You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઐશ્વર્યા રાયનું નામ વારંવાર લેવા પર રાહુલ ગાંધી સામે કેમ ઊઠી રહ્યા છે સવાલ?
કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ અને લોકસભા સાંસદ રાહુલ ગાંધી આજકાલ ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે.
આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધી અનામત, બેરોજગારી અને ઉદ્યોગપતિઓ સાથે સંબંધોને લઈને મોદી સરકાર પર નિશાન સાધતાં દેખાઈ રહ્યા છે.
આ સિવાય 22 જાન્યુઆરી 2024ના રોજ શ્રીરામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ અંગે અપાયેલું રાહુલ ગાંધીનું એક નિવેદન ચર્ચાઈ રહ્યું છે.
પોતાની યાત્રા દરમિયાન રાહુલ ગાંધી ઘણી વાર એવું કહી ચૂક્યા છે કે, "શ્રીરામમંદિરના કાર્યક્રમમાં તમે કોઈ ગરીબ, પછાત, દલિત અને આદિવાસીને નહીં જોયા હોય પરંતુ અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય સિવાય ગૌતમ અદાણી સહિતના ઉદ્યોગપતિઓને જરૂર જોયા હશે."
જોકે, તથ્ય એ છે કે શ્રીરામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા માટે આયોજિત કાર્યક્રમમાં ઐશ્વર્યા રાય અને ગૌતમ અદાણી સામેલ નહોતાં થયાં.
રાહુલના નિવેદન પર હવે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને સિંગર સોના મોહપાત્રાએ આપત્તિ વ્યક્ત કરી છે.
ઐશ્વર્યા રાય પર રાહુલ ગાંધીએ શું કહ્યું?
12 ફેબ્રુઆરીના રોજ રાહુલ ગાંધીએ છત્તીસગઢના કોરબામાં કહ્યું હતું કે, "તમે રામમંદિરના ઉદ્ઘાટનમાં તમે ગરીબ માણસને જોયો? મને તો અમિતાભ બચ્ચન દેખાયા. ઐશ્વર્યા દેખાયાં. અદાણી દેખાયા. અંબાણી દેખાયા. બધા બિઝનેસવાળા દેખાયા. મને એમાં એકેય ગરીબ વ્યક્તિ ન દેખાઈ. મને ત્યાં એક ખેડૂત, મજૂર, બેરોજગાર, ચાવાળા, નાના દુકાનદાર ન દેખાયા. મોટા ભાગના અબજપતિ દેખાયા."
તે બાદ પણ રાહુલ ગાંધીએ ઘણી વાર યાત્રા દરમિયાન કહ્યું, "મીડિયાવાળા અમારી વાત નથી બતાવતા. મીડિયામાં તમને 24 કલાક નરેન્દ્ર મોદીજી દેખાશે. ઐશ્વર્યા રાય પણ દેખાઈ જશે. મોદીજીની સાઇડમાં અમિતાભ બચ્ચન ફરતા દેખાશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યાત્રા દરમિયાન એક વાર રાહુલે એવું પણ કહ્યું – "ભારતના મીડિયામાં ગરીબોને નથી બતાવવા. બતાવવું હોય તો ઐશ્વર્યા રાયને નાચતાં બતાવવાં છે."
રાહુલ ગાંધી પોતાની યાત્રા દરમિયાન એક યુવકને બોલાવીને માઇક આપે છે અને પછી કહે છે કે, "તમારે જાણવાનું છે કે ખિસ્સું કઈ રીતે કાતરવું. એ ત્યાં જુઓ પાકિસ્તાન, આ બાજુ જુઓ ચીન. આ તરફ જુઓ ઐશ્વર્યા રાય. આવી રીતે આમતેમ બતાવીને ખિસ્સું કતરવામાં આવે છે."
રાહુલ ગાંધીની આવી ટિપ્પણીઓને લઈને સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા જોવા મળી રહી છે.
સ્મૃતિ ઈરાની અને સોના મોહપાત્રાએ શું કહ્યું?
સ્મૃતિ ઈરાની અમેઠીનાં સાંસદ છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ઈરાનીએ રાહુલ ગાંધીને આ સીટ પર હરાવ્યા હતા.
સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીના ઐશ્વર્યા રાય પર અપાયેલાં નિવેદનો અંગે એક ખાનગી ચેનલ પર વાત કરી.
સ્મૃતિ ઈરાનીએ કહ્યું, "આ ઘણું ઘટિયા છે. મેં આજ સુધી રાહુલ ગાંધી માટે આ શબ્દપ્રયોગ કર્યો નથી. જે પોતાના પિતાના મિત્રની વહુને ન છોડે, તેની પાસેથી શું આશા રાખવી. રાહુલ માટે માત્ર ઘટિયા શબ્દ છે. માફી તો તેઓ માગશે નહીં. સોનિયાજીનાં રૂવાં તો ઊભાં નહીં જ થયાં હોય. શ્રીમતી વાડ્રાજી મૌન બેઠાં રહેશે, પરંતુ પોતાના પિતાના મિત્રની વહુ વિશે આવું કોણ બોલે છે."
સ્મૃતિ ઈરાનીએ કહ્યું, "જે પોતાના પરિવારના નિકટના લોકોનું સન્માન નથી કરતા. એ દેશમાં કોઈ બહેન-દીકરીનું સન્માન કેવી રીતે કરશે. જો સોનિયા ગાંધી આ ચેનલ જોઈ રહ્યાં હોય તો હું તેમને કહેવા માગીશ કે આ ઘટિયા છે."
રાહુલના નિવેદન પર સોના મોહપાત્રાએ પણ ટિપ્પણી કરી છે.
સોનાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, "કેટલાક રાજનેતા લાભ લેવા માટે પોતાનાં ભાષણોમાં મહિલાનું અપમાન કરે છે. પ્રિય રાહુલ ગાંધી તમારી મા-બહેનને કોઈએ આવી રીતે ભૂતકાળમાં જરૂર અપમાનિત કર્યાં હશે. તમને આ વાત સારી રીતે ખબર હોવી જોઈએ. અને હા, ઐશ્વર્યા રાય ખૂબ સુંદર નૃત્ય કરે છે."
કર્ણાટક ભાજપ સોશિયલ મીડિયા હૅન્ડલ તરફથી પણ રાહુલ ગાંધીના ઐશ્વર્યા રાય અંગે અપાયેલા નિવેદનની નિંદા કરાઈ છે.
ઐશ્વર્યા રાયે 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. તેઓ ઘણી બોલીવૂડ ફિલ્મોમાં પણ ઍક્ટિંગ કરી ચૂક્યાં છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર લોકોએ આપત્તિ વ્યક્ત કરી છે કે ભારતનું નામ રોશન કરનાર ઐશ્વર્યાનું અપમાન રાહુલ ગાંધી કેવી રીતે કરી શકે?
ગાંધી પરિવારથી બચ્ચન પરિવારની નિકટતા
સ્મૃતિ ઈરાનીએ ગાંધી પરિવારથી અમિતાભ બચ્ચનના પરિવારની નિકટતાનો ઉલ્લેખ કર્યો છે. જોકે, પાછલાં કેટલાંક વર્ષોમાં આ સંબંધોમાં અંતર જોવા મળ્યું હતું.
ઇંદિરા ગાંધી અને તેજી બચ્ચન એ સમયથી બહેનપણીઓ હતાં, જ્યારે ઇંદિરાનાં લગ્ન સુધ્ધાં નહોતાં થયાં.
તે બાદ બંને પરિવારોનાં બાળકો વચ્ચે ગાઢ મિત્રતા જળવાઈ રહી. તેઓ જુદી જુદી સ્કૂલોમાં ભણતાં, પરંતુ રજાનો સમયગાળો સાથે પસાર કરતાં.
જ્યારે રાજીવ ગાંધીનાં લગ્ન નહોતાં થયાં, ત્યારે ઇટાલીથી આવીને સોનિયા અમુક દિવસ સુધી બચ્ચન પરિવાર સાથે રહ્યાં હતાં. એ સોનિયા માટે કોઈ સામાન્ય ભારતીય પરિવાર સાથે પસાર કરેલા પહેલવહેલા દિવસો હતા.
સોનિયા ગાંધી લગ્નની ઘણી વિધિઓ પણ બચ્ચન પરિવારમાં જ પૂરી કરાઈ હતી. તેજી બચ્ચન જ એ મહિલા હતાં, જેમણે ઇંદિરા ગાંધીના આગ્રહ બાદ સોનિયાને ભારતીય રીતરિવાજોથી વાકેફ કરાવ્યાં હતાં.
તે બાદ જ્યારે રાજીવ ગાંધીનાં લગ્ન થયાં તો ઇંદિરા ગાંધી એક સફદરજંગ રોડમાં રહેવા ગયાં. તેમજ બચ્ચન પરિવારનું ઘર નજીકમાં જ 13, વિલિંગડન કિસેન્ટમાં હતું. લગ્નની કેટલીક વિધિ બચ્ચન પરિવારના ઘરેથી જ કરાઈ હતી.
બંને પરિવારોની મિત્રતાને કારણે જે જ્યારે ‘કુલી’ ફિલ્મના શૂટિંગ વખતે અમિતાભ ઈજાગ્રસ્ત થઈને બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં પડ્યા હતા, ત્યારે રાજીવ ગાંધી અમેરિકાથી તેમને જોવા અને ઇંદિરા ગાંધી દિલ્હીથી ત્યાં પહોંચ્યાં હતાં.
ઇંદિરા ગાંધીના જ્યારે અંતિમ સંસ્કાર થયા હતા, ત્યારે રાજીવની બિલકુલ પાસે અમિતાભ બચ્ચન ઊભેલા દેખાયા હતા.
અમિતભા બચ્ચને ઇંદિરા ગાંધીના મૃત્યુ બાદ રાજીવ ગાંધીના આગ્રહ પર અલાહાબાદથી ચૂંટણી લડી અને હેમવતી નંદન બહુગુણા જેવા દિગ્ગજને હરાવ્યા.
અંતરની શરૂઆત
રાજીવ ગાંધીના કાર્યકાળમાં જ બોફોર્સ તોપમાં દલાલીના આરોપ બાદ અમિતાભ બચ્ચનનો રાજકારણથી મોહભંગ થઈ ગયો, પરંતુ તેમની મિત્રતા જળવાઈ રહી.
રાજીવ ગાંધીના મૃત્યુ બાદ પણ તેઓ નહેરુ-ગાંધી પરિવારની નિકટ જળવાઈ રહ્યા.
બાદમાં બોફોર્સ મામલામાં રાજીવ ગાંધી અને અમિતાભ બચ્ચનને ક્લીન ચિટ આપી દેવાઈ.
ઘણા સમય સુધી પોતાની ઓળખ છુપાવનારા સ્વીડનના ભૂતપૂર્વ પોલીસપ્રમુખ સ્ટેન લિંડસ્ટ્રોમે વર્ષ 2012માં કહ્યું હતું કે બોફોર્સ ગોટાળામાં ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી વિરુદ્ધ લાંચ લેવાના મામલાના કોઈ પુરાવા નહોતા.
આ દરમિયાન અમિતાભ બચ્ચને પોતાની કંપની એબીએલ બનાવી અને ભારે દેવામાં ડૂબી ગયા. એ અમિતાભ માટે મુસીબતવાળા દિવસો હતા. આ દરમિયાન અમરસિંહ સાથે બચ્ચન પરિવારની નિકટતા વધી. જોકે, બાદમાં બચ્ચન પરિવારથી પણ અમરસિંહ વચ્ચે દૂરી વધી.
બાદમાં ગાંધી પરિવારથી બચ્ચન પરિવારની દૂરી સ્પષ્ટપણે જોઈ શકાય છે.
જોકે, વર્ષ 2015માં બચ્ચન પરિવારનાં એક લગ્નમાં ગાંધી પરિવારના પ્રતિનિધિ તરીકે પ્રિયંકા સામેલ થયાં હતાં.
ફિલ્મ અભિનેતા કુણાલ કપૂરનાં લગ્ન અજિતાભ બચ્ચનનાં દીકરી નૈના સાથે થયાં હતાં. લગ્ન સમારોહમાં પ્રિયંકા ગાંધી અને રૉબર્ટ વાડ્રા સામેલ થયાં હતાં.
વર્ષ 2012માં અમિતાભ બચ્ચને એક ઇન્ટરવ્યૂમાં કહેલું, "માર મનમાં કોઈ બદલાવ નથી. હું હંમેશાં તેમની ઇજ્જત કરું છું. અમે એમને ક્યારેક ક્યારેક સમારોહોમાં મળીએ છીએ. મનભેદ કે ગુસ્સા જેવી વાત નથી. અમારા સંબંધો હજુ પણ ઘણા સામાન્ય છે. તેમાં કોઈ ખટાશ નથી."