કૅનેડા સાથે વેપાર વાટાઘાટો અચાનક સમાપ્ત કરવાના નિર્ણય માટે ટ્રમ્પે શું કારણ આપ્યું? - ન્યૂઝ અપડેટ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ટ્રમ્પ, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા, કૅનેડા,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પ પ્રશાસને તાજેતરમાં જ કૅનેડામાંથી આયાત થતી વસ્તુઓ પર 35 ટકાનો ટેરિફ લાદ્યો છે (ફાઇલ તસવીર)
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કૅનેડા સાથે તમામ વેપાર વાટાઘાટોને તાત્કાલિક અસરથી સમાપ્ત કરવાની જાહેરાત કરી છે.

આ નિર્ણય તેમણે એ વિજ્ઞાપનને કારણે લીધું, જેમાં કૅનેડા પર લગાવાયેલા ટેરિફની ટીકા કરાઈ હતી.

આ વિજ્ઞાપન કૅનેડાના ઓંટારિયો પ્રાંતની સરકાર દ્વારા પ્રાયોજિત હતું, જેમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગનનું રૂઢિવાદ માટે ઉદાહરણ અપાયું હતું.

આ વિજ્ઞાપનમાં કહેવાયું હતું કે ટેરિફ "દરેક અમેરિકનને નુકસાન પહોંચાડે છે."

ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે આ વિજ્ઞાપન "ફેક" અને "અત્યંત આપત્તિજનક" છે. તેમણે એવું પણ કહ્યું કે વેપાર વાટાઘાટો "અહીંથી જ સમાપ્ત કરાય છે."

તેમની સરકારે કૅનેડિયન આયાતો પર 35 ટકા ટેરિફ લાદ્યો છે, સાથે જ કેટલાક વિશેષ ઉદ્યોગો જેમ કે, કાર અને સ્ટીલ નિર્માણ પર અલગ અલગ ટેરિફ લાદ્યા છે.

કૅનેડાનો ઓંટારિયો પર આ ટેરિફથી ઘણી અસર પડી છે.

જોકે, ટ્રમ્પે એ વસ્તુઓ પર ટેરિફની છૂટ આપી છે, જે તેમના પ્રથમ કાર્યકાલમાં મૅક્સિકો અને કૅનેડા સાથે કરાયેલા મુક્ત વેપાર સમાધાન અંતર્ગત આવે છે.

બિહારમાં પીએમ મોદીનો આરોપ, "આરજેડીવાળા યુપીએની સરકાર વખતે કૉંગ્રેસને ધમકી આપતા કે..."

બિહાર, એનડીએ, સમસ્તીપુરમાં નરેન્દ્ર મોદીની જાહેરસભા, એનડીએમાં જેડીયુ અને ભાજપનું ગઠબંધન, નીતીશ કુમાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના સમસ્તીપુરમાં જાહેરસભાને સંબોધિત કરી હતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ચૂંટણીપ્રચાર અર્થે બિહારમાં હતા. જ્યાં તેમણે એનડીએના ભવ્ય વિજયનો દાવો કર્યો હતો. આ ભાષણમાં તેમણે બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમારના નેતૃત્વનો ઉલ્લેખ કર્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "મહારાષ્ટ્રની જનતાએ અગાઉ કરતાં વધુ પ્રચંડ બહુમત આપીને અમારી સરકાર બનાવી. હરિયાણાની જનતાએ સતત ત્રીજા કાર્યકાળ માટે ભાજપને અગાઉ કરતાં વધુ બેઠકો આપી. મધ્ય પ્રદેશમાં ભાજપ અનેક વર્ષોથી સરકાર ચલાવી રહ્યો છે. અમે આવું જ ગુજરાત તથા ઉત્તરાખંડમાં પણ જોયું છે."

વડા પ્રધાન મોદીએ કહ્યું, "એનડીએ એટલે સુશાસન, એનડીએ એટલે જનતાની સેવા, એનડીએ એટલે વિકાસની ગૅરંટી. તમારો ઉત્સાહ જોઈને હું કહી શકું છું કે આ વખતે નીતીશબાબુના નેતૃત્વમાં એનડીએ વિજયના તેના જૂના તમામ રેકૉર્ડ તોડશે."

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આરોપ મૂક્યો હતો કે એનડીએની સરકાર બન્યા પછી ઑક્ટોબર-2005માં બિહાર 'જંગલરાજ'માંથી મુક્ત થયું છે.

બિહારમાં એ સમયે આરજેડીની (રાષ્ટ્રીય જનતા દળ) સરકાર હતી. જેને હઠાવીને ભાજપનાં સમર્થનથી નીતીશકુમાર રાજ્યના મુખ્ય મંત્રી બન્યા હતા.

સમસ્તીપુરમાં ચૂંટણીસભાને સંબોધિત કરતી વેળાએ વડા પ્રધાન મોદીએ આરોપ મૂક્યો કે નીતીશકુમાર મુખ્ય મંત્રી બન્યા એ પછી કેન્દ્રમાં કૉંગ્રેસ-આરજેડીની ગઠબંધન સરકારે તેમના (નીતીશકુમાર) માટે અનેક મુશ્કેલીઓ ઊભી કરી.

મોદીએ કહ્યું, "નીતીશકુમારને વોટ આપવા બદલ આરજેડીએ બિહારના લોકો ઉપર વેર લીધું હતું. તેઓ કૉંગ્રેસને ધમકી આપતા કે જો તેણે એનડીએ-ભાજપ કે નીતીશકુમારની કોઈ પણ માંગને પૂર્ણ કરવાનો વાયદો કર્યો, તો કેન્દ્ર સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેશે."

વિદેશ મંત્રી એસ. જયશંકરે યુએનની કામગીરી અંગે શું કહ્યું?

એસ જયશંકર, ભારતના વિદેશ મંત્રી, યુએનની કામગીરી ઉપર સવાલ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર ઇન્ટરનેશનલ ન્યૂઝ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરની ફાઇલ તસવીર

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્રની (યુએન) કામગીરી ઉપર ટિપ્પણી કરી, તેમણે કહ્યું હતું, "કમનસીબે આજે પણ આપણે અનેક સ્થળોએ સંઘર્ષ જોઈ રહ્યા છીએ. વિશેષ કરીને ગ્લોબલ સાઉથના આ દર્દની અનુભૂતિ થઈ રહી છે."

એસ. જયશંકરે કહ્યું, "જ્યારે કોઈ સંગઠન પહલગામ જેવા બર્બર આતંકવાદી હુમલાની જાતે જ જવાબદારી લે અને યુએનની સુરક્ષા પરિષદનો કોઈ વર્તમાન સભ્ય સરાજાહેર કોઈ સંગઠનને બચાવે, એટલે બહુપક્ષવાદની વિશ્વસનીયતા ઉપર તેની શું અસર થાય?"

એસ. જયશંકરે કહ્યું, "જ્યારે વૈશ્વિક વ્યૂહરચનાના નામે આતંકવાદના પીડિતો અને ગુનેગારોને સમાન માનવામાં આવે, ત્યારે દુનિયા હજુ કેટલી નિર્દય બનશે?"

"ખુદને આતંકવાદી જાહેર કરનારાઓને પ્રતિબંધની પ્રક્રિયાથી બચાવવામાં આવે, ત્યારે આનાથી સંબંધિત લોકોની ઇમાનદારી ઉપર સવાલ ઊઠે છે."

એસ. જયશંકરે યુએનની 80મી જયંતી નિમિતે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેતી વખતે આ વાત કહી હતી.

એસ. જયશંકરે ઉમેર્યું, "આ પ્રસંગે હું શાંતિ અને સુરક્ષાની સાથે વિકાસ અને સમૃદ્ધિના આદર્શો અંગે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરું છું. ભારત હંમેશાં યુએન તથા બહુપક્ષવાદનું પ્રખર હિમાયતી રહેશે."

ભારતીય ઍડવર્ટાઇઝિંગ જગતના દિગ્ગજ પીયૂષ પાંડેનું નિધન

ભારતીય જાહેરખબર જગતના દિગ્ગજ ગણાતા પીયૂષ પાંડે

ઇમેજ સ્રોત, Aniruddha Chowdhury/Mint via Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતીય જાહેરખબર જગતના દિગ્ગજ ગણાતા પીયૂષ પાંડેનું ગુરુવારે 70 વર્ષની વયે નિધન થયું છે

ભારતીય જાહેરખબર જગતના દિગ્ગજ ગણાતા પીયૂષ પાંડેનું ગુરુવારે 70 વર્ષની વયે નિધન થયું છે. તેમનાં બહેન તૃપ્તિ પાંડેએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરીને આ જાણકારી આપી છે.

તેમણે લખ્યું છે કે "અમારા પ્રિય ભાઈ, પીયૂષ પાંડેએ આજે સવારે આ દુનિયાને અલવિદા કહી છે. તેઓ માત્ર ભારતીય ઍડવર્ટાઇઝિંગ જગતના સિતારા હતા એટલું જ નહીં, તેઓ એવા લાખો દિલોમાં ચમકતા રહેશે, જેમને તેમની સંવેદનશીલ લાઇનો સ્પર્શી ગઈ હતી."

પીયૂષ પાંડેનો જન્મ 1955માં જયપુરના એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો.

તેમના પિતા એક બૅન્ક કર્મચારી હતા. પાંડે બાળપણથી જ સર્જનાત્મક હતા અને રમતગમતમાં રસ ધરાવતા હતા.

તેઓ કૉલેજના દિવસોમાં ક્રિકેટ રમતા અને કેટલાંક વર્ષો સુધી રાજસ્થાનની ટીમ માટે ઘરેલુ ક્રિકેટ પણ રમતા હતા.

આંધ્ર પ્રદેશના કુરનૂલ જિલ્લામાં ખાનગી બસ સળગી, 19 લોકોનાં મોત

બીબીસી ગુજરાતી આંધ્ર પ્રદેશ બસ દુર્ઘટના ચંદ્રબાબુ નાયડુ

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, મોટરસાઇકલ સાથે ટકરાયા પછી બસમાં આગ લાગી હોવાનું માનવામાં આવે છે

હૈદરાબાદથી બૅંગલુરુ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની એક બસમાં રાતે આગ લાગવાની ઘટના બની છે જેમાં અત્યાર સુધીમાં 19 લોકોનાં મોત થયાં છે.

કુરનૂલ રેન્જના ડીઆઇજી કોયા પ્રવીણે સમાચાર એજન્સી પીટીઆઇને કહ્યું કે આજે સવારે ત્રણ વાગ્યે એક મોટી દુર્ભાગ્યપૂર્વ ઘટના ઘટી છે. એક ખાનગી બસની બાઇક સાથે ટક્કર થઈ હતી. અત્યાર સુધીમાં દુર્ઘટનાસ્થળેથી 19 મૃતદેહો કાઢવામાં આવ્યા છે.

તેમણે એ પણ આશંકા વ્યક્ત કરી કે મૃત્યુઆંક વધી શકે છે.

તેમણે કહ્યું કે ડ્રાઇવરે બસની બારીઓ તોડીને 19 લોકોનો જીવ બચાવ્યો, પરંતુ બાકીના 21 લોકો અંદર ફસાઈ ગયા હતા. જેમાં અત્યાર સુધીમાં 19 મૃતદેહ મળ્યા છે.

આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુએ આ ઘટના પર અફસોસ વ્યક્ત કરીને કહ્યું કે આ ઘટનાથી તેમને આઘાત લાગ્યો છે.

આગ એટલી ભીષણ હતી કે બસ આખી સળગી ગઈ છે. આગ લાગવાના કારણોની તપાસ ચાલુ છે. મૃત્યુઆંક હજુ વધવાની શક્યતા છે.

આ દુર્ઘટના કુરનૂલના બહારના ભાગમાં ચિત્રા ટેકુરુમાં નૅશનલ હાઈવે 44 પર બની હતી.

એવું માનવામાં આવે છે કે એક મોટરસાઇકલ બસની નીચે આવી ગઈ હતી જેથી ઑઇલની ટાંકી સાથે ટક્કર થઈ હતી અને આગ લાગી હતી. કેટલાક મુસાફરો બારી તોડીને બચી નીકળવામાં સફળ થયા હતા.

ટ્રમ્પે વેસ્ટ બૅન્ક અંગે કહ્યું - 'ઇઝરાયલ અહીં કંઈ નહીં કરે'

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયલ પેલેસ્ટાઈન ગાઝા વેસ્ટ બૅન્ક

ઇમેજ સ્રોત, Kevin Dietsch/Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પનો દાવો છે કે તેઓ ઇઝરાયલને વેસ્ટ બૅન્કમાં કંઈ નહીં કરવા દે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે કહ્યું કે "વેસ્ટ બૅન્ક અંગે ચિંતા કરવાની જરૂર નથી." તેમણે કહ્યું કે "તેઓ ઇઝરાયલને વેસ્ટ બૅન્કમાં કંઈ નહીં કરવા દે."

તાજેતરમાં ઇઝરાલયની સંસદે એક ખરડાને પ્રારંભિક મંજૂરી આપી છે, જે મુજબ વેસ્ટ બૅન્કના વિસ્તારો પર ઇઝરાયલી કાયદો લાગુ કરવાની દરખાસ્ત હતી.

તેને વેસ્ટ બૅન્કને ઇઝરાયલની અંદર ભેળવી દેવાનું પ્રથમ પગલું માનવામાં આવતું હતું.

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પની નીતિને દોહરાવતા કહ્યું કે "આ કોઈ રાજકીય સ્ટન્ટ હોય તો તે મૂર્ખતાપૂર્ણ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ વેસ્ટ બૅન્કને ઇઝરાયલમાં ભેળવી દેવાની સખત વિરુદ્ધ છે."

તેમણે કહ્યું કે "રાષ્ટ્રપતિ ટ્રમ્પની નીતિ એકદમ સ્પષ્ટ છે. આ હંમેશાંથી અમારી નીતિ રહેશે."

અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ ચેતવણી આપી કે આ પગલું ગાઝા યુદ્ધ સમાપ્ત કરવાની ટ્રમ્પની શાંતિ યોજનાને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.

ત્યાર પછી ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં કહ્યું કે, "વેસ્ટ બૅન્કની ચિંતા ન કરો. ઇઝરાયલ વેસ્ટ બૅન્કમાં કંઈ નહીં કરે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન