You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરવા માટે રવિવારે ટ્રમ્પને મળશે ઝેલેન્સ્કી – ન્યૂઝ અપડેટ
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા માટે તેઓ રવિવારે ફ્લોરિડા ખાતે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે.
ઝેલેન્સ્કીએ કહ્યું કે તેઓ અમેરિકાની મધ્યસ્થીવાળા પીસ પ્લાન અને અમેરિકન સુરક્ષા ગૅરંટી માટે જુદા જુદા પ્રસ્તાવો પર ધ્યાન આપવા માગે છે.
જોકે, એક વરિષ્ઠ રશિયન અધિકારીએ કહ્યું છે કે આ પ્લાન એ પ્લાનથી 'સંપૂર્ણપણે અલગ હતો', જે અંગે રશિયા અમેરિકા સાથે વાતચીત કરી રહ્યું હતું.
રશિયાએ ઝેલેન્સ્કીના એ પ્રસ્તાવ અંગે કોઈ પ્રતિક્રિયા નથી આપી જેમાં તેમણે કહ્યું હતું કે જો રશિયા પોતાના સૈન્યને પાછું હઠાવે તો યુક્રેન પણ પૂર્વ ડોનબાસ ક્ષેત્રથી પોતાનું સૈન્ય પાછું ખેંચી લેશે.
દિગ્વિજયસિંહની પોસ્ટ વિશે ચર્ચા, બીજી બાજુ કૉંગ્રેસની બેઠક
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર મૂકેલી પોસ્ટમાં જે કંઈ લખ્યું છે, જેના અનેક અર્થ કાઢવામાં આવી રહ્યા છે.
દિગ્વિજયસિંહે લખ્યું, "Quora સાઇટ ઉપર મને આ તસવીર મળી. ખૂબ જ અસરકારક છે. કઈ રીતે આરએસએસના ધરાતલ પરના સ્વયંસેવક અને જનસંઘના કાર્યકર્તાઓ નેતાઓના ચરણોમાં જમીન ઉપર બેસીને પ્રદેશના મુખ્ય મંત્રી અને દેશના વડા પ્રધાન બન્યા. તે સંગઠનની શક્તિ છે."
આ જૂની તસવીરમાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી તથા અન્ય નેતા ખુરશી ઉપર બેઠેલા છે, જ્યારે નરેન્દ્ર મોદી જમીન ઉપર બેસેલા નજરે પડે છે.
દિગ્વિજયસિંહે આ પોસ્ટમાં કૉંગ્રેસ પાર્ટી, કૉંગ્રેસના સંસદસભ્યો, પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સંસદસભ્ય રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધી, પાર્ટીના નેતા જયરામ રમેશ તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ ટૅગ કર્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજી બાજુ, શનિવારે કૉંગ્રેસ વર્કિંગ કમિટીની (સીડબલ્યુસી) બેઠક ચાલી રહી છે. જેમાં મનરેગા વિશે પણ ચર્ચા થઈ હતી.
કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ બાબત વિશે માહિતી આપી. તેમણે લ્ખ્યું, "આજે સીડબલ્યૂસીની બેઠકમાં મારા વક્તવ્યના અંશ – હાલમાં સંસદના શીતકાલીન સત્રમાં મોદી સરકારે મનરેગાને સમાપ્ત કરીને કરોડો ગરીબ અને નબળાવર્ગના લોકોને નોધારા કરી દીધા. મોદી સરકારે ગરીબોના પેટ ઉપર લત મારવાની સાથે તેમની પીઠમાં છૂરો ઘોંપ્યો છે."
તાજેતરની હિંસા બાદ થાઇલૅન્ડ અને કંબોડિયા વચ્ચે સંઘર્ષ વિરામ
થાઇલૅન્ડ અને કંબોડિયા સંઘર્ષવિરામ માટે સહમત થઈ ગયા છે. છેલ્લા કેટલાક દિવસથી તેમની વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ ચાલી રહ્યો હતો. તાજેતરના સંઘર્ષમાં ઓછામાં ઓછા પાંચ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
બંને દેશો વચ્ચે સરહદ વિવાદ ચાલી રહ્યો છે. જેમાં તાજેતરની હિંસા દરમિયાન આ વિસ્તારમાં આવેલી હિંદુ દેવી-દેવતાઓની પ્રતિમાઓને તોડી પાડવામાં આવી હતી, જેના વિશે ભારતે ચિંતા વ્યક્ત કરી હતી.
ન્યૂઝ એજન્સી રૉઇટર્સના અહેવાલ મુજબ, બંને દેશોએ સિઝફાયરના દસ્તાવેજ ઉપર હસ્તાક્ષર કર્યા છે અને કંબોડિયાના સંરક્ષણ મંત્રાલયે આ કરારની જાહેરાત કરી હતી.
મે-2025માં બંને દેશો વચ્ચે હિંસા થઈ હતી, જેમાં 40થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારથી બંને દેશો વચ્ચેનો વેપાર ઠપ છે અને મુસાફરી પણ અટકી ગઈ છે.
એ પછી જુલાઈ મહિનામાં થાઇલૅન્ડ અને કંબોડિયા વચ્ચે યુદ્ધવિરામ અંગે સહમતિ સધાઈ હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેની મધ્યસ્થતા કરી હતી. એ પછી થોડો સમય માટે શાંતિ રહી હતી અને ફરી સંઘર્ષ શરૂ થયો હતો. બંને દેશોએ એકબીજા ઉપર સંઘર્ષને ફરી શરૂ કરવાનો આરોપ મૂક્યો હતો.
ન્યૂઝીલૅન્ડના વડા પ્રધાને ભારત સાથે એફટીએ વિશે માહિતી આપી
ન્યૂઝીલૅન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સને ભારત સાથેના ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટને ઐતિહાસિક ડીલ ગણાવી છે. તેમના કહેવા પ્રમાણે, આ કરારને કારણે ન્યૂઝીલૅન્ડમાં નોકરીઓ વધશે તથા આવક અને વેપારમાં વૃદ્ધિ થશે.
પીએમ લક્સને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું, "અમે કહ્યું હતું કે અમે અમારા પહેલા કાર્યકાળ દરમિયાન ભારત સાથે ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ કરીશું અને અમે કરી દીધા છે. આ ઐતિહાસિક ડીલનો અર્થ છે, વધુ નોકરીઓ, વધુ આવક તથા 1.4 અબજ ભારતીય વપરાશકર્તાઓ માટે દરવાજા ખોલીને વધુ નિકાસ કરવી."
વડા પ્રધાન લક્સને કહ્યું કે આ કરારનો હેતુ મૂળભૂત બાબતોને દુરસ્ત કરીને ભવિષ્યનિર્માણ કરવાનો છે.
ઉલ્લેખનીય છે કે તા. 22 ડિસેમ્બરના ભારત અને ન્યૂઝીલૅન્ડે વ્યાપક ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ (મુક્ત વેપાર કરાર) કર્યા હતા.
યમન મુદ્દે સાઉદી અને યુએઈ સામ-સામે, અમેરિકાએ શું અપીલ કરી?
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ યમનમાં પ્રવર્તમાન તાજેતરની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને તમામ પક્ષકારોને કૂટનીતિક પ્રયાસો ચાલુ રાખવા અપીલ કરી છે.
માર્કો રૂબિયોએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર એક પોસ્ટમાં લખ્યું, "દક્ષિણ-પૂર્વ યમનમાં તાજેતરમાં જે કંઈ થયું, તેના વિશે અમે ચિંતિત છીએ. અમે ત્યાં સંયમ જાળવવા તથા સ્થાયી સમાધાન સુધી પહોંચવવા માટે સતત કૂટનીતિક પ્રયાસો જાળવી રાખવાનો આગ્રહ કરીએ છીએ."
"અમે અમારા ભાગીદારો, સાઉદી અરેબિયા તથા સંયુક્ત આરબ અમિરાતના (યુએઈ) રાજકીય નેતૃત્વ બદલ આભારી છીએ તથા પોતાના સંયુક્ત સુરક્ષાહિતોને અગ્રેસર કરવાના તમામ પ્રયાસોનું પણ સમર્થન કરતા રહીશું."
છેલ્લા કેટલાક દિવસોથી યમનમાં સંઘર્ષની સ્થિતિ પ્રવર્તમાન છે. યમન મુદ્દે સાઉદી અરેબિયા તથા યુએઈ એકબીજાના વિરોધમાં છે.
યુએઈ સમર્થિત સમૂહ 'સર્દન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલ'એ ગયા અઠવાડિયે યમનના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં આવેલાં મહત્ત્વપૂર્ણ શહેરો તથા તેલભંડારો ઉપર ફરીથી કબજો કરી લીધો હતો.
સાઉદી અરેબિયા સમર્થિત સેનાઓએ પીઠેહઠ કરી એ પછી યમનના ભાગલાવાદી જૂથોએ તેની ઉપર નિયંત્રણ મેળવી લીધું હતું.
વર્ષ 2022માં સંઘર્ષ વિરામ કરાર થયા, એ પછી આ મોરચે શાંતિ પ્રવર્તમાન હતી. એવામાં એસટીસીની કાર્યવાહીથી તણાવ ઊભો થવા પામ્યો છે.
તાજેતરના ઘટનાક્રમને કારણે યમનને લઈને મધ્ય-પૂર્વ એશિયાના બે અગ્રણી દેશો સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમિરાત વચ્ચે જે કડવાશ પ્રવર્તમાન છે, તે ફરી તાજી થઈ ગઈ છે.
શ્રીલંકા સામેની નિર્ણાયક ટી20 મૅચમાં ભારતનો વિજય, દિપ્તી શર્માએ ઇતિહાસ રચ્યો
ઑલરાઉન્ડર દિપ્તી શર્માનું પ્રદર્શન વિશેષ આકર્ષણ રહ્યું. દિપ્તીએ પોતાની બૉલિંગથી ન કેવળ શ્રીલંકાનાં બલ્લેબાજોને ધ્વસ્ત કર્યાં, પરંતુ ક્રિકેટમાં ઇતિહાસ પણ લખ્યો.
તેમણે 18 રન આપીને ત્રણ વિકેટ લીધી. આ સાથે જ ટી20 ફૉર્મેટમાં તેમણે લીધેલી ઇન્ટરનૅશનલ વિકેટોની સંખ્યા 151 થઈ ગઈ હતી.
દિપ્તી શર્મા વનડે તથા ટી20 ઇન્ટરનૅશનલ, એમ બંને ફૉર્મેટમાં 150 વિકેટ લેનારાં પ્રથમ મહિલા ક્રિકેટર બન્યાં.
શ્રીલંકાએ પહેલાં બેટિંગ કરી અને ભારતની સામે 112 રનનો ટાર્ગેટ આપ્યો. ભારતીય ટીમે 6.4 ઓવર બાકી હતી, ત્યારે જ આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
ટી20 ઇન્ટરનૅશલમાં ટોચનાં બૉલર દિપ્તી શર્મા ટી20 ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારાં બૉલરોની યાદીમાં ઑસ્ટ્રેલિયાનાં મૅગન શૂટની સાથે સંયુક્ત રીતે ટોચ ઉપર પહોંચી ગયા છે.
29 વર્ષીય દિપ્તીએ 128 ઇનિંગમાં 151 વિકેટ લીધી છે. તેમની સરેરાશ 18.74 તથા ઇકૉનૉમી રેટ 6.1ની રહી છે. દિપ્તીએ વનડે ક્રિકેટમાં 120 ઇનિંગમાં 162 વિકેટ લીધી છે.
ભારતીય બૉલર રેણુકા સિંહે તેમના સ્પેલમાં 4 વિકેટ લીધી.
રવિવારે ટ્રમ્પને મળશે ઝેલેન્સ્કી
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીનું કહેવું છે કે રશિયા સાથેના યુદ્ધને સમાપ્ત કરવાના હેતુસર આ અઠવાડિયાના અંતભાગમાં તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે.
ઝેલેન્સ્કીનું કહેવું છે કે આ બેઠકમાં અમેરિકાએ ઘડેલી 20-સૂત્રીય શાંતિ યોજના ઉપરાંત અમેરિકાની સિક્યૉરિટી ગૅરંટી અંગે પણ અલગથી ચર્ચા થશે.
ઝેલેન્સ્કીનું કહેવું છે કે 'તેઓ એક પણ દિવસ વેડફી નથી રહ્યા. નવવર્ષ પહેલાં ઘણુંબધું નક્કી થઈ શકે તેમ છે. 90 ટકા કામ પતી ગયું છે અને તેમનું લક્ષ્યાંક 100 ટકા પૂર્ણ કરવાનું છે.'
જોકે, રશિયાનું કહેવું છે કે અમેરિકા સાથે જે વાટાઘાટો થઈ રહી છે, તેના કરતાં આ 'સંપૂર્ણપણે અલગ' છે. સાથે જ ઉમેર્યું હતું કે 'ધીમી અને સાતત્યપૂર્ણ પ્રગતિ' થઈ રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન