સુરેન્દ્રનગરમાં જમણવાર પછી 200થી વધુ લોકોની લોકોની તબિયત લથડી, શું કારણ બહાર આવ્યું?
સુરેન્દ્રનગર જિલ્લાના ગોમટા ગામે વાસ્તુ પ્રસંગના જમણવાર દરમિયાન ફૂડ પૉઇઝનિંગની ઘટના બની છે. છાશ પીધા બાદ 200થી વધુ લોકોની તબિયત લથડવાથી તેમને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફૂડ પૉઇઝનિંગથી બાળકો અને મહિલાઓને પણ અસર થઈ છે.
પ્રાથમિક માહિતી પ્રમાણે ફૂડ પૉઇઝનિંગનાં લક્ષણો જોવાં મળ્યાં પછી લોકોને તાત્કાલિક લીંબડી અને વઢવાણની હૉસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જે લોકોને ફૂડ પૉઇઝનિંગની અસર થઈ છે તેમાં મોટા ભાગનાં બાળકો છે.
ગોમટામાં મહેશ કાનાણીના ઘરે વાસ્તુનું આયોજન હતું. તેમણે બીબીસીને જણાવ્યું કે "પ્રસંગના કારણે મારા ઘરે જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યાર પછી લોકોની તબિયત લથડી હતી. આના માટે છાશ કારણભૂત હોય તેમ લાગે છે."
છાશનાં સૅમ્પલ લઈ તપાસ શરૂ કરાઈ

ઇમેજ સ્રોત, SACHIN PITHVA
આરોગ્ય વિભાગના કર્મચારી હાર્દિક સરવાળિયાએ કહ્યું કે "અહીં એક જમણવારનો પ્રસંગ હતો. તેમાં જમ્યા પછી ઘણા બધા લોકોને તાવ, કળતર, ઝાડા-ઊલટી જેવાં લક્ષણો જોવાં મળ્યાં છે. લોકોએ અલગ અલગ હૉસ્પિટલમાં સારવાર લીધી છે."
દરમિયાન ઘટનાની જાણ થતાં સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગની ચાર ટીમ ગોમટા ગામે પહોંચી હતી. આરોગ્ય વિભાગે ફૂડ પૉઈઝનિંગના ચોક્કસ કારણની તપાસ શરૂ કરી છે. શંકાસ્પદ છાશના નમૂનાને લૅબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે.
કુલ 600થી વધારે લોકો જમણવારમાં જોડાયા હતા એવું જાણવા મળ્યું છે. તમામ લોકોની તબિયતનું ચૅકઅપ કરવા માટે સૂચના આપવામાં આવી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



