લાલ કિલ્લા બ્લાસ્ટ : NIAએ કરી વધુ એક ધરપકડ, શું માહિતી આપી?- ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

દિલ્હીમાં 10 નવેમ્બરના લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટ મામલામાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ વધુ એક ધરપકડ કરી છે.

એનઆઈએએ સોમવારના એક નિવેદનમાં આ માહિતી આપી છે.

આ નિવેદન અનુસાર કાશ્મીરના રહેવાસી જસીર બલાલ વાણીની એનઆઈએની ટીમે શ્રીનગરથી ધરપકડ કરી છે. જસીર જમ્મુ અને કાશ્મીરના અનંતનાગના કાજીગુંડનો રહેવાસી છે.

એનઆઈએએ નિવેદનમાં કહ્યું છે કે જસીરે આતંકવાદી હુમલામાં કથિત રીતે તકનીકી મદદ આપી હતી. તેણે ઘાતક કાર બૉમ્બ વિસ્ફોટ પહેલાં રૉકેટ બનાવવાની કોશિશ પણ કરી.

એજન્સીએ દાવો કર્યો કે જસીર કાર બ્લાસ્ટ સાથે જોડાયેલા આત્મઘાતી હુમલાખોર ઉમર ઉન નબી સાથે સહ કાવતરાખોર હતો.

10 નવેમ્બરની સાંજે લાલ કિલ્લા પાસે કાર બૉમ્બ બ્લાસ્ટમાં 10 લોકોનાં મોત થયાં હતાં. 32 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

બાંગ્લાદેશે કહ્યું, "ભારત તરત શેખ હસીનાનું પ્રત્યર્પણ કરે"

બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે શેખ હસીનાને સોંપી દેવા માટેની માગ ભારતને કરી છે.

બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે શેખ હસીનાના પ્રત્યર્પણની માગ કરતાં કહ્યું છે કે, "આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાલયના ચુકાદામાં ભાગેડુ શેખ હસીના અને અસદુઝ્ઝમાં ખાન કમાલ દોષી સાબિત થયાં છે. બંને દેશો વચ્ચેની પ્રત્યર્પણ સંધિ અનુસાર તેમને સોંપી દેવા એ ભારતનું દાયિત્વ બને છે."

વિદેશ મંત્રાલયે તેના નિવેદનમાં કહ્યું છે કે, "અમે ઇચ્છીએ છીએ કે ભારત સરકાર શેખ હસીના અને અસદુઝ્ઝમાં ખાન કમાલને તરત જ બાંગ્લાદેશના અધિકારીઓને સોંપે. માનવતા સામેના અપરાધોના દોષી આ વ્યક્તિઓને કોઈપણ દેશ જો શરણ આપે છે તે અમિત્ર વ્યવહાર અને ન્યાયની અવમાનનાનું ગંભીર કૃત્ય ગણાશે."

બાંગ્લાદેશે શેખ હસીનાના પ્રત્યર્પણની વિનંતી કરતા અનેક પત્રો સત્તાવાર રીતે મોકલ્યા છે. જોકે, ભારતે આ વિનંતીઓનો કોઈ જવાબ આપ્યો નથી.

પત્રકારોના પ્રશ્નોના જવાબમાં બાંગ્લાદેશના વિદેશ સલાહકારે ઘણી વખત જણાવ્યું હતું કે બાંગ્લાદેશે તેમના પરત મોકલવા માટે પત્રો મોકલ્યા છે, પરંતુ ભારત તરફથી કોઈ સકારાત્મક પ્રતિભાવ મળ્યો નથી.

બીજી તરફ બાંગ્લાદેશનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાએ ઢાકા કોર્ટના નિર્ણયની સખત ટીકા કરી છે અને તેને 'પક્ષપાતી અને રાજકીય રીતે પ્રેરિત' ગણાવ્યો છે.

તેમણે જાહેર કરેલા નિવેદનમાં કહ્યું છે કે, "મૃત્યુદંડ એ વચગાળાની સરકારનો રાજકીય દળ તરીકે અવામી લીગને (શેખ હસીનાની પાર્ટી) ગેરકાયદેસર ઠેરવવાનો રસ્તો છે."

શેખ હસીનાને બાંગ્લાદેશની કોર્ટે સંભળાવી મૃત્યુદંડની સજા, કોર્ટે શું કહ્યું?

બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાધિકરણે પૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાને માનવતા સામે અપરાધ બદલ દોષિત ઠેરવતા મોતની સજા સંભળાવી છે.

શેખ હસીના પર ગત વર્ષે જુલાઈ-ઑગસ્ટમાં થયેલા વિદ્રોહ દરમિયાન માનવતા વિરુદ્ધ અપરાધના આરોપો નક્કી કરવામાં આવ્યા હતા.

ભારતમાં શરણ લઈ રહેલાં શેખ હસીનાની ગેરહાજરીમાં તેમની સામે કેસ ચલાવવામાં આવ્યો.

453 પાનાંના ચુકાદાને સંભળાવવા પહેલાં ન્યાયમૂર્તિ મોહમ્મદ ગુલામ મુર્તઝા મજૂમદારે કહ્યું કે તેને છ ભાગોમાં સંભળાવાશે.

બાંગ્લાદેશની રાષ્ટ્રીય ચૅનલ પર આ ચુકાદાનું સીધું પ્રસારણ કરવામાં આવ્યું હતું.

વડોદરામાં વીજ પુરવઠો ખોરવાતા એમજીવીસીએલની કચેરીમાં લોકોએ કરી તોડફોડ

વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવેલી એમજીવીસીએલની કચેરી ખાતે તોડફોડનાં દૃશ્યો સર્જાયાં હતાં.

મળતી માહિતી પ્રમાણે પૂર્વ વિસ્તારમાં વીજળી ખોરવાતા લોકો અકળાયા હતા અને કચેરી ખાતે ભેગા થયા હતા. તેમણે કચેરીમાં ભાંગફોડ કરી હતી.

વડોદરાના સબ ડિવિઝન ઑફિસર હર્ષદભાઈએ મીડિયાને જણાવ્યું હતું કે તેમણે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે અને તોફાનીઓ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ જ પ્રકારે મહેસાણામાં પણ વીજળીની ચોરીનું ચેકિંગ કરવા નીકળેલી ટીમ પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો.

બીબીસી ગુજરાતીના મહેસાણા ખાતેના સહયોગી કેતન પટેલના જણાવ્યા પ્રમાણે વિસનગરના થુમથલ ગામમાં યુજીવીસીએલની ટીમ વીજચોરીનું ચેકિંગ કરવા ગઈ હતી ત્યારે કેટલાક લોકોએ તેમના પર હુમલો કર્યો હતો.

આ મામલે કુલ ત્રણ લોકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

સાઉદી અરેબિયામાં બસ દુર્ઘટના વિશે વિદેશ મંત્રી એસ. જયશંકરે કહી આ વાત

સાઉદી અરેબિયામાં એક બસ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં ભારતીય યાત્રાળુઓ માર્યા ગયા હોવાની આશંકા છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે આ વિશે અફસોસ વ્યક્ત કર્યો છે. ભારતીય યાત્રાળુઓ ઉમરા કરવા બસમાં જતા હતા ત્યારે તેમાં આગ લાગી હતી.

એસ. જયશંકરે કહ્યું કે, "સાઉદી અરેબિયાના મદીનામાં ભારતીય નાગરિકો સાથે ઘટેલી દુર્ઘટનાથી હું બહુ દુ:ખી છું. રિયાધમાં ભારતીય દૂતાવાસ અને જેદ્દાહમાં કૉન્સ્યુલેટ જનરલ આ દુર્ઘટનાથી અસર પામેલા ભારતીય નાગરિકો અને તેમના પરિવારજનોને તમામ મદદ કરી રહ્યા છે."

આ પહેલાં જેદ્દાહમાં ભારતીય કૉન્સ્યુલેટ જનરલે જણાવ્યું કે તેમણે કન્ટ્રોલ રૂમ શરૂ કર્યો છે. હેલ્પલાઈનનો નંબર છેઃ 8002440003

તેલંગાણાના મુખ્ય મંત્રી રેવંત રેડ્ડીએ પણ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. મુખ્ય મંત્રી રેવંત રેડ્ડીએ અધિકારીઓને જણાવ્યું કે તેઓ ભારતીય વિદેશ મંત્રાલય અને સાઉદી અરેબિયાના દૂતાવાસ સાથે સંપર્કમાં રહે.

સાઉદી અરેબિયામાં ભયંકર બસ દુર્ઘટના, અનેક ભારતીય યાત્રાળુઓનાં મોતની શક્યતા

સાઉદી અરેબિયામાં ઉમરા કરવા ગયેલા કેટલાક ભારતીયો એક બસ અકસ્માતમાં માર્યા ગયા હોવાની આશંકા છે.

સાઉદી અરેબિયાના જેદ્દાહ સ્થિત ભારતીય કૉન્સ્યુલેટ જનરલે આ ઘટનાની પુષ્ટિ કરી છે. પરંતુ મૃતકોની સંખ્યા વિશે કોઈ ચોક્કસ માહિતી નથી મળી.

ભારતીય કૉન્સ્યુલેટ જનરલે જેદ્દાહમાં એક કન્ટ્રોલ રૂમ બનાવ્યો છે. તેલંગાણાના મુખ્ય મંત્રી કાર્યાલયે જણાવ્યું કે પ્રાથમિક માહિતી મુજબ મક્કાથી મદીના જઈ રહેલી બસની સાથે આ દુર્ઘટના ઘટી હતી. તેમાં હૈદરાબાદના લોકો પણ સવાર હતા.

હૈદરાબાદના સાંસદ અને AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ પણ આ વિશે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે "હૈદરાબાદની બે ટ્રાવેલ એજન્સીના 42 યાત્રાળુઓ મક્કાથી મદીના જતા હતા. એવું કહેવામાં આવે છે કે બસમાં આગ લાગવાથી માત્ર એક વ્યક્તિનો જીવ બચ્યો છે. હજુ સુધી આ કન્ફર્મ નથી."

આ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને તેલંગણા સરકારે એક કન્ટ્રોલ રૂમ બનાવ્યો છે.

કન્ટ્રોલ રૂમના મોબાઇલ નંબરઃ

+91 79979 59754

+91 99129 19545

લાલ કિલ્લા વિસ્ફોટ : એનઆઈએએ 'હુમલાખોરના સહયોગી'ને પકડ્યો

નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ જણાવ્યું છે કે 10 નવેમ્બરે લાલ કિલ્લા નજીક થયેલા બૉમ્બ વિસ્ફોટ મામલે 'આત્મઘાતી હુમલાખોરના એક સાથીદાર'ને પકડવામાં આવ્યો છે.

એજન્સીએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે, "એનઆઈએએ એક કાશ્મીરી વ્યક્તિની ધરપકડ કરી છે, જેણે આત્મઘાતી હુમલાખોર સાથે 'આતંકવાદી હુમલા'નું ષડયંત્ર રચ્યું હતું."

એજન્સીએ આરોપીનું નામ આમિર રાશિદ અલી જણાવ્યું છે. એજન્સી મુજબ હુમલામાં ઉપયોગમાં લેવાયેલી કાર આમિર રાશિદ અલીના નામે રજિસ્ટર્ડ હતી. આમિર રાશિદ અલીની દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવી છે.

પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે "એનઆઈએની તપાસમાં જાણવા મળ્યું છે કે જમ્મુ-કાશ્મીરના પંપોરના સંબૂરાના વતની આરોપીએ કથિત આત્મઘાતી હુમલાખોર ઉમર ઉન નબી સાથે મળીને આતંકવાદી હુમલો કરવાનું ષડયંત્ર રચ્યું હતું."

બાંગ્લાદેશઃ શેખ હસીના મામલે આજે ચુકાદો આવશે, કોર્ટની કાર્યવાહીનું લાઇવ પ્રસારણ

બાંગ્લાદેશનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીના પર માનવતા વિરુદ્ધ અપરાધોના મામલે સોમવારે અદાલત ચુકાદો આપશે.

બીબીસી બાંગ્લા સર્વિસ મુજબ ટ્રિબ્યુનલના રજિસ્ટ્રારી કાર્યાલયે માહિતી આપી છે કે સવારે 11 વાગ્યે કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે.

ફરિયાદ પક્ષે શેખ હસીના અને અસદુજ્મા ખાન કમાલને મહત્તમ સજા, એટલે કે મૃત્યુદંડ આપવામાં આવે તેવી માંગણી કરી છે.

આ દરમિયાન સુપ્રીમ કોર્ટે સેનાના હેડક્વાર્ટરને પત્ર લખીને ટ્રિબ્યુનલમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવે તેવો અનુરોધ કર્યો છે.

શેખ હસીના અને ત્રણ બીજા આરોપીના મામલે ચુકાદો સંભળાવતી વખતે તેનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે. બાંગ્લાદેશ ટીવી તેનું જીવંત પ્રસારણ કરશે.

ગયા વર્ષે સરકાર વિરોધી પ્રદર્શન દરમિયાન બાંગ્લાદેશમાં ઘણી હિંસક ઘટનાઓ ઘટી હતી. તે વખતનાં વડાં પ્રધાન શેખ હસીના પર આરોપ હતા કે તેઓ માનવતા વિરોધી અપરાધોમાં સામેલ છે.

મુકેશ સહનીનો આરોપ, એનડીએને નાણાના જોરે જનાદેશ મળ્યો

વિકાસશીલ ઇન્સાન પાર્ટી (વીઆઈપી)ના વડા મુકેશ સહનીએ ભાજપ પર બિહારમાં રૂપિયાના જોરે ચૂંટણી જીતવાનો આરોપ લગાવ્યો છે.

તેમણે કહ્યું કે, "ચૂંટણીમાં હાર-જીત તો થતી રહે છે. મહાગઠબંધનને સફળતા ન મળી અને એનડીએને સફળતા મળી છે. અમે તેમને અભિનંદન પાઠવીએ છીએ... પરંતુ તેમને જનાદેશ નથી મળ્યો, રૂપિયાના દમ પર જનાદેશ મળ્યો છે."

મુકેશ સહનીએ કહ્યું કે "દેશમાં લોકશાહી ખતરામાં છે. ચૂંટણી વચ્ચે કોઈને રૂપિયા આપવામાં આવે તો આ એક મોટો સવાલ છે. અમે લોકશાહીને બચાવવા માટે 2029ની મજબૂતીથી તૈયારી કરીશું."

તેમણે એમ પણ કહ્યું કે "સરકારે જીવિકા દીદીઓને 10 હજાર રૂપિયા આપ્યા ત્યારે આગળ જતા 1.90 લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો. હવે સરકાર તે જલ્દી આપે, નહીંતર તેઓ જીવિકા દીદીઓ માટે રાજ્યમાં આંદોલન કરશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન