ટ્રમ્પના 104 ટકા ટૅરિફ સામે હવે ચીનનો પલટવાર, ટૅરિફ વધારીને 84 ટકા કર્યો – ન્યૂઝ અપડેટ

બીબીસી ગુજરાતી, ગુજરાત, ચીન, અમેરિકા, ટ્રમ્પ, જિનપિંગ, ટેરિફ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 8 મિનિટ

અમેરિકા તરફથી લદાયેલા 104 ટકા ટેરિફ પર ચીને જવાબી કાર્યવાહી કરતાં અમેરિકા પર 50 ટકા વધારાનો ટેરિફ લાદ્યો છે. એટલે કે પહેલાંના 34 ટકાના સ્થાને અમેરિકા પર હવે કુલ 84 ટકા ટેરિફ લાગશે.

ચીનના નાણામંત્રાલયે અમેરિકાથી આવતા સામાનો પર આ વધારાનો ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.

મંત્રાલયનું કહેવું છે કે આ નવા દર 10 એપ્રિલના રોજ ચીનના સ્થાનિક સમયાનુસાર 12 વાગ્યાને એક મિનિટથી લાગુ થશે.

આ પહેલાં અમેરિકાએ એલાન કર્યું હતું કે એ ચીન પર 50 ટકા વધારાનો ટેરિફ લાદી રહ્યું છે. આ સાથે ચીન પર કુલ ટેરિફ 104 ટકા થઈ ગયો હતો.

તેમજ અમેરિકા તરફથી લદાયેલા 104 ટકા ટેરિફ પર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું છે કે અમેરિકાના ટેરિફનો સામનો કરવા માટે ચીને પોતાના પાડોશી દેશો સાથેના સંબોધ મજબૂત કરવા જોઈએ.

અમદાવાદમાં રાહુલ ગાંધીએ કહ્યું, 'અમે અનામતની 50 ટકાની મર્યાદા દૂર કરીશું'

બીબીસી ગુજરાતી, ગુજરાત, રાહુલ ગાંધી, કૉંગ્રેસ, કૉંગ્રેસ અધિવેશન, અમદાવાદ

ઇમેજ સ્રોત, Bipin Tankariya

ઇમેજ કૅપ્શન, અમદાવાદમાં યોજાયેલા કૉંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં લોકભાના વિરોધપક્ષના નેતા અને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સંબોધન કર્યું હતું

અમદાવાદ ખાતે યોજાઈ રહેલા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનના બીજા દિવસે પણ ગાંધી પરિવાર સહિત કૉંગ્રેસનાં મોટાં નામો હાજર રહ્યાં હતાં.

આ અધિવેશનને સંબોધતાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારની ટીકા કરી હતી.

આ સિવાય તેમણે ફરી એક વાર જાતિ આધારિત વસતિગણતરી, અનામતની ટકાવારીમાં વધારા અને ટેરિફ સહિતના મુદ્દા ઉઠાવ્યા હતા.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમણે કહ્યું કે, "અમે તેલંગાણામાં જાતિ આધારિત વસતિગણતરી કરાવી છે. એના અમુક મહિના પહેલાં સંસદમાં મારા એક ભાષણમાં મોદીજી સામે આપેલા ભાષણમાં આખા દેશમાં જાતિ આધારિત વસતિગણતરી કરાવવાનો આગ્રહ કરેલો. દેશને કઈ જાતિના કેટલા લોકો આપણી વચ્ચે છે એ વાતની ખબર હોવી જોઈએ."

"મોદીજી અને આરએસએસે જાતિ આધારિત વસતિગણતરી કરાવવાનો ઇનકાર કરી દીધો."

તેમણે અનામતની ટકાવારી વધારવાનો મુદ્દો ઉઠાવતાં કહ્યું કે, "અમે આ દેશમાં અનામતની 50 ટકાની મર્યાદાને તોડીને દૂર કરી દઈશું. તેલંગાણામાં જાતિ આધારિત વસતિગણતરી થયાના તરત બાદમાં અમે ઓબીસીને અનામતની ટકાવારી 42 ટકા સુધી વધારી દીધી છે. તેલંગાણાએ આખા દેશને રસ્તો બતાવ્યો છે. અમે તેલંગાણાથી થયેલી આ શરૂઆતને આખા દેશમાં લાગુ કરીશું."

રાહુલે પોતાના સંબોધનમાં આગળ કહ્યું કે, "યાદ રાખો કે અમે આઝાદી માટે માત્ર અંગ્રેજો સામે નહોતા લડ્યા. અમે અંગ્રેજોની સાથોસાથ આરએસએસની વિચારધારા સાથે પણ લડ્યા હતા. આરએસએસના લોકોની વિચારધારા સ્વાતંત્ર્યસંગ્રામની વિચારધારા નથી."

તેમણે ભાજપ અને આરએસએસ પર આરોપ કરતાં આગળ કહ્યું હતું કે, "જ્યારે ભારતનું બંધારણ દેશમાં લાગુ થયું, બરાબર એ જ દિવસે આરએસએસના લોકોએ દિલ્હીના રામલીલા મેદાનમાં બંધારણનું પુસ્તક બાળી નાખ્યું હતું. તેમની વિચારધારા બંધારણથી વિરુદ્ધ છે, તેઓ લોકશાહીને ખતમ કરવા માગે છે. તેઓ ભારતની તમામ સંસ્થાઓને કન્ટ્રોલ કરવા માગે છે અને અંબાણી-અદાણીને ભારતનું આખું ધન સોંપી દેવા માગે છે."

સામેની બાજુએ તેમણે પોતાના સંબોધનમાં કૉંગ્રેસની વિચારધારાની પણ વાત કરી. રાહુલે કહ્યું કે, "અમારી વિચારધારા કહે છે કે આ દેશ દરેક જાતિ, ધર્મ અને ભાષાનો છે. આ દેશની સંસ્થાઓ કોઈ એક પક્ષની નથી. કૉંગ્રેસની પણ નહીં. આ સંસ્થાઓ દેશની જનતાની છે, અને તેનો જ તેના પર કાબૂ હોવો જોઈએ."

રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં અમુક દિવસો પહેલાં લોકસભામાં રજૂ કરાયેલા વકફ બિલની ટીકા કરી અને તેને દેશના બંધારણ અને ધર્મસ્વાતંત્ર્ય પર આક્રમણ ગણાવ્યું.

"અમે ઇચ્છીએ છીએ કે દરેક ધર્મ, જ્ઞાતિ અને ભાષાના લોકોને આ દેશમાં સન્માન મળે. અમે ઇચ્છીએ છીએ કે આ દેશ બધાનો હોય."

ડૉમિનિક રિપબ્લિકમાં એક નાઇટક્લબ તૂટી પડતાં 98નાં મોત

બીબીસી ગુજરાતી, ગુજરાત, ડૉમિનિક રિપબ્લિક, બીબીસી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, સાન્ટો ડૉમિન્ગોમાં જેટ સેટ નાઇટક્લબ પાસે લોકો એકબીજાને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડતા જોવા મળ્યા હતા

અધિકારીઓ પ્રમાણે ડૉમિનિક રિપબ્લિકના પાટનગર ડૉમિંગો ખાતે નાઇટક્લબની છત તૂટી પડતાં ઓછામાં ઓછાં 98 લોકોનાં મોત થયાં છે. આ ઘટનામાં 150 કરતાં વધુ લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે.

મૃતકોમાં પ્રોવિન્સિયલ ગવર્નર અને ભૂતપૂર્વ મેજર લીગ બેઝબૉલ ઓક્ટાવિઓ ડોટેલ પણ સામેલ છે.

51 વર્ષીય ડોટેલ ઈજાગ્રસ્ત થતાં તેમને હૉસ્પિટલ ખસેડવામાં આવી રહ્યાં હતાં, જે દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

મંગળવારે વહેલી સવારે જેટ સેટ નાઇટક્લબ ખાતે ખ્યાતનામ સિંગર રુબી પેરેઝના કૉન્સર્ટ દરમિયાન આ ઘટના બની હતી. તેમના મૅનેજરે કહ્યું હતું કે આ ઘટનામાં સિંગરનું પણ મૃત્યુ થયું છે.

ઘટના સમયે નાઇટક્લબમાં સેંકડો લોકો હાજર હતા, અને હાલ 400 કરતાં વધુ રાહતબચાવકર્મી ઘટનામાં બચી ગયેલા લોકોને શોધી રહ્યા છે. મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે.

ઇમર્જન્સી ઑપરેશન સેન્ટર (સીઓઇ)ના ડિરેક્ટર યુઆન મેનુએલ મેન્ડેઝે આશા વ્યક્ત કરી કે કાટમાળની નીચે ઘણા લોકો જીવિત ફસાયેલા હશે.

કૉંગ્રેસના અધિવેશનમાં પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટીનું કામ નહીં કરતા નેતા વિશે શું કહ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, 1995ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી, ગુજરાત વિધાનસભાની ચૂંટણી, નરેન્દ્ર મોદી, કેશુભાઈ પટેલ, કૉંગ્રેસ, હિંદુત્વનો એજન્ડા, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી

ઇમેજ સ્રોત, INC/YT

અમદાવાદમાં ચાલી રહેલા કૉંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કૉંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું, "જે લોકો પાર્ટીના કામ હાથમાં નથી લેતા તેમને આરામની જરૂરિયાત છે, જેઓ જવાબદારી નથી નિભાવતા તેમણે નિવૃત્ત થઈ થવું જોઈએ. હવે અમે ઉમેદવારોની પસંદગીમાં જિલ્લા અધ્યક્ષને સામેલ કરીશું. ગુજરાતના સાથીઓને કહીશ કે તમે સંકલ્પ લઈને ઘરમાંથી નીકળી જાવ. સફળતા તમારા પગને ચૂમવા તૈયાર છે."

આ ઉપરાંત તેમણે કૉંગ્રેસના નિર્માણમાં ગુજરાતના યોગદાનનો પણ ઉલ્લેખ કર્યો.

તેમણે કહ્યું, "અહીં જન્મેલી ત્રણ મહાન હસ્તીઓ દાદાભાઈ નવરોજી, મહાત્મા ગાંધી અને સરદાર પટેલે કૉંગ્રેસનું નામ દુનિયાભરમાં રોશન કર્યું. તેઓ કૉંગ્રેસના અધ્યક્ષ રહ્યા છે. અમારા મહાન નેતા સરદાર પટેલે ભારતનાં રાજા રજવાડાંઓનું એકીકરણ કરીને એક મજબૂત રાષ્ટ્ર બનાવ્યું છે."

તેમણે મોદી સરકાર પર પણ પ્રહારો કર્યા. તેમણે કહ્યું, "બેરોજગારીથી બચવા માટે વિદેશમાં કામ કરવા ગયેલા યુવાનોને અમેરિકાએ બેડીઓ બાંધીને ભારત પરત મોકલાઈ રહ્યા છે, પરંતુ નરેન્દ્ર મોદી ચૂપ છે. સામાન્ય સમયમાં ખૂબ જ બોલે છે પરંતુ લોકો પર અન્યાય થાય છે. યુવાનોનો બેરોજગારીનો મુદ્દો આવે તો તેઓ ચૂપ બેસે છે."

ખડગેએ કહ્યું, "ગુજરાતની મોટા ભાગની સંસ્થા કૉંગ્રેસના શાસનમાં બની છે. ચંદીગઢ પછી દેશનું બીજું મૉર્ડન શહેર ગાંધીનગર કૉંગ્રેસની દેન છે. IIM અને ઇસરો મોદીના જમાનામાં બન્યું? શ્વેતક્રાંતિ 2014 પછી થઈ? દૂધની કૉ-ઓપરેટિવ બની એ મોદીના જમાનામાં બની? એવાં મોટાં મોટાં કામ અમારા લોકોએ કર્યાં છે. તો પણ પૂછે છે 70 વર્ષમાં શું કર્યું?"

ભારતીય રિઝર્વ બૅન્કે રેપો રેટ ઘટાડ્યો, શું હોમલોનની ઈએમઆઈ ઓછી થશે?

રેપો રેટ, આરબીઆઈ, ઈએમઆઈ, હપ્તો, લોન, ઘર લોન, કાર લોન, બીબીસી ગુજરાતી, ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, RBI

ભારતીય રિઝર્વ બૅન્કની એસપીસીની બેઠકનાં પરિણામ આવી ગયાં છે. કેન્દ્રીય બૅન્કે ટેરિફના તણાવ વચ્ચે મોટી રાહત આપી છે. આરબીઆઈની એમપીસીની 54મી બેઠક અને નવા નાણાકીય વર્ષ 2025-26ની પહેલી બેઠકમાં રેપો રેટ 0.25 ટકા ઘટાડ્યો છે. હવે રેપો રેટ છ ટકા પર આવી ગયો છે. વર્ષ 2025માં લગાતાર બીજી વખત કેન્દ્રીય બૅન્કે આ પ્રકારની રાહત આપી છે.

આ પહેલા ફેબ્રુઆરીમાં પણ રેપો રેટ 0.25 ટકા ઓછો કર્યો હતો ત્યાર બાદ તે ઓછો થઈને 6.25 ટકા થઈ ગયો હતો. હવે ફરીથી 0.25 ટકા ઘટવાને કારણે રેપો રેટ હવે છ ટકા પર આવી ગયો છે.

ઉલ્લેખનીય છે કે જ્યારે રેપો રેટ ઓછો થાય છે ત્યારે તેનું સીધી અસર બૅન્કના ગ્રાહકોને થાય છે. તેના ઓછા થવાથી લોનની ઈએમઆઈ ઘટી જાય છે. જ્યારે રેપો રેટમાં વધારો થાય છે ત્યારે ઈએમઆઈ વધી જાય છે. રેપો રેટ એ છે જેના પર દેશની કેન્દ્રીય બૅન્ક નાણાની કમીની સ્થિતિમાં વાણિજ્ય બૅન્કને પૈસા ઉધાર આપે છે. રેપો રેટનો ઉપયોગ મૌદ્રિક અધિકારીઓ દ્વારા ફુગાવાને નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે.

મોહમ્મદ યુનૂસ પાસે બાંગ્લાદેશની સરકાર ચલાવવાનો બંધારણીય અધિકાર નથી, શેખ હસીનાએ કહ્યું

શેખ હસીના, બાંગ્લાદેશ, ભારત, નરેન્દ્ર મોદી, બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ,ગુજરાત, સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાએ મંગળવારે પોતાની પાર્ટી અવામી લીગના કાર્યકરો તથા ટેકેદારોને ઑનલાઈન સંબોધિત કર્યાં હતાં.

આ દરમિયાન તેમણે બાંગ્લાદેશમાં અવામી લીગ પર લગાવવાની માંગણી સામે વાંધો ઉઠાવ્યો હતો.

શેખ હસીના હાલમાં ભારતમાં છે.

બાંગ્લાદેશમાં ગયા વર્ષે વિદ્યાર્થી આંદોલન થયા પછી ઑગસ્ટ મહિનામાં હસીના ભારત આવી ગયાં હતાં. ત્યારથી બાંગ્લાદેશ તેમના પ્રત્યાર્પણની માંગણી કરે છે.

અગાઉ પણ શેખ હસીના પોતાની પાર્ટીના કાર્યકરોને ઑનલાઈન માધ્યમથી સંબોધિત કરતાં રહ્યાં છે.

મંગળવારે તેમણે શું કહ્યું?

શેખ હસીનાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, "કોઈએ એ ભૂલવું ન જોઈએ કે બંગબંધુ શેખ મુજીબે અવામી લીગ દ્વારા બંગાળના લોકોને એકજૂથ કર્યા હતા અને દેશને સ્વતંત્રતા અપાવી હતી."

શેખ હસીનાએ પોતાના લાઈવ સેશન દરમિયાન બાંગ્લાદેશની વચગાળાની સરકારના કાર્યકારી મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનૂસને પણ નિશાન બનાવ્યા હતા.

તેમણે કહ્યું કે મોહમ્મદ યુનૂસ પાસે દેશ ચલાવવાનો કોઈ બંધારણીય અધિકાર નથી. હસીનાએ આરોપ લગાવ્યો હતો કે મોહમ્મદ યુનૂસે વિદેશી નાણાં દ્વારા એક 'વ્યવસ્થિત યોજના' હેઠળ સત્તા પ્રાપ્ત કરી હતી.

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાં પ્રધાને પોતાની પાર્ટી પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરવા બદલ એનસીપીના નેતાઓનું નામ લીધા વગર કહ્યું કે "તેમની હિંમત મને નવાઈ પમાડે છે."

તેમણે કહ્યું, "તેમણે એવું વિચારવું ન જોઈએ કે મેં બધું છોડીને દેશ છોડી દીધો છે. બંધારણ મુજબ જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિ અને સંસદ સભ્યો દ્વારા ચૂંટાયેલા ઉમેદવાર તરીકે હું બાંગ્લાદેશની વડાં પ્રધાન છું. તેમની સત્તા (મોહમ્મદ યુનૂસની વચગાળાની સરકાર)નો કોઈ કાનૂની આધાર નથી."

શેખ હસીનાના ભાષણ પર હજુ સુધી બાંગ્લાદેશ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી.

ટ્રમ્પે કહ્યું અમેરિકામાં દવાઓ પર પણ લગાવાશે ટેરિફ

ચીન, અમેરિકા, જિનપિંગ, ટ્રમ્પ, ટેરિફ, બીબીસી ગુજરાતી, ગુજરાત ગુજરાતી સમાચાર, ન્યૂઝ અપડેટ, દવા, ફાર્મી કંપની, મેડિસીન, મેડિકલ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વૉશિંગ્ટન ડીસીમાં એક કાર્યક્રમમાં કહ્યું છે કે અમેરિકા દવાઓ પર પણ ટેરિફ લગાવવાનું છે.

તેમણે કહ્યું, "અમે એક જરૂરી પગલું ઉઠાવવાના છે. જ્યારે અમે દવાઓ પર પણ ટેરિફ લગાવીશું તો વિદેશી કંપનીઓ અમેરિકામાં દવા બનાવવા માટે પરત આવશે. કારણકે, અમેરિકા દવાનું સૌથી મોટું બજાર છે."

ટ્રમ્પે દાવો કર્યો કે તેનાથી દવા કંપનીઓ પર દબાણ વધશે જેથી તે કંપનીઓ ચીન જેવા દેશમાં પોતાનો કારોબાર હઠાવીને અમેરિકામાં ફૅક્ટરી લગાવશે જેથી તેઓ અમેરિકામાં દવા વેચી શકે.

પહેલાં જ્યારે ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફ લગાવ્યો ત્યારે દવાઓ પર છૂટ આપી હતી પરંતુ ટ્રમ્પ પહેલાથી જ કહેતા આવ્યા છે કે તેઓ દવાઓ પર અલગથી ટેરિફ લગાવશે. આ નિર્ણયની ભારતમાં રહેલી દવાની કંપનીઓ પર મોટી અસર થઈ શકે છે.

અમેરિકાએ ચીન પર 104 ટકા ટેરિફ લગાવ્યો

ચીન, અમેરિકા, જિનપિંગ, ટ્રમ્પ, ટેરિફ, બીબીસી ગુજરાતી, ગુજરાત ગુજરાતી સમાચાર, ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર 50 ટકા વધારાનો ટેરિફ ઝીંક્યો છે. હવે ચીન પર કુલ ટેરિફ 104 ટકા થઈ ગયો છે. એટલે કે અમેરિકા પહોંચનારો ચીની સામાન પર કુલ 104 ટકા આયાત શુલ્ક લાગશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઇટ હાઉસ તરફથી જારી એક દસ્તાવેજમાં તેની પુષ્ટિ થઈ છે.

વ્હાઇટ હાઉસ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે ચીનની અમેરિકા સામે જવાબી કાર્યવાહીની ઘોષણા બાદ આ પગલું ઉઠાવાયું છે.

પોતાના બીજા કાર્યકાળમાં ટ્રમ્પે ચીન પર 20 ટકા ટેરિફ લાગવ્યો હતો. ત્યાર બાદ ટ્રમ્પે જ્યારે દુનિયાના દેશો સામે ટેરિફ લગાવ્યો ત્યારે ચીન પર 34 ટકા રેસિપ્રોકલ ટેરિફ લગાવાયો. હવે વધુ 50 ટકા ટેરિફ લગાવાયો છે. આમ ચીન પર કુલ ટેરિફ વધીને 104 ટકા થઈ ગયો છે.

અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર નવા ટૅરિફ લગાવવાની ચેતવણી આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે જો ચીને અમેરિકા પર લગાવેલા પોતાના 34 ટકા ટૅરિફ પાછા ન ખેંચ્યા તો તેઓ મંગળવારથી ચીન પર નવા ટૅરિફ લગાવશે.

ટ્રમ્પે કહ્યું હતું કે ચીન પર જે નવા ટૅરિફ લગાવવામાં આવશે તે 50 ટકા હશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલયે કહ્યું હતું કે તેઓ 9 એપ્રિલથી ચીનથી અમેરિકા આવતી વસ્તુઓ પર 34 ટકા લેવી લગાવશે, ત્યાર બાદ ચીને શુક્રવારે અમેરિકા પર પણ આવી રીતે ટૅક્સ લગાવવાની જાહેરાત કરી હતી.

આ દરમ્યાન ડોનાલ્ડ ટ્રમ્પે 'ટ્રૂથ સોશિયલ' પર ટૅરિફ સાથે જોડાયેલી પોતાની નીતિઓનો બચાવ કર્યો.

પોતાના બચાવમાં ટ્રમ્પે લખ્યું કે, "દુનિયાભરના દેશો અમારી સાથે વાત કરી રહ્યા છે. આ વાતચીત માટે એક મુશ્કેલ પરંતુ ઉચિત માપદંડ નક્કી કરવામાં આવ્યાં છે."

ટ્રમ્પે કહ્યું કે તેમણે સ્થાનિક સમય અનુસાર સોમવાર સવારે જાપાનના વડા પ્રધાન શિગેરૂ ઇશિબા સાથે વાત કરી છે અને કહ્યું છે કે તેમના દેશના વેપારના મામલામાં અમેરિકા સાથે ખરાબ વર્તન થયું છે.

ટ્રમ્પ કહે છે, "તેઓ અમારી કાર નથી ખરીદતા, પરંતુ અમે તેમની લાખો કાર ખરીદીએ છીએ. આવી જ પરિસ્થિતિ કૃષિ અને અન્ય વસ્તુઓ સાથે પણ છે."

ટ્રમ્પે કહ્યું કે, "આ પરિસ્થિતિ બદલવી પડશે, ખાસ કરીને ચીને."

ચીને પણ અગાઉ કહ્યું હતું કે તે અમેરિકાની ધમકીને સ્વીકાર નહીં કરે અને તેની સામે અંત સુધી લડશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.