ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે, આ છે હવામાન વિભાગની આગાહી

ઇમેજ સ્રોત, ANI
દિવાળીનો તહેવાર નજીક છે અને ગુજરાતમાં વરસાદે લગભગ વિરામ લીધો છે. વિદાય થતું ચોમાસું છેલ્લે છેલ્લે રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદ વરસાદે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તેની સાથે થોડા દિવસોમાં ઠંડીના ચમકારાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન હવામાન શુષ્ક રહ્યું હતું. હવામાન વિભાગની જાણકારી પ્રમાણે ગુજરાતમાં ઉત્તર પૂર્વીય પવનો નીચલા સ્તરે પ્રવર્તી રહ્યા છે. રાજ્યમાં ગુરુવાર અને શુક્રવારે વાતાવરણ શુષ્ક રહેશે.
આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આગામી 24 કલાક દરમિયાન લધુત્તમ તાપમાનમાં પણ બહુ મોટો ફેરફાર નથી થાય. જોકે, ત્યારબાદ સમગ્ર પ્રદેશમાં ધીમે-ધીમે 2થી 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે તેવી સંભાવના છે.
રાજ્યમાં ગુરુવાર અને શુક્રવારે જિલ્લાઓ જેવા કે ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી સંઘપ્રદેશમાં છૂટાછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ કે પછી ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યના બાકીના વિસ્તારમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.
ખાનગી હવામાન સંસ્થા સ્કાયમૅટના અહેવાલ પ્રમાણે ગુજરાતના દક્ષિણ ભાગમાં સુરત, ભરુચ. ડાંગ,નવસારી, વલસાડઅને સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથ સુધી 16 અને 17 તારીખે હળવો વરસાદ પડી શકે છે. મુંબઈમાં પણ આ દિવસોમાં વરસાદ થવાની શક્યતા છે. ત્યાર પછી ફરીથી હવામાન સ્વચ્છ થઈ જશે.
હાલમાં પાકિસ્તાન અને રાજસ્થાન પર એક ઍન્ટિ-સાઇક્લોન બન્યું છે જે ચોમાસાને પાછળ ધકેલવામાં મદદ કરે છે. તેના કારણે ઉત્તર પશ્ચિમ દિશામાંથી સૂકા પવન આવવા લાગે છે. પરિણામે હાલમાં ગુજરાત અને રાજસ્થાનમાં રાતે તાપમાન ઘટે છે અને દિવસે તાપમાન ઊંચું રહે છે.
આ દરમિયાન સાઉથમાં શ્રીલંકાની નીચે એક લો-પ્રેશર એરિયા બની રહ્યો છે જે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધે અને સેન્ટ્રલ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. ભારતના પશ્ચિમી દરિયાકિનારે તેની ખાસ અસર જોવા નહીં મળે.
આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે? હવામાન વિભાગે પોતાની આગાહીમાં નવું શું જણાવ્યું?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતના કયા જિલ્લામાં પડશે વરસાદ?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતમાં ગુરુવારે કેટલાક પ્રદેશોમાં છૂટાછવાયાં વરસાદની આગાહી છે. ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાઓ અને દમણ તથા દાદરા અને નગર હવેલી સંઘપ્રદેશમાં છૂટાછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ કે પછી ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના બાકીના પ્રદેશમાં વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે.
શુક્રવારે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ જેવા કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, અને દીવ સંઘપ્રદેશમાં છૂટાછવાયાં સ્થળે હળવાથી મધ્યમ વરસાદ કે પછી ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે ડાંગ, તાપી, નવસાદી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયાં સ્થળોએ વરસાદ કે પછી ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યના બાકીના વિસ્તારમાં હવામાન સૂકું રહેશે.
શનિવારે સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેવા કે અમરેલી, ગીર સોમનાથ, અને દીવ સંઘપ્રદેશમાં છૂટાછવાયાં સ્થળે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે કે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડ અને દમણ તથા દાદરા નગર હવેલી સંઘપ્રદેશમાં છૂટાછવાયાં સ્થળોએ મધ્ય વરસાદ કે પછી ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યના બાકીના ભાગોમાં હવામાન શુષ્ક રહેશે.
રવિવારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને દીવ જિલ્લાઓમાં છૂટાછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ કે પછી ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાઓમાં છૂટાછવાયાં સ્થળોએ તથા દમણ, દાદરા અને નગર હવેલી સંઘપ્રદેશમાં પણ વરસાદની સંભાવના છે. ગુજરાતના બાકીના ભાગોમાં હવામાન કોરું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
આજે અને કાલે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં મહત્ત્મ હવામાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.
ગુજરાતમાં કેટલો વરસાદ પડ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
હાલમાં ઉત્તર પ્રદેશના મોટા ભાગના વિસ્તાર, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં અમક વિસ્તારમાંથી વિદાય લઈ લીધી છે.
રાજ્યમાં સરેરાશ વરસાદની સરખામણીએ કુલ 118.12 ટકા વરસાદ પડ્યો છે. જેમાં કચ્છ ઝોનમાં 148.14 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 121.51 ટકા, મધ્ય ગુજરાતમાં 117.09 ટકા, સૌરાષ્ટ્રમાં 108.60 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 123.26 ટકા વરસાદ નોંધાયો છે.
નોંધનીય છે કે આ વખતે રાજ્યમાં ગત વર્ષ કરતાં ઓછો વરસાદ પડ્યો છે. ગત વર્ષે 15 ઑક્ટોબર સુધી રાજ્યમાં કુલ 1243 એમએમ વરસાદ પડ્યો હતો. જે રાજ્યની સરેરાશ કરતાં 140.77 ટકા હતો.
રાજ્યમાં પડેલા વરસાદની છેલ્લી ઉપલબ્ધ વિગતો અનુસાર કચ્છમાં અત્યાર સુધી લગભગ સરેરાશ 715.8 એમએમ, ઉત્તર ગુજરાતમાં 873.41 એમએમ, મધ્યપૂર્વ ગુજરાતમાં 942.36 એમએમ, સૌરાષ્ટ્રમાં 811.94 એમએમ અને દક્ષિણ ગુજરાતમાં 1836.24 એમએમ સરેરાશ વરસાદ પડી ચૂક્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન



























