ભારતે કહ્યું કે જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુર પર પાકિસ્તાની ઍટેક નાકામ, પાકિસ્તાને હુમલાની વાત ફગાવી- ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

(અહેવાલ સતત અપડેટ થઈ રહ્યો છે)

ભારતે કહ્યું છે કે જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરના મિલિટરી સ્ટેશન પર પાકિસ્તાને ગુરુવાર રાત્રે હુમલો કર્યો છે, જેને નાકામ કરવામાં આવ્યો છે. ત્યારે પાકિસ્તાનના રક્ષામંત્રીએ હુમલાની જવાબદારી લેવાનો ઇનકાર કર્યો છે.

ભારતના રક્ષા મંત્રાલય અનુસાર, "જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરના મિલિટરી સ્ટેશન પર પાકિસ્તાન તરફથી ડ્રોન અને મિસાઇલ હુમલો થયો છે. આ હુમલાને નિષ્ફળ કરવામાં આવ્યો છે. ભારત પોતાની સંપ્રભુતા અને પોતાના નાગરિકોની રક્ષા કરવા માટે કટિબદ્ધ છે."

ભારતે કહ્યું કે આ બધી મિસાઇલોને ઍર ડિફેન્સ સિસ્ટમે સફળતાપૂર્વક રોકવામાં આવ્યો અને તેને નિષ્ફળ કર્યો છે. ત્યારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે જમ્મુ-કાશ્મીરમાં કોઈ પણ જવાબદારી લેવાનો ઇન્કાર કર્યો છે.

ખ્વાજા આસિફે બીબીસીને કહ્યું કે, "અમે તેનાથી ઇન્કાર કરી રહ્યા છીએ, અમે હજુ સુધી કંઈ નથી કર્યું. જ્યારે પાકિસ્તાન હુમલો કરશે તો બધાને જાણ થઈ જશે."

જમ્મુ-કાશ્મીરમાં વિસ્ફોટ અને બ્લૅક આઉટના રિપોર્ટ આવ્યા બાદ થોડી વાર પછી ખ્વાજા આસિફ બીબીસી સાથે વાત કરી રહ્યા હતા.

શ્રીનગરથી બીબીસી સંવાદદાતા માજિદ જહાંગીર અનુસાર, ગુરુવાર રાત 11 વાગ્યાની આસપાસ ઉરી સેક્ટરમાં ભારે ગોળીબાર થઈ રહ્યો છે અને સરહદ પાસે નાગરિક વિસ્તારોને નિશાન બનાવાઈ રહ્યાં હતાં.

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ અને ભારતના વિદેશ મંત્રી સાથે ફોન પર વાત કરીને તણાવ ઘટાડવાની અપીલ કરી હતી.

ત્યારે જમ્મુ-કાશ્મીરના રાજોરીમાં હાલ મોજૂદ બીબીસી સંવાદદાતા દિવ્યા આર્યાએ જણાવ્યું કે ત્યાં સંપૂર્ણ બ્લૅકઆઉટ કરી દેવાયું છે.

જમ્મુ, રાજોરી અને ચંડીગઢ સહિત કેટલાંક શહેરોમાં બ્લૅક આઉટ જાહેર કરાયું

ગુરુવારના રાત્રે આઠ વાગીને 45 મિનિટ પર જમ્મુ શહેરથી ઍર રેડ્સની જાણકારી મળવાની શરૂ થઈ હતી. ત્યાર બાદ જમ્મુ, રાજોરી, ચંડીગઢ, અમૃતસર, ધર્મશાળા સહિત કેટલાંક શહેરોમાં બ્લૅક આઉટ જાહેર કરાયું હતું.

સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર, સરહદ નજીકનાં કેટલાંક રાજ્યોએ બ્લૅકઆઉટનો આદેશ આપ્યો છે અને શાળાઓ તથા શિક્ષણ સંસ્થાઓને બંધ કરવાની જાહેરાત કરી છે. સાથે જ પોલીસકર્મીઓ તથા વહીવટી અધિકારીઓની રજાઓ રદ કરી દીધી છે.

જમ્મુ અને કાશ્મીરમાં સ્કૂલ તથા કૉલેજ સહિત બધાં શિક્ષણ સંસ્થાનોને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર, પંજાબના શિક્ષણ મત્રી હરજોતસિંહ બૈંસે કહ્યું છે કે સરકારે રાજ્યની શાળાઓ, કૉલેજો અને વિશ્વવિદ્યાલયોને આવનારા ત્રણ દિવસો સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

રાજસ્થાનમાં શ્રીગંગાનગર પોલીસે રેડ ઍલર્ટ જાહેર કર્યો છે અને બધાને ઘરોમાં રહેવાની સલાહ આપવામાં આવી છે

પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને બિહારમાં કડક ઉપાયો લાગુ કરાયા છે.

પાકિસ્તાન સાથે પંજાબની 532 કિલોમીટર લાંબી સરહદ છે, રાજસ્થાનની સરહદ 1070 કિલોમીટર લાંબી છે અને ગુજરાતની સરહદ 506 કિલોમીટર જેટલી લાંબી છે. પશ્ચિમ બંગાળની સરહદ બાંગ્લાદેશથી 2,217 કિલોમીટર જોડાયેલી છે.

ભારતના સંરક્ષણ મંત્રાલય અનુસાર, "જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરના મિલિટરી બેઝ પર પાકિસ્તાન તરફથી ડ્રોન અને મિસાઇલ હુમલા કરાયા છે. આ હુમલાને નાકામ કરી દેવાયા છે. કોઈ પણ પ્રકારની જાનમાલની હાનિ નથી થઈ. ભારત પોતાનું સાર્વભૌમત્વ અને પોતાના નાગરિકોના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે."

બીજી તરફ, જમ્મુ-કાશ્મીરના રાજોરીમાં હાલ હાજર બીબીસી સંવાદદાતા દિવ્યા આર્યે જણાવ્યું કે ત્યાં સંપૂર્ણપણે બ્લૅક આઉટ કરી દેવાયું છે.

પાછલા અમુક કલાકોમાં પાકિસ્તાની ગોળીબારમાં જેટલા પણ લોકો ઈજાગ્રસ્ત થયા છે, એ આ જ વિસ્તારના છે. પુંછમાં પણ સંપૂર્ણપણે બ્લૅક આઉટ છે અને ત્યાં ઍર રેડ સાયરન સંભળાઈ રહ્યા છે.

ભારતીય સૈન્ય પ્રમાણે જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરના મિલિટરી બેઝ પર પાકિસ્તાને મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા છે, જેને નાકામ કરી દેવાયા છે. આ હુમલામાં કોઈ નુકસાન નથઈ થયું.

રાત્રે આઠ વાગ્યાને 45 મિનિટે જમ્મુ શહેરથી ઍર રેડ્સની જાણકારી મળવાનું શરૂ થયું હતું.

રાજોરીમાં હાજર બીબીસી સંવાદદાતા દિવ્યા આર્યે કહ્યું, "આજે સવારે અમે જમ્મુમાં જ હતા, જ્યાં અમે એ ગામડાંની મુલાકાત લીધી જ્યાંથી લોકો પોતાના સામાન સહિત સુરક્ષિત સ્થળોએ જતા રહ્યા હતા. આ વિસ્તારો અને જમ્મુ શહેરમાં ઘણા ધડાકા સંભળાયા છે. ત્યાંના સ્થાનિકોએ જણાવ્યું કે પોણા નવ વાગ્યાની આસપાસ એક સાથે ઘણા ધડાકા થયા."

તેમણે આગળ કહ્યું, "જે બાદ આખા વિસ્તારની વીજળી કાપી નાખવામાં આવી. અને માત્ર વૉટ્સઍૅપ કૉલની સેવા ચાલુ છે. સ્થાનિક નિવાસીઓએ કેટલાક વીડિયો મોકલ્યા છે, જ્યાં બ્લૅક આઉટ વચ્ચે આકાશમાં ઝીણો ઝીણો પ્રકાશ દેખાઈ રહ્યો છે, જેનાથી એવો અંદાજ લાગવાઈ રહ્યો છે કે એ ડ્રોન છે."

ભારતનું ઑપરેશન સિંદૂર : જમ્મુમાં વિસ્ફોટ બાદ ભુજ-બનાસકાંઠાનાં ગામોમાં બ્લૅક આઉટ

ગુરુવારે રાત્રે જમ્મુ હવાઈમથક પર વિસ્ફોટના સમાચાર આવ્યા બાદ ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ, નલિયા, નખત્રાણા, લખપત તેમજ બનાસકાંઠાના પાકિસ્તાની સરહદની નિકટ આવેલા સુઈગામ અને વાવ તાલુકાનાં 24 ગામોમાં પણ પ્રશાસન દ્વારા બ્લૅક આઉટ કરાવવામાં આવ્યું છે.

બીબીસી ગુજરાતીના બનાસકાંઠાના સહયોગી પરેશ પઢિયાર અને કચ્છના સહયોગી નારણ મહેશ્વરીએ આ માહિતી આપી હતી.

નોંધનીય છે કે મંગળ-બુધવારની રાત્રે ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં કથિત 'આતંકી ઠેકાણાં' પર હુમલો કર્યાની વિગતો આપ્યા બાદથી બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ વધુ વકરશે તેવી શક્યતા સેવાઈ રહી હતી.

મળી રહેલ માહિતી અનુસાર કચ્છના કલેક્ટર આનંદ પટેલે સાવચેતીના ભાગરૂપે બ્લૅક આઉટના આદેશ આપ્યા છે. પ્રશાસન તરફથી કહેવાયું છે કે કચ્છ સરહદે હાલ કોઈ ખરાબ સ્થિતિ નથી, માત્ર સાવચેતી માટે બ્લૅક આઉટ કરાયું છે.

બનાસકાંઠામાંથી મળતી માહિતી અનુસાર સુઈગામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, "બનાસકાંઠાના સુઈગામ અને વાવ તાલુકાનાં કુલ 24 ગામોમાં બ્લૅક આઉટ કરાયું છે."

થરાદના ડીવાયએસપીએ એચ. એમ. વારોતરિયાએ પણ સરપંચો સહિતના આ ગામનો આગેવાનોને બ્લૅક આઉટ કરાવવાની તાકીદ કરી હતી.

જમ્મુમાં વિસ્ફોટના અવાજ, ચંડીગઢમાં ઍર રેડ સાયરન ઍક્ટિવેટ

જમ્મુ ઍરપૉર્ટ પર વિસ્ફોટના સમાચાર આવી રહ્યા છે. જમ્મુ શહેરના ગુજ્જર નગર પુલ પર હાજર એક પ્રત્યક્ષદર્શીએ બીબીસીને જણાવ્યું કે તેણે જમ્મુ ઍરપૉર્ટ પાસે 16 વસ્તુઓ પડતા જોઈએ.

એક સુરક્ષા સૂત્રએ એએફપી સમાચાર સંસ્થાને જણાવ્યું કે ઍરપૉર્ટ પર વિસ્ફોટ થયા છે.

પ્રત્યક્ષદર્શીઓએ બીબીસીને જણાવ્યું કે બજાર બંધ થઈ ગયા છે અને તેમણે લોકોને ભાગતા જોયા, સાયરન વાગવા લાગ્યા અને આખા શહેરમાં વીજળી ગુલ થઈ ગઈ.

એક પ્રત્યક્ષદર્શીએ બીબીસીને જણાવ્યું કે ત્યાં બ્લૅકઆઉટ છે અને ત્યાં સાયરનનો અવાજ આવી રહ્યો છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, પાકિસ્તાન 'દારૂગોળા સાથેનાં ડ્રૉન્સ'થી જમ્મુને ટાર્ગેટ કરી રહ્યું છે. એજન્સી પ્રમાણે, ભારતીય સેના પણ તેનો પ્રતિકાર કરી રહી છે.

બીબીસી સંવાદદાતા દિવ્યા આર્યા અનુસાર જમ્મુનાં કેટલાંક સ્થળો પર વિસ્ફોટનો અવાજ લોકોએ સાંભળ્યો છે અને આખા શહેરમાં વિજળી ગુલ છે.

કઠુઆમાં નાગરિકોએ બે જગ્યાઓ પર વિસ્ફોટનો અવાજ સાંભળ્યો છે અને અહીંની વિજળી કાપી નાખવામાં આવી છે. કઠુઆ જમ્મુથી દોઢ કલાક દૂર છે. આ સમયે બંને શહેરોમાં સંપૂર્ણ બ્લૅક આઉટ છે.

ભારતીય સેનાના સૂત્રોએ જણાવ્યું કે જમ્મુમાં ડિફેન્સ સિસ્ટમને એક્ટિવેટ કરવામાં આવી છે.

આખા શહેરમાં ઍર સાયરનનો અવાજ આવી રહ્યો છે.

ચંડીગઢ પ્રશાસનનું કહેવું છે કે ત્યાં ઍર રેડ સાયરનને ઍક્ટિવેટ કરી દેવાયાં છે અને તાત્કાલીક અસરથી બ્લૅકઆઉટ લાગુ કરાવાઈ રહ્યું છે.

આ દરમિયાન ધર્મશાલામાં ચાલી રહેલી આઇપીએલ મૅચને અધવચ્ચે જ અટકાવી દેવાઈ છે.

ક્રિકઇન્ફો વેબસાઇટ પ્રમાણે પંજાબ કિંગ્સ ઇલેવન અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ધર્મશાલામાં રમાઈ રહેલી મૅચ રદ કરી દેવાઈ છે.

રાજોરીના સૂચના અને જનસંપર્ક વિભાગે સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર લખ્યું છે કે, "સામાન્ય જનતાને વિનંતી છે કે તેઓ પોતપોતાના ક્ષેત્રમાં બ્લૅકઆઉટ સુનિશ્ચિત કરે. તમામ બાહ્ય લાઇટો બંધ કરી દે અને બારીઓને ઢાંકી દે, જેથી કોઈ પણ પ્રકારનો પ્રકાશ બહાર ન જઈ શકે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન