You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાંગ્લાદેશ : ઢાકામાં ચર્ચ પાસે બૉમ્બ બ્લાસ્ટ, એકનું મોત – ન્યૂઝ અપડેટ
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક બૉમ્બધડાકો થયો છે. બીબીસી બાંગ્લા અનુસાર, પોલીસે પુષ્ટિ કરી છે કે ઢાકાના મગબજાર વિસ્તારમાં દેસી બૉમ્બ બ્લાસ્ટમાં કમ સે કમ એક વ્યક્તિનું મોત થયું છે.
પોલીસનું અનુમાન છે કે બૉમ્બ મગબજાર ફ્લાયઓવર ઉપરથી ફેંકવામાં આવ્યો હતો. ઘટનાસ્થળ પાસે જ ચર્ચ આવેલું છે.
ઢાકા મેટ્રોપૉલિટન પોલીસના રમના ડિવિઝનના ડીસીપી મસૂદ આલમે જણાવ્યું કે ઘટના સંબંધિત લોકોની ઓળખ માટે વિસ્તામરમાં સીસીટીવી ફૂટેજ મેળવીને તેનું વિશ્લેષણ કરાઈ રહ્યું છે.
તેમણે પત્રકારોને કહ્યું કે અગાઉ પણ અલગ-અલગ સમયે ફ્લાયઓવર પરથી દેસી બૉમ્બ ફેંકવાની ઘટના ઘટી ચૂકી છે. આવું ડર પેદા કરવા માટે કરાઈ રહ્યું છે.
પોલીસનું માનવું છે કે આ ઘટનાને ક્રિસમસ સાથે કોઈ લેવાદેવા નથી.
અરવલ્લી વિવાદ મામલે સરકારે લીધો મોટો નિર્ણય
અરવલ્લીના પહાડોની 'નવી પરિભાષા' સામે થતા વિરોધ વચ્ચે પર્યાવરણ, વન તથા જળવાયુ પરિવર્તન મંત્રાલયે એક નિવેદન આપ્યું છે.
નિવેદન અનુસાર, કેન્દ્ર સરકારે રાજ્યોને નિર્દેશ આપ્યો છે કે અરવલ્લી વિસ્તારમાં કોઈ પણ નવી માઇનિંગ લીઝ આપવા પર પૂર્ણ રોક લગાવી છે. આ પ્રતિબંધ પૂરી અરવલ્લી પર્વતમાળા પર સમાન રીતે લાગુ થશે.
કેન્દ્ર સરકારે કહ્યું કે આની પાછળ અનિયંત્રિત ખનનને રોકવાનો હેતુ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નિવેદન અનુસાર, મંત્રાલયે આઈસીએફઆરઈને નિર્દેશ આપ્યો છે કે તેઓ પૂર્ણ અરવલ્લી વિસ્તારમાં એવા અતિરિક્ત વિસ્તાર અને ઝોનની ઓળખ કરે, જ્યાં પહેલાંથી પ્રતિબંધિત ક્ષેત્રો સિવાય પણ ખનન પર રોક લગાવવી જોઈએ.
સરકારે કહ્યું છે કે તે અરવલ્લીની લાંબા સમય સુધી સુરક્ષા માટે પૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.
અરવલ્લી મામલે શું વિવાદ ચાલી રહ્યો છે?
કેન્દ્ર સરકારની ભલામણ બાદ સુપ્રીમ કોર્ટે અરવલ્લીની જે પરિભાષાને સ્વીકાર કરી છે તે અનુસાર આસપાસની જમીનથી ઓછામાં ઓછી 100 મીટર ઊંચી (328 ફૂટ)જમીનના ભાગને અરવલ્લી પહાડ માનવામાં આવશે.
બે અથવા તેનાથી વધારે એવા પહાડો, જે 500 મીટરના દાયરામાં હોય અને તેમની વચ્ચે જમીન પણ હાજર હોય, તો તેમને અરવલ્લી શ્રંખલાનો ભાગ માનવામાં આવશે.
પર્યાવરણવિદોનું કહેવું છે કે માત્ર ઊંચાઈના આધાર પર અરવલ્લીને પરિભાષિત કરવાથી કેટલા એવા પહાડો પર ખનન અને નિર્માણ માટે દરવાજો ખૂલી જવાનો ખતરો પેદા થઈ જશે, જે 100 મીટરથી નાના પહાડો છે, ઝાડીઓથી ઢંકાયેલા છે અને પર્યાવરણ માટે જરૂરી છે.
