You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતમાં 'લઘુમતી ઉપર અત્યાચાર'ના પાકિસ્તાનના નિવેદન ઉપર ભારતે શું જવાબ આપ્યો?- ન્યૂઝ અપડેટ
ભારતમાં 'લઘુમતી સમુદાય ઉપર અત્યાચાર', 'નાતાલના તહેવાર દરમિયાન થયેલી તોડફોડ' તથા 'મુસલમાનો વિરુદ્ધ હિંસા' અંગે પાકિસ્તાને નિવેદન આપ્યું હતું, જેના વિશે ભારતે પ્રતિક્રિયા આપી છે.
ભારતના વિદેશ મંત્રાલયે નિવેદન બહાર પાડીને પાકિસ્તાનના દાવાને નકારી કાઢ્યો છે. વિભાગના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યું, "આ બાબતે જેનો રેકૉર્ડ ખૂબ જ ખરાબ છે, એવા દેશે કરેલી ટિપ્પણીને અમે ફગાવીએ છીએ."
"પાકિસ્તાનમાં અલગ-અલગ ધર્મ સાથે સંકળાયેલાં લઘુમતીઓની ઉપર ભયાનક અને આયોજનબદ્ધ અત્યાચાર એ પ્રમાણિત તથ્ય છે. આંગળી ઇઠાવવાથી આ સત્યને છુપાવી ન શકાય."
પાકિસ્તાને સોમવારે નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે 'ભારતમાં લઘુમતીઓ ઉપર જે અત્યાચાર થાય છે, તે ઊંડી ચિંતાનો વિષય છે.'
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર અંદ્રાબીએ કહ્યું, "ભારતમાં લઘુમતી સમુદાય ઉપર અત્યાચાર એ ઊંડી ચિંતાનો વિષય છે. તાજેતરના દિવસોમાં ક્રિસમસ દરમિયાન થયેલી તોડફોડની ઘટનાઓ નિંદનીય છે, મુસલમાનોને ટાર્ગેટ કરીને ચલાવવામાં આવતાં કથિત રાજ્યપ્રાયોજિત અભિયાનો, તેમના ઘરને તોડી પાડવા તથા વારંવાર લિંચિંગની ઘટનાઓને કારણે ભય અને અલગાવની ભાવના વકરી છે."
પ્રવક્તા તાહિર અંદ્રાબીએ વિશેષ કરીને મોહમ્મદ અખલાકના કેસનો ઉલ્લેખ કર્યો અને કહ્યું હતું કે તેમાં દોષિતોને બચાવવાના પ્રયાસ કરવામાં આવ્યા.
પ્રવક્તાએ કહ્યું, "આવા પીડિતોની યાદી ખૂબ જ લાંબી છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે આવી ઘટનાઓ ઉપર ધ્યાન આપવું જોઈએ અને ભારતમાં અસુરક્ષિત સમુદાયોના મૌલિક અધિકારોની સુરક્ષા કરવા માટે યોગ્ય પગલાં લેવાં જોઈએ."
સુપ્રીમ કોર્ટે અરવલ્લીની વ્યાખ્યાને મોકૂફ કરી ત્યારે કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ શું કહ્યું
સુપ્રીમ કોર્ટે અરવલ્લીની પરિભાષા અંગેના પોતાના જ ચુકાદા ઉપર સોમવારે સ્ટે મૂકી દીધો હતો. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને આવકાર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું, "અરવલ્લી રેન્જ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાને મોકૂફ કરવા તથા આ અંગે અભ્યાસ કરવા માટે નવી સમિતિના ગઠન સંબંધિત નિર્દેશોને આવકારું છું."
ભૂપેન્દ્ર યાદવે લખ્યું, "અરવલ્લી રેન્જનાં સંરક્ષણ તથા પુનર્સ્થાપન અંગે પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય પાસેથી જે સહયોગ માંગવામાં આવશે, તેને આપવા માટે અમે પ્રતિબદ્ધ છીએ."
"માઇનિંગ ઉપરનો પ્રતિબંધ સંપૂર્ણપણે અમલી રહેશે. સાથે જ ખાનકામના નવા પટ્ટા આપવા કે જૂના પટ્ટાને રિન્યૂ કરવા ઉપરનો નિષેધ પણ ચાલુ રહેશે."
કેન્દ્ર સરકારની ભલામણોના આધારે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં અરવલ્લીની નવી વ્યાખ્યાનો સ્વીકાર કર્યો હતો. જે મુજબ, જમીનથી ઓછામાં ઓછા 100 મીટર (328 ફૂટ) ઊંચા ભૂભાગને જ અરવલ્લીની ગિરિ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી હતી.
બે કે તેથી વધુ ઊંચા પહાડની વચ્ચે 500 મીટર કે એથી ઓછું અંતર હોય, તો તેની વચ્ચેની જમીનને પણ અરવલ્લી ગિરિમાળાના ભાગરૂપ માનવાનું નિર્ધારિત કરવામાં આવ્યું હતું.
અરવલ્લીની નવી વ્યાખ્યાનો વ્યાપક વિરોધ શરૂ થયો હતો. વિશેષ કરીને રાજસ્થાનના પર્યાવરણવિદ્દો તથા વિપક્ષના નેતાઓએ વિરોધ નોંધાવ્યો હતો.
ભારતમાં લઘુમતી સમુદાયની સ્થિતિ વિશે પાકિસ્તાને ચિંતા વ્યક્ત કરી
ભારતમાં ખ્રિસ્તીઓના તહેવાર 'ક્રિસમસ દરમિયાન થયેલી તોડફોડ' અને 'મુસ્લિમો વિરુદ્ધ હિંસા' અંગે પાકિસ્તાને ચિંતા વ્યક્ત કરી છે અને નિવેદન આપ્યું છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર અંદ્રાબીએ કહ્યું, "ભારતમાં લઘુમતી સમુદાય ઉપર અત્યાચાર એ ઊંડી ચિંતાનો વિષય છે. તાજેતરના દિવસોમાં ક્રિસમસ દરમિયાન થયેલી તોડફોડની ઘટનાઓ નિંદનીય છે, મુસલમાનોને ટાર્ગેટ કરીને ચલાવવામાં આવતાં કથિત રાજ્યપ્રાયોજિત અભિયાનો, તેમનાં ઘરને તોડી પાડવાં તથા વારંવાર લિંચિંગની ઘટનાઓને કારણે ભય અને અલગાવની ભાવના વકરી છે."
પ્રવક્તા તાહિર અંદ્રાબીએ વિશેષ કરીને મોહમ્મદ અખલાકના કેસનો ઉલ્લેખ કર્યો અને કહ્યું હતું કે તેમાં દોષિતોને બચાવવાના પ્રયાસ કરવામાં આવ્યા.
પ્રવક્તાએ કહ્યું, "આવા પીડિતોની યાદી ખૂબ જ લાંબી છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે આવી ઘટનાઓ ઉપર ધ્યાન આપવું જોઈએ અને ભારતમાં અસુરક્ષિત સમુદાયોના મૌલિક અધિકારોની સુરક્ષા કરવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ."
ઉલ્લેખનીય છે કે ભારતમાં ક્રિસમસની ઊજવણી કરી રહેલા લોકો ઉપર અનેક સ્થળોએ હુમલા અને ગેરવર્તાવના અહેવાલ આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટે અરવલ્લી મામલે પોતાના જ ચુકાદા પર રોક લગાવી
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ભલામણો બાદ અરવલ્લીની જે વ્યાખ્યાને સ્વીકાર કર્યો હતો તેના પર રોક લગાવી દીધી છે.
અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યાને લઈને થયેલા વિવાદ બાદ સુપ્રીમ કોર્ટે સુઓમોટો લઈને સોમવારે તેના પર સુનાવણી કરી હતી.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું, "અમે નિર્દેશ આપીએ છીએ કે સમિતિની ભલામણો અને ત્યાર બાદ સુપ્રીમ કોર્ટના નિષ્કર્ષો હાલ સ્થગિત રહેશે. આ મામલે હવે પછીની સુનાવણી 21મી જાન્યુઆરીએ થશે."
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા અરવલ્લીની પરિભાષા બદલવાના નિર્ણય બાદ આખા ઉત્તર ભારતમાં વિરોધપ્રદર્શનો થયાં હતાં.
જોકે, 'અરવલ્લી વિરાસત જન અભિયાન'નાં સંયોજક નીલમ આહલૂવાલિયાએ બીબીસીને જણાવ્યું છે કે "સુપ્રીમ કોર્ટે નવી પરિભાષાના પ્રભાવ પર વિસ્તૃત સ્વતંત્ર અધ્યયનનો આદેશ આપ્યો છે. અરવલ્લી સંરક્ષણની માંગને લઈને જન આંદોલન યથાવત્ જ રહેશે."
સુપ્રીમ કોર્ટે સેંગરની સજા મોકૂફ કરવાના હાઇકોર્ટના નિર્ણય પર રોક લગાવી
સુપ્રીમ કોર્ટે ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરની સજાને સસ્પેન્ડ કરવાના દિલ્હી હાઇકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી છે.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની ખંડપીઠે કહ્યું, "અમે આ તથ્યોથી અવગત છીએ જ્યારે કોઈ ટ્રાયલ કોર્ટ કે હાઇકોર્ટે કોઈ દોષિત કે વિચારાધીન અભિયુક્તને જામીન પર છોડી મૂક્યા છે. સામાન્ય રીતે આ અદાલતે એ વ્યક્તિને સાંભળ્યા વગર આ પ્રકારના આદેશ પર રોક ન લગાવવી જોઈએ."
"આ મામલાની પરિસ્થિતિ અલગ છે. કારણકે પ્રતિવાદી અભિયુક્તને આઈપીસીની કલમ 304-II અંતર્ગત પણ સજા સંભળાવવામાં આવી છે. જે મહિલાના પિતાની ગેર-ઇરાદાતન હત્યાના મામસા સાથે પણ જોડાયેલી છે. અને આ કેસમાં તેઓ હિરાસતમાં છે."
પીઠે કહ્યું, "મામલાની વિશેષ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે એ આદેશ પર રોક લગાવીએ છીએ. એટલે કે અભિયુક્તને આ આદેશના આધાર પર છોડી મૂકવામાં નહીં આવે."
આ પહેલા દિલ્હી હાઇકોર્ટે મંગળવારે એટલે કે 23 ડિસેમ્બરે કુલદીપસિંહ સેંગરની સજાને મોકૂફ કરીને તેમને જમાનત આપી હતી.
ત્યાર પછી રેપ સર્વાઇવર, તેમનાં માતા, ઘણા સામાજિક કાર્યકર્તાઓ સાથે વિપક્ષના નેતાઓએ પણ આ ચુકાદાનો વિરોધ કર્યો હતો.
ચાંદીએ તોડ્યા તમામ રેકૉર્ડ્સ, મહત્તમ ઊંચાઈએ પહોંચી કિંમત
સોમવારે પણ ચાંદીની કિંમતે પોતાની બઢત યથાવત્ રાખી હતી અને એક નવો રેકૉર્ડ બનાવ્યો.
ચાંદીની કિંમત 6 ટકા ઉછળીને 2,54,174 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી જે અત્યાર સુધીની સૌથી ઊંચાઈ પર છે.
આંતરરાષ્ટ્રીય બજારોમાં મજબૂત વલણ અને રોકાણકારોની મજબૂત માંગને કારણે ચાંદીમાં સતત ખરીદારી જોવા મળી રહી છે.
એમસીએક્સ પર ફેબ્રુઆરીની ડિલિવરીનું સોનું 357 રૂપિયા એટલે કે 0.26 ટકાની વૃદ્ધિ સાથે 1,40,230 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પહોંચી ગયું.
ચીને તાઇવાનની આસપાસ શરૂ કરી સૈન્ય કવાયત
ચીને તાઇવાનની આસપાસ સૈન્યાભ્યાસ શરૂ કર્યો છે. જેમાં નાકાબંધી જેવી પરિસ્થિતિના નિર્માણને લગતા અભ્યાસનો સમાવેશ થાય છે.
ચીને કહ્યું છે કે આ અભ્યાસ 'અલગતાવાદી તાકતો'ને ચેતવણી આપવા માટે છે.
ચીની સેનાના જણાવ્યા અનુસાર, આ અભ્યાસોમાં થલસેના, વાયુસેના અને નૌકાદળ તથા રૉકેટ ફોર્સને તહેનાત કરવામાં આવ્યાં છે. આ અભ્યાસોમાં લાઇવ ફાયર ડ્રિલ પણ સામેલ છે.
આ સૈન્યાભ્યાસને 'જસ્ટિસ મિશન 2025' નામ આપવામાં આવ્યું છે.
આ અભ્યાસ અમેરિકા તરફથી તાઇવાનને 11 અબજ ડૉલરનાં મોટાં હથિયારો આપવાના પૅકેજની ઘોષણા બાદ થોડા દિવસો પછી થઈ રહ્યો છે.
અમેરિકાના આ નિર્ણયનો ચીને ભારે વિરોધ કર્યો હતો. તેના જવાબમાં તેણે અમેરિકાની સંરક્ષણ કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યા હતા.
આ વર્ષ તાઇવાન તરફથી પોતાનું સંરક્ષણ મજબૂત કરવા માટેની કરવામાં આવી રહેલી કોશિશોથી ચીન નારાજ છે.
ચીન તાઇવાનને પોતાનો હિસ્સો માને છે, જ્યારે તાઇવાન પોતાને આઝાદ દેશ માને છે.
મૅક્સિકોમાં ટ્રેન અકસ્માત, 13 લોકોનાં મોત, લગભગ 100 જેટલા લોકો ઘાયલ
મૅક્સિકોના વહાકા વિસ્તારમાં એક ટ્રેન પાટા પરથી ઉતરી જતા ઓછામાં ઓછા 13 લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે. આ અકસ્માતમાં લગભગ 100 જેટલા લોકો ઘાયલ પણ થયા છે. આ જાણકારી મૅક્સિકન નૌકાદળે આપી હતી.
ટ્રેનમાં 241 મુસાફરો અને નવ ક્રૂ સભ્યો સવાર હતા.
નૌકાદળે જણાવ્યું કે આ અકસ્માતમાં કુલ 98 લોકો ઘાયલ થયા છે, જે પૈકી 36નો ઇલાજ હૉસ્પિટલમાં થઈ રહ્યો છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રેન નિઝાના શહેરની પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી. મૅક્સિકોના ઍટર્ની જનરલે પુષ્ટિ કરતા કહ્યું છે કે તેમણે જણાવ્યું કે, આ દુર્ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
મૅક્સિકોનાં રાષ્ટ્રપતિ ક્લિયા શીનબૉમે કહ્યું છે કે, ઘાયલોમાંથી પાંચની હાલત ગંભીર છે.
તેમણે કહ્યું કે, નૌકાદળના સચિવ સહિત ઉચ્ચસ્તરના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે.
ધુમ્મસને કારણે ઘણી ફ્લાઇટને અસર થઈ, દિલ્હી ઍરપૉર્ટે શું કહ્યું?
દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પર ધુમ્મસને કારણે ઘણી ફ્લાઇટનું સંચાલન અસર પામ્યું છે.
ઍરપૉર્ટ પર કૅટ-થ્રી પરિસ્થિતિમાં સંચાલન કરવામાં આવી રહ્યું છે.
ધુમ્મસને કારણે ઘણી ફ્લાઇટ મોડી છે અથવા તો રદ કરી દેવામાં આવી છે. જેને કારણે મુસાફરોને પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
દિલ્હી ઍરપૉર્ટ પ્રશાસને મુસાફરો માટે ઍડવાઇઝરી જાહેર કરી છે અને ફ્લાઇટ સાથે જોડાયેલી વિગતો પર નજર રાખવાની સલાહ અપાઈ રહી છે.
પ્રશાસને કહ્યું છે કે તેમની ટીમ આ પરિસ્થિતિમાં મુસાફરોની સહાયતા માટે તત્પર છે અને તેને માટે સક્રિય કામગીરી કરી રહી છે.
શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાની તોફાની બેટિંગ, ભારતની શ્રીલંકા પર જીત સાથે બન્યો આ રેકૉર્ડ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને ચોથી ટી20 આંતરરાષ્ટ્રીય મૅચમાં 30 રને હરાવ્યું હતું.
તિરુવનંતપુરમાં રમાયેલી આ મૅચમાં જીત સાથે ભારતે પાંચ મૅચોની સિરીઝમાં 4-0ની લીડ લઈ લીધી છે.
ભારતે પહેલી બેટિંગ કરતા 20 ઓવરમાં બે વિકેટના ભોગે 221 રન બનાવ્યા હતા. તેના જવાબમાં શ્રીલંકાએ 20 ઓવરમાં છ વિકેટના ભોગે માત્ર 191 રન બનાવ્યા.
ભારત તરફથી શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ શાનદાર અર્ધસદી ફટકારી હતી અને સાથે જ તેમણે રેકૉર્ડ ઓપનિંગ ભાગીદારી કરી.
શેફાલી વર્માએ 79 અને સ્મૃતિ મંધાનાએ 80 રનની પારી રમી હતી. બંનેએ મળીને 162 રનની રેકૉર્ડ ભાગીદારી કરી હતી. આ મહિલા ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો સૌથી મોટો સ્કોર છે.
આ સિરીઝમાં શેફાલી વર્માએ સતત ત્રીજી અર્ધસદી ફટકારી છે.
ઝેલેન્સ્કીને મળીને ટ્રમ્પે પુતિન વિશે શું કહ્યું?
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી તથા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લૉરિડામાં થયેલી પોતાની મુલાકાતને 'શાનદાર' ગણાવી છે.
ઝેલન્સ્કીનું કહેવું છે કે 20 સૂત્રીય શાંતિ યોજના પર '90 ટકા સહમતિ' બની ગઈ છે.
ત્યાં ટ્રમ્પે કહ્યું કે યુક્રેનને માટે સુરક્ષાની ગૅરંટીનો મામલો હવે '95 ટકા સુધીનો નક્કી' થઈ ગયો છે.
જોકે, અમેરિકાના રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે 'એક કે બે ઘણા પેચીદા મુદ્દા' હજુ પણ બાકી છે. તેમના જણાવ્યા અનુસાર, 'જમીન સાથે જોડાયેલો મુદ્દો' સૌથી મુશ્કેલીભર્યો છે.
ટ્રમ્પે એમ પણકહ્યું કે 'ડોનબાસમાં ફ્રી-ટ્રેડ ઝોન'ને લઈને સમજૂતી હજુ નથી થઈ શકી.
પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન એક પત્રકારે સવાલ કર્યો કે યુક્રેનના પુનર્નિર્માણમાં રશિયાની કોઈ જવાબદારી હશે કે કેમ?
તેના પર ટ્રમ્પે કહ્યું કે રશિયા તેમાં મદદ કરશે. તેમણે કહ્યું, "રશિયા ઇચ્છે છે કે યુક્રેન સફળ થાય."
ટ્રમ્પના જણાવ્યા અનુસાર, પુતિન યુક્રેનની સફળતા જોવાની ઇચ્છાને લઈને ઘણા ઉદાર છે. તેમણે કહ્યું કે તેમાં "ઘણી ઓછી કિંમતે ઊર્જા, વીજળી અને અન્ય ચીજોની આપૂર્તિ પણ સામેલ છે."
જોકે, ટ્રમ્પે એમ પણ કહ્યું કે પુતિન યુદ્ધવિરામ માટે હજુ સહમત નથી થયા કારણકે તેઓ લડાઈ રોકીને ફરીથી શરૂ કરવા નથી માગતા.
ટ્રમ્પે કહ્યું, "હું તેમના વલણને સમજી શકું છું."
યુદ્ધ સમાપ્ત થવામાં કેટલો સમય લાગશે? આ સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે કેટલાંક અઠવાડિયાં લાગી શકે છે. પરંતુ તેમ ન પણ થાય.
તેમણે કહ્યું, "કેટલાંક સપ્તાહમાં આપણને ખબર પડી જશે કે તે એક દિશામાં આગળ વધે છે કે બીજી દિશામાં."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન