સાળંગપુરનાં બે વિવાદિત શિલ્પચિત્રોને દૂર કરાયાં, બેઠકમાં શું ઠરાવો થયા?

સાળંગપુર

ઇમેજ સ્રોત, SACHIN PITHVA

પ્રકાશિત

અમદાવાદમાં શિવાનંદ આશ્રમ ખાતે સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો અને સનાતની સાધુસંતોની બેઠક મળી હતી, જેમાં નિર્ણય લેવાયો છે કે ‘સાળંગપુરમાં જે ભીંતચિત્રોથી લોકોની લાગણી દુભાઈ છે એને 5 સપ્ટેમ્બર સવાર સુધીમાં દૂર કરી દેવાશે.’

બીબીસીના સહયોગી પત્રકાર સચીન પીઠવાના જણાવ્યા અનુસાર, બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ જે બે વિવાદિત શિલ્પચિત્રો હતાં, તેને દૂર કરી દેવાયાં છે.

બેઠકમાં એ પણ નિર્ણય કરવામાં આવ્યો કે એક સમિતિ પણ બનાવાઈ છે, જે અન્ય મુદ્દાઓના નિરાકરણ માટે કામ કરશે. આ સિવાય કેટલાક ઠરાવો પણ કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સાળંગપુરમાં ‘કિંગ ઑફ સાળંગપુર’ની 54 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપવામાં આવી છે.

આ ઊંચી પ્રતિમાની નીચે બનેલા પ્લૅટફૉર્મની ફરતે હનુમાનનાં શિલ્પચિત્રો મૂકવામાં આવ્યાં હતાં..

આ શિલ્પચિત્રો પૈકી એકમાં સહજાનંદ સ્વામીના એટલે કે સ્વામીનારાયણના પગમાં હનુમાનજી હાથ જોડીને બેઠા હોય તે રીતે દર્શાવાયા હતા.

એક શિલ્પચિત્રમાં હનુમાનજીને સ્વામીનારાયણને ફળાહાર આપતા દેખાડાયા હતા, આને કારણે સાધુસંતો નારાજ થયા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

સાળંગપુર

અમદાવાદની બેઠકમાં શું નિર્ણય લેવાયો?

સાળંગપુર

ઇમેજ સ્રોત, SACHIN PITHVA

ઇમેજ કૅપ્શન, સાળંગપુરમાં મૂકેલાં શિલ્પચિત્રો, જેનાથી વિવાદ થયો હતો. હવે તેને બદલી નાખવામાં આવ્યાં છે

અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે આ મામલે બેઠક થઈ હતી. અંદાજે બે કલાક સુધી આ બેઠકમાં શિલ્પચિત્રો મુદ્દે ચર્ચા કરાઈ હતી.

બંધ બારણે યોજાયેલી આ બેઠકમાં કુલ પાંચ ઠરાવ કરવામાં આવ્યા હતા. જેમાં શિલ્પચિત્રો હટાવવાનો નિર્ણય કરાયો હતો.

સાથે જ અન્ય મુદ્દે વિસંગતતા માટે પણ આગામી સમયમાં વધુ એક બેઠક યોજાશે. જેમાં વિસંગતતાઓ અંગે ચર્ચા કરાશે.

દરમિયાન કોઈ પણ લોકોની લાગણી ન દુભાય તે માટે સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોને વિવાદાસ્પદ નિવેદન ન આપવાની સૂચના અપાઈ છે.

  • સ્વામીનારાયણ સંપ્રદાય વૈદિક સનાતન ધર્મનું જ એક અંગ છે અને વૈદિક ધર્મની પરંપરાઓ અને પૂજા પદ્ધતિઓ, હિન્દુ આચાર્યોનું આદરપૂર્વક પાલન કરે છે.
  • સ્વામીનારાયણ સંપ્રદાય હિન્દુ સમાજનું અંગ હોવાથી સમાજની લાગણીઓને દુભવવા ઇચ્છતો નથી. તેથી સાળંગપુર મંદિર ખાતે જે ભીંતચિત્રોથી લાગણી દુભાઈ તે ભીંતચિત્રોને દૂર કરાશે.
  • સમાજમાં સમરસતા જળવાઈ રહે તે માટે અન્ય વિવાદાસ્પદ મુદ્દાઓ અંગે વિશ્વ હિન્દુ પરિષદ, સ્વામીનારાયણ સંપ્રદાયના વિવિધ પ્રવાહો તથા હિન્દુ સનાતન ધર્મના આચાર્યો સંતો સાથે ટૂંક સમયમાં વિચાર-પરામર્શ બેઠક યોજશે.
સાળંગપુર

વિવાદિત શિલ્પચિત્રોને તોડવાની કોશિશ કરાઈ હતી

સાળંગપુર

ઇમેજ સ્રોત, SACHIN PITHVA

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અગાઉ ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ પણ સાળંગપુર હનુમાન શિલ્પચિત્રોના વિવાદ મામલે નિવેદન આપ્યું હતું. તેમને એક પત્રકારે સવાલ પૂછ્યો કે હનુમાન રામના ભક્ત છે તો પછી સ્વામીનારાયણ સંપ્રદાયે તેને સ્વામીનારાયણના ભક્ત તરીકે કેમ દેખાડ્યા, તો તેના જવાબમાં વજુભાઈ વાળાએ કહ્યું કે તમારે આ બાબત સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓને ગળે ઉતારવી જોઈએ.

બીબીસીના સહયોગી પત્રકાર બિપિન ટંકારિયા સાથેની વાતચીતમાં વજુભાઈએ કહ્યું, “સંત મહંતોએ આ મામલો હાથમાં લીધો છે તેમાં કેટલું સારું છે કે ખરાબ છે તેનો નિર્ણય તે લોકો કરશે. સ્વામીનારાયણના સંતો પણ બધા સાથે હળીમળીને પ્રશ્નનું સમાધાન આપણી સંસ્કૃતિ અને ધર્મ પ્રમાણે ચોક્કસ કરશે તેવી આશા છે.”

અગાઉ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ સાળંગપુર વિવાદ મુદ્દે કહ્યું હતું કે, "તમે આ મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પૂછી શકો છો."

પરંતુ તેમનો અંગત મત પૂછતા તેમણે જણાવ્યું હતું કે, “હું મારુતિ કુરિયરનો માલિક છું અને મારુતિનંદનનો ભક્ત છું. તેમનું સન્માન જાળવવું જોઈએ અને આ ચિત્રો હઠાવી લેવાં જોઈએ. સનાતન ધર્મમાં વિવાદ થાય અને અન્ય લોકો રાજી થાય એવું ન કરવું જોઈએ.”

“જેમનું જે સ્વરૂપ હોય તે જળવાવું જોઈએ. ઉદાહરણ તરીકે હું પૂજારી છું અને હું ભગવાન બની જાઉં તો એવું ન ચાલે. લોકોએ આવા વિવાદથી દૂર રહેવું જોઈએ. તેનાથી હિંદુ ધર્મંને નુકસાન થાય છે.”

અગાઉ વિવાદને ઉકેલવા ભાજપ નેતા અને આરએસએસના પૂર્વ પ્રવક્તા રામ માધવ પણ અહીં મુલાકાત લઈ ચૂક્યા છે.

બીજી તરફ બીબીસીના સહયોગી સચીન પીઠવાના જણાવ્યા પ્રમાણે સાળંગપુરમાં હનુમાન મંદિરમાં શિલ્પચિત્રો પર હુમલો કરનારા હર્ષદ ગઢવીને બરવાળા કોર્ટે જામીન આપ્યા છે. આ તમામને કોર્ટે આજે દસ હજારના જામીન પર મુક્ત કર્યા છે.

બરવાળા કોર્ટના મદદનીશ સરકારી વકીલ ઇન્દ્રીશકુમાર કુરરેજાએ બીબીસીના સહયોગી સચીન પીઠવાને જણાવ્યું, “આરોપીઓ દ્વારા સમાજમાં અશાંતિ ફેલાય તેવું કૃત્ય કર્યું હોવાને કારણે તેમને જામીન ન મળવા જોઈએ તેવી અમે નામદાર કોર્ટને રજૂઆત કરી હતી, પરંતુ કોર્ટે તેમને શરતી જામીન પર મુક્ત કર્યા છે. કોર્ટે આરોપીઓને કહ્યું છે કે જો તેઓ શરતી જામીનનો ભંગ કરશે તો તેમના જામીન રદ થઈ શકે છે.”

ઉલ્લેખનીય છે કે શનિવારે હર્ષદ ગઢવી નામની એક વ્યક્તિએ આ શિલ્પચિત્રો પર કાળો રંગ કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.

ત્યારબાદ ત્યાં સુરક્ષાને ધ્યાનમાં લઇને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

આ સંદર્ભમાં સાળંગપુરના સિક્યૉરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ભૂપતભાઈ ખાચરે આ ત્રણ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે હર્ષદ ગઢવી સહિતના ત્રણ સામે કલમ 295-એ, 153-એ, 120-બી, 427 અને 506(2) હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

હર્ષદ ગઢવી ચારણકી ગામના રહેવાસી છે અને ખેડૂત છે. તેમણે પોતાના જ ગામમાં ગજાનંદ આશ્રમ ઊભો કરેલો છે. સાળંગપુર પગપાળા જતા યાત્રિકો માટે તેઓ સેવાની વ્યવસ્થા પૂરી પાડે છે.

સાળંગપુર

શું છે સાળંગપુર મંદિરનો વિવાદ?

સાળંગપુર

ઇમેજ સ્રોત, SACHIN PITHVA

સાળંગપુરમાં બનેલી ‘કિંગ ઑફ સાળંગપુર’ની 54 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપવામાં આવી છે

હનુમાન જયંતીના દિવસે એપ્રિલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાળંગપુર મંદિરમાં આ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

આ ઊંચી પ્રતિમાની નીચે બનેલા પ્લૅટફૉર્મની ફરતે હનુમાનનાં શિલ્પચિત્રો મૂકવામાં આવ્યાં છે.

સાળંગપુરનું આ હનુમાન મંદિરનું સંચાલન સ્વામીનારાયણ સંપ્રદાયની વડતાલ શાખા કરે છે.

મંદિરના વહીવટદારોનું કહેવું છે કે આ શિલ્પચિત્રો વિવિધ ધાર્મિક અને સાંપ્રદાયિક બાબતોને ઉજાગર કરે છે.

હવે, આ શિલ્પચિત્રો પૈકી એકમાં સહજાનંદ સ્વામીના એટલે કે સ્વામીનારાયણના પગમાં હનુમાનજી હાથ જોડીને બેઠા હોય તે રીતે દર્શાવવામાં આવ્યા છે.

એક શિલ્પચિત્રમાં હનુમાનજીને સ્વામીનારાયણને ફળાહાર આપતા દેખાડાયા છે.

આ મુદ્દે કેટલાક સાધુ-સંતો રોષે ભરાયા છે. તેમના મતે ‘આ પ્રકારનાં ચિત્રો સનાતન ધર્મનું અપમાન છે.’

કથાકાર મોરારિબાપુએ પણ આ શિલ્પચિત્રોમાં હનુમાનના ચિત્રાંકન મામલે નારાજગી પ્રગટ કરી હતી. તેમણે કહ્યું હતું કે, "આ હીન ધર્મ છે." ત્યારપછી આ મામલાની વ્યાપક ચર્ચા ચાલુ થઈ હતી.

શિલ્પચિત્રોને લઈને શરૂ થયેલા વિવાદ મુદ્દે વડતાલના નૌતમ સ્વામીએ આપેલા નિવેદનની ભારે ચર્ચા થઈ રહી છે. આ નિવેદનને કારણે જ વિવાદ વધ્યો હોવાનું મનાય છે.

શિલ્પચિત્રો સામે વિરોધ કરનારા સંતોને નૌતમ સ્વામીએ એક સભામાં જણાવ્યું હતું કે "સ્વામીનારાયણ ભગવાન છે અને શ્રી હનુમાનજી મહારાજે પણ સ્વામીનારાયણ ભગવાનની સેવા કરી છે. આ વાતથી સ્વામીનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ ભરેલો પડ્યો છે. જો કોઈને વ્યક્તિગત એનાથી નાના મોટા પ્રશ્નો હોય તો યોગ્ય ફોરમ પર વાત કરી શકે છે. કેટલાક લોકો આના સંદર્ભમાં કોર્ટમાં ગયા છે. તો કોર્ટમાં તેનો યોગ્ય જવાબ આપવો પડશે. સામાન્ય નાના મોટા માણસોને જવાબ આપવાની સંપ્રદાયના કોઈ વ્યક્તિને કોઈ જરૂર નથી."

નૌતમ સ્વામીએ પુરાણોનો હવાલો આપીને સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો જવાબ આપવા તૈયાર હોવાની વાત કરી હતી.

તેમણે ઉમેર્યું હતું કે "સ્વામીનારાયણ ભગવાન છે અને તે વેદ વ્યાસજીએ કહ્યા મુજબ સ્કંધ પુરાણ વગેરેમાં તેનો ઉલ્લેખ છે અને જેને જ્યારે જે જગ્યાએ જોઈએ ત્યારે સંપ્રદાયના વિદ્વાનો જવાબ આપવા તૈયાર છે. સત્સંગીઓએ અન્યોની વાતો સાંભળીને હતોત્સાહ ન થવું."

સાળંગપુર
સાળંગપુર