You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાહુલ ગાંધીની ન્યાય યાત્રા : આ યાત્રાથી કૉંગ્રેસ મજબૂત થશે? ગુજરાતીઓએ શું કહ્યું?
“દેશની 90 ટકા વસતી વંચિત સમાજોની છે અને માત્ર દસ ટકા સવર્ણો પાસે તમામ સંસાધનો છે.”
રાહુલ ગાંધીએ પોતાની ભારત જોડો ન્યાય યાત્રાના 54મા દિવસે એટલે કે ગત ગુરુવારે સાંજે ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે જનસભા સંબોધતી વખતે આ વાત કહી હતી. આ સાથે જ તેમણે જાતિગત વસતિગણતરીનો મુદ્દો ઉઠાવીને ભાજપ પર જાતિગત વસતિગણતરી કરાવવાની અનિચ્છાનો આરોપ મૂક્યો હતો.
તેમણે ભાજપની કેન્દ્ર સરકાર પર વંચિતોની ઉપેક્ષાનો આરોપ કરતાં કહ્યું હતું કે, “રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આદિવાસી છે, તેથી તેમને રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં નહોતાં બોલાવાયાં.”
નોંધનીય છે કે રાહુલ ગત લગભગ બે માસથી મણિપુરથી મુંબઈ સુધીની ભારત જોડો ન્યાય યાત્રા મારફતે જનસંપર્કનો પ્રયાસ કરી રહ્યા છે.
રાહુલે ગુજરાતમાં પોતાની યાત્રામાં બેરોજગારી, જાતિગત વસતિગણતરી અને વંચિતોની ઉપેક્ષા મામલે કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
રાહુલ ગાંધી આ યાત્રા અંતર્ગત ત્રણ રાત્રિ અને ચાર દિવસ સુધી ગુજરાતના આદિવાસી વિસ્તારોનો પ્રવાસ કરી રહ્યા હતા. જાણકારો આને એક સમયે કૉંગ્રેસના ગઢ મનાતા ગુજરાતના આદિવાસી પટ્ટાને ફરીથી પાર્ટી સમક્ષ આકર્ષવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની યાત્રામાં દાહોદથી લઈને છોટા ઉદેપુર અને ભરૂચ સુધી ભારે સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી હતી. ભરતડકે મોટી સંખ્યામાં લોકોએ કલાકો સુધી તેમના આવવાની રાહ જોઈ હતી.
જોકે, રાહુલની યાત્રા લોકસભા ચૂંટણી અગાઉ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં લોકોને રીઝવવામાં કેટલી કામિયાબ રહી એ તો સમય જ જણાવશે.
બીબીસી ગુજરાતીના સંવાદદાતાએ રાહુલની યાત્રા દરમિયાન ગુજરાતના આ વિસ્તારોમાં જોવા મળેલ માહોલ, લોકોની અપેક્ષા અને તેની રાજ્યના રાજકારણ પરની અસર અંગે જાણવા પ્રયાસ કર્યો હતો. જુઓ આ વીડિયોમાં રાહુલ ગાંધીની યાત્રાને લઈને શું કહી રહ્યા છે ગુજરાતના આદિવાસી પટ્ટાના લોકો.
વીડિયો : રૉક્સી ગાગડેકર છારા અને પવન જયસ્વાલ