અરબી સમુદ્રમાં બનશે નવી સિસ્ટમ, ગુજરાત તરફ આગળ વધશે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છે અને કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી રહ્યો છે જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદ સાવ ઓછો થઈ ગયો છે.
ચોમાસામાં સામાન્ય રીતે બંગાળની ખાડીમાં ઉત્ત્પન્ન થતી સિસ્ટમો ગુજરાત પર આવે છે અને રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડે છે.
આ સિવાય અરબી સમુદ્ર, ગુજરાત કે રાજસ્થાન પર બનતી સિસ્ટમો પણ ગુજરાતના વિસ્તારોને અસર કરે છે અને તેના કારણે વરસાદ થતો હોય છે.
હાલ કેટલીક જગ્યાએ એવા સમાચારો ચાલી રહ્યા છે કે અરબી સમુદ્રમાં આગામી દિવસોમાં એક સિસ્ટમ બનશે અને તે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શક્યતા છે.
પરંતુ ખરેખર અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ સર્જાવાની છે, ચોમાસાની વચ્ચે ભારતના દરિયામાં વાવાઝોડાં સર્જાય છે કે નહીં?
અરબી સમુદ્રમાં કઈ તારીખે સિસ્ટમ સર્જાશે?

ઇમેજ સ્રોત, Getty Images
અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાવાની વાતના સમાચાર એ વાતથી આગળ વધ્યા છે કે ગ્લોબલ ફૉરકાસ્ટ સિસ્ટમ એવું દર્શાવી રહી છે કે શ્રીલંકાની પાસે એક સિસ્ટમ બનશે અને તેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
જે બાદ આ સિસ્ટમ ત્યાંથી આગળ વધીને અરબી સમુદ્રમાં આવશે અને પછી તે મજબૂત બને તેવી શક્તાઓ દેખાઈ રહી છે. આવી જ કંઈક સ્થિતિ હવામાન વિભાગ જે આગાહી કરે છે તેના મૉડલમાં પણ દેખાઈ રહી છે.
ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પણ તેના અહેવાલમાં કહ્યું છે કે શ્રીલંકા અને મન્નારની ખાડી પાસે એક ચક્રવાતી હવાનું ક્ષેત્ર એટલે કે એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. સ્કાયમેટનું કહેવું છે કે હાલ આ સિસ્ટમ પ્રાથમિક અવસ્થામાં છે પરંતુ તે આવનારા દિવસોમાં મજબૂત બને તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તાજેતરમાં જ બંગાળની ખાડીમાં બનેલી એક સિસ્ટમ મજબૂત બની હતી અને તે ડીપ ડિપ્રેશન સુધી મજબૂત બની હતી. એટલે કે વાવાઝોડું બનવામાં એક જ સ્ટેપ બાકી હતો, જોકે તે વાવાઝોડામાં પરિવર્તિત નહોતી થઈ અને રાજસ્થાન પરથી પાકિસ્તાન પર જતી રહી હતી.
સ્કાયમેટના કહેવા પ્રમાણે અને હવામાન વિભાગનું જે મૉડલ દર્શાવે છે પ્રમાણે આગામી ચારથી પાંચ દિવસમાં આ સિસ્ટમ વ્યવસ્થિત આકાર લઈ લે તેવી સંભાવના દેખાઈ રહી છે.
આ સિસ્ટમ વાવાઝોડું બનશે અને ગુજરાત તરફ આવશે?

ઇમેજ સ્રોત, IMD
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હાલની સ્થિતિ પ્રમાણે અને જે મૉડલો દર્શાવી રહ્યાં છે તે પ્રમાણે આ સિસ્ટમ મજબૂત બની શકે છે પરંતુ કેટલી મજબૂત બનશે તે અરબી સમુદ્રમાં તે આગળ વધે પછી જ જાણ થઈ શકે છે. લૉ-પ્રેશર એરિયા કે ડિપ્રેશન સુધી આ સિસ્ટમ જઈ શકે છે તેવું હાલ હવામાનના મૉડલો દર્શાવી રહ્યાં છે.
જોકે, યુરોપિયન સેન્ટર ફૉર મીડિયમ રેન્જ વેધર ફૉરકાસ્ટ (ECMWF)નું મૉડલ અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ બનતી હોય તેવું દર્શાવતું નથી. એટલે કે તે આગામી દિવસોમાં સામાન્ય સ્થિતિ રહેશે તેવું દર્શાવે છે.
સ્કાયમેટ તેના અહેવાલમાં કહે છે કે 16-17 ઑગસ્ટની આસપાસ શ્રીલંકા, કોમોરિન અને મન્નારની ખાડી પર એક લૉ-પ્રેશર એરિયા બની શકે છે અને તે બાદ તે મજબૂત થઈ શકે છે. જે બાદ દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર અને માલદિવ્સના વિસ્તારો તરફ આવી શકે છે.
જોકે, સ્કાયમેટનું કહેવું છે કે ચાર પાંચ દિવસોથી વધારે લાંબાગાળા માટે હવામાનના મૉડલો ચોક્કસપણે આગાહી કરી શકતાં નથી એટલે કે આ પ્રકારની આગાહીમાં ઘણી વખત મોટા ફેરફાર થઈ શકે છે.
બીજી તરફ હવામાન વિભાગે પણ એવું કંઈ કહ્યું નથી કે આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાશે. ભારતના દરિયામાં સર્જાતાં વાવાઝોડા પર હવામાન વિભાગ સતત નજર રાખતું હોય છે અને એવી સ્થિતિ સર્જાય તો તે અગાઉથી આગાહી કરતું હોય છે.
આગામી સાત કે આઠ દિવસ પછી અરબી સમુદ્રમાં સિસ્ટમ બની શકે છે પરંતુ તે વાવાઝોડું બને તેવી શક્યતાઓ પર હાલ કંઈ કહી શકાય નહીં. હાલની સ્થિતિ પ્રમાણે તે અરબી સમુદ્રમાં આગળ વધી શકે છે પરંતુ તે ગુજરાત પર જ આવશે તેવું પણ કહી શકાય નહીં. એક વખત સિસ્ટમ બને અને આગળ વધે તે બાદ જ તેના પર કહી શકાશે.
ચોમાસામાં વાવાઝોડાં કેમ સર્જાતાં નથી?

ઇમેજ સ્રોત, Getty Images
નંબર 1: જેમાં દરિયાની જળસપાટી ગરમ હોવી જોઈએ, એટલે કે પાણી ગરમ હોવું જોઈએ. તેનું તાપમાન 26.5 ડિગ્રી સેલ્સિયસથી વધારે હોવું જોઈએ. લગભગ 50 મીટર ઊંડે સુધી આ પાણી ગરમ હોવું જોઈએ.
નંબર 2: પાંચ કિલોમીટરની ઊંચાઈ સુધી ભેજવાળું વાતાવરણ હોવું જોઈએ.
નંબર 3: સામાન્ય પ્રમાણમાં કૉરિયૉલિસ બળની જરૂર પડે છે. પૃથ્વીની ગોળ ફરે છે તેને કારણે જે કારણે જે આભાસી બળ ઉત્પન્ન થાય છે તેને કૉરિયૉલિસ બળ કહે છે.
નંબર 4: વાવાઝોડું બને તે પહેલાં સપાટી પર કોઈ નાની સિસ્ટમ બનેલી હોવી જોઈએ.
નંબર 5: દરિયાની સપાટીથી ટ્રૉપસ્ફિઅર એટલે કે સમતાપમંડળ સુધી ઊભી રીતે હવામાં આવતું પરિવર્તન, જેને વર્ટિકલ વિન્ડ શિયર કહેવામાં આવે છે.
ચોમાસા દરમિયાન જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં સપાટી પરના પવનો મૉન્સુન ટ્રફની પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ તરફથી ફૂંકાતા હોય છે. જ્યારે દક્ષિણપૂર્વથી પૂર્વ તરફના પવનો આ ટ્રફની ઉત્તર તરફથી આવતા હોય છે અને સામાન્ય રીતે તે જમીન કરતાં દરિયાની સપાટી પર વધારે મજબૂત હોય છે.
જ્યારે સપાટીથી ઉપરના પવનો આ વિસ્તારમાં દક્ષિણમાં પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ તરફથી તથા ઉત્તરમાં દક્ષિણપૂર્વ તથા પૂર્વ તરથી આવતા હોય છે.
પશ્ચિમના પવનો છ હજારથી સાત હજાર મીટરની ઊંચાઈએ હોય ત્યારે તેની ગતિ મહત્તમ વધીને 30થી 46 કિલોમીટર પ્રતિકલાકે પહોંચે છે. જયારે પૂર્વના પવનો દોઢ હજાર મીટરની ઊંચાઈએ મજબૂત થાય છે અને મહત્તમ એક હજાર મીટર સુધી મજબૂત રહે છે. જયાં પવનની ગતિ દરિયાઈ પ્રદેશ નજીક 111 કિલોમીટર પ્રતિકલાકથી 150 કિલોમીટર પ્રતિકલાકની આસપાસ હોય છે. સધર્ન લેટિટ્યુડ એટલે કે દક્ષિણના પ્રદેશમાં તો ગતિશીલ પવનની ઊંચાઈ ઘટીને સાડા સાતસોથી અગિયારસો મીટર પર પહોંચી જાય છે. પવનની આ ગતિ અને ઊંચાઈને લીધે મોટા પ્રમાણમાં વર્ટિકલ વિન્ડ શિયર બને છે. જે વાતાવરણમાં વાવાઝોડું તૈયાર થવું મુશ્કેલ છે. તો આ કારણ છે જેને લીધે આપણને જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં વાવાઝોડાં નથી જોવા મળતાં.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)






















