You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત-દક્ષિણ આફ્રિકા ટી20 ઇન્ટરનૅશનલ સિરીઝ : આગામી બે મૅચોમાંથી અક્ષર પટેલ બહાર થયા – ન્યૂઝ અપડેટ
ભારતીય ટીમના ઑલરાઉન્ડર અક્ષર પટેલ બીમારીને કારણે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સિરીઝની આગામી બે ટી20 આંતરરાષ્ટ્રીય મૅચોમાંથી બહાર થઈ ગયા છે.
બીસીસીઆઇ પ્રમાણે તેઓ લખનૌમાં ટીમ સાથે છે, જ્યાં તેમની મેડિકલ તપાસ કરાશે.
મેન્સ સિલેક્શન કમિટીએ લખનૌ અને અમદાવાદમાં થનારી ટી20 આંતરરાષ્ટ્રીય મૅચો માટે શાહબાઝ અહમદને તેમના સ્થાને ટીમમાં સામેલ કર્યા છે.
અંતિમ બે ટી20 ઇન્ટરનૅશનલ મૅચ માટે ભારતીય ટીમ : સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), શુભમન ગિલ (ઉપકપ્તાન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જિતેશ શર્મા (વિકેટકીપર), સંજૂ સેમસન (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપસિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, વૉશિંગટન સુંદર, શહબાઝ અહમદ
દક્ષિણ આફ્રિકા સાથે પાંચ ટી20 ઇન્ટરનૅશનલ મૅચોની સિરીઝમાં ભારતીય ટીમ 2-1થી આગળ છે.
આ સિરીઝની ચોથી મૅચ 17 ડિસેમ્બરના રોજ લખનૌ અને પાંચમી મૅચ 19 ડિસેમ્બરે અમદાવાદમાં રમાશે.
બૉન્ડી બીચ હુમલો : બંદૂકધારીની તસવીર સામે આવી
રવિવારે ઑસ્ટ્રેલિયાના સિડની ખાતે બૉન્ડી બીચ પર હુમલો કરનારા બે બંદૂકધારીઓ પૈકી એકની તસવીર સામે આવી છે.
સ્થાનિક મીડિયામાં તેમની ઓળખ 24 વર્ષીય નવીદ અકરમ તરીકે અપાઈ રહી છે. તસવીરમાં આ બંદૂકધારી એક ફૂટબ્રિજ પર ઊભેલો દેખાઈ રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નવીદ અકરમે પોતાના 50 વર્ષીય પિતા સાજિદ સાથે મળીને આ હુમલો કર્યો હતો.
સાજિદ અકરમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું અને નવીદ ગંભીરપણે ઈજાગ્રસ્ત થયા હોવાનું જણાવાઈ રહ્યું છે.
સાજિદ અકરમને 1998માં ઑસ્ટ્રેલિયાનો સ્ટુડન્ટ વિઝા મળ્યો હતો. બાદમાં, વર્ષ 2001માં સાજિદને પાર્ટનર વિજા અને બાદમાં રેસિડેન્ટ રિટર્ન વિઝા મળી ગયો.
નવીદ અકરમનો જન્મ ઑસ્ટ્રેલિયામાં જ થયો હતો.
ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બનીઝે કહ્યું કે હુમલાખોર કોઈ મોટા ચરમપંથી ગ્રૂપનો ભાગ નહોતા, પરંતુ તેઓ 'ચરમપંથી વિચારધારાથી પ્રેરિત' હતા.
ગુજરાતમાં SIR પ્રક્રિયાનો પ્રથમ તબક્કો પૂર્ણ, 5.08 કરોડ મતદારોને ગણતરી ફૉર્મ અપાયાં
ગુજરાત સહિત નવ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની (SIR) કાર્યવાહીના પ્રથમ તબક્કાની સમયમર્યાદા બે વખત વધારાયા બાદ અંતે 14 ડિસેમ્બરે આ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો પૂરો થયો હતો.
પ્રાપ્ત થઈ રહેલી માહિતી મુજબ આ પ્રક્રિયા દરમિયાન રાજ્યમાં 5.08 કરોડ મતદારોને ગણતરી ફૉર્મ આપવામાં આવ્યાં હતાં, તેમજ આ ફૉર્મના ડિજિટાઇઝેશનની કામગીરી પણ હાથ ધરાઈ હતી.
રાજ્યમાં કુલ 5.08 કરોડ ફૉર્મ પૈકી ASD (ગેરહાજર, સ્થળાંતરિત અને મૃત્યુ) યાદીમાં ધ્યાને આવેલી 10.69 લાખ વિસંગતતાઓની ચકાસણીનું કામ પૂર્ણતાને આરે પહોંચી ગયું છે.
જે નાગરિકોના અવસાન, કાયમી સ્થળાંતર, ગેરહાજરી સહિતનાં વિવિધ કારણોથી પાછા ન મળેલા ફૉર્મની ખરાઈ માટે બૂથ લેવલ ઑફિસર અને રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો વચ્ચે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું, આ બેઠકોનું આયોજન 100 ટકા સફળ રહ્યું હોવાનો દાવો કરાઈ રહ્યો છે.
આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં આ પ્રકારની બેઠકોના અંતે જે-તે વિધાનસભા વિસ્તારમાં ભાગ પ્રમાણે જે મતદારોનાં ફૉર્મ પાછાં નથી આવ્યાં, તેમની યાદી જિલ્લા ચૂંટણી અધિકારી અને મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) ની વેબસાઇટ પર પ્રકાશિત કરાઈ છે.
નોંધપાત્ર બાબત એ છે કે રાજ્યના 33 પૈકી 26 જિલ્લાઓની ASD યાદીમાં કોઈ વિસંગતતા સામે આવી નથી.
જ્યારે 7 જિલ્લામાં ASD યાદીમાં વિસંગતતાઓના માત્ર 11 જ કિસ્સામાં ખરાઈ બાકી છે.
પત્રકાર મહેશ લાંગાને મની લૉન્ડ્રિંગ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા વચગાળાના જામીન મળ્યા
સુપ્રીમ કોર્ટે સોમવારે 'ધ હિંદુ'ના પત્રકાર મહેશ લાંગાને મની લૉન્ડ્રિંગ મામલે વચગાળાના જામીન આપ્યા છે.
આ મામલો અમદાવાદમાં પ્રવર્તમાન નિદેશાલય એટલે કે ઈડી તરફથી દાખલ કરવામાં આવેલા કથિત નાણાકીય ગોટાળાનો છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, "મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જૉયમાલ્યા બાગજી અને વિપુલ એમ પંચોલીની પીઠે આ મામલે વિશેષ અદાલતને રોજે-રોજ સુનાવણી કરવાનો આદેશ આપ્યા છે."
સુપ્રીમ કોર્ટે મહેશ લાંગાને આ નિર્દેશ આપ્યો છે કે તે પોતાની સામેના આ કેસ મામલે પોતાના અખબારમાં કોઈ લેખ ન લખે.
જેપી નડ્ડાએ સોનિયા ગાંધી પાસે માફીની માંગ કેમ કરી?
લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સોમવારે હંગામા બાદ બપોરે 12 સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
બંને ગૃહોમાં ભાજપના નેતાઓએ માંગ કરી કે રવિવારની રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે વાંધાજનક ટિપ્પણીઓ કરવા બદલ કૉંગ્રેસ માફી માગે.
આ માંગ બાદ ગૃહમાં શોર શરૂ થઈ ગયો અને કાર્યવાહી રોકવી પડી.
ભાજપ નેતા જેપી નડ્ડાએ રાજ્યસભામાં કૉંગ્રેસનાં સાંસદ સોનિયા ગાંધી પાસે ટિપ્પણી બદલ માફી માંગવાની માંગ કરી.
જેપી નડ્ડાએ કહ્યું, "આ પ્રકારે નારા કૉંગ્રેસ પાર્ટીની વિચારધારા અને માનસિકતા દર્શાવે છે. એક વડા પ્રધાન સામે આ પ્રકારે વાત કરવી એ નિંદનીય છે."
તેમણે કહ્યું, "કૉંગ્રેસ પાર્ટીનાં નેતા આદરણીય સોનિયા ગાંધીજી અહીં બેઠાં છે. તેમણે દેશની માફી માંગવી જોઈએ."
બૉન્ડી બીચ હુમલો : હુમલાખોર પાસેથી બંદૂક છીનવી લેનારા અહમદ અલ અહમદ કોણ છે? – ન્યૂઝ અપડેટ
ઑસ્ટ્રેલિયાના બૉન્ડી બીચ પર થયેલા હુમલાના એક વાઇરલ થયેલા વીડિયોમાં દેખાય છે કે અહમદ, હુમલાખોર પાસેથી બંદૂક છીનવી રહ્યા છે. લોકો તેમની બહાદૂરીના વખાણ કરી રહ્યા છે. ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઍન્થની આલ્બનીઝ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેમના વખાણ કર્યા છે.
કૅમેરામાં કેદ થયેલા ઑસ્ટ્રેલિયાના આ 'હીરો'ની ઓળખ 43 વર્ષના અહમદ અલ અહમદ તરીકે થઈ છે.
બીબીસી તરફથી વૅરિફાઇડ વીડિયોમાં દેખાય છે કે અહમદ બંદૂકધારી તરફ દોડે છે. તેની પાસેથી હથિયાર છીનવી લે છે અને પછી બંદૂક તેની તરફ જ ઘુમાવે છે. જેથી હુમલાખોર પાછળ હઠવા મજબૂર થઈ જાય છે.
અહમદ બે બાળકોના પિતા છે અને તેઓ ફળની દુકાન ચલાવે છે. હાલમાં તેઓ હૉસ્પિટલમાં ભરતી છે. તેમના પરિવારે '7ન્યૂઝ ઑસ્ટ્રેલિયા'ને જણાવ્યું કે હાથમાં ગોળી લાગવાને કારણે તેમની સર્જરી થઈ છે.
રવિવારે રાત્રે થયેલા ગોળીબારમાં 15 લોકોનાં મૃત્યુ થયાં છે અને ઘણા ઘાયલ થયા છે. આ હુમલો એવા સમયે થયો હતો જ્યારે હનુક્કાના કાર્યક્રમમાં એક હજાર કરતાં વધારે યહૂદી લોકો ઉપસ્થિત હતા. પોલીસે તેને 'યહૂદી સમુદાયને નિશાન બનાવવા માટે કરાયેલો આતંકવાદી હુમલો' ગણાવ્યો છે.
દિલ્હીમાં પ્રદૂષણ ગંભીર સ્તરે, કેટલાક વિસ્તારમાં AQI 500ની નજીક
દેશની રાજધાની દિલ્હીમાં આ વર્ષે રેકૉર્ડ લેવલ પર પ્રદૂષણ પહોંચી ગયું છે. રવિવારે શહેરમાં એક્યુઆઈ (ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ) વધીને 461 થયો હતો અને કેટલીક જગ્યાએ 500ની નજીક પહોંચી ગયો છે.
સોમવારે પણ સવારે દિલ્હીમાં ભારે ધૂમ્મસ છવાઈ ગયું હોવાથી વાહન વ્યવહારને અસર થઈ હતી.
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ મુજબ દિલ્હીમાં ઘણી જગ્યાએ હવા ગંભીર સ્તરે છે.
એક્યુઆઈ જ્યારે 401થી 500 વચ્ચે હોય ત્યારે તેને ગંભીર ગણવામાં આવે છે. આનંદવિહારમાં રવિવારે 491નો એક્યુઆઈ નોંધાયો હતો.
શનિવારે દિલ્હી-એનસીઆરમાં ઍર ક્વૉલિટી સિવિયર સ્તરે પહોંચ્યા પછી ગ્રેપ -4 (ગ્રેડેડ રિસ્પોન્સ ઍક્શન પ્લાન) લાગુ કરવામાં આવ્યો છે. તેના હેઠળ દિલ્હીમાં તમામ ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ છે. માત્ર એલએનજી, સીએનજી, ઇલેક્ટ્રિક અને બીએસ-6 ડીઝલ ગાડીઓ પ્રવેશી શકે છે.
બિહારના મંત્રી નીતિન નબીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ બન્યા
બિહારના મંત્રી નીતિન નબીનને રવિવારે ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ જેપી નડ્ડાની જગ્યાએ રાષ્ટ્રીય પ્રમુખ બને તેવી શક્યતા છે. તે દર્શાવે છે કે ભાજપમાં ટોચના હોદ્દા પર પરિવર્તન આવી રહ્યું છે.
નબીન 45 વર્ષના છે અને ભાજપના દિવંગત નેતા તથા ભૂતપૂર્વ ધારાસભ્ય નબીન કિશોરપ્રસાદ સિંહાના પુત્ર છે. તેઓ પક્ષ સાથે નિકટતાથી જોડાયેલા છે તેમ પાર્ટીના નેતાઓ કહે છે. નીતિન નબીન પણ આરએસએસનું બૅકગ્રાઉન્ડ ધરાવે છે.
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહે જારી કરેલા પત્રમાં જણાવાયું છે કે "ભાજપના સંસદીય બોર્ડે બિહાર સરકારમાં મંત્રી નબીનને પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખપદે નિયુક્ત કર્યા છે."
તેમાં જણાવાયું છે કે નીતિન નબીનની નિમણૂક તાત્કાલિક લાગુ થશે. તેઓ બિહાર સરકારમાં રોડ મંત્રી અને ભાજપ છત્તીસગઢના પાર્ટી પ્રભારી છે.
ફૂટબૉલ સ્ટાર મેસી અંગે કોલકાતામાં ધમાલ પછી આજે દિલ્હીમાં કાર્યક્રમ
આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબૉલ ખેલાડી લિયોનેલ મેસી હાલમાં ભારતના પ્રવાસે છે. પશ્ચિમ બંગાળમાં મેસીના કાર્યક્રમમાં ધમાલ થયા પછી આજે તેઓ દિલ્હી આવવાના છે જેના માટે પોલીસ ઍલર્ટ છે.
દિલ્હીમાં સોમવારે કાર્યક્રમ યોજાવાનો છે જેના માટે દિલ્હી પોલીસે અરુણ જેટલી સ્ટેડિયમ અને તેની આસપાસ અનેક સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરી છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે અધિકારીઓએ રવિવારે જણાવ્યું કે સોમવારે બપોરે એકથી ચાર વાગ્યા વચ્ચે કાર્યક્રમ આયોજિત થશે.
શનિવારે મેસી કોલકાતાના સૉલ્ટ લેક સ્ટેડિયમ પહોંચ્યા ત્યારે દર્શકોમાં તેમના માટે ભારે ઉત્સાહ હતો. પરંતુ મેસી થોડી વારમાં ત્યાંથી નીકળી ગયા જેના કારણે લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો. તેમણે સ્ટેડિયમમાં ખુરશીઓ તોડી અને પાણીની બૉટલો ફેંકી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન