ગુજરાતમાં આ તારીખથી થશે વરસાદ બંધ, કયા જિલ્લામાં હજી ભારે વરસાદની શક્યતા?
ગુજરાતમાં હાલ ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને આગામી દિવસોમાં હજી પણ રાજ્યમાં વરસાદની સંભાવના છે.
હાલ એક સિસ્ટમ અરબી સમુદ્રમાં સક્રિય છે અને તેની અસર ગુજરાત પર થઈ રહી છે. આ લૉ-પ્રેશર એરિયા હાલ યમન અને ઓમાન તરફ જઈ રહ્યો છે પરંતુ તેની અસરથી ગુજરાતમાં ત્રણ દિવસ સુધી વરસાદની શક્યતા છે.
21થી 23 ઑક્ટોબર સુધી રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તથા કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યમ કરતાં વધારે વરસાદ પડવાની શક્યતા છે. જોકે, ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર ખૂબ ઓછું રહેશે.
દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, રાજકોટ, બોટાદ, અમરેલી તથા ભાવનગરના વિસ્તારોમાં બે દિવસ સુધી વરસાદની શક્યતા છે. જે બાદ વરસાદનું જોર ધીમું પડે તેવી સંભાવના છે.
વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂત, નર્મદા, વડોદરા જિલ્લાના વિસ્તારો તથા આણંદ અને અમદાવાદ તથા ગાંધીનગરના વિસ્તારોમાં હજી એકાદ બે દિવસ સુધી વરસાદની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગામી ત્રણ ચાર દિવસ સુધી વરસાદ પડશે અને ત્યારબાદ વરસાદનું જોર ધીમું પડશે.
બંગાળની ખાડીની અંદર સર્જાઈ રહેલા વાવાઝોડાની હાલ ગુજરાત પર સીધી અસર થવાની શક્યતા દેખાતી નથી. હાલ વાવાઝોડું ઓડિશા અને પશ્ચિમ બંગાળ તરફ જઈ રહ્યું છે.
પરંતુ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની સાથે ભયાનક વીજળી પડવાના સમાચારો પણ આવી રહ્યા છે. તેનું કારણ જાણવા નીચેની લિંક પર ક્લિક કરો.

ઇમેજ સ્રોત, EPA-EFE/REX/Shutterstock
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



