ગાંધીધામમાં સામાન્ય બોલાચાલીમાં એક વ્યક્તિને ડીઝલ છાંટી સળગાવતાં મોત - ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ગાંધીધામના રોટરીનગરમાં એક સામાન્ય બોલાચાલીમાં થયેલા ઝઘડામાં એક વ્યક્તિનું મોત થયું છે.

ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધાયો છે.

પોલીસ ફરિયાદ અનુસાર, ઓટલા પર બેસવા જેવી નજીવી બાબતને લઈને પડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો. તેનું મનદુખ રાખીને પડોશીઓએ 50 વર્ષીય કરસન મહેશ્વરી પર જીવલેણ હુમલો કર્યો હતો.

મૃતક હુમલાથી બચવા માટે બાથરૂમમાં છુપાઈ જતા આરોપીઓ તેમના પર ડીઝલ છાંટ્યું હતું અને આગ ચાંપી દીધી હતી.

શરીરે આગ લાગતા આધેડ ઘરની બહાર આવી ગયા અને રસ્તા પર ફસડાઈ ગયા હતા.

ગંભીર રીતે દાઝેલા કરસનભાઈને ભુજની જીકે હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

પોલીસ આ હત્યાકેસમાં પ્રેમિલાબહેન નરેશભાઈ માતંગ, અંજુબહેન ઉર્ફે અજીબહેન હરેશભાઈ માતંગ અને ચીમનારામ ગોમારામ મારવાડીની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓ પણ ગાંધીધામના રોટરીનગરમાં રહે છે.

મૃત્યુ પૂર્વે મામલતદાર સમક્ષ નોંધાવાયેલ મરણોન્મુખ નિવેદનને આધારે પોલીસ આરોપીઓને પકડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીધામ બી ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે અને આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે.

સોનાનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો

સોનાનો ભાવ પ્રથમ વખત પાંચ હજાર ડૉલર પ્રતિ આઉન્સને પાર પહોંચી ગયો છે. 4,57,000 રૂપિયા પ્રતિ આઉન્સ થઈ ગયો છે. એટલે કે 10 ગ્રામ સોનાની કિંમત 1,61,000 રૂપિયા થઈ ગઈ છે.

આની સાથે સોનામાં આવેલી ઐતિહાસિક તેજીમાં વધુ એક ઉછાળો આવ્યો છે. અત્યાર સુધી સોનાના ભાવમાં 60 ટકાથી વધારેનો ઉછાળો આવી ગયો છે.

અમેરિકા અને નેટો વચ્ચે ગ્રીનલૅન્ડને લઈને વધતા તણાવ વચ્ચે આ ઉછાળો આવ્યો છે. અગાઉથી ચાલતી નાણાંકીય અને ભૂ-રાજનીતિક અનિશ્ચિતતાને લઈને ચિંતાઓ વધી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર નીતિઓએ પણ બજારની ચિંતા વધારી છે. ગયા શનિવારે તેમણે ધમકી આપી હતી કે કેનેડા ચીન સાથે વેપાર કરાર કરશે તો તેની પર 100 ટકા ટેરિફ લાદવામાં આવશે.

સોના અને અન્ય કિંમતી ધાતુઓને સેફ-હેવન એટલે કે સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. જેમાં અનિશ્ચિતતાના સમયમાં રોકાણકારો રોકાણ કરે છે.

શુક્રવારે ચાંદીના ભાવ પહેલી વખત 100 ડૉલર પ્રતિ આઉન્સને પાર પહોંચી ગયો. ગયા વર્ષે ચાંદીના ભાવમાં લગભગ 150 ટકાનો વધારો થયો હતો.

કર્નલ સોફિયા કુરેશીને મળશે આ સન્માન, શુભાંશુ શુક્લાને અશોક ચક્ર

ઑપરેશન સિંદૂર દરમ્યાન ચર્ચામાં આવેલાં અને ભારતીય સેનામાં કાર્યરત કર્નલ સોફિયા કુરેશીને 2026ના વિશિષ્ટ સેવા પદક માટે પસંદ કરવામાં આવ્યાં છે.

'ઑપરેશન સિંદૂર' દરમ્યાન કર્નલ સોફિયા કુરેશીએ વિંગ કમાંડર વ્યોમિકા સિંહ અને વિદેશ સચિવ વિક્રમ મિસરી સાથે મીડિયાને સૈન્ય કાર્યવાહીઓની દૈનિક માહિતી આપી હતી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 77મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યા પર સશસ્ત્ર દળોના 70 કર્મચારીઓને તેમની અસાધારણ બહાદુરી અને બલિદાન માટે વીરતા પુરસ્કારોને મંજૂરી આપી હતી. આમાં છ સન્માન મરણોપરાંત આપવામાં આવશે.

સન્માન મેળવનારાઓમાં ગ્રૂપ કૅપ્ટન શુભાંશુ શુક્લા, લેફ્ટનન્ટ ધીરજ સેઠ અને સેના, નૌસેના અને વાયુસેનાના કેટલાક અધિકારીઓ સામેલ છે.

આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર જનારા ભારતીય ગ્રૂપ કૅપ્ટન શુભાંશુ શુક્લાને અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવશે.

દિલ્હીમાં 77મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં શું ખાસ હશે, ગુજરાતના ટેબ્લોમાં શું આકર્ષણ રહેશે?

ભારતમાં આજે રાજધાની દિલ્હીમાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે અને વિવિધ રાજ્યોની સાંસ્કૃતિ ઝાંખી પણ અહીં રજૂ કરાશે.

આ પ્રજાસત્તાક દિવસ પર ગુજરાતમાંથી પણ ટેબ્લોનું પ્રદર્શન કરાશે.

ગુજરાત સરકારના માહિતી વિભાગ અનુસાર, દિલ્હીની પરેડમાં 'વંદે માતરમ' ગીતનાં 150 વર્ષ પર 'વંદે માતરમ' શબ્દની પૃષ્ઠભૂમિથી જ શરૂ થયેલી ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, બદલાતી તાસીર અને તવારીખની રોચક પ્રસ્તુતિ ગુજરાતના ટેબ્લોનું મુખ્ય આકર્ષણ રહેશે.

તેમજ ગુજરાતના નવસારીમાં જન્મેલા તથા ગુર્જરભૂમિના ક્રાંતિવીર સાથીઓ : શ્યામજી કૃષ્ણવર્મા અને સરદારસિંહ રાણાની સાથે વિદેશની ભૂમિ પરથી ક્રાંતિજ્યોત જગાવનારાં મૅડમ ભિખાઈજી કામાએ તૈયાર કરેલા 'વંદે માતરમ' લિખિત ધ્વજની યશોગાથાનું વર્ણન કરાશે.

તેમજ 'ચરખા'ના માધ્યમથી સ્વદેશીનો મંત્ર આપનારા મહાત્મા ગાંધીની સ્મૃતિ સાથે પ્રવર્તમાન 'આત્મનિર્ભર ભારત' અભિયાનનો સુભગ સમન્વય પણ આ ટેબ્લોના માધ્યમથી રજૂ કરાશે.

'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ પામેલા ઝવેરચંદ મેઘાણીરચિત 'કસુંબીનો રંગ'ના તાલે જુસ્સો વધારતા કલાકારો ટેબ્લોમાં જોમ પૂરશે.

પ્રેસ રિલીઝ અનુસાર, આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં 17 રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની 13 ઝાંખીઓ મળીને કુલ 30 ટેબ્લોનું પ્રદર્શન થશે.

77મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં શું ખાસ હશે?

ભારત આજે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી સમયે પોતાની વિકાસયાત્રા, સાંસ્કૃતિક વિવિધતા અને સેનાશક્તિનું પ્રદર્શન કરશે.

1950માં આજના દિવસે ભારતીય બંધારણ અમલમાં આવ્યું હતું.

સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર, પરેડમાં નવા રચાયેલા લશ્કરી એકમો તેમજ 'ઑપરેશન સિંદૂર' દરમિયાન તહેનાત કરાયેલી મુખ્ય હથિયાર પ્રણાલીઓના મૉડલનો સમાવેશ થશે.

યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો લુઈસ સાન્તોસ દા કોસ્ટા અને યુરોપીય કમિશનના પ્રમુખ ઉર્સુલા વૉન ડેર લેયેન સોમવારે ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાનો તરીકે હાજર રહેશે.

'કર્તવ્યપથ' પર થનાર આ કાર્યક્રમનો મુખ્ય વિષય 'વંદે માતરમનાં 150 વર્ષ' હશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સમારોહનું નેતૃત્વ કરશે. આ કાર્યક્રમ સવારે 10:30 વાગ્યે શરૂ થશે અને લગભગ 90 મિનિટ ચાલશે.

પરેડની શરૂઆત પહેલાં લગભગ 100 સાંસ્કૃતિક કલાકાર 'વિવિધતામાં એકતા' થીમ પર પ્રસ્તૃતિ કરશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન