You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજુ કરપડાના નિવેદન બાદ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું? – ન્યૂઝ અપડેટ
આમ આદમી પાર્ટીના વીસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રાજુ કરપડાના નિવેદન બાદ પ્રતિક્રિયા આપી છે.
તેમણે કહ્યું કે "રાજુભાઈ પ્રત્યે મને નારાજગી નથી. દુ:ખ એ વાતનું છે કે તેમણે ભાજપનો હાથો બનીને ખેડૂતના નિસાસા લીધા છે. ખેડૂતોને આશા જાગી હતી એવે સમયે તેમણે આ પાપ કર્યું છે. જેલ જવાથી બચવા માટે તેમણે ખેડૂત આંદોલનનો બલિ ચડાવ્યો."
"જેલની બીકે તેઓ આવા આરોપો લગાવશે, બોલશે એવું હું માની શકતો નથી. મારાથી નારાજગી હોય તો દિલ્હી ફરિયાદ કરવી હતી, સોશિયલ મીડિયા પર બધું લખવું જોઈતું હતું. પાર્ટીએ રાજુભાઈના સમર્થનમાં 8 જનસભાઓ કરી હતી. કેજરીવાલ પણ રાજકોટ આવ્યા હતા."
ગોપાલ ઇટાલિયાએ રાજુ કરપડાના આરોપોનો જવાબ આપતાં કહ્યું હતું કે, "રાજુભાઈએ ઘણી ખોટી વાત કરી છે. ઠીક છે, ભાજપમાં જવા તેમને ખોટું બોલતા શીખવું પડે. તેમણે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે ક્યારે, ક્યાં બેઠક કરી એ બધી અમને ખબર છે."
તેમણે કહ્યું હતું કે, "આજે જ કોર્ટમાં સુનાવણી હતી અને તેમાં સજા ન થાય એટલે તેમણે પ્રેસ કૉન્ફરન્સ કરીને આરોપો લગાવ્યા. અમારે વધુ કંઈ કહેવું નથી, કારણ કે રાજુ કરપડા કે ગોપાલ ઇટાલિયા મહાન નથી, સમય મહાન છે."
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના ખેડૂત નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી અચાનક રાજીનામું આપી દીધું છે.
બુધવારે રાજીનામાની જાહેરાત કર્યા પછી રાજુ કરપડાએ ગુરુવારે એક પત્રકારપરિષદ યોજી હતી જેમાં તેમણે રાજીનામાનાં કારણો આપ્યાં હતાં.
આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ યોજેલી પત્રકારપરિષદમાં ખેડૂત નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'હું જેલમાંથી બહાર નહીં આવું તે માટે આપના કેટલાક નેતાઓએ પ્રયાસ કર્યો'- રાજુ કરપડા
આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ યોજેલી પત્રકાર પરિષદમાં ખેડૂત નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
રાજુ કરપડાએ કહ્યું, "જ્યારે હું જેલમાં હતો ત્યારે હું તેમાંથી બહાર નહીં આવું તે માટે આપના કેટલાક નેતાઓએ પ્રયાસ કર્યો હતો."
તેમણે કહ્યું કે તેમની જ પાર્ટીના નેતાઓએ તેમને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું, "હું જ્યાં સુધી આપમાં હતો ત્યાં સુધી વફાદાર હતો અને પાર્ટીને મજબૂત કરવા પ્રયત્ન કર્યો હતો. મેં જેલની હવા ખાધી છે. જે ખેડૂતોએ ક્યારેય પોલીસ સ્ટેશન નહોતું જોયું તેમણે પણ જેલવાસ ભોગવવાનો વારો આવ્યો હતો."
તેમણે કોઈ નેતાનું નામ નહોતું આપ્યું પરંતુ તેમણે ઇશારો આપતા કહ્યું, "જો હું બિનરાજકીય રીતે ખેડૂતોની આ લડાઈ લડ્યો હોત તો 307 જેવી કલમો ન લાગી હોત. બે રાજકીય પક્ષોની લડાઈમાં મને લાગે છે કે ખેડૂતો ભોગ બન્યા."
"જે પાર્ટીને મજબૂત બનાવવા મેં સમય આપ્યો છે તેના વિશે ખરાબ નથી બોલવું. વીસાવદરમાં ગોપાલભાઈને જીતાડવા મેં રાત-દિન એક કર્યા. પાર્ટીએ કીધું હતું કે હાઇકોર્ટના સારામાં સારા વકીલ આવશે, પહેલી સુનાવણીમાં કોઈ વકીલ હાજર નહોતો."
"કાયદા કથા કરનારી વ્યક્તિ જ્યારે પાર્ટીના લોકોને કાયદાની જરૂર હોય ત્યારે માર્ગદર્શન આપી ન શકે એ કેવું? પક્ષના પ્રદેશ લેવલના નેતાઓએ જ એવી કોશિશ કરી કે રાજુ કરપડા વધુ સમય જેલમાં રહે. ત્યારે મેં નક્કી કર્યું હતું કે હવે જે પણ કંઈ થશે એ બિનરાજકીય રીતે થશે."
બીબીસી સહયોગી સચીન પીઠવાનાના જણાવ્યા પ્રમાણે ટૂંક સમયમાં આપના બીજા કાર્યકરો કે જે રાજુ કરપડાના સમર્થકો છે, તેઓ પણ તેમના સમર્થનમાં આપમાંથી રાજીનામા આપી શકે છે.
ઉલ્લેખનીય છે કે બુધવારે કરપડાએ રાજીનામું આપ્યું ત્યાર પછી લગભગ આપના તમામ વરિષ્ઠ નેતાઓએ તેમના રાજીનામા પાછળ ભાજપ હોવાના આરોપ લગાવ્યા હતા. જોકે, ભાજપે આ આરોપો નકારી કાઢ્યા હતા.
જ્યાં સુધી તેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ન આપ્યું હતું ત્યાર સુધી તેઓ આમ આદમી પાર્ટીના ગુજરાતની પ્રદેશ કિસાન પાંખના અધ્યક્ષ હતા.
બાંગ્લાદેશમાં આજે ચૂંટણી, મોહમ્મદ યુનુસે કર્યું મતદાન
બાંગ્લાદેશમાં આજે (ગુરુવાર) 12 કરોડથી વધુ લોકો નવી સરકાર પસંદ કરવા માટે મતદાન કરી રહ્યા છે. દેશભરમાં મતદાન શરૂ થઈ ગયું છે અને તે સ્થાનિક સમય અનુસાર સાંજે 04:30 વાગ્યા સુધી ચાલશે.
આ વર્ષ 2024માં થયેલાં આંદોલનો બાદની પ્રથમ ચૂંટણી છે. આ યુવા નેતૃત્વવાળાં આંદોલનોએ ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાને સત્તાથી હઠાવી દીધાં હતાં.
નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં એક અંતરિમ સરકાર, હસીનાના દેશ છોડીને ગયાં બાદથી બાંગ્લાદેશનું સંચાલન કરી રહી છે.
મોહમ્મદ યુનુસે પણ આજે મતદાન કર્યું હતું.
આ આંદોલન દરમિયાન ઓછામાં ઓછા 1,400 પ્રદર્શનકારીઓનાં મોત થયાં હતાં. શેખ હસીના પર પ્રદર્શનકારીઓ સામે 'કાર્યવાહીના સીધા આદેશ આપવાનો આરોપ' છે — જેને તેઓ નકારી ચૂક્યાં છે.
ગયા વર્ષે નવેમ્બરમાં બાંગ્લાદેશની એક અદાલતે 'માનવતા વિરુદ્ધ અપરાધો'ના કેસમાં શેખ હસીનાને મોતની સજા સંભળાવી હતી.
તેમની પાર્ટી અવામી લીગને આ ચૂંટણીમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ ચૂંટણીમાં હવે બાંગ્લાદેશ નૅશનાલિસ્ટ પાર્ટી (BNP) અને જમાત એ ઇસ્લામી, એક ઇસ્લામિક રાજકીય પાર્ટી, વચ્ચે મુકાબલો છે. જમાત એ ઇસ્લામીએ વિદ્યાર્થી આંદોલનમાંથી ઉભરી આવેલી એક પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે.
લોકો નવી સરકાર માટે મતદાન કરી રહ્યા છે અને સાથે જ બંધારણમાં ફેરફાર માટેના જનમતમાં પણ ભાગ લઈ રહ્યા છે.
રાજુ કરપડા : આપ છોડ્યા બાદ આ ખેડૂત નેતા આજે કેમ કરી રહ્યા છે પ્રેસ કૉન્ફરન્સ?
ખેડૂત આગેવાન રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી આશ્ચર્યજનક રીતે રાજીનામું આપી દીધા પછી આજે તેઓ રાજકોટમાં એક પત્રકાર પરિષદ કરવાના છે જેમાં અટકળો છે કે તેઓ આપ છોડવાનાં કારણો જણાવશે.
બીબીસીના સહયોગી સચીન પીઠવાના અહેવાલ પ્રમાણે રાજુ કરપડા પોતાના રાજીનામા પાછળનાં કારણો વિશે મીડિયાને જણાવશે.
સચીન પીઠવાના અહેવાલ મુજબ રાજુ કરપડાના સ્વજનોએ મીડિયાને જણાવ્યું હતું કે તાજેતરમાં બોટાદના ખેડૂત આંદોલન પછી રાજુ કરપડાએ જેલ જવું પડ્યું હતું, તે દરમિયાન તેમને આપમાંથી યોગ્ય સમર્થન મળ્યું ન હોવાથી તેમણે રાજીનામાનો નિર્ણય લીધો હતો.
બુધવારે રાજુ કરપડાના સમર્થનમાં આપના કેટલાક આગેવાનોએ ચોટીલા નજીક એક ફાર્મ હાઉસમાં બેઠકો કરી હોવાના અહેવાલ છે.
સચીન પીઠવનાના જણાવ્યા પ્રમાણે ટૂંક સમયમાં આપના બીજા કાર્યકરો કે જે રાજુ કરપડાના સમર્થકો છે, તેઓ પણ તેમના સમર્થનમાં આપમાંથી રાજીનામા આપી શકે છે.
ઉલ્લેખનીય છે કે બુધવારે કરપડાએ રાજીનામું આપ્યું ત્યાર પછી લગભગ આપના તમામ વરિષ્ઠ નેતાઓએ તેમના રાજીનામા પાછળ ભાજપ હોવાના આરોપ લગાવ્યા હતા. જોકે, ભાજપે આ આરોપો નકારી કાઢ્યા હતા. ત્યારે આજની રાજુ કરપડાની પ્રેસ કૉન્ફરન્સમાં આ મામલે પણ ખુલાસો થાય તેવી સંભાવના સચીન પીઠવાએ વ્યક્ત કરી હતી.
ટી20 વર્લ્ડકપ : નામિબિયાના કૅપ્ટને કહ્યું કે દિલ્હીમાં રાતે પ્રૅક્ટિસ કરવાની તક ન મળી
નામિબિયાના કૅપ્ટન જેરહાર્ડ ઇરાસ્મસે ભારત સાથે રમાનારી મૅચ અગાઉ પહેલી પ્રિ-મૅચ કૉન્ફરન્સમાં આરોપ લગાવ્યો છે કે ભારતીય ટીમને 'કથિત અનુચિત લાભ' અપાયો છે.
ઇરાસ્મસે મૅચના કાર્યક્રમ વિશે સવાલ કરતા કહ્યું કે, "દિલ્હીમાં ભારતને બે વખત રાતે પ્રૅક્ટિસ કરવાની તક મળી, જ્યારે નામિબિયાને એક પણ સત્ર ન મળ્યું."
તેમણે જણાવ્યું કે "આ મૅચ અગાઉ અમને એક પણ રાતનું સેશન નથી મળ્યું. મને ખબર નથી કે શા માટે. મારું માનવું છે કે ભારતને બે રાતનાં સેશન મળ્યાં છે. તમે તેમાંથી જે નિષ્કર્ષ કાઢવો હોય તે કાઢી શકો છો."
નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ગ્રૂપ સ્ટેજમાં ટુર્નામેન્ટના સહ-મેજબાન અને હાલના ચૅમ્પિયન ભારત અને નામિબિયા વચ્ચે મૅચ છે.
કૅનેડાની શાળામાં ગોળીબારઃ 18 વર્ષીય કથિત હુમલાખોરની ઓળખ થઈ
કૅનેડાના બ્રિટિશ કોલંબિયામાં એક શાળામાં થયેલી ગોળીબારની ઘટનામાં આઠ લોકોનાં મોત થયાં છે અને કેટલાકને ઈજા થઈ છે. આ અંગે પોલીસે 18 વર્ષીય એક વ્યક્તિની શંકમંદ તરીકે ઓળખ કરી છે.
પોલીસે કહ્યું છે જેસી વેન રુટસેલર ઘટનાસ્થળે મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમના શરીર પર પોતાને ગોળી મારવાના નિશાન હતા. હુમલા પાછળનો હેતુ હજુ જાણી શકાયો નથી.
ટમ્બલર રિઝ સેકન્ડરી સ્કૂલમાં છ લોકોનાં મોત થયાં અને ઓછામાં ઓછા બીજા 25ને ઈજા થઈ હતી. બીજા બે લોકો નજીકના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમાં શકમંદ હુમલાખોરનાંં 39 વર્ષીય માતા અને 11 વર્ષીય સાવકો ભાઈ પણ સામેલ છે.
અધિકારીઓએ કહ્યું કે "વેન રુટસેલર જન્મથી પુરુષ હતા, પરંતુ પોતાની ઓળખ મહિલા તરીકે આપતાં હતાં."
રૉયલ કૅનેડિયન માઉન્ટેડ પોલીસના ડેપ્યુટી કમિશનર ડ્વેન મૅકડૉનાલ્ડે જણાવ્યું કે "હું કહી શકું કે તેઓ પુરુષ તરીકે પેદા થયા હતા, જેમણે લગભગ છ વર્ષ અગાઉ મહિલા તરીકે બદલાવની પ્રક્રિયા શરૂ કરી હતી."
અધિકારીઓના માનવા પ્રમાણે આ ઘટનામાં બીજા કોઈ શકમંદનો હાથ નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન