નીતીશકુમારે બિહારમાં એક કરોડ સરકારી નોકરી આપવા મુદ્દે શું કહ્યું – ન્યૂઝ અપડેટ

નીતીશ કુમાર, એક કરોડ કરતાં વધુ નોકરીઓ અને રોજગાર, બિહારમાં સરકારી નોકરીઓ, બિહાર ચૂંટણી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Santosh Kumar/Hindustan Times via Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ

બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમારે કહ્યું છે કે તેમની સરકારે આગામી પાંચ વર્ષ દરમિયાન એક કરોડ યુવાનોને નોકરી તથા રોજગાર આપવાનો લક્ષ્યાંક મૂક્યો છે.

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક પોસ્ટમાં નીતીશકુમારે લખ્યું, "અમારી નવી સરકારનું ગઠન થવાની સાથે લોકોને વધુ ને વધુ સરકારી નોકરીઓ તથા રોજગારીની તકો મળે તે માટે અમે ગતિપૂર્વક કામ શરૂ કરી દીધું છે."

નીતીશકુમારે આના વિશે વિસ્તારપૂર્વક લખ્યું, "વહીવટીતંત્ર હેઠળ આવતા તમામ વિભાગો, તમામ કમિશનરેટ, પોલીસ મુખ્યાલય હેઠળ આવનારી કચેરીઓ તથા કલેક્ટરોને કહ્યું છે કે તે પોતાને ત્યાં ખાલી જગ્યા વિશે 31 ડિસેમ્બર 2025 સુધીમાં માહિતી ઉપલબ્ધ કરાવે."

સીએમે કહ્યું, "આ સિવાય નિમણૂક પંચો તથા સિલેક્શન એજન્સીઓને કહેવામાં આવ્યું છે કે તે જાન્યુઆરી-2026માં નિમણૂક અંગેનું વાર્ષિક કૅલેન્ડર બહાર પાડે. જેમાં જાહેરાત છપાવાની તારીખ, ઉપરાંત પરીક્ષા તથા પરિણામની સંભવિત તારીખો પણ જણાવવામાં આવે."

નીતીશકુમારે લખ્યું, "એજન્સીઓને તાકીદ કરવામાં આવી છે કે જાહેરાત છપાય, તે દિવસથી લઈને પરિણામની તારીખ વચ્ચે એક વર્ષથી વધુનો સમય ન થવો જોઈએ. તથા પરીક્ષા પારદર્શક રીતે યોજાવી જોઈએ."

નીતીશકુમારે બિહારમાં ઑનલાઇન પરીક્ષા (કમ્પ્યુટર આધારિત પરીક્ષા) પરીક્ષા કેન્દ્રનોની સંખ્યા વધારવાની વાત પણ કહી.

અમેરિકાએ આ દેશની ઇમિગ્રેશન અરજીઓને તાત્કાલિક અસરથી અટકાવી

ડોનાલ્ડ ટ્રમ્પ, અફઘાનિસ્તાન ઇમિગ્રેશન ઉપર શા માટે પ્રતિબંધ, યુએસ વિઝા તથા ઇમિગ્રેશન, નેશનલ ગાર્ડ્સ ઉપર હુમલો, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Anna Moneymaker/Getty Images

અમેરિકાના વૉશિંગ્ટન ડીસીમાં ગોળીબારની ઘટના બાદ અમેરિકાએ અફઘાન નાગરિકોની તમામ ઇમિગ્રેશન અરજીઓને મોકૂફ કરી દીધી છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમેરિકન સિટીઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસિઝના જણાવ્યા પ્રમમાણે, 'સુરક્ષા તથા તપાસ પ્રૉટોકૉલ'ની સમીક્ષા થઈ ન જાય, ત્યાર સુધી લાગુ રહેશે.

વ્હાઇટ હાઉસ નજીક થયેલી ગોળીબારીની આ ઘટનામાં નૅશનલ ગાર્ડના બે સભ્યો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. હુમલાખોર સંદિગ્ધ અફઘાન નાગરિક છે.

આ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેને "આતંકવાદી ઘટના" ઠેરવી હતી ને કહ્યું હતું કે તેઓ વિદેશી નાગરિકોને હઠાવવા માટે પગલાં લેશે.

સંરક્ષણમંત્રી પીટ હેસેથનું કહેવું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે વૉશિંગ્ટન ડીસીમાં વધુ 500 નૅશનલ ગાર્ડ્સ તહેનાત કરવાના આદેશ આપ્યા છે.

ડિપાર્ટમેન્ટ ઑફ હૉમલૅન્ડ સિક્યૉરિટીએ નિવેદન બહાર પાડીને સંદિગ્ધની ઓળખ રહમાનુલ્લા લકનવાલ અને "અફઘાનિસ્તાનથી આવેલ ક્રિમિનલ પ્રવાસી" તરીકે કરી છે.

મળતી માહિતી પ્રમાણે, પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનના કાર્યકાળ દરમિયાન અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી પોતાની સેનાને પાછી બોલાવી લીધી હતી, ત્યારે 'ઑપરેશન અલાઇસ વૅલકમ' યોજના હેઠળ હજારો અફઘાનોને પ્રવેશ આપ્યો હતો.

સપ્ટેમ્બર-2021માં રહમાનુલ્લાનું (ઉં.વ. 29) અફઘાનિસ્તાનમાં આગમન થયું હતું. હુમલાખોરને પણ ચાર ગોળી વાગી હોવાનું કહેવાય રહ્યું છે.

બાંગ્લાદેશમાં શેખ હસીનાને 21 વર્ષની જેલની સજા

બાંગ્લાદેશમાં શેખ હસીનાને 21 વર્ષની જેલની સજા – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

બાંગ્લાદેશની એક અદાલતે પૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાને સત્તાના દુરુપયોગ સહિત અન્ય મામલે 21 વર્ષની જેલની સજા ફટકારી છે.

બીબીસી ન્યૂઝ બાંગ્લાના જણાવ્યા પ્રમાણે, તેમની દીકરી સાઇમા વાજેદ અને દીકરા સજીબ વાજેદને પાંચ-પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

ચુકાદો સંભળાવતા સમય અદાલતે કહ્યું કે શેખ હસીના અને અન્ય પરિવારજનોને વગર કોઈ આવેદન તેમના અધિકાર ક્ષેત્રથી બહાર જમીન આપવામાં આવી હતી.

આ યુકાદો ઢાકાના પાંચમા વિશેષ ન્યાયાધીશ મોહમ્મદ અબ્દુલ્લાહ અલ મામૂને સંભળાવ્યો હતો.

આ પહેલાં બાંગ્લાદેશમાં ઇન્ટરનૅશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યૂનલે શેખ હસીનાને મોતની સજા સંભળાવી હતી.

ધર્મેન્દ્રના નિધન પર હેમા માલિનીએ પહેલી સાર્વજનિક પ્રતિક્રિયા આપતાં શું કહ્યું?

ધર્મેન્દ્રના નિધન પર હેમા માલિનીએ પહેલી સાર્વજનિક પ્રતિક્રિયા આપતાં શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જાણીતાં અભિનેત્રી અને ભાજપનાં સાંસદ હેમા માલિનીએ ગુરુવારે પોતાના દિવંગત પતિ ધર્મેન્દ્રને ભાવુક શ્રદ્ધાંજલિ આપી છે.

જાણીતાં અભિનેત્રી અને ભાજપનાં સાંસદ હેમા માલિનીએ ગુરુવારે પોતાના દિવંગત પતિ ધર્મેન્દ્રને ભાવુક શ્રદ્ધાંજલિ આપી છે.

ધર્મેન્દ્રના અવસાન પછી પહેલી વખતે હેમા માલિનીએ પોતાની ભાવના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખીને વર્ણવી હતી. તેમણે કહ્યું, "મને થયેલું વ્યક્તિગત નુકસાન વર્ણવી શકાય તેમ નથી અને જે શૂન્યાવકાશ સર્જાયો છે તે બાકીના જીવન દરમિયાન રહેશે."

સોમવારે 89 વર્ષની ઉંમરમાં ધર્મેન્દ્રનું નિધન થયું હતું ત્યાર બાદ આ હેમા માલિનીની પહેલી સાવ્રજનિક પ્રતિક્રિયા છે.

હેમા માલિનીએ તેમને એક પ્રેમાળ પતિ તથા પોતાની બંને દીકરી ઈશા અને આહનાને પ્રેમ કરનારા પિતા તરીકે યાદ કર્યાં.

તેમણે કહ્યું તે તેઓ પોતાની સહજતા અને અપનાપન ભરેલા સ્વભાવને કારણે તેમણે મારા પરિવારના તમામ સભ્યોનું દિલ જીતી લીધું. તમામ પ્રત્યે તેમના સ્નેહ અને દિલચસ્પી હંમેશાં દેખાતી હતી.

બાવળા-બગોદરા હાઇવે પર થયેલા અકસ્માતમાં ચારનાં મોત

બાવળા બગોદરા હાઇવે પર થયેલા એક અકસ્માતમાં ચાર લોકોનાં મૃત્યુ થયાં છે

ઇમેજ સ્રોત, sachin pithva

ઇમેજ કૅપ્શન, બાવળા-બગોદરા હાઇવે પર થયેલા એક અકસ્માતમાં ચાર લોકોનાં મૃત્યુ થયાં છે

બાવળા-બગોદરા હાઇવે પર થયેલા એક અકસ્માતમાં ચાર લોકોનાં મૃત્યુ થયાં છે. બે લોકોના ઘટનાસ્થળે જ્યારે કે બે લોકોના સારવાર દરમિયાન મૃત્યુ થયાં છે.

બીબીસી ગુજરાતીના સુરેન્દ્રનગર ખાતેના સહયોગી સચીન પિઠવા જણાવે છે, "બાવળા બગોદરા હાઇવે પર રામનગર નજીક એક વાન ઊભેલી ટ્રક પાછળ ઘૂસી જતાં બે લોકોનાં મૃત્યુ થયાં છે."

આ અકસ્માતમાં ચાર લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલ લોકોને અમદાવાદની સોલા સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જે પૈકી બે લોકોનું સારવાર દરમિયાન મોત થયું છે. આમ, કુલ મૃત્યુનો આંક ચાર થયો છે.

સચીન પિઠવાના જણાવ્યા પ્રમાણે આ મામલે બાવળા પોલીસ દુર્ઘટનાની તપાસ કરી રહી છે.

નિફ્ટીએ તોડ્યો રેકૉર્ડ, સેન્સેક્સમાં પણ ભારે ઉછાળો

નિફ્ટીએ તોડ્યો રેકૉર્ડ, સેન્સેક્સમાં પણ ભારે ઉછાળો – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

નિફ્ટીએ ગુરુવારે 26,285.85નો નવો આંકડો પ્રાપ્ત કરી લીધો છે. આ 80.65 અંગ એટલે કે 0.31 ટકાનો વધારો સૂચવે છે.

લગભગ 14 મહિના બાદ નિફ્ટીએ આ રેકૉર્ડ બનાવ્યો છે.

સેન્સેક્સ પણ શરૂઆતી કારોબારમાં ઝડપથી વધ્યો અને બજાર ખુલ્યા બાદ તરત જ 85,843.82ના સ્તર પર પહોંચી ગયો.

નિફ્ટી 50એ દિવસની શરૂઆત 26,261.25 પર કરી હતી, જે 55.95 અંક એટલે કે 0.21 ટકાનો વધારો સૂચવે છે. બીએસઈ સેન્સેક્સ 85,741.13 પર ખુલ્યો હતો. જે 131.62 અંક એટલે કે 0.15 ટકાના વધારા પર ઉપર હતો.

મજબૂત શરૂઆત બાદ નિફ્ટી પોતાના જૂના રેકૉર્ડની પાર નીકળી ગયો. નિફ્ટીએ સપ્ટેમ્બર 2024માં સ્પર્ષ કરેલા 26,277.37ના ગત ઉચ્ચ સ્તરને પાર કરી લીધું. સેન્સેક્સે પણ સપ્ટેમ્બર 2024ના પોતાના રેકૉર્ડ 85,978.25ની નજીક પહોંચી ગયો છે.

વ્હાઇટ હાઉસ પાસે થયેલી ગોળીબારી બાદ ટ્રમ્પે અફઘાનિસ્તાનના લોકો માટે શું કહ્યું?

વ્હાઇટ હાઉસ પાસે થયેલી ગોળીબારી બાદ ટ્રમ્પે અફઘાનિસ્તાનના લોકો માટે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વૉશિંગ્ટન ડીસીમાં થયેલા ગોળીબારને લઈને એક નિવેદન આપ્યું છે.

તેમણે બાઇડન પ્રશાસન દરમિયાન અમેરિકામાં આવેલા અફઘાનિસ્તાનના લોકોની ફરી વખત તપાસ કરવાની વાત કરી છે.

રાષ્ટ્રપતિનું નિવેદન એવા સમયે આવ્યું હતું જ્યારે વૉશિંગ્ટન ડીસીમાં બે નૅશનલ ગાર્ડ પર ફાયરિંગ થયું છે.

લૉ ઍન્ફોર્સમેન્ટ સૂત્રોએ બીબીસીના અમેરિકાના ભાગીદાર સીબીએસ ન્યૂઝને જણાવ્યું કે સંદિગ્ધ હુમલાખોર અફઘાન નાગરિક રહમાનુલ્લાહ લકનવાલ છે. જે 2011માં અમેરિકા આવ્યો હતો.

અથડામણ દરમિયાન સંદિગ્ઘ પણ ઘાયલ થયો છે. તેને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું કે 'સંદિગ્ઘ ગંભીર રીતે ઘાયલ' છે.

ત્યાં વેસ્ટ વર્જીનિયાના ગવર્નર પઍટ્રિક મૉરિસીએ પહેલાં જ કહ્યું હતું કે 'બંને નૅશનલ ગાર્ડ સભ્ય માર્યા ગયા છે' પરંતુ તેમણે બાદમાં લખ્યું કે તેમની સ્થિતિને લઈને અલગ-અલગ સમાચારો મળી રહ્યા છે.

અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ પ્રમાણે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે હુમલા બાદ વૉશિંગ્ટન ડીસીમાં 500 વધારાના નૅશનલ ગાર્ડ તહેનાત કરવાનો આદેશ આપ્યો છે.

ટ્રમ્પે કહ્યું કે દક્ષિણ આફ્રિકાને 2026ના જી20 સમિટ માટે આમંત્રણ નહીં મળે

ટ્રમ્પે કહ્યું કે દક્ષિણ આફ્રિકાને 2026ના જી20 સમિટ માટે આમંત્રણ નહીં મળે – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું કે તેઓ દક્ષિણ આફ્રિકાને આવતા વર્ષે મિયામીમાં યોજાનારા શિખર સંમેલનમાં સામેલ થવાનું આમંત્રણ નહીં મોકલે.

તેમનું એમ પણ કહેવું છે કે આ વર્ષે થયેલી બેઠકમાં અમેરિકાના પ્રતિનિધિ સાથે થયેલા વ્યવહારને કારણે તેઓ દક્ષિણ આફ્રિકાને થનારાં તમામ ચુકવણાં અને સહાય બંધ કરી દેશે.

ટ્રમ્પે હાલમાં જ દક્ષિણ આફ્રિકામાં થયેલા જી20 શિખર સંમેલનમાં અમેરિકાનું પ્રતિનિધિમંડળ નહોતું મોકલ્યું.

ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે દક્ષિણ આફ્રિકામાં ગોરા નાગરિકો સામે હિંસક ઉત્પીડન થઈ રહ્યું છે, જોકે આ આરોપને દક્ષિણ આફ્રિકાએ ફગાવી દીધો હતો.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું, "જી20ના સમાપન પર દક્ષિણ આફ્રિકાએ અમારા દૂતાવાસના વરિષ્ઠ પ્રતિનિધિ, જે સમાપન સમારોહમાં ઉપસ્થિત હતા, તેમને જી20ની અધ્યક્ષતા સોંપવાનો ઇન્કાર કરી દીધો."

તેમણે કહ્યું, "મારા નિર્દેશ પર, દક્ષિણ આફ્રિકાને 2026 જી20 સમિટ માટે નિમંત્રણ નહીં મોકલાશે. જેનું આયોજન આવતા વર્ષે ફ્લૉરિડાના શહેર મિયામીમાં કરવામાં આવશે."

વ્હાઇટ હાઉસ પાસે થયેલા ગોળીબારમાં નૅશનલ ગાર્ડના બે સભ્યો ગંભીર રીતે ઘાયલ, શું બન્યું હતું?

વ્હાઇટ હાઉસ પાસે થયેલા ગોળીબારમાં નૅશનલ ગાર્ડના બે સભ્યો ગંભીર રીતે ઘાયલ, શું બન્યું હતું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એફબીઆઈ નિદેશક કાશ પટેલે કહ્યું છે કે વ્હાઇટ હાઉસ પાસે થયેલા ગોળીબારની તપાસ ચાલી રહી છે

અમેરિકાના વૉશિંગ્ટન ડીસીમાં ફાયરિંગ થયું છે. જેમાં નૅશનલ ગાર્ડના બે સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ જાણકારી એફબીઆઈના નિદેશક કાશ પટેલે આપી છે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, હુમલાખોરે સ્થાનિક સમયાનુસાર 2-15 વાગ્યે નૅશનલ ગાર્ડના સભ્યો પર ગોળીબાર કર્યો હતો. આ ઘટના વ્હાઇટ હાઉસ પાસે થઈ છે.

લૉ ઍન્ફોર્સમેન્ટ સૂત્રોએ બીબીસીના અમેરિકાના ભાગીદાર સીબીએસ ન્યૂઝને જણાવ્યું કે સંદિગ્ધ હુમલાખોર અફઘાન નાગરિક રહમાનુલ્લાહ લકનવાલ છે. જે 2011માં અમેરિકા આવ્યો હતો.

અથડામણ દરમિયાન સંદિગ્ઘ પણ ઘાયલ થયો છે. તેને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું કે 'સંદિગ્ઘ ગંભીર રીતે ઘાયલ' છે.

ત્યાં વેસ્ટ વર્જીનિયાના ગવર્નર પઍટ્રિક મૉરિસીએ પહેલાં જ કહ્યું હતું કે 'બંને નૅશનલ ગાર્ડ સભ્ય માર્યા ગયા છે' પરંતુ તેમણે બાદમાં લખ્યું કે તેમની સ્થિતિને લઈને અલગ-અલગ સમાચારો મળી રહ્યા છે.

અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ પ્રમાણે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે હુમલા બાદ વૉશિંગ્ટન ડીસીમાં 500 વધારાના નૅશનલ ગાર્ડ તહેનાત કરવાનો આદેશ આપ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન