Gujarat Rain Update: ગુજરાતમાં આખું અઠવાડિયું ક્યાં પડશે વરસાદ, ક્યાં થશે બંધ?

Gujarat Rain Update: ગુજરાતમાં આખું અઠવાડિયું ક્યાં પડશે વરસાદ, ક્યાં થશે બંધ?
પ્રકાશિત

ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છે અને કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી રહ્યો છે જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદ સાવ ઓછો થઈ ગયો છે.

ચોમાસામાં સામાન્ય રીતે બંગાળની ખાડીમાં ઉત્ત્પન્ન થતી સિસ્ટમો ગુજરાત પર આવે છે અને રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડે છે.

આ સિવાય અરબી સમુદ્ર, ગુજરાત કે રાજસ્થાન પર બનતી સિસ્ટમો પણ ગુજરાતના વિસ્તારોને અસર કરે છે અને તેના કારણે વરસાદ થતો હોય છે.

હાલ કેટલીક જગ્યાએ એવા સમાચારો ચાલી રહ્યા છે કે અરબી સમુદ્રમાં આગામી દિવસોમાં એક સિસ્ટમ બનશે અને તે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શક્યતા છે.

પરંતુ ખરેખર અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ સર્જાવાની છે, ચોમાસાની વચ્ચે ભારતના દરિયામાં વાવાઝોડાં સર્જાય છે કે નહીં?

અરબી સમુદ્રમાં ક્યારે સિસ્ટમ સર્જાશે?

અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાવાની વાતના સમાચાર એ વાતથી આગળ વધ્યા છે કે ગ્લોબલ ફૉરકાસ્ટ સિસ્ટમ એવું દર્શાવી રહી છે કે શ્રીલંકાની પાસે એક સિસ્ટમ બનશે અને તેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

જે બાદ આ સિસ્ટમ ત્યાંથી આગળ વધીને અરબી સમુદ્રમાં આવશે અને પછી તે મજબૂત બને તેવી શક્તાઓ દેખાઈ રહી છે. આવી જ કંઈક સ્થિતિ હવામાન વિભાગ જે આગાહી કરે છે તેના મૉડલમાં પણ દેખાઈ રહી છે.

ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પણ તેના અહેવાલમાં કહ્યું છે કે શ્રીલંકા અને મન્નારની ખાડી પાસે એક ચક્રવાતી હવાનું ક્ષેત્ર એટલે કે એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. સ્કાયમેટનું કહેવું છે કે હાલ આ સિસ્ટમ પ્રાથમિક અવસ્થામાં છે પરંતુ તે આવનારા દિવસોમાં મજબૂત બને તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.