ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધશે, કેટલા દિવસ સુધી કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે?

ગુજરાત હવામાન

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધવાની શરૂઆત થઈ જશે અને રાજ્યના ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદી માહોલ શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં જે સાયક્લૉનિક સર્ક્યુલેશન હતું તે મજબૂત બનીને હવે લૉ-પ્રેશર એરિયા બની ગયું છે અને તેની અસર ઘણાં રાજ્યોમાં વર્તાઈ રહી છે.

ગુજરાતમાં પણ આગામી દિવસોમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે અને ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ તથા કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે.

હાલ રાજ્યમાં બે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે એક તરફ ચોમાસું વિદાય લઈ રહ્યું છે અને બીજી તરફ વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે તથા કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર ફરીથી વધી રહી રહ્યું છે.

હાલ જે વિસ્તારોમાં વરસાદી માહોલ છવાશે ત્યાં ગાજવીજ સાથે વરસાદ પડશે અને પવનની ગતિમાં પણ થોડો વધારો જોવા મળે તેવી શક્યતા છે.

ગુજરાતમાં આ ચોમાસાના મહિનાનો વરસાદનો છેલ્લો રાઉન્ડ છે, જે બાદ એવી શક્યતા છે કે રાજ્યમાં આ વર્ષનું ચોમાસું પૂરું થઈ જશે.

ગુજરાતના કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી?

હાલ જે વિસ્તારોમાં વરસાદી માહોલ છવાશે ત્યાં ગાજવીજ સાથે વરસાદ પડશે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હાલ જે વિસ્તારોમાં વરસાદી માહોલ છવાશે ત્યાં ગાજવીજ સાથે વરસાદ પડશે

હવામાન વિભાગની માહિતી પ્રમાણે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ હતી તે લૉ-પ્રેશર એરિયા બની ગઈ છે અને હવે તે ભારતના ભૂ-ભાગો પર આગળ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે.

આ સિસ્ટમની અસર ઓડિશા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત સહિતનાં રાજ્યોને થવાની શક્યતા છે અને તેના કારણે મધ્ય ભારત, દક્ષિણ ભારત અને પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વધશે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે મુંબઈમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે.

ગુજરાતમાં 25 સપ્ટેમ્બરના રોજ વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર અને વડોદરા જિલ્લાના ઘણા વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પણ વરસાદનું જોર વધશે. સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, બોટાદ, ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.

26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાય તેવી શક્યતા છે.

આ બંને દિવસોમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, વડોદરા, અમદાવાદ, ખેડા, આણંદ જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, બોટાદ, ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારેથી વરસાદની શક્યતા છે.

વલસાડ, નવસારી, સુરત, ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાના કોઈ વિસ્તારોમાં આગામી ત્રણથી ચાર દિવસોમાં અતિભારે વરસાદ પણ થઈ શકે છે.

ગુજરાતમાં 30 સપ્ટેમ્બરની આસપાસથી વરસાદનું જોર સાવ ઘટી જશે અને ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદ સાવ બંધ થઈ જાય તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ કરતાં 41 ટકા જેટલો વધારે વરસાદ થયો છે, જેમાં સૌથી વધારે સરેરાશ વરસાદ દેવભૂમિ દ્વારકામાં થયો છે અને સૌથી ઓછો વરસાદ બનાસકાંઠા જિલ્લામાં થયો છે.

ગુજરાતના આ જિલ્લામાંથી ચોમાસાની વિદાય શરૂ

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ, કયા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી?

ગુજરાતમાં એક તરફ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને બીજી તરફ રાજ્યમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 23 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના કચ્છ અને રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ હતી.

ભારતમાં સામાન્ય રીતે 17 સપ્ટેમ્બરથી ચોમાસું પરત ફરવાનું શરૂ થતું હોય છે પરંતુ આ વખતે ચોમાસાની વિદાય થોડી મોડી થઈ છે.

જે બાદ 24 સપ્ટેમ્બરના રોજ વધારે વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે, હાલ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી અને પાટણ જિલ્લામાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે.

જ્યારે જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાની વિદાયની જાહેરાત કરી દેવામાં આવી છે.

હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં વરસાદનો આ રાઉન્ડ પૂરો થશે તે બાદ ખૂબ ઝડપથી બીજા વિસ્તારોમાં પણ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે.

એક વખત રાજ્યમાં ચોમાસાની વિદાયની શરૂઆત થાય પછી સામાન્ય સંજોગોમાં 10થી 15 દિવસોમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લઈ લેતું હોય છે.

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે અને એમાં સોરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ નોંધાયો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.