સૂર્યગ્રહણ : આજે સૂર્ય ચાર મિનિટ સુધી ઢંકાઈ જશે ત્યારે પૃથ્વી પર શું થશે?

    • લેેખક, જ્યૉર્જિયા રન્નાર્ડ
    • પદ, બીબીસીના વિજ્ઞાન વિષયક સંવાદદાતા
  • પ્રકાશિત

સોમવારે જ્યારે ચંદ્ર સૂર્યના પ્રકાશને સંપૂર્ણપણે ઢાંકી દેશે ત્યારે ઉત્તર અમેરિકાના લાખો લોકો તેમની ચાર મિનિટ સંપૂર્ણ અંધકારમાં પસાર કરશે.

ઘણા લોકો માટે આ કિંમતી મિનિટો એ જવલ્લે જ જોવા મળતા વિજ્ઞાનના પ્રયોગો જોવાની તક હોય છે.

સંશોધકો ગ્રહણના સમયગાળામાં રૉકેટ ઉડાડશે, પ્રાણીસંગ્રહાલયમાં ઊભા રહીને પ્રાણીઓ નિહાળશે, વિશ્વભરમાં રેડિયો સિગ્નલ મોકલશે અને વિશાળ કૅમેરા વડે અવકાશ તરફ દૃષ્ટિ માંડશે. તમારે આ પ્રકારના પ્રયોગો કરવા માટે વૈજ્ઞાનિક હોવું જરૂરી નથી. પરંતુ આ બધી તૈયારીઓ પણ નિષ્ફળ નીવડી શકે છે. સૂર્યની જ્વાળાઓ અથવા તો કેટલાંક વાદળો સૂર્યગ્રહણ માટેનો પ્લાન નિષ્ફળ બનાવી શકે છે.

કાચબાઓ સંભોગ કરશે, ગોરિલાઓ ઊંઘી જશે?

નૉર્થ કૅરોલિની સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર ઍડમ હાર્ટસ્ટોન-રોઝ સૂર્યગ્રહણના દિવસે તેમનો આખો દિવસ ટેક્સાસના ફૉર્ટ વર્થ પ્રાણીસંગ્રહાલયમાં વીતાવશે.

તેઓ એ અધ્યયન કરશે કે તેમને ગોરિલા, જિરાફ, ગાલ્પાગોસ કાચબાઓ જેવાં કોઈ પ્રાણીઓમાં વિશેષ બદલાવ જોવા મળે છે કે નહીં.

2017 દરમિયાન કાચબાઓનું અચાનક મિલન જોવા મળ્યું હતું.

તેનાથી એ ખ્યાલ આવે છે કે મોટા ભાગનાં પ્રાણીઓ અંધારું થતાં જ ખૂબ સહજ પ્રતિક્રિયા આપે છે.

તેમણે કહ્યું, “છેલ્લે રાજહંસે એક વિશિષ્ટ વર્તન કર્યું હતું. જેવું જ ગ્રહણ શરૂ થયું કે તરત જ મોટા રાજહંસે બધાને એકઠા કર્યા અને તેઓ બધા આકાશ તરફ જોવા લાગ્યા. જાણે તેમના પર હુમલો કરવા આકાશમાંથી કોઈ ઊતરી રહ્યું હોય એવું એમનું વર્તન હતું.”

એ જ સમયે અંધારું થઈ જવાને કારણે ગોરિલાઓ ઊંઘવાની જગ્યાએ જતા રહ્યા અને ઊંઘવાની તૈયારી કરવા લાગ્યા. તેમનાં શરીરના પ્રાકૃતિક લયમાં બદલાવ થવાને કારણે જ આવું થયું.

ટેની ફ્રોગમાઉથ એક નિશાચર પક્ષી છે જે વૃક્ષો પર બધાથી છુપાઈને રહે છે અને તેનો દેખાવ સુકાઈ ગયેલા વૃક્ષ જેવો હોય છે.

છેલ્લે જ્યારે ગ્રહણ થયું હતું ત્યારે અંધારું થતાં જ તે અચાનક જાગી ગયું અને ભોજનની તલાશ કરવા લાગ્યું. પણ જ્યારે સૂર્યપ્રકાશ આવ્યો ત્યારે તેણે પહેલા જેવું જ સ્વરૂપ ધારણ કરી લીધું.

આવા પ્રયોગમાં કોઇ પણ લોકો ભાગ લઈ શકે છે. જો તમને ગ્રહણ દરમિયાન પાલતુ પ્રાણીઓ કે જંગલી પ્રાણીઓના વર્તનમાં કોઈ ફેરફાર દેખાય તો તમે તેનો અહેવાલ માર્કની ટીમને ઓનલાઈન આપી શકો છો.

પ્લાઝમાની ઝલક દેખાશે

સૂર્યનો એ હિસ્સો કે જેનું શોધકર્તાઓ સદીઓથી અધ્યયન કરવાની કોશિશ કરી રહ્યા છે તે ઉત્તર અમેરિકાના કેટલાક ભાગમાં સંપૂર્ણ અંધારું છવાઈ જશે ત્યારે દેખાશે. તે સૂર્યની ચારે તરફનું વાતાવરણ કે સૂર્યનો એ ભાગ છે જેને કોરોના કહેવામાં આવે છે.

સૂર્યનું આ રહસ્યમય ચુંબકીય ક્ષેત્ર પ્લાઝમાથી બનેલું છે. ત્યાંનું તાપમાન દસ લાખ ડિગ્રી સેલ્શિયસથી પણ વધુ છે.

સામાન્ય રીતે સૂર્યની તીવ્ર રોશનીને કારણે કોરોનાના ભાગને જોઈ શકાતો નથી. પરંતુ સોમવારે ટેક્સાસના ડલાસમાં વૈજ્ઞાનિક ઉપકરણોની મદદથી તેની તસવીરો અને અન્ય જાણકારી હાંસલ કરી શકાશે.

વૅલ્સમાં ઍબરિસ્ટવિથ યુનિવર્સિટી અને નાસાના વૈજ્ઞાનિકો પણ સૌરહવા વિશે જાણકારી મળશે તેવું ઇચ્છી રહ્યા છે. આ સૂર્યની સપાટી પરથી નીકળેલ પ્લાઝમા છે.

બીજું રહસ્ય એ છે કે સૂર્યના કિનારા પર હોવા છતાં કોરોનાનું તાપમાન સૂર્યથી વધારે કેમ પ્રતીત થાય છે?

તેઓ કોરોનલ માસ ઇન્જેક્શન નામની ઘટનાનું પણ નિરીક્ષણ કરી શકે છે. તેમાં પ્લાઝમાનાં મોટાં વાદળો વાયુમંડળથી અંતરિક્ષ તરફ ફેંકાઈ જાય છે. આ ઇન્જેક્શન એ ઉપગ્રહો માટે સમસ્યા પેદા કરી શકે છે જેનું આપણે પૃથ્વી પર સમર્થન કરતા હોઈએ છીએ.

ઍબરિસ્ટવિથ યુનિવર્સિટીમાં ફિઝિક્સના પ્રોફેસર હ્યૂ મૉર્ગન કહે છે કે આ ચાર મિનિટની ઘટનાઓના અધ્યયનમાં અઢળક પૈસા, સમય અને સંસાધનો ખર્ચ થાય છે.

તેમણે કહ્યું, “વાસ્તવિક ઉત્સાહ અને આનંદ ત્યારે મળે છે જ્યારે જેમ ધાર્યું હોય તેમ જ આ પ્રયોગો થઈ શકે. કારણ કે આ પ્રયોગો પાછળની તમારી લાંબી તૈયારી હોય છે. પરંતુ વાદળો આવી જાય છે ત્યારે તે તેમાં બાધા પેદા કરી શકે છે. તેમાં આપણે કશું ન કરી શકીએ.”

રેડિયો પાર્ટી

સૂર્યગ્રહણની આ ઘટના લગભગ તમામ સંચારમાધ્યમોને બાધિત કરી શકે છે. તેમાં લાંબા ધ્વનિતરંગો (રેડિયો તરંગો) પણ સામેલ છે.

સૂર્યની ઊર્જા વાયુમંડળના ઉપરના ભાગને સક્રિય કરે છે. તેનાથી ગ્રહોના અનેક દિશાએથી રેડિયો પ્રસારણમાં મદદ મળે છે. જ્યારે ચંદ્ર સૂર્ય સામે અવરોધ ઊભો કરે છે ત્યારે તે પ્રભાવિત થાય છે.

તેથી રેડિયો પર તેની ખરેખર શું અસર થાય છે તે ચકાસવા માટે સેંકડો રેડિયો ઑપરેટરો એક પ્રયોગ(રેડિયો પાર્ટી)માં ભાગ લેશે. તેઓ સમગ્ર વિશ્વમાં એકબીજાને સંકેતો મોકલશે અને મહત્તમ કનેક્શન માટે પ્રતિસ્પર્ધા કરશે. તેઓ મૉર્સ કોડ દ્વારા અથવા સીધી વાતચીત કરીને સંવાદ કરી શકે છે.

પાર્ટીનું આયોજન કરનાર યુનિવર્સિટી ઑફ સ્ક્રૅન્ટનના નાથનિયલ ફ્રિસેલે જણાવ્યું હતું કે આ તારણો વૈજ્ઞાનિકોને ઇમરજન્સી કર્મચારીઓ, વિમાન અને જહાજો તેમજ જીપીએસ દ્વારા ઉપયોગમાં લેવાતા ધ્વનિતરંગોને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી શકે છે.

ડૉ. ફ્રિસેલ સાથે જ ઇલેક્ટ્રિકલ ઍન્જિનિયરિંગના વિદ્યાર્થી થૉમસ પિસાનો પણ પ્રયોગ કરશે. તેઓ રેડિયો ઉપકરણોથી એક જગ્યાએથી બીજી જગ્યાએ સિગ્નલ મોકલીને દુનિયાભરમાં બને તેટલા વધુ ઑપરેટરોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરશે.

તેમણે કહ્યું, “અહીં લોકોમાં એવી ભાવના છે કે દરેક લોકો આવો ડેટા મેળવવામાં ઉત્સાહિત છે.”

ગ્રહણના રસ્તામાં એક જેટ મોકલીશું

અમેરિકી અંતરિક્ષ ઍજન્સી નાસા પૃથ્વીથી 50 હજાર ફૂટ ઉંચાઈએથી તસવીરો લેવા માટે ગ્રહણના રસ્તે એક WB-57 જેટ મોકલશે.

આ જેટને કોઈ અડચણોનો સામનો નહીં કરવો પડે કારણે કે તે વાદળોથી ઉપર ઉડાણ ભરશે. તે સિવાય તેઓ એટલી દૂરથી તસવીરો લઈ શકે છે જે પૃથ્વી પરથી લેવી સંભવ નથી.

કોરોના રિંગમાં નવા વિવરણો શોધવા સિવાય નાસા સૂર્યની ચારેબાજુ ધૂળની ડમરીઓનું પણ અધ્યયન કરશે. તેની ચારે તરફ પરિક્રમા કરનારા કેટલાક નાના ગ્રહોને શોધવામાં પણ મદદ મળે તેની શક્યતા છે.

વિમાનો પર લાગેલા સ્પેક્ટ્રોમીટર તેમને સૂર્યની આસપાસ ઊડનારી અન્ય વસ્તુઓ વિશે પણ જાણકારી પ્રાપ્ત કરવામાં પણ મદદ કરી શકે છે.

ગ્રહણ દરમિયાન વિમાનો પણ વધુ સમય મળશે. આ વિમાનો 460 માઈલ પ્રતિ કલાકની ઝડપે યાત્રા કરે છે. એટલા માટે તે ચંદ્રની છાયામાં 6 મિનિટ 22 સેકન્ડથી વધુ સમય વીતાવશે.

એટલે કે વિમાનને પૃથ્વી પરના સમયથી બે મિનિટ વધારે મળશે. પૃથ્વી પર સૂર્યગ્રહણના અવલોકન માટે સાડા ચાર મિનિટ જ મળશે અને એ પણ નસીબ હોય તો જ.