સુરતના ડુમસમાં એક ઉદ્યોગપતિએ જાહેરમાં ફટાકડા ફોડ્યા બાદ માફી માગતા શું કહ્યું?
સુરતના ડુમસમાં એક ઉદ્યોગપતિએ જાહેરમાં ફટાકડા ફોડતા અને પોલીસના જાહેરનામાના ભંગ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
દીકરાના જન્મદિને ડુમસમાં ઉજવણી કરનાર દીપક ઇજારદાર સામે ડુમસ પોલીસ સ્ટેશનમાં આ ગુનો નોંધાયો છે.
આ ઉજવણીનો વીડિયો પણ સોશિયલમાં ખૂબ વાઇરલ થયો હતો. ત્યાર બાદ પોલીસ પણ હરકતમાં આવી હતી.
ડીસીપી શેફાલી બરવાલે કહ્યું કે "એક વીડિયો વાઇરલ થયો હતો. એ શખ્સનું નામ છે દીપક ઇજારદાર. તેમણે જન્મદિન પર રસ્તામાં ફટાકડા ફોડ્યા હતા. જેવો આ વીડિયો વાઇરલ થયો કે ડુમસ પોલીસે (એસએચઓ) તેની તપાસ કરી હતી. અને તે શખ્સ સામે જાહેરનામા ભંગનો કેસ કરવામાં આવ્યો છે."
વાઇરલ વીડિયોમાં જોવા મળે છે કે ઘણા લોકો રસ્તામાં જાહેરમાં જન્મદિનનું સેલિબ્રેશન કરી રહ્યા છે, ફટાકડા ફોડી રહ્યા છે. તેમજ વાહનોની લાઇનો પણ લાગેલી જોવા મળે છે.
આ વીડિયો વાઇરલ થયા બાદ દીપક ઇજારદારે આ મામલે માફી માગી હતી.
તેમણે એક વીડિયોના માધ્યમથી કહ્યું કે "મારા પુત્રના જન્મદિને અમે જાહેર રસ્તા પર ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. જાહેરમાં ફટાકડા ફોડવાથી સુરત પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ થાય એની મને જાણકારી નહોતી. એ જે કૃત્ય કર્યું એ મારી ભૂલ છે અને હું કબૂલ કરું છું. પોલીસ આ મામલે જે કોઈ તપાસ કરે એમાં હું સહયોગ આપવા તૈયાર છું. લોકોને પણ મારી અપીલ છે કે જાહેરમાં ફટાકડા ફોડીને પોલીસના જાહેરનામાનો ભંગ ન કરવો."
પોલીસે વીડિયોના આધારે વધુ તપાસ શરૂ કરી છે.
વિરાટ કોહલી અને રોહિત શર્માએ આ ટુર્નામેન્ટમાં જબરદસ્ત બૅટિંગ, ટીમને જિતાડી
વિજય હઝારે ટ્રૉફીમાં વિરાટ કોહલી અને રોહિત શર્માએ સદી ફટકારી છે અને પોતાની ટીમોને જીત અપાવી છે.
ગ્રૂપ સી મુકાબલામાં રોહિત શર્માએ સદી ફટકારી હતી જેના લીધે મુંબઈએ સિક્કિમને આઠ વિકેટથી હરાવી દીધું હતું.
સિક્કિમે પહેલાં બૅટિંગ કરતાં સાત વિકેટ પર 236 રન બનાવ્યા હતા જેમાં સિક્કિમ ટીમના આશિષ થાપાની 79 રનની ઇનિંગ્સ મહત્ત્વપૂર્ણ રહી.
લક્ષ્ય હાંસલ કરવાનો પ્રયત્ન કરતા રોહિત શર્માએ જબરદસ્ત બૅટિંગ કરીને 155 રનની ઇનિંગ્સ રમી અને મુંબઈએ 30.3 ઓવરમાં જ મૅચ જીતી લીધી.
ત્યારે, બેંગ્લુરુમાં રમાયેલી એક અન્ય મૅચમાં વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
આંધ્ર પ્રદેશ તરફથી આપવામાં આવેલા 299 રનોના લક્ષ્યનો પીછો કરતા દિલ્હી તરફથી વિરાટ કોહલીએ સદી ફટકારી હતી.
કોહલીએ 101 બૉલમાં 131 રન બનાવ્યા હતા જેમાં 14 ચોગ્ગા અને ત્રણ સિક્સ સામેલ છે.
આ ઇનિંગ્સની મદદથી દિલ્હીએ આંધ્ર પ્રદેશ વિરુદ્ધ સરળ જીત હાંસલ કરી હતી.
ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ કરી ગઠબંધનની જાહેરાત, બંને સાથે કેમ આવ્યા?
મહારાષ્ટ્રના રાજકારણમાં મ્યુનિસિપલ ચૂંટણીનું વાતાવરણ ગરમાતું જાય છે, સાથે રાજકીય પાર્ટીઓમાં પણ હલચલ જોવા મળી રહી છે.
બે ભાઈઓ, રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ મ્યુનિસિપલ ચૂંટણી માટે ગઠબંધનની જાહેરાત કરી છે.
ઠાકરે બંધુ માટે, મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીઓ મહત્ત્વપૂર્ણ છે. આ ચૂંટણી તેમના માટે અસ્તિત્વની લડાઈ બની ગઈ છે. રાજ અને ઉદ્ધવ હવે એકસાથે આ લડાઈ લડવા તૈયાર છે.
શિવાજીપાર્કમાં બંનેએ એક પ્રેસ કૉન્ફરન્સ સંબોધતા શિવસેના (યૂટીબી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, "આજે અમે બંને એકસાથે છીએ, કારણકે અમારી વિચારધારા એક છે."
તેમણે કહ્યું હતું કે અમે સાથે રહેવા માટે ભેગા થયા છે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, "શિવસેના(યૂટીબી) અને નવનિર્માણ સેના (એમએનએસ) એક જ છે."
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ કહ્યું, "મુંબઈમાં મેયર મરાઠી હશે અને અમારા હશે. ટિકિટની વહેંચણીનો પ્રશ્ન ઉપસ્થિત નથી થતો."
જુલાઈમાં તેઓ બંને મરાઠીના મુદ્દે એક મંચ પર એકઠા થયા હતા. હિંદીને ફરજિયાત બનાવવાના નિર્ણયનો વિરોધ કરવા રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે એકસાથે જોવા મળ્યા હતા. હિંદીને ફરજિયાત કરવા મામલે બંને એક સાથે કૂચ કરવાના હતા પરંતુ તે નિર્ણય સરકારે મોકૂફ રાખ્યો અને આ માર્ચ પણ મોકૂફ રહી હતી. જોકે, આ કૂચને બદલે પછી વિજય રેલી કાઢવામાં આવી હતી.
20 વર્ષ પહેલાં રાજ ઠાકરે કેટલાક મતભેદોને કારણે શિવસેનાથી અલગ થઈ ગયા હતા અને તેમણે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના નામનો નવો પક્ષ સ્થાપ્યો હતો.
ઈસરોએ કર્યું એલવીએમ3-એમ6 મિશન લૉન્ચ, અત્યાર સુધીનો સૌથી વજનદાર સેટેલાઇટ અંતરિક્ષમાં પહોંચાડવામાં આવ્યો
ઈસરોએ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં ઉપસ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી એલવીએમ3-એમ6 મિશન લૉન્ચ કર્યું છે. આ થકી અમેરિકાના બ્લૂ બર્ડ બ્લૉક-2 સેટેલાઇટને ઑર્બિટમાં પહોંચાડવામાં આવ્યો છે.
ભારતની સ્પેસ એજન્સી ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)ના આ મિશન પર પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "ભારતના સ્પેસ સેક્ટરમાં મોટી સફળતા."
તેમણે લખ્યું, "સફળ એલવીએમ3-એમ6 લૉન્ચ, જેનાથી ભારતની ધરતી પરથી લૉન્ચ કરવામાં આવેલો સૌથી વજનદાર સેટેલાઇટ, અમેરિકાના સ્પેસક્રાફ્ટ, બ્લૂ બર્ડ બ્લૉક-2ને તેની નક્કી કરેલી ઑર્બિટમાં પહોંચાડી દીધો."
"આ ભારતની સ્પેસ યાત્રામાં એક ગર્વની વાત છે... આ આત્મનિર્ભર ભારતની અમારી કોશિશોને પણ દેખાડે છે."
અમેરિકાના પેન્સિલ્વેનિયામાં એક વિસ્ફોટ, બે લોકોનાં મૃત્યુ
અમેરિકાના પેન્સિલ્વેનિયામાં એક નર્સિંગ હોમમાં વિસ્ફોટને કારણે તેનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેમાં બે લોકોનાં મૃત્યુ થયાં છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે.
મંગળવારે સ્થાનિક સમય અનુસાર બપોરે લગભગ બે વાગ્યે ગૅસની વાસ આવતી હોવાની ખબર મળતા ઇમર્જન્સી ટીમ સિલ્વર લેક નર્સિંગ હોમ પહોંચી ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે, જ્યારે ટીમ પહોંચી તો બિલ્ડિંગમાં વિસ્ફોટ થયો અને ત્યાં આગ લાગી ગઈ.
આ અકસ્માત બાદ પાંચ લોકો લાપતા માનવામાં આવે છે. પરંતુ અધિકારીઓનું કહેવું છે કે તેમને હજુ પાકી ખબર નથી કે તેઓ બિલ્ડિંગમાં હતા કે નહીં. જ્યારે અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
પેન્સિલ્વેનિયાના ગવર્નર જોશ શાપિરોએ કહ્યું કે ઘાયલોની સંખ્યા વિશે ચોક્કસ જાણકારી નથી. વિસ્ફોટનાં કારણોની તપાસ થઈ રહી છે.
લિબિયાના આર્મી ચીફનું ઍરક્રેશમાં મોત
લિબિયાના વડા પ્રધાનનું કહેવું છે કે દેશના આર્મી ચીફનું તુર્કીમાં ઍરક્રૅશમાં મૃત્યુ થઈ ગયું છે.
જનરલ મોહમ્મદ અલી અહમદ અલ-હદ્દાદ તથા ચાર અન્ય લોકો મંગળવારે સાંજે તુર્કીની રાજધાની અંકારાથી ઉપડેલા ફાલ્કન 50 ઍરક્રાફ્ટમાં સવાર હતા.
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર તુર્કીના ગૃહ મંત્રી અલી યેરલિકાયે લખ્યું કે અંકારા ઍરપૉર્ટથી ઉડાન ભર્યાના 42 મિનિટ બાદ, સ્થાનિક સમય મુજબ સાંજે આઠ વાગ્યા અને 52 મિનિટથી બિઝનેસ જેટ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
ત્રિપોલી જઈ રહેલા જેટ સાથેનો સંપર્ક તૂટી ગયો, એ પહેલાં તેણે ઇમર્જન્સી લૅન્ડિંગ માટે રિક્વેસ્ટ મોકલી હતી. આ ઍરક્રાફ્ટનો કાટમાણ અંકારાની દક્ષિણ-પશ્ચિમેથી મળી આવ્યો હતો. આ અકસ્માતનાં કારણો વિશે તપાસ ચાલી રહી છે.
કુલદીપસિંહ સેંગરની સજા મોકૂફી સામે પ્રદર્શન, પોલીસે રેપ સર્વાઇવર તથા તેમનાં માતાને હઠાવ્યાં
વર્ષ 2017માં ઉન્નાવ રેપ કેસમાં દોષિત ઠરેલા કુલદીપસિંહ સેંગરની આજીવન કેદની સજાને મોકૂફ કરતો આદેશ દિલ્હી હાઇકોર્ટે આપ્યો છે.
નવી દિલ્હીના ઇન્ડિયા ગેટ ખાતે રેપ સર્વાઇવર, તેમનાં માતા તથા માનવ અધિકાર કાર્યકર્તા યોગિતા ભાયના સહિતનાં કાર્યકર્તા દેખાવ કરી રહ્યાં હતાં, ત્યારે પોલીસે તેમને ત્યાંથી હઠાવ્યાં હતાં.
ન્યૂઝ એજન્સી એએનઆઈએ એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે દિલ્હી પોલીસ આ દેખાવકારોને બળજબરીપૂર્વક હઠાવી રહી છે. પોલીસનાં આ પગલાંનો કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો.
કૉંગ્રેસનાં નેતા સુપ્રિયા શ્રીનેતે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું, "ઉન્નાવ ગૅંગરેપ પીડિતાની સાથે દેશની રાજધાની દિલ્હીમાં આ શું થઈ રહ્યું છે ? દોષિત આઝાદ ફરશે – અને તેની (પીડિત) સાથે બર્બરતા થશે. આ કેવો ન્યાય છે?"
ઉલ્લેખનીય છે કે કુલદીપ સેંગર ઉત્તર પ્રદેશના ધારાસભ્ય છે અને દિલ્હીની તીસ હજારી કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી.
સીબીસીઆઈએ ખ્રિસ્તીઓ ઉપર હુમલાની ટીકા કરી
મધ્ય પ્રદેશના જબલપુર જિલ્લા ભાજપના પદાધિકારી અંજુ ભાર્ગવ ઉપર ક્રિસમસના એક કાર્યક્રમ દરમિયાન દૃષ્ટિબાધિત મહિલા સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ છે.
આ સિવાય છત્તીસગઢમાં ખ્રિસ્તીઓ વિરુદ્ધ તા. 24 ડિસેમ્બરના બંધનું આહ્વાન કરતાં પોસ્ટર લાગ્યાં છે.
ત્યારે ક્રિસમસની સિઝન પહેલાં દેશનાં કેટલાંક રાજ્યોમાં ખ્રિસ્તીઓ ઉપર હુમલાની કૅથલિક બિશપ્સ કૉન્ફરન્સ ઑફ ઇન્ડિયાએ (સીબીસીઆઈ) ટીકા કરી છે.
બૅંગ્લુરુથી બીબીસીના પ્રતિનિધિ ઇમરાન કુરૈશી જણાવે છે કે સીબીસીઆઈએ એક નિવેદન બહાર પાડ્યું છે.
સીબીસીઆઈએ નિવદેનમાં જણાવ્યું છે, "કૅથલિક બિશપ્સ કૉન્ફરન્સ ઑફ ઇન્ડિયા ક્રિસમસના તહેવારો દરમિયાન આપણા દેશનાં અનેક રાજ્યોમાં ખ્રિસ્તીઓ વિરુદ્ધના લક્ષિત હુમલામાં ખતરનાક વૃદ્ધિ અંગે ઊંડી પીડા વ્યક્ત કરે છે."
"છત્તીસગઢમાં નફરતભર્યા ડિજિટલ પોસ્ટરોનું સર્ક્યુલેશન ચિંતાજનક છે, જેમાં કથિત રીતે તા. 24 ડિસેમ્બર 2025ના ખ્રિસ્તીઓ વિરુદ્ધ બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે, જેના કારણે તણાવ વકરી શકે છે તથા હિંસા ફેલાઈ શકે છે."
કેરળ રાજ્યના પલક્કડ જિલ્લાના પુડ્ડુસ્સેરીમાં કૈરલ (ક્રિસમસ દરમિયાન ગવાતા ખ્રિસ્તી ધર્મગીત) ગાયકો ઉપર રવિવારની સાંજે હુમલો થયો હતો.
તેના વિશે સીબીસીઆઈએ કહ્યું, "શાંતિપૂર્ણ કૈરલગાયકો તથા ચર્ચોમાં પ્રાર્થના માટે એકઠા થયેલા લોકો વિરુદ્ધની આ પ્રકારની ટાર્ગેટેડ ઘટનાઓ, ભારતના બંધારણે આપેલા ધાર્મિક સ્વતંત્રતા તથા કોઈપણ જાતના ભય વગર જીવવા તથા પૂજા કરવાના અધિકારની ગૅરંટીને નબળી પડે છે."
સીબીસીઆઈએ કેન્દ્ર તથા રાજ્ય સરકારોને નફરત તથા હિંસા ફેલાવનારી વ્યક્તિઓ અને સંગઠનો સામે તત્કાળ કાર્યવાહી કરવા અપીલ કરી છે.
સીબીસીઆઈએ પોતાના નિવેદનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને 'કાયદાને કડકાઈપૂર્વક પાલન કરાવવા તથા ઇસાઇ સમુદાયોની સુરક્ષાને સુનિશ્ચિત કરવા' આગ્રહ કર્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન