પાકિસ્તાનમાં ભારતીય કેદી સરબજીત સિંહની હત્યા કરનારાને અજ્ઞાત લોકોએ કેવી રીતે ગોળી મારી?

    • લેેખક, મોહમ્મદ ઝુબૈર ખાન
    • પદ, બીબીસી ઉર્દૂ માટે
  • પ્રકાશિત

એપ્રિલ 2013માં પાકિસ્તાનના લાહોરની એક જેલમાં ભારતીય નાગરિક સરબજીત સિંહની હત્યા કરી દેવાઈ હતી.

સરબજીત સિંહ પાકિસ્તાનમાં કથિત રીતે જાસૂસી અને બૉમ્બ વિસ્ફોટના આરોપમાં સજા કાપી રહ્યા હતા.

સરબજીત સિંહ પર હુમલો કરનારા બે કેદીઓનાં નામ હતાં આમિર સરફરાઝ ઉર્ફે તાંબા અને મુદસ્સિર મુનીર રવિવારે લાહોરમાં આમિર સરફરાઝ પર જીવલેણ હુમલો થયો. આમિર સરફરાઝને ઘાયલ હાલતમાં હૉસ્પિટલમાં દાખલ કરાવાયા હતા.

પાકસ્તાનમાં આ હુમલાનો આરોપ ભારત પર લગાવાઈ રહ્યો છે.

પાકિસ્તાનના ગૃહ મંત્રી મોહસિન નકવીએ સોમવારે પત્રકાર પરિષદ કરીને દાવો કર્યો કે આમિર સરફરાઝ પર હુમલા મુદ્દે મળેલા પુરાવા ભારતના સામેલ હોવા તરફ ઇશારો કરે છે.

મોહસિન નક્વીએ કહ્યું "ભૂતકાળમાં ભારત હત્યાના કેટલાક કેસમાં સીધી રીતે સામેલ રહ્યું છે. અમને શક છે કે આ હુમલામાં ભારત સામેલ હતું."

મોહસિને વધુમાં કહ્યું "ફિલહાલ તપાસ કરાઈ રહી છે. અને અત્યાર સુધી મળેલા પુરાવા એ જ તરફ ઇશારો કરી રહ્યા છે પણ હું તપાસનો રિપોર્ટ આવતા પહેલાં કંઈ ન કહી શકું."

ભારત સરહદ પાર આવી હત્યાઓના આરોપને ભૂતકાળમાં નકારતો રહ્યો છે.

આમિર સરફરાઝના ભાઈએ આ અંગે એફઆઈર નોંધાવી છે.

1990થી પાકિસ્તાનમાં કેદ હતા સરબજીત સિંહ

સરબજીત સિંહની વર્ષ 1990માં પાકિસ્તાનમાં જાસૂસી અને બૉમ્બ વિસ્ફોટ કરવાના આરોપમાં ધરપકડ કરાઈ હતી. 1990થી 2012 સુધી સરબજીત સિંહને મુક્ત કરવાના અનેક પ્રયત્નો થયા પણ આ પ્રયત્નો સફળ ન થઈ શક્યા.

સરબજીત સિંહને મોતની સજા સંભળાવાઈ હતી.

એપ્રિલ 2013માં લાહોરની કોટ લખપત જેલમાં સરબજીત સિંહ પર ઈંટ અને ધારદાર હથિયારથી હુમલો કરાયો હતો.

આ હુમલામાં સરબજીત સિંહને ગંભીર ઈજાઓ થઈ અને તેઓ કોમામાં જતા રહ્યા. તેમની લાહોરની ઝીણા હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. અને આ દરમિયાન જ તેમનું મૃત્યુ થઈ ગયું.

સરબજીત સિંહની હત્યાનો આરોપ બે કેદીઓ આમિર સરફરાઝ અને તેમના સાથી મુદસ્સિર મુનીર પર લગાવાયો હતો. લાહોરની સ્થાનિક કોર્ટે આ બન્ને આરોપીઓને 2018માં ગવાહના અભાવના કારણે નિર્દોષ છોડી મુક્યા હતા.

સરબજીતની હત્યાની ઘટના બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ ઘણો વધી ગયો હતો.

આમિર સરફરાઝના ભાઈ જુનૈદ સરફરાઝ તરફથી નોંધાવેલી એફઆઈઆર મુજબ જ્યારે હુમલો થયો ત્યારે આમિર ઘરે જ હતા.

તેમણે ઉમેર્યું "હું નીચેના ભાગમાં હતો અને બહારથી ઉપર વાળા ભાગનો દરવાજો ખુલ્લો હતો. બે અજ્ઞાત બાઇક સવાર આવ્યા એક વ્યક્તિએ હેલમેટ પહેર્યું હતું અને બીજાએ માસ્ક લગાવ્યું હતું. બન્ને ઉપરના ભાગે હયા અને આમિર સરફરાઝ પર ત્રણ ગોળીઓ ચલાવી."

કેસ નોંધાવનારા પોલીસ અધિકારી સજ્જાદ હુસેને બીબીસીને ફોન પર જણાવ્યું કે તેઓ ઘટનાસ્થળ પર હાજર નહોતા તેથી તેમણે આમિર સરફરાઝની સ્થિતિ અંગે જાણકારી નથી.

ઇસ્લામપુરા પોલીસ સ્ટેશનના એક અન્ય અધિકારીએ બીબીસીને જણાવ્યું કે આ અંગે તેમને વધુ જાણકારી નથી.

ભારત પર અગાઉ પણ આરોપ લાગ્યા હતા

આ પહેલી વખત નથી જ્યારે પાકિસ્તાનમાં કોઈ ઘટનાનો આરોપ ભારત પર લગાવાઈ રહ્યો છે.

છેલ્લા હે વર્ષમાં એવી અનેક ઘટનાઓ સામે આવી જેમાં પાકિસ્તાનમાં ચરમપંથીઓની રહસ્યમય રીતે હત્યા કરાઈ.

મૃત્યુ પામેલા લોકો જે સંગઠનો સાથે સંબંધ રાખતા હતા તેઓ આ હત્યાઓનો આરોપ ભારત પર લગાવતા આવ્યા છે.

બ્રિટનના સમાચાર ધ ગાર્ડિયને તાજેતરના પોતાના અહેવાલમાં એક દાવો કર્યો કે ભારત 'વિદેશી ધરતી પર રહેતા દેશ વિરોધી તત્ત્વો'ને ખતમ કરવાની એક વ્યાપક રણનીતિ પર ચાલી રહ્યો છે.

'ધ ગાર્ડિયન' અનુસાર આ ક્રમમાં ભારતે વર્ષ 2020થી અત્યાર સુધીમાં પાકિસ્તાનમાં અનેક કાર્યવાહી કરી છે.

આ અહેવાલ અંગે ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહને જ્યારે એક ઇન્ટરવ્યુ દરમિયાન પૂછાયું તો તેમણે આ વાતની ના તો પુષ્ટિ કરી ના તો ખંડન કર્યું.

રાજનાથ સિંહે એ જરૂર કહ્યું કે "જો કોઈ પાડોશી દેશથી કોઈ આતંકવાદી ભારતને પરેશાન કરે અથવા આતંકવાદી કાર્યવાદી કરવાનો પ્રયત્ન કરે છે તો તેને યોગ્ય જવાબ આપવામાં આવશે."

આમિર સરફરાઝ ઉર્ફે તાંબા કોણ છે?

આમિર સરફરાઝનું નામ એ સમયે પાકિસ્તાની મીડિયામાં આવ્યું હતું જ્યારે સરબજીત સિંહની હત્યા થઈ હતી.

પાકિસ્તાની સરકારી ઍજન્સીઓનો દાવો હતો કે તેમણે સરબજીત સિંહની વર્ષ 1990માં એ સમયે ધરપકડ કરી હતી જ્યારે તે લાહોર અને અન્ય વિસ્તારોમાં બૉમ્બ વિસ્ફોટ બાદ વાઘા બૉર્ડરના રસ્તે ભારત ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

પાકિસ્તાની અધિકારીઓ મુજબ પૂછપરછ દરમિયાન સરબજીત સિંહે બૉમ્બ વિસ્ફોટના કૌભાંડમાં સામેલ હોવાની વાત કબૂલ કરી હતી. ત્યાર બાદ આતંકવાદી વિરોધી કૉર્ટે તેમને 1991માં મોતની સજા સંભળાવી હતી.

સરબજીતનું કહેવું હતું કે તેઓ ભારતના પંજાબના તરન તારનના રહેવાસી છે અને વ્યવસાયે ખેડૂત છે. તેમનું કહેવું હતું કે તેઓ ભૂલથી સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચી ગયા હતા.

સરબજીત સિંહને મોતની સજા સંભળાવ્યા બાદ કોર્ટના નિર્ણયને પહેલા લાહોર હાઇકોર્ટ અને બાદમાં સુપ્રીમ કોર્ટે પણ યથાવત્ રાખ્યો હતો.

સરબજીતના પરિવારજનોને તેમની માફી માટે તત્કાલીન રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને અપિલ કરી હતી. જેને તેમણે રદ્દ કરી દીધી હતી. ત્યાર બાદ તેમને મે 2008માં ફાંસી અપાવાની હતી. પણ ત્રણ મેના દિવસે પાકિસ્તાન સરકારે તેમની ફાંસી પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો હતો.

પત્રકાર માજિદ નિઝામી અનુસાર, "તે સમયે આમિર સરફરાઝ અને મુદસ્સિર મુનીરને હત્યા અને લૂંટના કેસમાં સ્થાનિક કોર્ટે મોતની સજા સંભળાવી હતી. તે બન્ને જેલમાં પોતાની સજા કાપી રહ્યા હતા. અને તેમનો કેસ ઉપરી કૉર્ટમાં ચાલી રહ્યો હતો."

માજિદ નિઝામીએ કહ્યું " સરબજીત સિંહની હત્યા અંગે તે સમયના અધિકારીઓએ જણાવ્યું હતું કે કેદીઓએ જમતી વખતે સરબજીત સિંહને બ્લેડ અને ઈંટોથી માર મારીને ઘાયલ કરી દીધા હતા. આ હુમલા બાદ સરબજીત સિંહને હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યા પણ તેઓ મૃત્યુ પામ્યા"

માજિદ નિઝામીએ કહ્યું કે ત્યાર બાદ આમિર સરફરાઝ અને મુદસ્સિર મુનીર પર કેસ ચાલ્યો, પણ આ કેસમાં તેમને એ આધારે છોડી મુકાયા કે કોઈ ગવાહ ઉપલબ્ધ નહોતા. અને જે હથિયારથી હત્યા કરાઈ હતી તે પણ નહોતાં મળી શક્યાં.

ભારતીય જેલમાં પાકિસ્તાનના સનાઉલ્લાહની હત્યા

માજિદ નિઝામી અનુસાર, "આ અંગે ભારતીય જેલમાં પણ આવી જ એક ઘટના થઈ હતી જેમાં એક પાકિસ્તાની નાગરિક સનાઉલ્લાહની જેલમાં હત્યા કરી દેવાઈ હતી. અને બાદમાં આ હત્યાના આરોપીને છોડી મુકાયો હતો."

સનાઉલ્લાહને પાકિસ્તાનના સિયાલકોટના હોવાનું મનાઈ રહ્યું છે.

માજિદ નિઝામી કહે છે, " આ દરમિયાન આમિર સરફરાઝ બીજી હત્યા, લૂંટ અને ડ્ર્ગ્સના કેસ ચાલતા રહ્યા. તેમણે મોતની સજા વિરુદ્ધ ઉપરી કૉર્ટમાં અપીલ કરી અને નિર્ણય તેમના પક્ષમાં આવ્યો. તેઓ થોડા સમય પહેલા જ મુક્ત થઈને જેલમાંથી બહાર આવી ગયા હતા."

તેમનું કહેવું હતું કે જેલમાંથી છૂટ્યા બાદ આમિર સરફરાઝને તે વિસ્તારમાં વધુ મજબૂત અને પ્રભાવશાળી સમજાવા લાગ્યો હતો.

બીબીસીને પોલીસ તરફથી મળેલી જાણકારી અનુસાર તેઓ મુક્ત થયા ત્યાર બાદ તેના પર અલગ અલગ કેસ લાહોરના ચાર પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા. જેમાં હત્યાનો પ્રયાસ, ધમકી, પોલીસને ધમકી અને હિંસાના કેસનો સમાવેશ થાય છે.

જેલમાંથી મુક્ત થયા બાદ આમિર સરફરાઝ

એક પોલીસ અધિકારીએ બીબીસીને જણાવ્યું મુક્ત થયા બાદ આમિર સરફરાઝને સંભાળવો મુશ્કેલ હતો. તેના પર જે કેસ નોંધાયા હતા. તેમાં તે ધરપકડ બાદ જામીન લઈ લેતો હતો.

પત્રકાર ફેજુલ્લાહ અનુસાર, આમિર સરફરાઝ પર થયેલો હુમલો આ અગાઉ થયેલા હુમલાથી અલગ હતા. જેમાં ગેરકાયદે ઠેરાવાયેલા સંગઠનના સભ્યો માર્યા ગયા હતા.

તેમણે જણાવ્યું કે એ હુમલામાં જોવા મળ્યું કે એ હત્યા સુઆયોજિત રીતે કરાઈ એટલે કે મોટા ભાગની હત્યા મસ્જિદોમાં નમાઝ પઢતી વખતે કરાઈ અથવા ઘરની બહાર સુઆયોજિત રીતે કરાઈ.

તેમનું કહેવું હતું કે આમિર સરફરાઝ પર ઘરમાં ઘુસીને જીવલેણ હુમલો કરાયો જે મોટી ઘટના છે.

તેમણે ઉમેર્યું "આ ઘટનાની રીત ગેંગવૉરમાં થતી ઘટનાથી મળતી છે. જેમાં આરોપી કોઈ પણ ચિંતા કર્યા વગર ઘટનાને અંજામ આપે છે. આવા કેસમાં એ જગ્યાએ હુમલો કરાય છે જ્યાં તે પોતાને ખૂબ સુરક્ષિત સમજે છે."