ગુજરાતમાં ચોમાસું પહોંચવાની તારીખ બદલાઈ, કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં શનિવારે હવામાન પલટાયું હતું અને હળવો વરસાદ પણ પડ્યો હતો. રાજ્યમાં હાલ ચોમાસા પહેલાંની ગતિવિધિઓની શરૂઆત થઈ ગઈ છે.
ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે અને શનિવારે ચોમાસાએ આગળ વધીને વધારે વિસ્તારોને આવરી લીધા છે. હવામાન વિભાગની આગાહી કરી હતી એ પ્રમાણે ચોમાસું હવે મુંબઈ પહોંચી ગયું છે.
હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી કરી છે અને કેટલાક વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ પડે તેવી પણ સંભાવના દર્શાવી છે.
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હાલ ગરમી પડી રહી છે અને અરબી સમુદ્ર પરથી પવનો ફૂંકાઈ રહ્યા છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં બપોર બાદ હવામાન પલટાય છે અને વરસાદી માહોલ સર્જાવાનો શરૂ થઈ ગયો છે.
ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, ગુજરાતમાં શું થશે?

ઇમેજ સ્રોત, imd
હાલ મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગોવાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.
હવામાન વિભાગનું કહેવું છે કે 11 જૂન સુધી કર્ણાટક, કોકણ, ગોવા અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે.
કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારો, કોકણના વિસ્તારો અને મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારોમાં 9થી 11 જૂન સુધી કોઈ સ્થળોએ અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતા છે.
હવામાન વિભાગના કહેવા પ્રમાણે તેલંગણાની આસપાસ એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બન્યું છે, જ્યારે મહારાષ્ટ્ર, કોકણ અને ગોવાની આસપાસ એક શિયર ઝોન બન્યો છે. ઉપરાંત મહારાષ્ટ્રથી કેરળ સુધી એક ટ્રફ રેખા સર્જાઈ છે. જેના કારણે આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાં પણ ચોમાસા પહેલાંની વરસાદી ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં કેટલા જિલ્લામાં વરસાદની શક્યતા?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ રાજ્યમાં હાલ ભારેથી અતિ ભારે વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી.
હવામાન વિભાગ પ્રમાણે 11 જૂન સુધી વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર-સોમનાથના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દેખાઈ રહી છે.
11 જૂન પછી ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાવાની શક્યતા છે. જોકે, જે વરસાદનું જોર વધવાનું હતું તેના બદલે હવે વરસાદનું જોર ઘટે તેવી શક્યતા દેખાઈ રહી છે,
પહેલાંની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં 12થી 13 તારીખ સુધીમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પહોંચી જવાની સંભાવના હતી. પરંતુ ઉત્તર ગુજરાત, કચ્છ તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોને વધારે એક અઠવાડિયું રાહ જોવી પડે તેવી સંભાવના દેખાઈ રહી છે.
12 જૂન પછી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે અને જે વિસ્તારોમાં 9થી 10 જૂન વચ્ચે વરસાદ પડવાની સંભાવના હતી ત્યાં પણ ઘટી જાય તેવી શક્યતા છે.
જે જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે એ સિવાય પણ રવિવારે બીજા જિલ્લાઓમાં હવામાન પલટાવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદના વિસ્તારોમાં હવામાન પલટાય તેવી શક્યતા છે. જ્યારે પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આજે હવામાન પલટાશે.
ચોમાસું નબળું પડ્યું અને ગુજરાતમાં હવે મોડું પહોંચશે?

ઇમેજ સ્રોત, imd
મુંબઈમાં ચોમાસાની ઍન્ટ્રી થઈ ગઈ છે અને હાલ મહારાષ્ટ્રમાં ચોમાસાને કારણે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે.
30 મેના રોજ કેરળમાં શરૂ થયેલું ચોમાસું હજી સુધી તેના સમય પ્રમાણે જ ચાલી રહ્યું છે પરંતુ શિયર ઝોન વિખેરાયા બાદ ચોમાસું આગળ વધતું ધીમું પડે તેવી સંભાવના છે.
બે ત્રણ દિવસ પહેલાંની સ્થિતિ પ્રમાણે અને હવામાનનાં વિવિધ મૉડલો પ્રમાણે ચોમાસું 15 જૂનની પહેલાં પહોંચી જાય તેવી શક્યતા દેખાઈ હતી.
હવેની સ્થિતિ પ્રમાણે અને તેમાં કોઈ ફેરફાર ના થાય કે કોઈ પરિબળ બદલાય નહીં તો ચોમાસું 17 જૂનથી શરૂ થતા અઠવાડિયા સુધી રાહ જોવડાવે તેવી સંભાવના દેખાઈ રહી છે.
સ્કાયમેટ વેધરના એક અહેવાલ પ્રમાણે કેરળમાં ચોમાસું હાલ નબળું પડ્યું છે અને ચોમાસું શરૂ થયાના કેટલાક દિવસોમાં ત્યાં વરસાદમાં ઘટ વર્તાવાની શરૂ થઈ છે.
એક્યુવેધરના હવામાનશાસ્ત્રી જેકન નિકોલસ પ્રમાણે ગુજરાતમાં ચોમાસું પ્રવેશવાને હજી એકાદ અઠવાડિયાનો સમય લાગી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં વરસાદી ગતિવિધિ ચાલુ રહેશે પરંતુ સૌરાષ્ટ્રના બીજા ભાગો, કચ્છ તથા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થોડી રાહ જોવડાવે તેવું હાલની સ્થિતિ પ્રમાણે લાગી રહ્યું છે.























