ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ફરી વરસાદની આગાહી, કયા જિલ્લામાં થશે મેઘમહેર?

ઇમેજ સ્રોત, Getty Images
પાછલા અમુક દિવસોથી ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે.
રાજ્યમાં ગત અઠવાડિયાના અંત ભાગમાં પડેલા અતિભારે વરસાદ બાદ આ વિરામને કારણે ઘણા જિલ્લામાં લોકોએ રાહતનો શ્વાસ પણ લીધો છે.
હવે આકાશમાં વાદળ દેખાતાં ઘટ્યાં છે અને ચોમાસાની ઋતુ જાણે તેના અંત તરફ આગળ વધી રહી છે ત્યારે ભારતના હવામાન વિભાગે ફરી એક વખત રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસો દરમિયાન વરસાદ પડવાની આગાહી કરી છે.
વરસાદની કેવી સિસ્ટમ બનેલી છે?
ભારતના હવામાન વિભાગની અમદાવાદ ક્ષેત્રીય ઑફિસ દ્વારા જાહેર કરાયેલા વેધર બુલેટિન અનુસાર પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી 15 સપ્ટેમ્બરથી દક્ષિણપશ્ચિમ ચોમાસાના વિદાય માટેની અનુકૂળ સ્થિતિઓ બની રહી છે.
13 સપ્ટેમ્બરે બપોરના અઢી વાગ્યાની સ્થિતિ અનુસાર બંગાળની ખાડીના પશ્ચિમમધ્ય અને ઉત્તરપશ્ચિમ ઉપર તેમજ આંધ્ર પ્રદેશ અને ઓડિશાના કાંઠા વિસ્તારો પર લૉ પ્રેશર એરિયા જળવાયેલો રહ્યો હતો.
આની સાથે સંકળાયેલું સાયક્લૉનિક સર્ક્યુલેશન સમુદ્રસપાટીથી 5.8 કિમી ઉપર જોવા મળ્યું હતું. જે આગામી બે દિવસમાં પશ્ચિમઉત્તર દિશા તરફ દક્ષિણ ઓડિશા, ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ છત્તીસગઢ તરફ આગળ વધવાની શક્યતા છે.
શ્રીગંગાનગર, રોહતક સીયોની, રાજનંદગાંવ અને પશ્ચિમમધ્ય અને ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી સુધી મોન્સૂન ટ્રફ પસાર થતો જોવા મળ્યો હતો.
ઉત્તરપશ્ચિમ અરેબિયન સમુદ્ર ઉપર સમુદ્રસપાટીથી 5.8 કિમી ઉપર સાયક્લૉનિક સર્ક્યુલેશન જળવાયેલું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આગામી દિવસોમાં આ જિલ્લામાં પડી શકે છે વરસાદ

ઇમેજ સ્રોત, IMD
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતના હવામાન વિભાગે રાજ્યના અમુક જિલ્લામાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી જાહેર કરી છે.
14 સપ્ટેમ્બર, રવિવારના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર-સોમનાથ, બોટાદ અને કચ્છ ખાતે છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
આ સિવાય સોમવાર અને મંગળવારે પણ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર-સોમનાથ, બોટાદ અને કચ્છ જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























