You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરતમાં જળબંબાકાર: ધોધમાર વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયાં, કેવી સ્થિતિ થઈ?
ચોમાસાની શરૂઆતમાં જ સુરત શહેર અને જિલ્લામાં રેકૉર્ડબ્રેક વરસાદ નોંધાયો છે. જે અંતર્ગત સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં શહેરમાં 9 ઇંચ વરસાદ પડ્યો છે.
ભારે વરસાદને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા.
જોકે સુરતથી બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર રૂપેશ સોનવણેએ જણાવ્યું કે કેટલાક વિસ્તારોમાંથી પાણી ઓસરવાનું શરૂ થઈ ગયું હતું.
કતારગામમાં સાડા આઠ ઇંચ વરસાદ પડતાં જ શહેરના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા. કતારગામ વિસ્તારમાં પાણી ભરાતાં લોકોને ટ્રેક્ટરથી અન્યત્ર ખસેડાયા હતા.
અડાજણની અંદાજે એક હજાર દુકાનોમાં પાણી ઘૂસી જતાં સામાન પલળી ગયો હતો. એક કાપડના વેપારીના જણાવ્યા પ્રમાણે "વરસાદનું પાણી માર્કેટ કોમ્પ્લેક્સમાં અને ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી લગભગ બધી દુકાનોમાં ઘૂસી ગયું હતું અને 25,000-30,000 જેટલો સાડીઓનો સ્ટૉક બગડી ગયો હતો." બીજા વેપારીના કહેવા પ્રમાણે ઉન્ડ ફ્લોર પર આવેલી લગભગ 1000 દુકાનોમાં વરસાદનું પાણી ઘૂસી ગયું છે. મોટાભાગના વેપારીઓને ભારે નુકસાન થયું છે.
ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને કારણે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ એએનઆઈને જણાવ્યું હતું કે, શાળાઓમાં વિદ્યાર્થી અને શિક્ષકો માટે રજા જાહેર કરવામાં આવી છે.
તેમણે વધુંમાં જણાવ્યું હતું કે, "આજની સ્થિતિ જોતા સ્કૂલોમાં રજા જાહેર કરાઈ હતી. વરસાદની આગાહી છે ત્યારે આજ જેવી સ્થિતિ થાય તો સ્કૂલો સ્થાનિક સ્થિતિ પ્રમાણે શાળામાં રજા રાખવી કે ચાલુ રાખવી તેનો નિર્ણય કરી શકે છે."
સુરત શહેરમાં ભારે વરસાદના પગલે ઉપસ્થિત પરિસ્થિતિને પગલે માનનીય મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા કમાંડ ઍન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) ખાતે પરિસ્થિતિનું મોનીટરીંગ કરવામાં આવી રહેલ છે તથા સંબંધિત અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા માટે જરૂરી સૂચનો આપવામાં આવી રહ્યા છે.
બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતા સુરત મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, "સુરતમાં બધા જ રસ્તાઓ ક્લિઅર કર્યા છે અને રેસ્કયુ કરવામાં આવ્યા છે. છેલ્લાં દસ વર્ષમાં આ સૌથી વધુ વરસાદ છે. જેમાં દસ કલાકમાં દસ ઇંચ વરસાદ પડ્યો છે. જોકે હાલ પાણી ઓસરી ગયા છે. અત્યારે ફિલ્ડ ટીમ કામગીરી કરી છે અને રસ્તાઓ ખોલી દેવામાં આવ્યા છે. જોકે, વરસાદમાં કોઈ જાનહાનિ થઈ નથી. ટીમ ફિલ્ડમાં અને આઈસીસીસી ખાતે પણ પરિસ્થિતિ સંભાળી રહી હતી."
બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન