ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, પાંચ જિલ્લામાં ઑરેન્જ, સાતમાં યલો ઍલર્ટ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

ગુજરાતમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ વખતે રાજ્યમાં વધારે વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે.

હવામાન વિભાગે જે માહિતી આપી છે તે પ્રમાણે બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર એરિયા બની ગયો છે અને એકાદ દિવસમાં તે વધારે મજબૂત બને તેવી શક્યતા છે.

બંગાળની ખાડીની આ સિસ્ટમ મજબૂત બન્યા બાદ તે ઓડિશા, છત્તીસગઢ પર થઈને મધ્ય પ્રદેશ તરફ આગળ વધશે, આ સિસ્ટમ ગુજરાતની નજીક આવતા રાજ્યમાં ફરી વરસાદ શરૂ થશે.

સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા એક મહિના કરતાં વધારે સમયથી વરસાદ નથી અને તેની અસર ઊભા પાક પર થઈ રહી છે.

ઘણા વિસ્તારોમાં વરસાદની ઘટને કારણે પાકમાં નુકસાનના સમાચાર આવી રહ્યા છે અને જો હજી વધારે વરસાદ ખેંચાય તો અનેક વિસ્તારોમાં ચોમાસું ઉત્પાદન પર અસર પડવાની શક્યતા છે.

બીબીસી ગુજરાતી

ગુજરાતમાં ક્યારથી શરૂ થશે વરસાદ?

વીડિયો કૅપ્શન, Gujarat weather: ગુજરાતમાં ફરી સારા વરસાદની શક્યતા, કયા વિસ્તારોમાં ક્યારથી શરૂ થશે વરસાદ?

બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ વધારે મજબૂત બન્યા બાદ તે ભારતના ભૂ-ભાગો પર આગળ વધવાની શરૂઆત કરશે. જે બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાન પલટાવાની શક્યતા છે.

આ સિસ્ટમ ઓડિશા અને છત્તીસગઢ પરથી થઈને મધ્ય પ્રદેશ તથા મહારાષ્ટ્રના વિસ્તારો પર 15 તારીખની આસપાસ પહોંચે તેવી શક્યતા છે. જેથી રાજ્યમાં 15થી 17 સપ્ટેમ્બરની આસપાસથી હવામાન પલટાશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે.

ગુજરાતમાં 15થી 21 તારીખ સુધીમાં અનેક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે. જ્યારે મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં પણ રાજ્યમાં વરસાદી પ્રવૃત્તિ જોવા મળી હતી, પરંતુ તે માત્ર દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત તથા કેટલાક ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પૂરતી સીમિત રહી હતી.

જોકે, આ વખતે આવનારા રાઉન્ડમાં રાજ્યના કેટલાક વધારે વિસ્તારોમાં સારો વરસાદ થાય તેવી શક્યતા છે એટલે કે ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે.

બીબીસી ગુજરાતી

ગુજરાતના કયા જિલ્લામાં વરસાદની શક્યતા?

બીબીસી ગુજરાતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ સિવાય જો હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ ‘ચેતવણી’ની વાત કરીએ તો 16 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડના કેટલાંક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી અપાઈ ચે. આ સિવાય છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી અને તાપીમાં છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે.

ઉપરાંત ગુજરાતના લગભગ તમામ જિલ્લામાં છૂટાછવાયાં સ્થળોએ ગાજવીજ અને 30-40 કિમીના પવાન સાથે હળવી ધારે વરસાદ પડવાની શક્યતા છે. કંઈક આવી જ સ્થિતિ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ જોવા મળી શકે છે.

17 સપ્ટેમ્બરની ચેતવણી માટેની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં છૂટાછવાયાં સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ઉપરાંત આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, તાપી અને સૌરાષ્ટ્રના ભાવનગરમાં છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.

સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ તેમજ કચ્છ સહિત ગુજરાતના લગભગ તમામ જિલ્લામાં હળવી ગાજવીજ, 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવો વરસાદ પડવાની આશંકા છે.

18 સપ્ટેમ્બરના રોજ સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં છૂટાછવાયાં સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આશંકા છે.

આ સિવાય આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, ભાવનગર અને અમરેલી ખાતે છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

હવામાનવિભાગે વરસાદને લઈને જાહેર કરાયેલા ઍલર્ટ પ્રમાણે 16 સપ્ટેમ્બરના રોજ છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને નવસારી ખાતે ભારે વરસાદનું યલો ઍલર્ટ તો વલસાડમાં અતિ ભારે વરસાદની ચેતવણી આપતું ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું હતું.

17 સપ્ટેમ્બર માટે તાપી, ભરૂચ, વડોદરા, આણંદ, પંચમહાલ, દાહોદ અને ભાવનગર ખાતે યલો ઍલર્ટ અને સુરત, ડાંગ, નવસારી અને વલસાડ માટે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે.

18 સપ્ટેમ્બરની વાત કરીએ તો અમેરેલી, ભાવનગર, ભરૂચ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર ખાતે યલો અને સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ ખાતે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે.

બીબીસી ગુજરાતી

122 વર્ષમાં નહોતી થઈ એવી સ્થિતિ આ ઑગસ્ટમાં કેમ થઈ?

બીબીસી ગુજરાતી

ગુજરાતમાં જૂન અને જુલાઈ મહિનામાં ખૂબ સારો વરસાદ થયો હતો જે બાદ ઑગસ્ટ મહિનો આખો વરસાદ વિહોણો પસાર થયો હતો. વેધર ચેનલના અહેવાલ પ્રમાણે 122 વર્ષમાં પ્રથમ વખત એવું બન્યું છે કે ઑગસ્ટ મહિનામાં આટલો ઓછો વરસાદ પડ્યો હોય.

ચોમાસા દરમિયાન સામાન્ય રીતે જુલાઈ મહિનામાં સારો વરસાદ પડે તો તે બાદ ઑગસ્ટ મહિનામાં બ્રેક મૉન્સૂનની સ્થિતિ આવતી હોય છે. પરંતુ વરસાદી ગતિવિધિ એકાદ અઠવાડિયા જેટલી જ થંભે છે.

આ વર્ષે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઑગસ્ટ મહિનામાં સૌથી ઓછો વરસાદ પડ્યો અને સૌથી વધારે ગરમી પડી. આવું એક સદીમાં પ્રથમ વખત જોવા મળ્યું છે.

આ વર્ષની શરૂઆતમાં જ એવી આશંકા હતી કે ભારતના ચોમાસા પર આ વર્ષે અલ નીનોની અસર પડશે. જેની અસર ઑગસ્ટમાં મહિનામાં જોવા મળી હતી.

આ ઉપરાંત ઑગસ્ટ મહિનામાં મેડન જુલિયન ઓસિલેશન કે જે એક પ્રકારના પવનો છે તે પણ ભારતના ચોમાસાની તરફેણમાં ન હતા.

અલ નીનોની અસરને ઘણા અંશે ઓછી કરી શકે તે ઇન્ડિય ઓશન ડાયપૉલ પણ વધારે પૉઝિટિવના થઈ શક્યો જેના કારણે ભારતમાં ઑગસ્ટ મહિનામાં વરસાદ ખૂબ ઓછો થયો.

ભારત કરતાં દૂર આવેલા દક્ષિણ ચીન સમુદ્રમાં પણ આ વર્ષે વધારે સિસ્ટમો સર્જાઈ નહીં, ત્યાં જે સિસ્ટમો સર્જાઈ તે ઉત્તર તરફ ગઈ. સામાન્ય રીતે આ સિસ્ટમ પશ્ચિમ તરફ આવતી હોય છે. થાઇલૅન્ડ અને વિયેતનામને ક્રોસ કરીને તે બંગાળની ખાડીમાં આવતી હોય છે.

આ કારણોને લીધે ઑગસ્ટ મહિનામાં આ વર્ષે ખૂબ ઓછો વરસાદ પડ્યો અને તેના લીધે ગુજરાતના અનેક વિસ્તારોમાં ઊભા પાકને નુકસાન થયું છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી