વંદા શું પરમાણુ વિસ્ફોટ પ્રત્યે સંવેદનશીલ નથી હોતા?

વંદો

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, કે. સુભગુનમ
    • પદ, બીબીસી તમિલ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

વંદો.

આપણે કદાચ કેટલાક લોકોને આ શબ્દના માત્ર ઉલ્લેખથી મોં મચકોડતા જોયા છે. પરંતુ આ વંદાનું જીવન રસપ્રદ તથ્યોથી ભરપૂર છે.

લાંબા સમયથી એવા દાવા અંગે શંકા છે વંદો તેનું માથું કાપી નાખવામાં આવે તો પણ થોડા દિવસ જીવી શકે છે.

ખાસ કરીને, ખોરાક અને પાણી વિના વંદો કેટલા દિવસ જીવી શકે છે તે અંગે શંકા છે.

તેવી જ રીતે, સોશિયલ મીડિયા પર એવા દાવાઓ પણ જોવા મળ્યા કે વંદો પરમાણુ વિસ્ફોટમાં પણ મર્યા વિના બચી શકે છે.

આ દાવા પાછળની હકીકત ચકાસવા માટે અમે સંશોધકો અને જીવવિજ્ઞાનીઓની મદદ લીધી. તેમના ખુલાસાઓથી અમને વંદા વિશે ઘણી આશ્ચર્યજનક હકીકતો જાણવા મળી.

શું પરમાણુ બૉમ્બ વિસ્ફોટ પણ વંદાને નુકસાન નહીં કરે?

વંદો

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસીના સાયન્સ ફોકસ પર આ વિશે વિગતે સમજાવનાર જીવવિજ્ઞાની લુઈસ વિલાસોન માને છે કે વંદો પરમાણુ વિસ્ફોટથી બચી શકે એ વાતમાં સત્ય નથી. આની પાછળ તેઓ બે કારણો રજૂ કરે છે.

તેઓ સમજાવતાં કહે છે, "પહેલું કારણ છે વંદાની કિરણોત્સર્ગનો સામનો કરવાની ક્ષમતા. એ સાચું છે કે તેઓ મનુષ્યો કરતાં વધુ સ્થિતિસ્થાપક છે. પરંતુ આ વિધાન લગભગ બધા જંતુઓને લાગુ પડે છે. તેમની સરળ રચના તેમને આ ક્ષમતા પ્રદાન કરે છે."

પરંતુ એક વંદો મનુષ્યો માટે ખતરનાક વિકિરણની માત્રા કરતાં માત્ર છ થી 15 ગણા કિરણોત્સર્ગ સામે જ ટકી શકે છે.

લુઈસ કહે છે કે, "એકમાત્ર અપવાદ પરોપજીવી ભમરી હેપ્રોબ્રેગન છે, જે માનવજીવન માટે ખતરનાક વિકિરણની માત્રા કરતા 180 ગણા વિકરણોનો સામનો કરી શકે છે."

લુઈસ વિલાસોન બીજું કારણ આપતા આગળ કહે છે કે, "પરમાણુ વિસ્ફોટમાં વંદો ટકી ન શકે તેનું બીજું કારણ એ છે કે તેઓ મનુષ્યો સાથે સહઅસ્તિત્વ માટે અનુકૂલન સાધી ચૂક્યા છે."

"એકવાર માનવજાત પરમાણુ બૉમ્બથી નાશ પામશે, પછી વંદાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે કારણ કે તેઓ ઝડપથી ઉપલબ્ધ થઈ જતા ખોરાકનો ઉપયોગ કરશે."

લુઈસ વિગતવાર સમજાવતા કહે છે કે, "એ પછી, માનવોની ગેરહાજરીને કારણે ખોરાકનો પુરવઠો સતત ઉપલબ્ધ રહેશે નહીં. આનાથી તેમની સંખ્યામાં ઘટાડો નોંધાશે. જો તેઓ થોડા સમય માટે પણ બચી જશે, તો પણ તેઓ કુદરતી સંસાધનો પર સંપૂર્ણપણે નિર્ભર જંતુઓ કરતાં તો ઓછી જ સંખ્યામાં હશે."

ખોરાક-પાણી વિના વંદો કેવી રીતે જીવિત રહી શકે?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

યુએસમાં મૅસેચ્યુસેટ્સ યુનિવર્સિટીના પ્રોફેસર એમેરિટસ અને વંદાના શરીરની રચનાના સંશોધક ડૉ. જોસેફ કુંકેલ સમજાવે છે કે કૉકરોચના શરીરમાં એવું અનુકૂલન હોય છે જે તેને લાંબા સમય સુધી ભોજન અથવા પાણી વગર વાતાવરણમાં ફસાઈ રહેવા પર પણ જીવિત રહેવામાં મદદ કરે છે.

તેઓ કહે છે કે, "વંદાના બાહ્ય શરીર પર મીણ જેવું આવરણ હોય છે, આ આવરણ વંદાના શરીરમાંથી પાણીને બહાર નીકળતા અટકાવવામાં મદદ કરે છે. તેથી જ તેઓ પાણી વિના લાંબા સમય સુધી જીવી શકે છે."

તેમણે એ આશ્ચર્યજનક હકીકત પણ નોંધી કે જો કોઈ વંદો તેના શરૂઆતના જીવનમાં મોટી માત્રામાં ખોરાક મેળવે છે અને સારી રીતે ખાય છે, તો તે દરેક ઋતુમાં ફક્ત 4 કલાક જ ખાઈ શકે છે.

તેઓ તેમના શરીરમાં સંગ્રહિત કચરાને રિસાયકલ કરે છે અને તેનો ઉપયોગ પ્રોટીન અથવા ઊર્જાના સ્ત્રોત તરીકે કરે છે.

ડૉ. જોસેફે વધુમાં સમજાવ્યું કે લોહીમાં રહેલી સ્યુગર, જે ટ્રેહાલોઝ નામના ગ્લુકોઝ પરમાણુઓથી બનેલી હોય છે, તે પણ ઊર્જા સ્ત્રોત તરીકે કાર્ય કરે છે.

વધુમાં, તેમણે કહ્યું કે વંદાની ચરબીયુક્ત પેશીઓમાં રહેતા બૅક્ટેરિયા લગભગ વિટામિન ફેકટરીની જેમ કાર્ય કરે છે.

"વંદાના શરીરમાં રહેલા બૅક્ટેરિયોસાઇટ્સ એ વિશિષ્ટ કોષો છે જે વંદાને જરૂરી બધા વિટામિન ઉત્પન્ન કરી શકે છે. તેથી, તેને પોષક તત્ત્વો માટે સંપૂર્ણપણે બાહ્ય ખોરાક પર આધાર રાખવો પડતો નથી."

ભોજનની અછત અને ગાઢ નિદ્રા

વંદા વિશે વાત કરતી વખતે, ગોવાના અરણ્ય પર્યાવરણીય સંશોધન કેન્દ્રના ઍન્ટોમોલૉજીસ્ટ ડૉ. પ્રણોય બૈદ્યએ જણાવ્યું હતું કે વંદા કદાચ લાંબા શિયાળાના હાઇબરનેશન જેવું જ કાર્ય કરી રહ્યા હોય છે જે કેટલાક જીવો ઊર્જા બચાવવા માટે પસાર કરે છે.

પ્રાણીઓ, ઉભયજીવી પ્રાણીઓ અને જંતુઓમાં હાઇબરનેશન એક સામાન્ય પ્રથા છે. આનો અર્થ એ થાય કે શિયાળાના મહિનાઓમાં જ્યારે ખોરાકની અછત હોય છે ત્યારે તેઓ ગાઢ નિદ્રામાં જાય છે. આને હાઇબરનેશન કહેવામાં આવે છે. શિયાળાની ઋતુ પૂરી થયા પછી, આ જીવો જાગી જાય છે અને પોતાનું જીવન ચાલુ રાખે છે.

આવી ગાઢ ઊંઘ દરમિયાન, પ્રાણીઓના શરીરનું તાપમાન 1 થી 5 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. તેમના હૃદયના ધબકારા પ્રતિ મિનિટ 8 થી 50 ધબકારા સુધી ઘટી શકે છે. આનાથી તેઓ તેમના શરીરમાં સંગ્રહિત ઊર્જાનો બગાડ કર્યા વિના ગાઢ ઊંઘમાં શિયાળામાં ટકી શકે છે.

ડૉ. બ્રોનોઈ બૈદ્યએ જણાવ્યું હતું કે, વંદોને આટલી ઠંડી ઊંઘમાં જવાની આદત હોતી નથી, તેમ છતાં તેમાં ઊર્જા બચત કરવાની લાક્ષણિકતા હોય છે.

તે જ સમયે, જો તેમને પાણીની જરૂર હોય, તો પણ તેનો અર્થ એ નથી કે તેમને તે પીવું જ પડશે. "જોકે વંદો અન્ય જીવોની જેમ પાણી પીવે છે, તેઓ હવામાં ભેજમાંથી પણ પાણી શોષી શકે છે, તેથી શક્ય છે કે તેઓ પાણીના પોષક તત્ત્વો મેળવે અને તે રીતે જીવિત રહે," કેરળ કૃષિ યુનિવર્સિટીના એન્ટોલૉજિસ્ટ ડૉ. પ્રથાપને જણાવ્યું.

માથું કાપી નાખ્યા પછી વંદો કેવી રીતે જીવિત રહે છે?

વંદો કેવી રીતે ભોજન-પાણી વગર જીવિત રહે છે

ઇમેજ સ્રોત, Getty Images

એક એવી શંકા હતી કે શું વંદાની ખોરાક વિના અઠવાડિયા સુધી જીવવાની ક્ષમતા અને માથા વિના જીવવાની ક્ષમતા વચ્ચે કોઈ જોડાણ છે.

જોકે, બંનેનું કારણ એકસરખું ન હોવા છતાં, બૅંગલુરુમાં અશોકા ઍન્વાયર્નમેન્ટલ ફાઉન્ડેશનના કીટશાસ્ત્રી ડૉ. પ્રિયદર્શન ધર્મરાજને નોંધ્યું હતું કે તેઓ તેમના માથા વિના ખાઈ શકતા નથી, તેથી ખાધા વિના જીવવાની તેમની ક્ષમતા તેમને સરળતાથી મૃત્યુ પામતા અટકાવે છે.

વધુમાં, તેમણે સમજાવ્યું કે વંદામાં વિકેન્દ્રિત નર્વસ સિસ્ટમ હોય છે જે તેમના શરીરમાં ફેલાયેલી હોય છે, જે એક મુખ્ય કારણ છે કે તેમના માથા કાપી નાખવામાં આવે તો પણ તેઓ ટૂંકા સમય માટે જીવિત રહી શકે છે.

મૂળભૂત રીતે, જંતુઓની શારીરિક રચના અન્ય પ્રાણીઓ કે મનુષ્યો જેવી નથી.

"મનુષ્યો અને અન્ય પ્રાણીઓની નર્વસ સિસ્ટમ કેન્દ્રિત છે. એટલે કે, નર્વસ સિસ્ટમનું તમામ નિયંત્રણ એક ચોક્કસ જગ્યાએ કેન્દ્રિત છે. પરંતુ જંતુઓ સાથે આવું નથી. તેમની પાસે વિકેન્દ્રિત નર્વસ સિસ્ટમ છે. તેથી, તેમનું મગજ શ્વાસ લેવાનું કે સમગ્ર શરીરમાં ઑક્સિજનના પરિવહનને નિયંત્રિત કરતું નથી."

ડૉ. પ્રિયદર્શને સમજાવ્યું, "આ પ્રકારની શારીરિક પ્રણાલીમાં, શરીરની ગતિવિધિઓને નિયંત્રિત કરતા ચેતાકોષો આખા શરીરમાં ફેલાયેલા હોય છે. તેથી, જો માથું કાપી નાખવામાં આવે તો પણ, આખા શરીરની ગતિવિધિ તરત જ બંધ થતી નથી. આખા શરીરને નિષ્ક્રિય થવામાં થોડા કલાકોથી થોડા દિવસો લાગી શકે છે."

વંદાનું માથું કાપી નાખ્યા પછી શું થાય છે?

વંદો, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વંદો ખોરાક કે પાણી વગર લાંબા સમય સુધી જીવીત રહી શકે છે

શિરચ્છેદ કર્યા પછી વંદો અને અન્ય ઘણા જંતુઓ ટૂંકા સમય માટે કેવી રીતે જીવિત રહી શકે છે તે સમજવા માટે, આપણે સમજવું જરૂરી છે કે મનુષ્યો સહિત સસ્તન પ્રાણીઓ કેમ જીવિત રહી શકતા નથી.

મૂળભૂત રીતે, જ્યારે સસ્તન પ્રાણીઓના શિરચ્છેદ કરવામાં આવે છે, ત્યારે વધારે માત્રામાં લોહી વહે છે, જે શરીરના મહત્વપૂર્ણ પેશીઓમાં ઓક્સિજન અને પોષક તત્ત્વો પહોંચાડવામાં અવરોધે છે.

વધુમાં, સસ્તન પ્રાણીઓ તેમના મોં અને નાક દ્વારા શ્વાસ લે છે. આ કાર્ય મુખ્યત્વે મગજ દ્વારા નિયંત્રિત થાય છે. તેથી, જો માથું કાપી નાખવામાં આવે, તો પહેલા શ્વાસ લેવામાં અવરોધ ઊભો થશે.

જો લોહીનું પ્રમાણ બંધ થઈ જાય અને શ્વાસ લેવાની છૂટ મળી જાય, તો પણ માનવ શરીર માથા વગર કશું ખાઈ શકતું નથી, અને ખાધા વગર ટકી શકતું નથી. આમાંના ઘણા પરસ્પર જોડાયેલાં પરિબળોને કારણે માથું કપાતાં માણસ મૃત્યુ પામે છે.

પરંતુ વંદાના કિસ્સામાં જુદી વાત છે. વંદાની રચના માનવ શરીર કરતા અલગ છે. વંદો આપણી જેમ મોં કે નાક દ્વારા શ્વાસ લેતો નથી. તેઓ તેમના શરીરમાંથી પસાર થતી શ્વાસનળીઓ (શ્વાસનળી) દ્વારા શ્વાસ લે છે. આ નળીઓ તેમના શરીરની બાજુઓ પર સ્પાઇરેકલ્સ નામનાં નાનાં છિદ્રો સાથે જોડાયેલી હોય છે.

આ વાલ્વની જેમ કાર્ય કરે છે, જે પછી શરીરના પેશીઓ અને અન્ય અવયવોને ઑક્સિજન પૂરો પાડે છે. સસ્તન પ્રાણીઓની જેમ, તેમની પાસે રક્ત દ્વારા ઑક્સિજન વહન કરતી રુધિરકોશિકા પ્રણાલી નથી, જે નાક અથવા મોં દ્વારા શ્વાસ લે છે. તેથી, શરીરમાં દબાણ પણ ઓછું હોય છે. આને કારણે, માથું કાપી નાખ્યા પછી પણ, ગરદનનો વિસ્તાર ઝડપથી થીજી જાય છે અને ઘા બંધ થઈ જાય છે. આ અનિયંત્રિત રક્તસ્રાવ અટકાવે છે અને શરીરને જરૂરી ઑક્સિજનના પ્રવાહમાં અવરોધ નથી ઊભો નથી થતો.

શિકારીઓથી બચાવતાં સેન્સર

વંદો, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વંદાના પાછળના ભાગમાં એક સેન્સર હોય છે જે તેમને શિકારીઓથી બચાવે છે.

આ ઉપરાંત, જેમ મેં ઉપર ઉલ્લેખિત પ્રયોગમાં શોધ્યું છે, વંદો ખોરાક કે પાણી ખાધા વિના લાંબા સમય સુધી જીવિત રહી શકે છે.

વધુમાં, "વંદાનું મગજ ફક્ત થોડાં કાર્યોને નિયંત્રિત કરે છે. વંદાનું માથું કાપી નાખવાથી તેના ચેતાતંત્રનો ફક્ત એક ભાગ દૂર થાય છે, જે તેની દૃષ્ટિ, સંવેદનાત્મક અંગો અને કેટલાક જટિલ વર્તણૂકોને નિયંત્રિત કરે છે. પરંતુ ચેતાતંત્ર આખા શરીરમાં ફેલાયેલું છે, તેથી શરીરનો બાકીનો ભાગ કાર્ય કરવાનું ચાલુ રાખે છે," જોસેફ કુંકેલ કહે છે.

આ કારણોસર, એક માથું કાપી નાખેલો વંદો થોડા દિવસો સુધી જીવિત રહી શકે છે જ્યાં સુધી તેને કોઈ શિકારી ન ખાય. પરંતુ આવા શિકારીથી બચવા માટે, તેમણે ઝડપથી વિચારવું અને કાર્ય કરવું પડે છે. અને તેના માટે મગજની મદદની જરૂર નથી, જોસેફ કહે છે.

તેનો અર્થ એ કે વંદો મગજ વિના પણ ભયનો સામનો કરી શકે છે, તે કહે છે. "તેમની પીઠ પર સેન્સર હોય છે. તે સેન્સર હવાની ગતિ શોધી કાઢે છે અને શોધે છે કે કોઈ શિકારી પાછળથી આવી રહ્યો છે કે નહીં. આ સેન્સર મગજને નહીં, પણ શરીરનાં ચેતા કેન્દ્રોને સીધા સંકેતો મોકલે છે."

આનાથી વંદાને મગજ વિના પણ ઝડપથી કાર્ય કરવામાં અને ટકી રહેવામાં મદદ મળે છે.

જોકે, ડૉ. પ્રિયદર્શન ધર્મરાજન કહે છે કે શિરચ્છેદ કર્યા પછી તેમની સ્થિતિને 'હજુ પણ જીવંત' ગણાવી શકાય છે, પરંતુ તેમને "જીવંત" ગણી શકાય નહીં.

કારણ કે જ્યાં સુધી તેમનો સવાલ છે, "તેઓ બચી શક્યા નથી. તેઓ સંઘર્ષ કરી રહ્યા છે, મરવા માટે અસમર્થ છે, ટકી શકવા માટે પણ અસમર્થ છે."

(આ અહેવાલ રવિવારે (8 જૂન, 2025)નો રોજ બીબીસી ગુજરાતી પર પ્રકાશિત થયો હતો. સંપાદકીય ગુણવત્તા માટે આ અહેવાલમાં મંગળવાર (10 જૂન, 2025)ના રોજ કેટલોક સુધારો કરવામાં આવ્યો છે)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન