You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં SIR : ડ્રાફ્ટ મતદારયાદી જાહેર થઈ, 73.73 લાખ મતદારોનાં નામ કમી - ન્યૂઝ અપડેટ
ગુજરાતમાં દોઢ મહિના સુધી એસઆઇઆરની કાર્યવાહી ચાલ્યા પછી ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિદ્ધ થઈ છે. તેમાં કુલ 4.34 કરોડ મતદારો નોંધાયા છે જ્યારે 73.73 લાખ મતદારોનાં નામ મતદારયાદીમાંથી કમી કરવામાં આવ્યાં છે.
ચૂંટણપંચના જણાવ્યા પ્રમાણે કુલ 5.08 કરોડ પૈકી 4.34 કરોડ મતદારોના ફૉર્મનું સંપૂર્ણ ડિજિટાઈઝેશન કરવામાં આવ્યું છે. લગભગ 51 હજાર બીએલઓએ રાજ્યમાં ઘરે ઘરે જઈને ફૉર્મ આપીને મતદારોના મેપિંગની કામગીરી કરી છે.
હવે 18 જાન્યુઆરી, 2026 સુધી મતદારો પોતાના વાંધા અને દાવા રજૂ કરી શકશે. 10મી ફેબ્રુઆરી 2026 સુધી ચૂંટણી અધિકારીઓ વાંધા-દાવાઓનો નિકાલ કરશે.
ગુજરાતમાં 27 ઑક્ટોબર 2025થી રાજ્યભરમાં એસઆઇઆરની કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્યાર પછી હવે ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી હારિત શુક્લાએ જણાવ્યું કે બીએલઓ દ્વારા ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં મૃત્યુ પામેલા, કાયમી ધોરણે સ્થળાંતર કરી ગયેલા અને એકસાથે બે જગ્યાએ નોંધાયેલા મતદારોને ઓળખવામાં આવ્યા હતા. ડ્રાફ્ટ મતદારયાદી પ્રકાશિત થઈ તે અગાઉ રાજ્યમાં 5,08,43,436 મતદારો રજિસ્ટર્ડ હતા. ડ્રાફ્ટ મતદારયાદી પ્રમાણે રાજ્યમાં હવે 4,34,70,109 મતદારો છે.
ચૂંટણીપંચે આપેલા ડેટા પ્રમાણે 18 લાખથી વધારે મતદારો અવસાન પામ્યા છે, 9.69 લાખ મતદારો ગેરહાજર હતા, 40.25 લાખ મતદારોએ કાયમી ધોરણે સ્થળાંતર કર્યું છે, 3.81 લાખ મતદારો બે જગ્યાએ નોંધાયેલા હતા અને અન્ય મતદારોની સંખ્યા 1.89 લાખ હતી.
બીએલઓને આ મતદારો મળ્યા નથી કે તેમના ગણતરી ફૉર્મ પરત આવ્યા નથી. તેથી એવું માનવામાં આવે છે કે તેઓ અન્ય જગ્યાએ સ્થાયી થઈને મતદાર બન્યા હશે અથવા હયાત નહીં હોય.
હવે તમારું નામ ડ્રાફ્ટ મતદારયાદીમાં નીચેના માધ્યમથી ચકાસી શકો છોઃ
- વેબસાઇટ http://ceo.gujarat.gov.in
- વોટર પોર્ટલ : voters.eci.gov.in
- ECINET App
- BLO પાસેથીજિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી/ERO/AERO કચેરી ખાતેથી
- તમારું નામ ડ્રાફ્ટ યાદીમાં ન હોય તો મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા માટે ફૉર્મ નં. 6 ભરીને તેની સાથે ડેક્લેરેશન રજૂ કરીને તથા જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઑનલાઇન/ઑફલાઇન અરજી કરી શકો છો.
- ડ્રાફ્ટ મતદારયાદીમાં દર્શાવેલી વિગતોમાં કોઇ ભૂલ હોય તો ડેક્લેરેશન સાથે ફોર્મ નં. 8 ભરીને જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઑનલાઇન/ઑફલાઇન અરજી કરી શકાય છે.
- ડ્રાફ્ટ મતદારયાદીમાં કોઈ પણ પ્રકારનો વાંધો રજૂ કરવા માટે ફોર્મ નં. 7 ભરીને અરજી કરી શકાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'વીબી- જી રામ જી' બિલ પાસ થવાને લઈને રાહુલ ગાંધીએ શું કહ્યું?
લોકસભામાં વિપક્ષ નેતા અને કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર 20 વર્ષ જૂની મનરેગા યોજનાને એક જ દિવસમાં સમાપ્ત કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે નવી 'વીબી- જી રામ જી' યોજનાને 'ગામડા વિરોધી' ગણાવી છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "વીબી- જી રામ જી બિલ, મનરેગાનું પુનર્ગઠન નથી."
"કાલે રાત્રે મોદી સરકારે 20 વર્ષની યોજના મનરેગાને એક જ દિવસમાં પૂરી કરી નાખી."
વિપક્ષના નેતાએ કહ્યું કે મનરેગાએ ગ્રામીણ મજૂરોને સોદેબાજી કરવાની શક્તિ આપી હતી. તેનાથી શોષણ અને મજબૂરીમાં થતું પલાયન ઓછું થયું, કામનું વળતર વધ્યું અને કામની સ્થિતિમાં સુધારો થયો.
તેમણે આરોપ લગાવ્યો કે સરકાર તેમની શક્તિને કમજોર કરવા માગે છે.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કામની સીમા નક્કી કરીને અને કામથી ઇન્કારના રસ્તા બનાવીને આ બિલ ગ્રામીણ ગરીબોના આ એકમાત્ર સહારાને કમજોર કરી રહ્યું છે.
તેમણે કહ્યું કે કોવિડ દરમિયાન જ્યારે અર્થવ્યવસ્થા કમજોર પડી રહી હતી ત્યારે મનરેગાએ કરોડો લોકોને ભૂખ અને કરજમાંથી બચાવ્યા હતા.
તેમણે કહ્યું કે આ યોજનાથી મહિલાઓને સૌથી વધુ ફાયદો થયો. દર વર્ષે અડધાથી વધુ કાર્ય-દિવસ મહિલાઓનાં નામે રહ્યા.
તેમણે કહ્યું કે આ બિલને વગર તપાસે સંસદમાં ઉતાવળે પારિત કરાવવામાં આવ્યું. વિપક્ષની માંગ છતાં તેને સ્થાયી સમિતિ પાસે ન મોકલાયું.
રાહુલ ગાંધીએ કહ્યું કે કૉંગ્રેસ ગ્રામીણ ગરીબોના હક માટે લડશે. તેમણે દેશભરમાં આંદોલન કરવાની વાત કહી.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે રાત્રે 'વીબી- જી રામ જી' બિલ સંસદમાં પારિત થયું જે 20 વર્ષ જૂની મનરેગા યોજનાની જગ્યા લેશે.
'ગૌતમ ગંભીર કોચ નથી...', કપિલ દેવે આમ શા માટે કહ્યું?
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન કપિલ દેવે ગુરુવારે 'કોચ'ની ભૂમિકાને લઈને પ્રતિક્રિયા આપી છે.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરના કામ કરવાની રીતને લઈને તેમની આલોચનાઓ થઈ રહી છે.
દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝમાં ભારતની 0-2થી હાર બાદ ગૌતમ ગંભીર પર અનેક સવાલો ઉઠ્યા હતા.
કપિલ દેવનું કહેવું છે કે આધુનિક ક્રિકેટમાં 'કોચ' શબ્દને ઘણી વખત ખોટો સમજવામાં આવે છે.
ભારતીય ચૅમ્બર ઑફ કૉમર્સના આઈસીસી શતાબ્દી સત્રમાં બોલતા કપિલ દેવે કહ્યું, "આજકાલ કોચ શબ્દ સામાન્ય થઈ ગયો છે."
તેમના મત પ્રમાણે ગૌતમ ગંભીર કોચ નથી, પરંતુ ટીમના મૅનેજર હોઈ શકે છે.
તેમણે સવાલ કર્યો કે જો કોઈ ખેલાડી લેગ સ્પિનર છે કે વિકેટકીપર છે, તો કોઈ એક વ્યક્તિ તેનો કોચ કઈ રીતે થઈ થકે છે. તેમના મત પ્રમાણે આ સ્તરે અસલી જરૂર મૅનેજમેન્ટની હોય છે.
કપિલ દેવે કહ્યું કે મૅનેજરની ભૂમિકા ખેલાડીઓને પ્રોત્સાહન આપવાની હોય છે. જ્યારે કોઈ મૅનેજર બને છે, તો યુવા ખેલાડી તેમના તરફ આશાથી મીટ માંડે છે.
તેમનું કહેવું હતું કે કૅપ્ટન કે કોચની સૌથી મોટી જવાબદારી ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધારવાનો છે. ખાસ કરીને એ ખેલાડીઓનો, જે ખરાબ ફૉર્મથી ઝઝુમી રહ્યા હોય.
કપિલ દેવે કહ્યું છે કે મૅનેજર કે કૅપ્ટનનું કામ એ જ હોય છે કે તેઓ ટીમને ભરોસો અપાવે અને હંમેશાં કહે કે તમે વધુ સારું પ્રદર્શન કરી શકો છો.
ઍપ્સ્ટીન ફાઇલ સાર્વજનિક થાય, તે પહેલાં તસવીરોના નવા સેટમાં શું બહાર આવ્યું?
શુક્રવારે અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા 'ઍપ્સ્ટીન ફાઇલ્સ'ને સાર્વજનિક કરવામાં આવશે. જેમાં સગીર બાળકીઓ તથા મહિલાઓ સાથે જાતીયસંબંધ બાંધવાના આરોપી જેફ્રી ઍપ્સ્ટીન કેસને લગતી વિગતો, દસ્તાવેજ તથા તસવીરો સાર્વજનિક કરવામાં આવશે.
એ પહેલાં અમેરિકાના મુખ્ય વિપક્ષ ડેમૉક્રેટિક પાર્ટીની હાઉસ ઓવરસાઇટ કમિટી દ્વારા 68 તસવીરો બહાર પાડવામાં આવી છે, જેમાં ઍપ્સ્ટીનના કૅરેબિયન દ્વીપ ઉપર કાર્યક્રમના આયોજનનો નક્શો, 'છોકરીઓ મોકલવા સંબંધિત ચૅટ', જાણીતી વ્યક્તિઓના પાસપૉર્ટની વિગતો છે.
તેમાં માઇક્રૉસૉફ્ટના સ્થાપક બિલ ગૅટ્સ, માનવ અધિકાર ચળવળકર્તા અને ડોનાલ્ડ ટ્રમ્પના પૂર્વ સલાહાકર સ્ટિવ બૅનનની તસવીરો છે.
વૉશિંગ્ટન ડીસીસ્થિત બીબીસી સંવાદદાતા બર્નડ ડૅબુસમૅન જુનિયર જણાવે છે કે ઍપ્સ્ટીન ફાઇલ્સ ટ્રાન્સપરન્સી ઍક્ટ હેઠળ આ કેસની વિગતો તા. 19 ડિસેમ્બરના સાર્વજનિક થવાની છે, એ પહેલાં જસ્ટિસ ડિપાર્ટમેન્ટ ઉપર દબાણ વધારવાના હેતુથી આમ કરવામાં આવ્યું હોય શકે છે.
સત્તારૂઢ રિપબ્લિકન પાર્ટીનો આરોપ છે કે વિપક્ષ ડેમૉક્રેટિક પાર્ટી દ્વારા 'અમુક તસવીરો ચૂંટવા'માં આવી છે.
આ પહેલાં પણ તસવીરોના બે સેટ બહાર પાડવામાં આવ્યા હતા. સાથે યાદ રાખવું ઘટે કે આ તસવીરોનો મતલબ કશું ખોટું થયું હોય એવો કે ઍપ્સ્ટીન સાથે સંબંધ હોવાનો નથી.
બાંગ્લાદેશમાં હિંસા, ભારતવિરોધી દેખાવો
બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલનના નેતા અને ઇન્કલાબ મંચ બાંગ્લાદેશના સંયોજક શરીફ ઓસમાન બિન હાદીના મૃત્યુ બાદ સમગ્ર દેશમાં તણાવભર્યો માહોલ પ્રવર્તે છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ લખે છે, ગુરૂવારે રાત્રે ખુલસી ખાતે ભારતના આસિસ્ટન્ટ હાઇકમિશનની બહાર દેખાવકારોએ ધરણા કર્યા હતા.
આ પ્રદર્શનકારીઓએ મૃતકના સમર્થનમાં તથા શેખ હસીનાની અવામી લીગ અને ભારતવિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ અંગે માહિતી મળતા પોલીસે દેખાવકારોને ત્યાંથી હઠાવ્યા હતા અને સુરક્ષાવ્યવસ્થા જાળવી રાખવા માટે ત્યાં પોલીસને તહેનાત કરી દેવામાં આવી છે.
ગત વર્ષે શેખ હસીનાની સામે વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું, ત્યારે હાદી તેનો પ્રમુખ ચહેરો હતા અને બાંગ્લાદેશની ચૂંટણી દરમિયાન અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીજંગમાં ઝંપલાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
ગત શુક્રવારે હાદી ચૂંટણીપ્રચાર કરી રહ્યા હતા, ત્યારે અજાણ્યા બંદૂકધારીઓએ તેમની ઉપર ગોળીબાર કર્યો હતો. એ પછી તેમને ઢાકાની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે સિંગાપોર ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાદીનું મૃત્યુ થયું હતું.
બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે શનિવારે એક દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે અને લોકોને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી છે.
સંસદમાં 'વીબી- જી રામ જી' બિલ પાસ, આખી રાત ધરણા પર બેસી રહ્યા ઘણા વિપક્ષી સાંસદો
સંસદે ગુરુવારે વિપક્ષના જોરદાર વિરોધ વચ્ચે 'વીબી- જી રામ જી' વિધેયક પારિત કરી દીધું. આ વિધેયક યુપીએના સમયથી શરૂ થયેલી મનરેગા યોજનાની જગ્યા લેશે.
મનરેગા અને કેન્દ્ર સરકારના નવા અધિનિયમમાં નામ ઉપરાંત ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે અને વિપક્ષો તેનો વિરોધ કરી રહ્યા છે.
વિધેયકના પારિત થવા બાદ વિપક્ષી નેતા ગુરુવારે રાતે સંસદ પરિસરમાં ધરણા પર બેઠા હતા.
કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે જૂની યોજનાની કમીને દૂર કરવા માટે આ વિધેયક જરૂરી હતું.
વિપક્ષે કહ્યું છે કે તેઓ આ મુદ્દે દેશભરમાં રસ્તા પર ઉતરીને પ્રદર્શન કરશે. કેન્દ્ર સરકારના નવા અધિનિયમને 'વિકસિત ભારત ગૅરંટી ફૉર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)' એટલે કે 'વીબી- જી રામ જી' નામ આપવામાં આવ્યું છે.
ટિક ટૉક તેનો અમેરિકાનો ધંધો વેચશે
સોશિયલ મીડિયા ઍપ ટિક ટૉક બનાવનારી કંપની બાઇટડાન્સે જાહેરાત કરી છે કે તે પોતાનો અમેરિકાનો વ્યવસાય વેચી દેશે.
અમેરિકાની કંપની ઑરેકલ, સિલ્વરલૅક તથા અમિરાતની ઇન્વેસ્ટમેન્ટ કંપની એમજીએક્સ 15-15 ટકા હિસ્સો ખરીદશે. બાઇટડાન્સ પાસે 19.9 ટકા હિસ્સો રહેશે. જ્યારે બાકીના 30.1 ટકા હિસ્સો બાઇટડાન્સના વર્તમાન રોકાણકારો જાળવી રાખશે.
ટિક ટૉકના ચીફ ઍક્ઝિક્યુટિવે કર્મચારીઓને મોકલેલા મેમોમાં આ વાતની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ટિક ટૉકના 17 કરોડ વપરાશકર્તા છે. લાંબા સમયથી અમેરિકાની સરકાર દ્વારા પ્રયાસ ચાલી રહ્યા હતા કે ટિક ટૉકનો અમેરિકાનો વ્યવસાય અમેરિકનોને વેચી દેવામાં આવે.
આના માટે અમેરિકા દ્વારા સિક્યૉરિટીનું કારણ આગળ ધરવામાં આવતું હતું. આ ડિલ 22મી જાન્યુઆરીના થશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન