ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ બિહાર ચૂંટણી પરિણામ અને જાતિવાદ વિશે શું કહ્યું ? – ન્યૂઝ અપડેટ

નરેન્દ્ર મોદી, ગુજરાત, સુરત, બિહાર વિધાનસભા ચૂંટણી, એમવાય સમીકરણ, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, ANI

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના સુરતમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે કહ્યું હતું કે બિહારમાં તમામ વર્ગોએ એનડીએને અભૂતપૂર્વ સમર્થન આપ્યું છે.

વડા પ્રધાને કહ્યું, "જામીન ઉપર છૂટેલા નેતા બિહારમાં છેલ્લાં બે વર્ષથી ફરી રહ્યા હતા. તેઓ બિહારમાં જઈને જાતિવાદનાં ભાષણ આપતા હતા અને તેમણે જાતિવાદનું ઝેર ફેલાવવા હતી એટલી તાકત લગાવી દીધી હતી."

"એમને લાગતું હતું કે રમત પાર પડી જશે, પરંતુ બિહારે આ ચૂંટણી દરમિયાન જાતિવાદના એ ઝેરને પૂર્ણપણે નકારી દીધું છે. તે દેશ માટે ખૂબ જ ઉજ્જવળ સંકેત છે."

વડા પ્રધાન મોદીએ કહ્યું, "આજે દુનિયાભરમાં બિહાર છવાયેલું છે. તમે દુનિયામાં ક્યાંય પણ જાવ, બિહારનું ટેલેન્ટ જોવા મળશે. હવે, બિહાર વિકાસની નવી ઊંચાઈઓ આંબવાનો મિજાજ દાખવી રહ્યું છે."

"આ ચૂંટણીમાં એ મિજાજનાં દર્શન થયાં હતાં. મહિલા-યુવા આ એવું 'એમવાય' સમીકરણ બન્યું છે, જેણે આવનારા દાયકાઓના રાજકારણનો પાયો મજબૂત કરી દીધો છે."

કોલકતા ટેસ્ટ મૅચમાં દ. આફ્રિકાએ બીજી ઇનિંગમાં સાત વિકેટ ગુમાવી

ભારત અને દક્ષિણ આફ્રિકા, કોલકતા ટેસ્ટ, પહેલી ટેસ્ટ, બીબીસી ગુજરાતી,

ઇમેજ સ્રોત, DIBYANGSHU SARKAR/AFP via Getty Images

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કોલકતા ખાતે પહેલી ટેસ્ટ મૅચ રમાઈ રહી છે. જેમાં દક્ષિણ આફ્રિકાએ બીજી ઇનિંગમાં સાત વિકેટના ભોગે 93 રન બનાવ્યા છે.

આ સાથે જ મહેમાન ટીમને 63 રનની લીડ મળી ગઈ છે. કૅપ્ટન ટેમ્બા બાવુમા (29) અને કૉર્બિન બૉશ એક રન બનાવી મેદાન પર છે.

ભારત તરફથી રવીન્દ્ર જાડેજાએ ચાર, કુલદીપ યાદવે બે તથા અક્ષર પટેલે એક વિકેટ લીધી. દક્ષિણ આફ્રિકાએ પહેલી ઇનિંગમાં 159 રન બનાવ્યા હતા.

બીજી બાજુ, ભારતે તેની પહેલી ઇનિંગમાં 189 રન બનાવ્યા હતા. કે.એલ. રાહુલે સૌથી વધુ 39 રન બનાવ્યા હતા. આ સિવાય વૉશિંગ્ટન સુંદરે 29 રન, ઋષભ પંતે 27 રન તથા રવીન્દ્ર જાડેજાએ 27 રન બનાવ્યા હતા.

લાલુપ્રસાદ યાદવનાં દીકરીની રાજકારણ છોડવાની જાહેરાત, પરિવાર વિશે કહી આ વાત

રોહિણી આચાર્ય, લાલુપ્રસાદનાં દીકરી, પરિવાર સાથે છેડો ફાડ્યો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, રોહિણી આચાર્યની ફાઇલ તસવીર

બિહાર વિધાનસભાના ચૂંટણીપરિણામો બાદ શનિવારે રાષ્ટ્રીય જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવનાં દીકરી રોહિણી આચાર્યે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર એક પોસ્ટ મૂકીને રાજકારણ છોડવાની જાહેરાત કરી હતી.

રોહિણી આચાર્યે ઍક્સ પોસ્ટમાં લખ્યું, "હું રાજકારણ છોડી રહી છું અને પરિવાર સાથે પણ છેડો ફાડી રહી છું."

તેમણે વધુમાં લખ્યું, "સંજય યાદવ તથા રમીઝે મને આમ કરવા માટે કહ્યું હતું અને સમગ્ર દોષ હું મારી ઉપર લઉં છું."

ગત વર્ષે રોહિણી આચાર્યે સારણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી અને ભાજપના ઉમેદવાર રાજીવપ્રતાપ રુડી સામે ચૂંટણીમાં હારી ગયા હતા.

રોહિણીના આરોપો અંગે રાજદ કે સંજય યાદવે હજુ સુધી કોઈ જવાબ નથી આપ્યો. તેમની ઍક્સ પોસ્ટ નીચે કૉમેન્ટ્સમાં રમીઝ કોણ છે, તેના વિશે પણ ચર્ચા કરી રહ્યા છે.

કોલકતા ટેસ્ટ: દક્ષિણ આફ્રિકા સામે ભારતની પહેલી ઇનિંગ 189 રનમાં આટોપાઈ

બીબીસી ગુજરાતી, બીબીસી, અમદાવાદ, ક્રિકેટ, ભારત, ટેસ્ટમૅચ, સાઉથ આફ્રિકા

ઇમેજ સ્રોત, DIBYANGSHU SARKAR/AFP via Getty

ઇમેજ કૅપ્શન, ભારત તરફથી પ્રથમ ઇનિંગમાં કેએલ રાહુલે સૌથી વધુ 39 રન બનાવ્યા

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમૅચમાં ભારતની પ્રથમ ઇનિંગ 189 રનના સ્કોરે સમેટાઈ ગઈ છે. ભારતને માત્ર 30 રનની સરસાઈ મળી છે.

કેએલ રાહુલે સૌથી વધુ 39 રન બનાવ્યા. એ સિવાય વૉશિંગટન સુંદરે 29 રન, ઋષભ પંત અને રવીન્દ્ર જાડેજાએ 27-27 રન બનાવ્યા.

મહેમાન ટીમે સાઇમન હાર્મરે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી. તેમજ માર્કો યાનસનને ત્રણ વિકેટ મળી.

દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઇનિંગમાં 159 રન બનાવ્યા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધુ પાંચ વિકેટ લીધી.

જમ્મુ-કાશ્મીર : શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનની અંદર મોડી રાત્રે બ્લાસ્ટ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, જમ્મુ-કાશ્મીર, બ્લાસ્ટ, પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટ, શ્રીનગર

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, એએનઆઇએ પ્રમાણે, સીઆરપીએફના આઇજી પવનકુમાર શર્માએ નૌગામ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના નૌગામ વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનની અંદર શુક્રવારે મોડી રાત્રે એક બ્લાસ્ટ થયો છે. આ વિસ્ફોટમાં ઘણા પોલીસકર્મીઓનાં મૃત્યુ થયાં છે અને એક ડઝન કરતાં વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવાઈ રહ્યું છે.

સમાચાર એજન્સી પીટીઆઇએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે આ બ્લાસ્ટમાં છ લોકોનાં મૃત્યુ થયાં છે અને 27 લોકો ઈજાગ્રસ્ત છે.

જોકે, હાલ પોલીસ તરફથી કોઈ આધિકારિક નિવેદન સામે નથી આવ્યું.

સૂત્રોએ બીબીસી ન્યૂઝને જણાવ્યું છે કે આ કોઈ ઉગ્રવાદી હુમલો નહોતો. પોલીસ સ્ટેશનની અંદર એમોનિયમ નાઇટ્રેટ (વિસ્ફોટક) મૂકેલું હતું, જેમાં બ્લાસ્ટ થયો.

અધિકારીઓએ પીટીઆઇને જણાવ્યું કે આ બ્લાસ્ટ ત્યારે થયો, જ્યારે 'વ્હાઇટ-કૉલર' ટેરર મૉડ્યૂલ મામલા સાથે સંકળાયેલા વિસ્ફોટકોમાંથી નમૂના લેવામાં આવી રહ્યા હતા. આ વિસ્ફોટક હરિયાણાના ફરીદાબાદથી લવાયા હતા.

અધિકારીઓ પ્રમાણે, આ બ્લાસ્ટ શુક્રવારે મોડી રાત્રે થયો, જેમાં છ લોકોનાં મૃત્યુ થયાં અને 27 લોકો ઈજાગ્રસ્ત થયા. તેમાં મોટા ભાગના પોલીસકર્મી અને ફૉરેન્સિક અધિકારી છે.

આ ઘટના અંગે એક સ્થાનિક તારિક અહમદે સમાચાર એજન્સી એએનઆઇ સાથેની વાતચીતમાં કહ્યું, "શુક્રવારે રાત્રે 11:22 એ જોરદાર બ્લાસ્ટ થયો. અમે ડરી ગયા, શું થયું એ સમજવામાં 15-20 મિનિટ લાગી ગઈ. જ્યારે લોકો બહાર નીકળ્યા તો ખબર પડી કે પોલીસ સ્ટેશનમાં કંઈક થયું છે."

તેમણે કહ્યું, "જ્યારે અમે ભાગીને ગયા અને જોયું તો ત્યાં ચારેકોર ધુમાડો અને મૃતદેહો હતાં. આ ઘટનામાં લોકો મર્યા છે. અમારા સાથી મર્યા છે. પાડોશમાં રહેતા લોકો મર્યા છે."

ટ્રમ્પે કહ્યું કે પેનોરામા ઍડિટ મુદ્દે બીબીસી સામે કાયદાકીય કાર્યવાહી કરશે

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ડોનાલ્ડ ટ્રમ્પ, યુએસએ, અમેરિકા,

ઇમેજ સ્રોત, Al Drago/Bloomberg via Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પે કહ્યું તેઓ આ મામલે બ્રિટનના વડા પ્રધાન કીએર સ્ટાર્મર સાથે વાત કરશે

બીબીસી તરફથી પેનોરામા ઍડિટ મામલે માફી માગ્યા બાદ પણ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ સંસ્થા વિરુદ્ધ કાર્યવાહી કરશે.

શુક્રવારે સાંજે ઍરફોર્સ વન પર ઉપસ્થિત પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે કહ્યું, "આગામી અઠવાડિયે અમે તેના પર એક અબજથી માંડીને પાંચ અબજ ડૉલર સુધીનો કેસ કરીશું."

તેમણે કહ્યું કે આ મુદ્દે વીકેન્ડમાં બ્રિટનના વડા પ્રધાન કીએર સ્ટાર્મર સાથે વાત કરશે.

શુક્રવારે બીબીસીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે 6 જાન્યુઆરી, 2021ના ભાષણના ઍડિટ વડે "ખોટી ધારણા બની કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પ્રત્યક્ષપણે હિંસક કાર્યવાહીની અપીલ કરી હતી."

આ મામલે બીબીસીએ માફી માગી, પરંતુ કહ્યું હતું કે સંસ્થા કોઈ પણ પ્રકારનું નાણાકીય વળતર નહીં ચૂકવે.

આ અઠવાડિયાની શરૂઆતમાં ટ્રમ્પના વકીલોએ બીબીસીને ચેતવણી આપી હતી કે જો બીબીસીએ પોતાનું નિવેદન પાછું ન ખેંચ્યું, માફી ન માગી અને વળતર ન ચૂકવ્યું તો તેના પર એક અબજ ડૉલરના વળતર માટે કેસ કરશે.

આ વિવાદને કારણે ગત અઠવાડિયે રવિવારે બીબીસીના ડાયરેક્ટર જનરલ ટિમ ડેવી અને હેડ ઑફ ન્યૂઝ ડેબોરા ટર્નેસે રાજીનામાં આપવાં પડ્યાં હતાં.

બિહાર ચૂંટણી : એકમાત્ર ટ્રાન્સજેન્ડર ઉમેદવારને કેટલા મત મળ્યા?

બીબીસી ગુજરાતી, બીબીસી, રાજકારણ, બિહાર વિધાનસભાની ચૂંટણી, ગુજરાત
ઇમેજ કૅપ્શન, જન સુરાજ પાર્ટીએ બિહારમાં ભોરે વિધાનસભા ક્ષેત્રમાંથી પ્રીતિ કિન્નરને પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યાં હતાં

બિહાર વિધાનસભા ચૂંટણીનાં પરિણામ આવી ચૂક્યાં છે. એનડીએએ રાજ્યની 243 બેઠકોમાંથી 202 બેઠકો પર જીત હાંસલ કરી છે.

જન સુરાજની ટિકિટ પર ગોપાલગંજની ભોરે બેઠકથી ચૂંટણી લડનારાં ટ્રાન્સજેન્ડર પ્રીતિ કિન્નર ચૂંટણી હારી ગયાં છે. તેઓ ત્રીજા ક્રમે રહ્યાં હતાં.

આ બેઠક પર જનતા દળ (યુનાઇટેડ)ના સુનીલકુમારે 16 હજાર કરતાં વધુ મતોથી જીત હાંસલ કરી છે. તેમને એક લાખ કરતાં વધુ મત મળ્યા.

તેમજ સીપીઆઇ (એમએલએલ) ધનંજયકુમાર લગભગ 85 હજાર મતો સાથે બીજા ક્રમે રહ્યા અને જન સુરાજ પાર્ટીનાં પ્રીતિ કિન્નર 8,602 મતો સાથે ત્રીજા ક્રમે રહ્યાં હતાં.

આ વખત બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સૌથી વધુ (89) બેઠકો જીતનારી પાર્ટી બની છે. તેમજ જેડીયુને 85, આરજેડીને 25 અને કૉંગ્રેસને માત્ર છ બેઠકો પર જીત મળી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન