બિહારમાં એમ-વાયની નવી ફૉર્મ્યુલા બની છે – ચૂંટણીપરિણામ અંગે પીએમ મોદીએ શું કહ્યું – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI
બિહારનાં ચૂંટણી પરિણામો બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના મુખ્યાલય ખાતે કાર્યકરોને સંબોધિત કર્યા હતા.
મોદીએ કહ્યું, "જેમ લોઢું લોઢાને કાપે. બિહારમાં કેટલાક દળોએ તુષ્ટિકરણવાળું એમ-વાય ફૉર્મ્યુલા ઘડી હતી. આજના વિજયે નવા એમ-વાય ફૉર્મ્યુલા આપી છે – મહિલા અને યુવા (યૂથ)"
"આજે બિહાર દેશના એવા રાજ્યોમાં સામેલ છે કે જ્યાં સૌથી વધુ સંખ્યામાં યુવા છે અને તેમાં દરેક જાતિ અને ધર્મના યુવા છે. તેમની ઇચ્છા છે કે તેમની આકાંક્ષા તથા તેમનાં સપનાં જંગરાજવાળાઓના જૂના કોમી એમ-વાય ફૉર્મ્યુલાને ધ્વસ્ત કરી દીધી છે."
"હું બિહારના યુવાનો, દીકરીઓ, બહેનો ખેડૂતો, શ્રમિકો, દુકાનદારો તથા માછલીપાલકોને અભિનંદન પાઠવું છું. નીતીશજીએ શાનદાર નેતૃત્વ પૂરું પાડ્યું. ભાજપના નેતાઓએ ખૂબ મહેનત કરી. એનડીએના કાર્યકરોએ બૂથસ્તરે અદ્દભુત તાલમેલ દાખવ્યું."
બિહાર વિધાનસભાનાં ચૂંટણીપરિણામો અંગે નીતીશકુમારે શું કહ્યું ?

ઇમેજ સ્રોત, ANI
બિહાર વિધાનસભાના ચૂંટણીપરિણામો ઉપર રાજ્યના મુખ્ય મંત્રી નીતીશ કુમારે પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર એક પોસ્ટ દ્વારા તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ગઠબંધનના અન્ય સહયોગી પક્ષો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.
નીતીશુકમારે લખ્યું, "બિહાર વિધાનસભા ચૂંટણી-2025માં રાજ્યવાસીઓએ અમને ભારે બહુમત આપીને અમારી સરકાર પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જેના માટે રાજ્યના તમામ સન્માનિત મતદારોને મારાં નમન, હૃદયપૂર્વક આભાર તથા ધન્યવાદ. આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા તેમની પાસેથી મળેલા સહોયગ માટે તેમને નમન કરીને હૃદયપૂર્વક આભાર અને ધન્યવાદ."
"એનડીએ ગઠબંધને ચૂંટણીમાં પૂર્ણ એકજૂટતા દાખવીને ભારે બહુમત મેળવ્યો છે. આ ભારે વિજય માટે એનડીએ ગઠબંધનના તમામ સાથીઓ – શ્રી ચિરાગ પાસવાનજી, શ્રી જીતનરામ માંઝીઝી તથા શ્રી ઉપેન્દ્રજી કુશવાહને પણ ધન્યવાદ તથા આભાર. આપ સર્વેના સહયોગથી બિહાર આગળ વધશે અને બિહાર દેશના સૌથી વધુ વિકસિત રાજ્યોની શ્રેણીમાં સામેલ થશે."
આ ચૂંટણીના વલણો (અને પરિણામો) ઉપર નજર કરીએ તો એનડીએ 203 બેઠક ઉપર અને મહાગઠબંધન 34 સીટ ઉપર અગ્રેસર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બિહારમાં મહાગઠબંધન પાછળ રહી ગયા પછી આરજેડીના સાંસદે આરોપ લગાવ્યો

ઇમેજ સ્રોત, ANI
બિહારમાં મતગણતરી વચ્ચે આરજેડીના સાંસદ મનોજ ઝાએ આરોપ લગાવ્યો કે મતગણતરીની પ્રક્રિયા ધીમી ચાલે છે.
તેમણે દાવો કર્યો કે ચૂંટણીપંચની વેબસાઇટને સમયસર અપડેટ કરવામાં નથી આવતી.
મનોજ ઝાએ કહ્યું કે લગભગ 60થી 70 બેઠકો પર બહુ નીચું માર્જિન છે. તેમાં અમને પૂરો ભરોસો છે. અહીં પરિસ્થિતિઓ બદલાઈ શકે છે, તેની પૂરી શક્યતા છે.
વલણોમાં એનડીએ આગળ છે તે વિશે તેમણે કહ્યું, ભાજપ ઉતાવળમાં ઉજવણી કરે છે. હાલના વલણો બદલાતા વાર નહીં લાગે.
બિહારની મતગણતરીમાં એનડીએ ભારે બહુમત તરફ આગળ વધતું હોય તેવા વલણ છે.
બિહાર ચૂંટણીના : ભારે લીડ મળ્યા પછી મૈથિલી ઠાકુરે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ ગઠબંધન ભારે બહુમતી તરફ આગળ વધી રહ્યું છે. આ લખાય છે ત્યાં સુધીમાં એનડીએ 196 બેઠકો પર અને મહાગઠબંધન 42 બેઠકો પર આગળ છે.
અલીનગરમાં ભાજપના ઉમેદવાર અને લોકપ્રિય ગાયિકા મૈથિલી ઠાકુર 6800 મતથી આગળ ચાલતાં હતાં.
તેમણે સમાચાર સંસ્થા પીટીઆઈ સાથે વાત કરતા જણાવ્યું કે, બહુ સારું લાગે છે. જે દિવસથી મેં રાજકારણમાં પગ મુક્યો છે, તે દિવસથી મારા મનમાં કોઈ શંકા ન હતી.
તેમણે કહ્યું કે, "મને મારા મતક્ષેત્રના લોકોને બહુ પ્રેમ મળ્યો છે. હવે હું આગામી પાંચ વર્ષ માટે એકદમ તૈયાર છું."

ઇમેજ સ્રોત, Reuters / AFP via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીબીસીએ 'પેનોરામા' કાર્યક્રમ બદલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની માફી માગી છે. આ કાર્યક્રમમાં ટ્રમ્પની 6 જાન્યુઆરી, 2021ની સ્પીચને અલગ-અલગ ભાગોમાં જોડીને દેખાડવામાં આવી હતી.
જોકે, બીબીસીએ ટ્રમ્પની વળતરની માગણી નકારી કાઢી છે. સંસ્થાએ પોતાના 'કરેક્શન ઍન્ડ ક્લિયરિફિકેશન્સ' સેક્શનમાં ગુરુવારે સાંજે પ્રકાશિત એક નિવેદનમાં આમ જણાવ્યું હતું.
બીબીસીએ કહ્યું કે "વીડિયો ઍડિટ કરવાથી ખોટી રીતે એવું લાગ્યું કે ટ્રમ્પે સીધી હિંસક કાર્યવાહીની અપીલ કરી હતી." તેની સાથે બીબીસીએ કહ્યું કે તે 2024ના પ્રોગ્રામને ફરી નહીં દેખાડે.
ટ્રમ્પના વકીલોએ ધમકી આપી છે કે "બીબીસી પોતાનું નિવેદન પાછું નહીં ખેંચે, માફી નહીં માગે અને વળતર નહીં ચૂકવે તો તેઓ બીબીસી પર એક અબજ ડૉલરના વળતરનો કેસ કરશે."
આ વિવાદના કારણે રવિવારે બીબીસીના ડાયરેક્ટર જનરલ ટિમ ડેવી અને હેડ ઑફ ન્યૂઝ ડેબોરા ટર્નેસે રાજીનામાં આપી દીધાં હતાં.
બીબીસી ન્યૂઝે આ મામલે વ્હાઇટ હાઉસની ટિપ્પણી માગી છે. ધ ટેલિગ્રાફે સોમવારે બીબીસીનો એક લીક થયેલો આંતરિક મેમો પ્રકાશિત કર્યો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 'પેનોરામા' કાર્યક્રમમાં અમેરિકન રાષ્ટ્રપતિના ભાષણના બે ભાગોને જોડીને ઍડિટ કરવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્રઃ પુણે -બૅંગલુરુ હાઈવે પર માર્ગ અકસ્માતમાં સાત લોકોનાં મોત

ઇમેજ સ્રોત, ANI
બીબીસી મરાઠી મુજબ ફાયરબ્રિગેડ વિભાગે જણાવ્યું કે સાંજે લગભગ 4.50 વાગ્યે કન્ટ્રોલ રૂમને માહિતી મળી કે નાવલે પુલ પર એક દુર્ઘટના થઈ છે જેનાથી ત્રણ વાહનોમાં આગ લાગી છે. ત્યાર પછી ફાયરબ્રિગેડનાં કુલ આઠ વાહનો ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં.
ફાયરબ્રિગેડને ઘટનાસ્થળે બે કન્ટેનર અને એક ફૉર વ્હીલર ફસાયેલી હાલતમાં મળી આવ્યાં. ફસાયેલા ફોર વ્હીલરમાં આગ લાગી હતી.
આ ઘટનામાં કુલ સાત લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જેમાં કન્ટેનરમાંથી બે પુરુષના મૃતદેહ મળ્યા છે જ્યારે કારમાંથી બે પુરુષ, બે મહિલા અને એક છોકરીનો મૃતદેહ મળ્યો છે.
ફાયરબ્રિગેડ વિભાગને સ્થાનિક લોકોએ જણાવ્યું કે મોટા કન્ટેનરે કેટલાંય વાહનોને પાછળથી ટક્કર મારી હતી ત્યાર પછી તેમાં આગ લાગી હતી. ટક્કરના કારણે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન


























