ગોવા નાઇટક્લબમાં આગ પછી રાજ્ય સરકારે કયાં પગલાં લીધાં, મુખ્ય મંત્રીએ કરી જાહેરાત – ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

ગોવાના મુખ્ય મંત્રી પ્રમોદ સાવંતે અર્પોરા નાઇટ ક્લબમા લાગેલી આગમાં મૃત્યુ પામનારા લોકોના પરિવાર માટે રૂ. પાંચ લાખની સહાયતા રકમની જાહેરાત કરી છે.

આ દુર્ઘટના અંગે મુખ્ય મંત્રી પ્રમોદ સાવંતે કહ્યું, "મેં ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ, એસપી-સાઉથ, ફાયર ઍન્ડ ઇમર્જન્સી સર્વિસીઝના ડેપ્યુટી ડાયરેક્ટર તથા ફોરેન્સિક્સના ડાયરેક્ટરના સભ્યપદવાળી એક કમિટી બનાવીને મૅજિસ્ટ્રેટ તપાસના કરાવવાનું નક્કી કર્યું છે."

"જેથી કરીને આ ઘટના શા માટે થઈ, તેના વિશેની પ્રક્રિયાગત ખામીઓ અંગે માહિતી મેળવી શકાય. આ કમિટી એક અઠવાડિયાની અંદર સરકારને રિપોર્ટ સુપ્રત કરશે."

પ્રમોદ સાવંતે ઉમેર્યું, "દોષિતો સામે કડક હાથે દંડની કાર્યવાહી કરવા માટે ડીજીપીને નિર્દેશ આપવામાં આવ્યા છે. જેમાં ક્લબના માલિક, મૅનેજર તથા જેમણે મંજૂરી આપી હતી, એ તમામ સામેલ છે."

"મહેસૂલ સચિવની અધ્યક્ષતમાં એક કમિટી બનાવવામાં આવશે, જે કાયદેસરની મંજૂરી વગર અને મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય, તેવી ક્લબ તથા વેપારી સંસ્થાનો વગેરેનું ઑડિટ કરશે. આવી ઘટના ફરીથી ન ઘટે, તે માટે કમિટી આવાં દરેક સ્થળો માટે એસઓપી (સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર) બનાવશે."

મુખ્ય મંત્રી પ્રમોદ સાવંતે મૃતકોના પરિવારજનોને રૂ. પાંચ-પાંચ લાખ તથા ઈજાગ્રસ્તોને રૂ. 50-50 હજારની સહાયતા રકમ આપવાની જાહેરાત કરી હતી.

હુમાયૂ કબીરે કહ્યું - 'બાબરી મસ્જિદનો પાયો નાખવા' અને રાજકારણને કોઈ સંબંધ નહીં

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં 'બાબરી મસ્જિદ'ના નામે મસ્જિદનો પાયો નાખનારા પશ્ચિમ બંગાળના ધારાસભ્ય હુમાયૂ કબીરનું કહેવું છે કે આ પગલાનો રાજકારણ સાથે કોઈ સંબંધ નથી.

હુમાયૂ કબીરે કહ્યું, "ગઈકાલે મેં જે મસ્જિદનો પાયો નાખ્યો, તેનો રાજકારણ સાથે કોઈ સંબંધ નથી. રાજકારણ અલગ છે અને 'બાબરી મસ્જિદ'નો પાયો નખાવો એ અલગ બાબત છે."

"જે હેતુસર 'સનાતન સંસ્કૃતિ સંસદ' પવિત્ર ગીતાનો પાઠ કરી રહી છે, એ જ હેતુસર અમે પણ કુરાનના પાઠ કરાવીશું...અમે એક લાખ લોકોને ભેગા કરીશું અને તેમને જમાડીશું અને પછી બાબરી મસ્જિદનું કામ શરૂ થશે."

હુમાયૂ કબીરે કહ્યું, "બાબરી મસ્જિદ અયોધ્યામાં 450 વર્ષ સુધી હતી, તેને તોડી પાડવામાં આવી. ત્યાં રામ મંદિર બનાવવામાં આવ્યું. મસ્જિદ માટે બીજી જમીન આપવામાં આવી, પરંતુ એ લોકો તેને બનાવી ન શક્યા. હવે અમે મુર્શિદાબાદમાં 'બાબરી મસ્જિદનું નિર્માણકાર્ય' કરી રહ્યા છીએ, ત્યારે કોઈને તકલીફ ન હોવી જોઈએ."

ઉલ્લેખનીય છે કે હુમાયૂ કબીર તૃણમૂલ કૉંગ્રેસમાં હતા, પરંતુ મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદનાં નિર્માણકાર્ય અંગે વિવાદ પછી પાર્ટીએ તેમને પક્ષમાંથી કાઢી મૂક્યા હતા.

સ્મૃતિ મંધાનાએ પલાશ સાથેના 'લગ્ન રદ થયાં'ની જાહેરાત કરી

ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ રવિવારે સ્પષ્ટતા કરી છે કે સંગીતકાર પલાશ મુચ્છલ સાથેના તેમનાં લગ્ન રદ થયાં છે. આ સાથે જ સ્મૃતિનાં લગ્ન અંગે કેટલાંક અઠવાડિયાંથી ચાલતી અટકળોનો અંત આવ્યો છે.

મહિલા ટીમના વાઇસ કૅપ્ટન સ્મૃતિ મંધાનાએ પોતાના ચાહકો અને મીડિયાને વિનંતી કરી છે કે "બંને પરિવારની પ્રાઇવસીનું સન્માન જાળવવામાં આવે."

ગયા મહિને સ્મૃતિ મંધાના અને પલાશનાં લગ્ન થવાનાં હતાં, પરંતુ અચાનક કોઈ કારણોથી લગ્ન મોકૂફ રાખવામાં આવ્યાં હતાં. ત્યાર પછી સ્મૃતિએ પહેલી વખત સોશિયલ મીડિયામાં આ મામલે નિવેદન આપ્યું છે.

તેમણે લખ્યું છે કે "મારે સ્પષ્ટતા કરવી છે કે લગ્ન રદ થયાં છે. હું અહીં આ બાબત સમાપ્ત કરવા માંગું છું અને બીજાને પણ એમ કરવા વિનંતી કરું છું."

ઇન્ડોનેશિયામાં પૂર અને ભૂસ્ખલનથી 900થી વધુ લોકોનાં મોત

ઇન્ડોનેશિયામાં આવેલા પૂર અને ભૂસ્ખલનના કારણે ઓછામાં ઓછા 900 લોકોનાં મોત થયાં હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.

હાલમાં બચાવ ટુકડીઓ ભયંકર પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત હજારો લોકોને મદદ કરવામાં લાગેલી છે.

એક અઠવાડિયા કરતા વધુ સમયથી ચાલતા વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં ભારે અસર જોવા મળી છે.

હજુ પણ સેંકડો લોકો લાપતા છે અને તેમના મૃતદેહો કાદવ નીચે દટાયેલા છે.

ઇન્ડોનેશિયાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ આશંકા વ્યક્ત કરી છે કે ભૂખમરો ફેલાઈ શકે છે.

અંતરિયાળ ગામો સુધી પહોંચવાનું હજુ પણ મુશ્કેલ છે. કેટલાંક ગામો સંપૂર્ણ નાશ પામ્યાં હોવાનું જાણવા મળ્યું છે.

તાજેતરમાં શ્રીલંકા અને થાઇલૅન્ડમાં પણ પૂરના કારણે ભારે નુકસાન થયું છે.

ગોવાની નાઇટક્લબમાં ભયંકર આગ લાગવાથી 23નાં મોત

ગોવાની એક નાઇટક્લબમાં શનિવારે રાતે લાગેલી આગમાં ઓછામાં ઓછા 23 લોકોનાં મોત નીપજ્યાં છે. પોલીસનો અંદાજ છે કે સિલિન્ડર ફાટવાના કારણે આગ લાગી હોઈ શકે છે.

મૃતકોમાં મોટા ભાગના લોકો ક્લબના કર્મચારી હતા એવું માનવામાં આવે છે. નૉર્થ ગોવામાં અર્પોરા વિસ્તારમાં આ ક્લબમાં કેટલાક પર્યટકો પણ આગમાં માર્યા ગયા છે.

સમાચાર સંસ્થા પીટીઆઈ પ્રમાણે ગોવાના મુખ્ય મંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું કે મૃતકોમાં મોટા ભાગના નાઇટક્લબના કિચનમાં કામ કરતા કર્મચારી હતા. તેમાં ત્રણ મહિલાઓ પણ સામેલ છે.

મુખ્ય મંત્રીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે "આજે ગોવા માટે બહુ દુ:ખદ દિવસ છે. અર્પોરામાં લાગેલી આગની એક મોટી ઘટનામાં 23 લોકોના જીવ ગયા છે."

તેમણે કહ્યું કે "હું તમામ પીડિત પરિવારો પ્રત્યે મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છે."

મુખ્ય મંત્રી સાવંતે કહ્યું કે, "હું ઘટનાસ્થળે ગયો અને આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. તપાસમાં જાણવા મળશે કે આગનું અસલ કારણ શું હતું."

"જવાબદાર લોકો સામે કાયદા હેઠળ આકરી કાર્યવાહી કરવામાં આવશે. કોઈ બેદરકારી જરાય સહન કરવામાં નહીં આવે."

ઈરાનમાં હિજાબ મામલે મૅરેથૉન દોડના આયોજકોની ધરપકડ

ઈરાનમાં તાજેતરમાં મૅરેથૉન દોડ યોજાઈ હતી જેમાં કેટલીક મહિલાઓએ હિજાબ પહોર્યો ન હતો. હિજાબ વગર મહિલાઓને દોડમાં ભાગ લેવાની મંજૂરી આપવા બદલ મૅરેથૉનના બે આયોજકોની ધરપકડ કરવામાં આવી છે.

શુક્રવારે સોશિયલ મીડિયા પર તસવીરો વાઈરલ થઈ હતી, જેમાં મહિલાઓ હિજાબ પહેર્યા વગર સ્પર્ધામાં ભાગ લઈ રહી હતી.

ઈરાનના દક્ષિણ કિનારે કિશ ટાપુ પર આયોજિત મૅરેથૉનમાં બે હજાર મહિલાઓ અને ત્રણ હજાર પુરુષોએ અલગ અલગ ભાગ લીધો હતો.

લલ ટી-શર્ટ પહેરેલી કેટલીક મહિલા ખેલાડીઓએ હિજાબ અથવા માથું ઢાંકે એવું કોઈ પણ પ્રકારનું કપડું પહેર્યું ન હતું.

ઈરાનમાં પરિવર્તનના ટેકેદારોએ આ તસવીરોનું સ્વાગત કર્યું અને કહ્યું કે આ એ વાતની સાબિતી છે કે ઈરાનની મહિલાઓ તેમના વસ્ત્રો પર લગાવવામાં આવેલા નિયંત્રણોને ફગાવી રહી છે.

બીજી તરફ ઈરાનના અધિકારીઓ આને હાલની સ્થિતિ માટે એક અસ્વીકાર્ય પડકાર માને છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન