You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતની આફ્રિકા સામે પહેલી વન-ડેમાં રોમાંચક જીત, વિરાટ કોહલીની શાનદાર સદી - ન્યૂઝ અપડેટ
રાંચી ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી પહેલી વન-ડે મૅચ ભારત જીતી ગયું છે. ભારત છેલ્લી ઓવરમાં આ મૅચ જીત્યું છે.
આફ્રિકાની ટીમ 332 રન કરીને આઉટ થઈ ગઈ છે. ભારત 17 રને આ મૅચ જીતી ગયું છે.
ઝારખંડના રાંચી ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પહેલી વન-ડે મૅચ રમાઈ હતી, જેમાં વિરાટ કોહલીએ સદી ફટકારી છે.
વિરાટે 102 બૉલમાં પાંચ છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી સદી પૂરી કરી હતી. વિરાટે 52મી સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ 135 રન કર્યા હતા.
તો રોહિત શર્મા 57 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયા હતા. દક્ષિણ આફ્રિકાના બૉલર માર્કો યેનસેને તેમને એલબીડબલ્યુ (લૅગ બિફૉર વિકેટ) આઉટ કર્યા હતા.
રોહિતે પોતાની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.
ભારતની ટીમે આઠ વિકેટ ગુમાવીને 349 રન કર્યા હતા અને આફ્રિકાને જીત માટે 350 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
રોહિત વન-ડે ઇન્ટરનૅશનલમાં સૌથી વધુ 352 સિક્સર મારનાર ખેલાડી બની ગયા છે. અગાઉ આ રેકૉર્ડ પાકિસ્તાનના પૂર્વ બૅટ્સમૅન શાહિદ આફ્રિકાના નામે હતો. તેમણે વન-ડે ઇન્ટરનૅશનલમાં 351 છગ્ગા મારેલા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાં SIRની કામગીરી લંબાવવામાં આવી, નવો કાર્યક્રમ જાણો
ચૂંટણીપંચે મતદાર યાદીમાં સુધારણા માટે સ્પેશિયલ ઇન્ટેન્શિવ રિવિઝન (એસઆઈઆર) અભિયાન હાથ ધર્યું છે.
આ કામગીરીની સમીક્ષા કર્યા બાદ ગુજરાત સહિત નવ રાજ્ય અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ કામગીરી કરવા માટેનો કાર્યક્રમ એક અઠવાડિયા માટે લંબાવી દેવામાં આવ્યો છે.
ચૂંટણીપંચ દ્વારા આ મુદ્દે રવિવારે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ઘરે-ઘરે જઈને ફૉર્મ વહેંચવાની કામગીરી ચોથી ડિસેમ્બરના બદલે 11 ડિસેમ્બર સુધી ચાલશે.
જેના કારણે મતદાર સૂચિનો ડ્રાફ્ટ નવમી ડિસેમ્બરના બદલે 16મી ડિસેમ્બરે પ્રકાશિત કરવામાં આવશે.
હવે, આખરી મતદારયાદી સાતમી ફેબ્રુઆરીના બદલે 14મી ફેબ્રુઆરી 2026ના પ્રકાશિત કરવામાં આવશે.
આંદ્રે રસેલે આઈપીએલમાંથી લીધો સંન્યાસ, તેમણે શું કહ્યું?
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં પાવર હિટર તરીકે ઓળખાતા વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટના ઑલરાઉન્ડર આંદ્રે રસેલે હવે ટુર્નામેન્ટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.
તેઓ આઈપીએલની નવી સિઝનમાં અભિષેક નાયરના નેતૃત્વમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ના સપોર્ટ સ્ટાફનો હિસ્સો બનશે.
ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક વીડિયોમાં રસેલે આઈપીએલમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી.
રસેલે વીડિયોમાં કહ્યું, "હું તમને જણાવવા આવ્યો છું કે મેં આઈપીએલમાંથી નિવૃત્ત થવાનો નિર્ણય લીધો છે."
તેમણે વધુમાં કહ્યું, "હું દુનિયામાં ઘણી લીગમાં રમતો રહીશ. કેકેઆરની તમામ ફ્રેન્ચાઇઝી માટે પણ રમીશ. આઈપીએલમાં વિતાવેલો સમય શાનદાર રહ્યો. છક્કા મારવા, મૅચ જીતવી, એમવીપી એટલે કે મોસ્ટ વૅલ્યૂએબલ પ્લેયર બનવું...આ યાદ હંમેશાં રહેશે."
અમેરિકા : કૅલિફોર્નિયામાં બાળકના જન્મદિવસની પાર્ટીમાં ગોળીબાર, ચારનાં મૃત્યુ
અમેરિકાના કૅલિફોર્નિયામાં એક બાળકની જન્મદિવસની પાર્ટીમાં થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા ચાર લોકોનાં મૃત્યુ થયાં છે.
આ ઘટના શનિવારે સાંજે કૅલિફોર્નિયાના સ્ટૉકન શહેરની રેસ્ટોરાંમાં થઈ.
હુમલાખોર હજુ ફરાર છે. પોલીસનું કહેવું છે કે આ ગોળીબાર 'ટાર્ગેટેડ' એટલે કે કોઈને નિશાન બનાવવા માટે જ થયો હોવાનું પ્રતિત થાય છે.
સ્થાનિક પોલીસના જણાવ્યા પ્રમાણે પીડિતોમાં બાળકો ઉપરાંત વયસ્કો પણ સામેલ છે. ઘાયલ લોકોની સ્થિતિ વિશે વધુ જાણકારી નથી.
ટ્રમ્પે વેનેઝુએલા માટે અમેરિકાનું હવાઈક્ષેત્ર બંધ કરવાની આપી ચીમકી, વેનેઝુએલાએ શું કહ્યું?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના હવાઈક્ષેત્રને વેનેઝુએલા માટે બંધ કરવાની ચીમકી આપ્યા બાદ વેનેઝુએલાના વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે.
વેનેઝુએલાએ અમેરિકાના આ પગલાને સંસ્થાનવાદી ગણાવ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે દેશનું હવાઈક્ષેત્ર બંધ કરવાનો વિચાર કરવો જોઈએ તેવું કહ્યું હતું. તેના જવાબમાં વેનેઝુએલાના વિદેશ મંત્રાલયે કહ્યું છે, "આ વેનેઝુએલાના લોકો સામે વધુ એક આંત્યતિક, ગેરકાયદેસર અને અન્યાયી આક્રમણ છે."
તેણે વધુમાં જણાવ્યું કે અમેરિકાને તેનું હવાઈક્ષેત્ર બંધ કરવાનો કોઈ અધિકાર નથી. જોકે, ટ્રમ્પની આ મામલે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ ગેરસમજણ પેદા કરે છે.
અમેરિકા હાલમાં કેરેબિયન સમુદ્રમાં પોતાના લશ્કરની હાજરી વધારવા માગે છે. તેમના અધિકારીઓ કહે છે કે તે ડ્રગ્સની ગેરકાયદેસર હેરફેરને અટકાવવા આમ કરવા માગે છે. જોકે, વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ અમેરિકાના દાવાઓને ફગાવતા કહ્યું છે કે "આ બધા દાવાઓ તેમને ઉથલાવી પાડવાનો પ્રયાસ છે."
ટ્રમ્પે અગાઉ ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું, "બધી ઍરલાઇન્સ, પાઇલટ્સ, ડ્રગ ડીલરો અને માનવ તસ્કરો માટે. કૃપા કરીને ધ્યાનમાં લો કે વેનેઝુએલાની આસપાસ અ તેની આસપાસનાં તમામ હવાઈક્ષેત્રો તેના સમગ્ર પ્રદેશ માટે બંધ છે."
અભિષેક શર્માએ 12 બૉલમાં અડધી સદી ફટકારી, યુવરાજના રેકૉર્ડની કરી બરાબરી
સૈયદ મુશ્તાક અલી ટ્રૉફીના ટી20 મુકાબલામાં બંગાળ ટીમ સામે પંજાબના અભિષેક શર્માએ ઇતિહાસ રચી દીધો છે.
રવિવારે સવારે હૈદરાબાદના જિમખાના ગ્રાઉન્ડમાં રમાઈ રહેલી મૅચમાં બંગાળના અનુભવી બૉલરો સામે તેમણે આક્રમક બેટિંગ કરી.
બંગાળની સામે ટૉસ જીતીને ઓપનિંગ કરવા ઉતરેલા કૅપ્ટન અભિષેક શર્માએ પહેલી જ બૉલથી હુમલો કરતા દેખાયા.
તેમણે માત્ર 12 બૉલમાં અર્ધસદી બનાવી. આ દરમિયાન તેમણે આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદના પોતાના સાથી ખેલાડી મહોમ્મદ શમીની ઓવરમાં 23 રન ફટકાર્યા.
12 બૉલમાં અડધી સદી ફટકારીને અભિષેકે પોતાના મેન્ટર યુવરાજસિંહના ટી20 રેકૉર્ડની બરાબરી કરી.
તેમણે 32 બૉલમાં પોતાની સદી પણ પૂરી કરી જેમાં 16 છગ્ગા સામેલ હતા.
યુક્રેને રશિયાનાં ઑઇલ ટૅન્કરો પર કર્યો હુમલો, આ ટૅક્નિક અપનાવી
યુક્રેનના અધિકારીઓનો દાવો છે કે યુક્રેનની નેવીના સૈનિકોએ ડ્રૉન વડે બ્લૅક સીમાંથી પસાર થતાં રશિયાનાં તથાકથિત 'શૅડો ફ્લીટ' સાથે જોડાયેલાં બે ઑઇલ ટૅન્કરોને નિશાન બનાવ્યાં છે.
બીબીસી તરફથી આ સત્યાપિત વીડિયોમાં દેખાય છે કે પાણીમાં ચાલતાં ડ્રૉન લહેરોમાંથી પસાર થઈને જહાજો તરફ આગળ વધે છે અને પછી તેની સાથે ટકરાઈને વિસ્ફોટ કરે છે.
તુર્કીના અધિકારીઓના મત અનુસાર જે ટૅન્કરોને નિશાન બનાવાયાં હતાં, તેમનાં નામ 'કાઇરોસ' અને 'વિરાટ' છે. બંને પર ગામ્બિયાનો ઝંડો લાગેલો છે. બંને ટૅન્કરો પર શુક્રવારે તુર્કીના તટ પાસે હુમલો કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ પ્રમાણે, વિરાટને શનિવારે બીજી વખત નિશાન બનાવાયું હતું. જોકે, તે મામલે કોઈ હતાહત થયું હોય તેની જાણકારી નથી.
આ હુમલા બાદ રશિયાની ઑઇલની આવક પર યુક્રેન પ્રહાર કરવાની કોશિશમાં હોય તેવું લાગે છે. આ આવકને કારણે યુક્રેનમાં યુદ્ધ ચાલુ રાખવામાં રશિયાને 'મદદ' મળી છે.
સમાચારો પ્રમાણે, આ બંને જહાજ રશિયાની 'શૅડો ફ્લીટ'નો ભાગ છે. આ શબ્દ એ સેંકડો ટૅન્કરો માટે વપરાય છે, જેનો ઉપયોગ રશિયા પશ્ચિમી પ્રતિબંધોને અવગણવા માટે કરે છે.
રશિયા પર આ પ્રતિબંધ 2022માં લગાવવામાં આવ્યો હતો. જ્યારે યુક્રેન પર રશિયાએ મોટો હુમલો કર્યો હતો. 'શૅડો ફ્લીટ'માં મહત્તમ જુનાં ટૅન્કરો સામેલ છે. તે પૈકી કેટલાંક જહાજોની માલિકી કે તેનો વિમો કોના નામે છે તે સ્પષ્ટ નથી હોતું.
ગાઝામાં ઇઝરાયલના હુમલામાં અત્યાર સુધી 70 હજાર કરતાં વધુ લોકોનાં મૃત્યુ : હમાસ
હમાસ સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલી જાણકારી પ્રમાણે ગાઝામાં ઇઝરાયલની સૈન્ય કાર્યવાહીમાં અત્યાર સુધી 70 હજાર કરતાં વધુ પેલેસ્ટાઇનિયન મૃત્યુ પામ્યા છે.
ઇઝરાયલ અને હમાસ વચ્ચે 10 ઑક્ટોબરથી લાગુ યુદ્ધવિરામ છતાં મૃતકોનો આંકડો વધતો જઈ રહ્યો છે.
ઇઝરાયલનું કહેવું છે કે યુદ્ધવિરામના ઉલ્લંઘનને કારણે તેણે ઘણા હવાઈ હુમલા કર્યા છે. ઘણા મૃતદેહો હજુ પણ કાટમાળમાંથી બહાર કઢાઈ રહ્યા છે.
શનિવારે ઇઝરાયલી ડ્રૉન હુમલામાં મૃત્યુ પામેલા લોકોમાં બે ભાઈ, ફદી અને જુમા અબૂ અસ્સી પણ સામેલ હતા. જેમના પરિવાર પ્રમાણે તેઓ લાકડાં એકઠાં કરવા ગયા હતા, ત્યારે તેઓ માર્યા ગયા.
ઇઝરાયલી ડિફેન્સ ફોર્સીસ (આઇડીએફ)એ બીબીસીને જણાવ્યું કે તેમણે એ બે શકમંદોને નિશાન બન્યા હતા, જેમણે કહેવાતી 'યલો લાઇન' પાર કરી હતી.
આ લાઇન એ સ્થળ બતાવે છે, જ્યાં સુધી ઇઝરાયલી સૈન્યે પાછા હઠવા પર સંમતિ વ્યક્ત કરી છે. આ યુદ્ધવિરામ અમેરિકાની મધ્યસ્થી બાદ સાત અઠવાડિયાં કરતાં વધુ સમય પહેલાં થયો હતો.
ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે પેલેસ્ટાઇનિયનોનાં મૃત્યુનો કુલ આંકડો હવે 70,100 થઈ ગયો છે.
મંત્રાલય પ્રમાણે તેમાં 350 કરાતાં વધુ મૃત્યુ 10 ઑક્ટોબરના યુદ્ધવિરામ બાદ થયાં છે.
ઇઝરાયલના દક્ષિણ વિસ્તારમાં હમાસે 7 ઑક્ટોબર 2023ના રોજ હુમલો કર્યો હતો. એ હુમલામાં લગભગ 1200 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને 251 લોકોને બંધક બનાવી લેવાયા હતા. તેના જવાબમાં ઇઝરાયલી સૈન્યે ગાઝામાં પોતાની કાર્યવાહી શરૂ કરી હતી.
પાકિસ્તાનના ઉપવડા પ્રધાને કહ્યું, 'અમે અફઘાનિસ્તાન પર કાર્યવાહી કરવાના હતા, પણ...'
પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ મંત્રી મોહમ્મદ ઇસહાક ડારે એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન દાવો કર્યો કે પાકિસ્તાન અફઘાનિસ્તાનની અંદર કાર્યવાહી કરવા માગતું હતું, પરંતુ કતારે તેને રોક્યું અને મધ્યસ્થી માટે પેશકશ કરી.
બીબીસી ઉર્દૂ અનુસાર, ઇસ્લામાબાદમાં ઇસહાક ડારે કહ્યું, "અફઘાન તાલિબાને પોતાની નીતિ અંગે ફરી વિચારવું પડશે, કારણ કે એ સરકારમાં છે. અમે તેમનાથી કશું નથી ઇચ્છતા, અમે બધું કરવા માટે તૈયાર છીએ, પરંતુ જ્યારથી તેમની સરકાર આવી છે, અમારા ચાર હજાર અધિકારી અને સૈનિકોના મૃતદેહ મળ્યા છે, 20 હજાર કરતાં વધુ ઘાયલ થયા છે, તો હું કઈ રીતે કહી શકું કે અમારે અમારી આંખો બંધ રાખવી જોઈએ?"
વિદેશ મંત્રી ઇસહાક ડાર પ્રમાણે, "કતારના વિદેશ મંત્રાલયને ખબર પડી ગઈ હતી કે અમે (અફઘાનિસ્તાન વિરુદ્ધ) કાર્યવાહી કરવા તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે કતારે આ મુદ્દે સમાધાન અને મધ્યસ્થી કરવાનો અનુરોધ કર્યો. જે બાદ એ રાત્રે થનારું ઑપરેશન અટકાવી દેવાયું."
તેમણે કહ્યું, "અલ્લાહે પાકિસ્તાનને તાકત આપી છે. અમે તેના પર કાર્યવાહી કરી શકીએ છીએ અને બધું ઠીક કરી શકીએ છીએ, પરંતુ એ વાત પણ યોગ્ય નથી કે અમે અમારા ભાઈને ઘરે જઈએ અને તેને મારી નાખીએ."
ઇસહાક ડારે કહ્યું, "કતાર એક એવો દેશ છે જેનું વિદેશ મંત્રાલય દર કલાકે અમારા સંપર્કમાં હતો અને તેમને ખબર હતી અમે કાર્યવાહી કરવા તરફ આગળ વધી રહ્યા છીએ. બાદમાં કતારમાંથી એક સંદેશો આવ્યો, જે બાદ એ રાત્રે થનારું ઑપરેશન રોકી દેવાયું, પરંતુ આ મધ્યસ્થીમાંથી કંઈ ન નીકળ્યું."
અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સંબંધોમાં આજકાલ તણાવ જોવા મળી રહ્યો છે. અમુક દિવસ પહેલાં એવી ઘણી ઘટનાઓ બની છે, જે અંગે પાકિસ્તાનનું વલણ કડક રહ્યું છે.
થોડા દિવસ પહેલાં પણ ઇસ્લામાબાદમાં આત્મઘાતી હુમલો થયો હતો, જેણે દેશની સુરક્ષા પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન