઇમ્પૉર્ટેડ માલ બની ગઈ છું."

"હું કહેવા માગું છું કે શું સંજય રાઉતજી તમને માલ જેવા શબ્દ સામે વાંધો ન હોય, તો આને કારણે તમારી મનોસ્થિતિ સ્પષ્ટ થાય છે."

શાયના એનસીએ કહ્યું, "એક મહિલા 20 વર્ષથી રાજકારણમાં છે. હું કોઈ વિવાદ (-માં આવી નથી) કે કોઈ ટિપ્પણી (કરી નથી) કે એફઆઈઆર પણ નોંધાવી નથી. પરંતુ મને નકારવા માટે આવી ટિપ્પણી કરશો, તો તમને જડબાતોડ જવાબ મળશે. એટલે જ કદાચ 30 કલાક પછી આજે તમે માફી માગી છે."

"પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે અરવિંદ સાવંત માફી માગે છે અને સંજય રાઉત કહે છે કે એમણે કશું ખોટું નથી કહ્યું. આના વિશે મહાવિનાશ અઘાડીનું સત્તાવાર વલણ શું છે?"

"માફ કરનાર હું કોણ છું ? મુંબા દેવીની મહિલાઓએ નિર્ણય કરવાનો છે. એમણે નક્કી કરવું રહ્યું કે આ પ્રકારનાં નિવેદનો છતાં તેઓ મહાવિનાશ અઘાડી પર વિશ્વાસ કરી શકે છે?"

"હું પ્રિયંકા ગાંધી તથા ઇન્ડિયા અલાયન્સને પૂછવા માગું છું કે તેઓ મૌન કેમ છે?"

ઇઝરાયલનો લેબનોનમાંથી હિઝબુલ્લાહના વરિષ્ઠ સભ્યને પકડ્યાનો દાવો

ઇઝરાયલ, લેબનોન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઘટનાસ્થળ પર લેબનોનના સૈનિકો

ઇઝરાયલની સેનાનું કહેવું છે કે તેના નૌકાદળે બટરુનમાં કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં હિઝબુલ્લાહના વરિષ્ઠ નેતાની ધરપકડ કરવામાં આવી છે.

ઇઝરાયલનું કહેવું છે કે આને માટે સ્પેશિયલ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તથા એ સભ્યને ઇઝરાયલીય ક્ષેત્રમાં લવાયા હતા.

ઇઝરાયલની સેનાના દાવા વિશે હિઝબુલ્લાહે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા નથી આપી.

લેબનોનના સરકારી મીડિયાના દાવા મુજબ, અજાણ્યા સૈન્યબળોએ વહેલી સવારે દરિયાકિનારે આવેલી એક ઇમારત પર રેડ કરી હતી.

ઇમારતમાંથી નીકળતી વેળાએ તેઓ એક શખ્સને ઉઠાવી ગયા હતા અને સ્પીડબોટમાં રવાના થઈ ગયા હતા.

લેબનોનના વડા પ્રધાન નજીબ મિકાદીના કાર્યાલયના જણાવ્યા પ્રમાણે, વડા પ્રધાને લેબનોનના વિદેશ મંત્રાલયને નિર્દેશ આપ્યા છે કે ઉપરોક્ત ઘટના વિશે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષાપરિષદમાં ફરિયાદ નોંધાવવામાં આવે.

વડા પ્રધાન કાર્યાલયના જણાવ્યા પ્રમાણે, લેબનોનનું લશ્કર અને સંયુક્ત રાષ્ટ્રની શાંતિસેના યુનિફિલ બંને આ કાર્યવાહીની તપાસ કરી રહ્યા છે.

લેબનોનના પરિવહનમંત્રી અલી હામિદના કહેવા પ્રમાણે, આ કાર્યવાહી સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષાપરિષદના ઠરાવ ક્રમાંક 1701ની ભંગરૂપ હોઈ શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.