You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટી 20 વર્લ્ડકપ : અર્શદીપ સિંહ પર મૅચ ફીસનો 15 ટકા જેટલો દંડ કેમ ફટકારવામાં આવ્યો?– ન્યૂઝ અપડેટ
ભારતીય ફાસ્ટ બૉલર અર્શદીપસિંહને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ની આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ તેમની મૅચ ફીના 15 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આઇસીસી અનુસાર, અર્શદીપે આચારસંહિતાની કલમ 2.9નું ઉલ્લંઘન કર્યું છે. આ કલમમાં જણાવાયું છે કે, "આંતરરાષ્ટ્રીય મૅચ દરમિયાન બૉલ અથવા અન્ય કોઈ પણ ક્રિકેટનાં સાધનો કોઈ ખેલાડી તરફ કે તેની પાસે ખોટી રીતે અને ખતરનાક રીતે ફેંકવું એ નિયમનો ભંગ છે."
આ ઘટના ટી20 વર્લ્ડકપ 2026ની ફાઇનલમાં ન્યૂઝીલૅન્ડની ઇનિંગની 11મી ઓવરમાં બની હતી. અર્શદીપે બૉલ રોકીને ગુસ્સામાં તેને ખોટી રીતે ફેંક્યો હતો, જે બૅટ્સમૅન ડેરિલ મિશેલના પૅડ પર વાગ્યો હતો.
તેમની મૅચ ફી પર 15 ટકા દંડ ઉપરાંત, અર્શદીપને તેના શિસ્તભંગના રેકૉર્ડમાં એક ડિમેરિટ પૉઇન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે લેવલ-1ના ઉલ્લંઘન માટે લઘુતમ સજા એક સત્તાવાર ચેતવણી હોય છે, જ્યારે મહત્તમ સજા ખેલાડીની મૅચ ફીના 50 ટકા દંડ અને એક કે બે ડિમેરિટ પૉઇન્ટ હોઈ શકે છે.
ટ્રમ્પે શું કહ્યું કે વૈશ્વિક બજારમાં તેલના ભાવ પડી ગયા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 'જલદી યુદ્ધ ખતમ થવા' અને હોર્મુઝની સામુદ્રધુનિમાંથી તેલના પરિવહનના સંબંધમાં આપેલાં નિવેદનો પછી તેલના ભાવ 88 ડૉલર સુધી પડી ગયા છે, જ્યારે એક દિવસ પહેલાં તેલનો ભાવ 117 ડૉલર સુધી પહોંચી ગયો હતો.
બ્રેન્ટ ક્રૂડ ઑઇલના એક બૅરલનો ભાવ 93 ડૉલરથી વધારે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો ઈરાન હોર્મુઝની સામુદ્રધુનિથી તેલના પરિવહનને રોકવા માટે કોઈ પણ કાર્યવાહી કરશે તો તેની વિરુદ્ધ "બહુ કડક" કાર્યવાહી કરાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દુનિયાના લગભગ 20 ટકા તેલનું પરિવહન અહીંથી જ થાય છે.
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું કે, "જો ઈરાન હોર્મુઝની સામુદ્રધુનિમાંથી તેલના પરિવહનને રોકવાની કાર્યવાહી કરશે તો અમેરિકા ઈરાન પર પહેલાંથી 20 ટકા વધારે જોરદાર હુમલો કરશે."
તેમણે લખ્યું કે, "આ ઉપરાંત અમે એવાં લક્ષ્યોને પણ નિશાન બનાવીશું જેમને સરળતાથી નષ્ટ કરી શકાય છે. આનાથી ઈરાન માટે કોઈ એક રાષ્ટ્રના રૂપમાં ફરી ઊભા થવું લગભગ અશક્ય થઈ જશે. તેની પર મોત, આગ અને તબાહી વરસશે..પણ મને આશા છે અને હું દુઆ કરું છું કે આવું ન થાય."
"આ અમેરિકા તરફથી ચીન અને બધા અન્ય દેશો માટે એક પ્રકારની ભેટ છે જે હોર્મુઝની સામુદ્રધુનિનો વધારે ઉપયોગ કરે છે. આશા છે કે આ પગલાનાં વખાણ કરવામાં આવશે."
ઈરાની રિવૉલ્યુશનરી ગાર્ડ્સે ધમકી આપી છે કે ઈરાન આ ક્ષેત્રથી "એક લીટર તેલ" પણ નિકાસ થવા નહીં દે.
ટી20 વર્લ્ડકપ વિજેતા ભારતીય ટીમને બીસીસઆઈ રૂ. 131 કરોડનો રોકડ પુરસ્કાર આપશે
ભારતના ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઈ) આઇસીસી પુરુષ ટી20 વર્લ્ડકપ 2026 જીતવા બદલ સમગ્ર ટીમને રૂ. 131 કરોડનું રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી છે.
રવિવારે ભારતે ફાઇનલ મૅચમાં ન્યૂઝીલૅન્ડને પરાજય આપ્યો હતો. આ સિવાય ભારત ત્રણ વખત આઇસીસી પુરુષ ટી20 વર્લ્ડકપ અને સળંગ બે વખત આ પુરસ્કાર જીતનારી ટીમ પણ બની ગઈ છે.
બીબીસીઆઈએ ખેલાડીઓ, સપૉર્ટ સ્ટાફ, પસંદગીકારોને આ ઐતિહાસિક સફળતા બદલ શુભકામનાઓ આપી અને ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી.
ગુજરાતમાં ગૅસના પુરવઠા અંગે મંત્રી ઋષિકેશ પટેલે શું કહ્યું?
અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાની અસર હવે દેશમાં દેખાઈ રહી છે.
ગુજરાતના ઊર્જા અને પેટ્રેલિયમ મંત્રી ઋષિકેશ પટેલે આ મામલે નિવેદન આપ્યું છે કે રાજ્ય સરકાર રાંધણ ગૅસનો પુરવઠો નિયમિત મળતો રહે તે માટે તમામ પ્રયાસો કરી રહી છે.
તેમણે આ અંગે મીડિયાને જણાવ્યું કે "રાજ્ય સરકારની પ્રાથમિકતા રાંધણ ગૅસમાં કોઈ પુરવઠો બાધિત ન થાય તેની છે. તે માટે ઇન્ડસ્ટ્રિયલ ગૅસમાં લગભગ 50 ટકાનો કાપ મુકવામાં આવ્યો છે. ફર્ટિલાઇઝર અને દૂધની ડેરીમાં વપરાતા ગૅસમાં 40 ટકાનો કાપ મૂક્યો છે. ગુજરાતમાં એક પણ ચૂલો બંધ ન થાય તેની ચિંતા ગુજરાત સરકાર કરી રહી છે. કૉમર્શિયલ સિલિન્ડરમાં કોઈ કામ મુકવામાં નથી આવ્યો."
અગાઉ કેન્દ્ર સરકારે ઑઇલ રિફાઇનરીઓને એલપીજીનું (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ) ઉત્પાદન વધારવા તથા વધારાનાં ઉત્પાદનને ઘરેલુ વપરાશ માટે ફાળવવા નિર્દેશ આપ્યા હતા.
સરકારનું કહેવું છે કે પ્રવર્તમાન ભૂરાજકીય પરિસ્થિતિને કારણે ઇંધણના પુરવઠામાં અવરોધ ઊભો થયો છે, ત્યારે એલપીજીની અછતને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને નેચરલ ગૅસ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર પોસ્ટ મૂકીને કહ્યું કે એલપીજી ગૅસની આપૂર્તી તેની પ્રાથમિકતા છે.
આ સાથે જ સંગ્રહખોરી તથા કાળાબજારને અટકાવવા માટે 25 દિવસનો ઇન્ટર-બુકિંગ પીરિયડ લાગુ કરવામાં આવ્યો છે.
આ પહેલાં ઑઇલ માર્કેટિંગ કંપનીઓએ સિલિન્ડરદીઠ રૂ. 60નો ભાવવધારો કર્યો હતો.
સરકારે તેનાં નિવેદનમાં જણાવ્યું છે કે આયાત થયેલા એલપીજી હૉસ્પિટલ તથા શૈક્ષણિક સંસ્થા જેવાં બિન-ઘરેલુ પરંતુ મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોને ફાળવવામાં પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
સરકારના કહેવા પ્રમાણે, જે ક્ષેત્રોને વધુ જરૂર છે, તેમને કૉમર્શિયલ ગૅસની ફાળવણીમાં પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, અન્ય બિનઘરેલુ ક્ષેત્રોને એલપીજીની ફાળવણી અંગે સમીક્ષા કરવા માટે ઑઇલ માર્કેટિંગ કંપનીઓના ત્રણ કાર્યકારી નિર્દેશકોની એક સમિતિ બનાવવામાં આવી છે.
આ સમિતિ રેસ્ટોરાં હોટલ તથા અન્ય ઉદ્યોગો દ્વારા જે રજૂઆતો કરવામાં આવશે, તેના વિશે નિર્ણય લેશે.
ડોનાલ્ડ ટ્રમ્પે હવે ઈરાનને કઈ ધમકી આપી?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને વધુ એક ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો હોર્મુઝ સ્ટ્રેટમાં તેલની અવરજવરને તેણે જો બાધિત કરી તો અમેરિકા કડક પગલાં ભરશે.
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોતાની પોસ્ટમાં લખ્યું, "જો ઈરાન સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં તેલનું પરિવહન રોકવા માટે કંઈ કરે છે, તો અમેરિકા તેના પર અત્યારસુધીના થયેલા હુમલાની સરખામણીમાં 20 ઘણા વધારે શક્તિશાળી હુમલા કરશે."
દુનિયાના કુલ ઑઇલના લગભગ 20 ટકા ઑઇલ આ જ સમુદ્રના રસ્તે આવે છે.
હાલમાં યુદ્ધને કારણે અહીંથી સમુદ્રના રસ્તે અવરજવર ઓછી થઈ ગઈ છે તેથી દુનિયાભરમાં ઑઇલની કિંમતો વધી ગઈ છે.
ટ્રમ્પે કહ્યું, "તદુપરાંત, અમે ઈરાનનાં એવાં લક્ષ્યાંકોને નિશાન બનાવીશું જેને સરળતાથી તબાહ કરી શકાય છે. તેનાથી ઈરાનને બીજી વખત એક દેશ તરીકે ફરી ઊભા થવું લગભગ અશક્ય બની જશે. તેમના પર મોત, આગ અને કહેરનો વરસાદ કરાશે. પરંતુ હું આશા રાખું છું કે આમ ન થાય."
સરકારે એલપીજી સિલિન્ડર બુકિંગ ઉપર કેવાં નિયંત્રણ મૂક્યાં અને શા માટે?
કેન્દ્ર સરકારે ઑઇલ રિફાઇનરીઓને એલપીજીનું (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ) ઉત્પાદન વધારવા તથા વધારાનાં ઉત્પાદનને ઘરેલુ વપરાશ માટે ફાળવવા નિર્દેશ આપ્યા છે.
સરકારનું કહેવું છે કે પ્રવર્તમાન ભૂરાજકીય પરિસ્થિતિને કારણે ઇંધણના પુરવઠામાં અવરોધ ઊભો થયો છે, ત્યારે એલપીજીની અછતને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને નેચરલ ગૅસ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર પોસ્ટ મૂકીને કહ્યું કે એલપીજી ગૅસની આપૂર્તી તેની પ્રાથમિકતા છે.
આ સાથે જ સંગ્રહખોરી તથા કાળાબજારને અટકાવવા માટે 25 દિવસનો ઇન્ટર-બુકિંગ પીરિયડ લાગુ કરવામાં આવ્યો છે.
આ પહેલાં ઑઇલ માર્કેટિંગ કંપનીઓએ સિલિન્ડરદીઠ રૂ. 60નો ભાવવધારો કર્યો હતો.
સરકારે તેનાં નિવેદનમાં જણાવ્યું છે કે આયાત થયેલા એલપીજી હૉસ્પિટલ તથા શૈક્ષણિક સંસ્થા જેવાં બિન-ઘરેલુ પરંતુ મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોને ફાળવવામાં પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
સરકારના કહેવા પ્રમાણે, જે ક્ષેત્રોને વધુ જરૂર છે, તેમને કૉમર્શિયલ ગૅસની ફાળવણીમાં પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, અન્ય બિનઘરેલુ ક્ષેત્રોને એલપીજીની ફાળવણી અંગે સમીક્ષા કરવા માટે ઑઇલ માર્કેટિંગ કંપનીઓના ત્રણ કાર્યકારી નિર્દેશકોની એક સમિતિ બનાવવામાં આવી છે.
આ સમિતિ રેસ્ટોરાં હોટલ તથા અન્ય ઉદ્યોગો દ્વારા જે રજૂઆતો કરવામાં આવશે, તેના વિશે નિર્ણય લેશે.
ટ્રમ્પ : ઈરાનનું યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે, પણ...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલન્ડ ટ્રમ્પનું કહેવું છે કે ઈરાનમાં અમેરિકાનું સૈન્યઅભિયાન ટૂંક સમયમાં પૂરું થઈ જશે, જોકે, તે આ અઠવાડિયે પૂર્ણ નહીં થાય.
ટ્રમ્પે કહ્યું, "ઈરાનની પાસે જે કંઈ હતું, એ લગભગ ખતમ થઈ ગયું છે, એટલે સુધી કે તેની લીડરશિપ પણ."
ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનેઈના દીકરા મોજતબા ખામેનેઈને નવા સુપ્રીમ લીડર ચૂંટવામાં આવ્યા છે. ત્યારે ટ્રમ્પે કહ્યું છે કે આ પસંદગીથી તેઓ ખુશ નથી.
ટ્રમ્પે કહ્યું કે ઈરાનના નવા નેતા તરીકે જે નામ અંગે વ્યાપક ચર્ચા થઈ રહી છે, તેનાથી તેઓ ખાસ પરિચિત નથી.
ટ્રમ્પના કહેવા પ્રમાણે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે તેમની ફોન ઉપર વાતચીત થઈ હતી. જેમાં મધ્યપૂર્વ એશિયાની પરિસ્થિતિ અંગે પણ ચર્ચા થઈ હતી. પુતિને તેમાં મદદ કરવાની તૈયારી દાખવી હતી.
આ પહેલાં પુતિને મોજતબા ખામેનેઈને નવા સુપ્રીમ લીડર તરીકે ચૂંટાઈ આવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને રશિયા-ઈરાન વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધ જાળવી રાખવાનો વાયદો કર્યો હતો.
દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ આજે રવાના થશે
ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં ભારત-શ્રીલંકા ખાતે ટી20 વર્લ્ડકપ યોજાયો હતો. જેમાં 20 ટીમોએ ભાગ લીધો હતો.
જેમાંથી વેસ્ટ ઇન્ડીઝની ટીમ સુપર-8 રાઉન્ડ દરમિયાન અને દક્ષિણ આફ્રિકાની ટીમ સેમિફાઇનલ દરમિયાન બહાર થઈ ગઈ હતી.
જોકે, મધ્યપૂર્વ એશિયામાં પ્રવર્તમાન તણાવને કારણે આ બંને ટીમો ભારતમાં અટવાઈ ગઈ હતી.
ત્યારે ન્યૂઝ એજન્સી પીટીઆઈ જણાવે છે કે મંગળવારે આ બંને ટીમો એક જ ચાર્ટર ફ્લાઇટમાં ભારતથી જૉહાનિસબર્ગ રવાના થશે. જ્યાંથી વેસ્ટ ઇન્ડીઝની ટીમ ઍન્ટીગુઆ જશે.
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી મહિનાના અંતભાગમાં અમેરિકા-ઇઝરાયલે મધ્યપૂર્વીય એશિયાના ઈરાન ઉપર હુમલા કર્યા હતા. એ પછી આ ભૂભાગમાં તણાવ ફેલાઈ ગયો છે. જેની સીધી અસર આંતરરાષ્ટ્રીય હવાઈ પરિવહન પર પડી છે અને હજારો મુસાફરો રઝળી પડ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન