'મારણ'ને મળ્યો શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર, ક્યા કલાકારોને મળ્યા ઍવૉર્ડ્ઝ? - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં કેવડિયાના એકતા નગર ખાતે આયોજિત એક સમારોહમાં મંગળવારે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આપવામાં આવ્યા.
'મારણ' ફિલ્મને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. અભિષેક જૈને આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે.
પુરસ્કાર સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મમૂટીને ફિલ્મ 'બ્રહ્મયુગમમાં શાનદાર અભિનય માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર આપ્યો હતો.
કાર્તિક આર્યનને પણ હિંદી ફિલ્મ 'ચંદુ ચૅમ્પિયન' માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરાયો હતો. બંનેને સંયુક્ત રૂપથી આ પુરસ્કાર મળ્યો છે.
યામી ગૌતમને ફિલ્મ આર્ટિકલ 370 માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો.
'અમરન' માટે રાજકુમાર પેરિયાસામીને સર્વશ્રેષ્ઠ નિર્દેશનનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
સુમિરા રૉયને ભંગાર (મરાઠી અને અંગ્રેજી) માટે સર્વશ્રેષ્ઠ નૉન-ફીચર ફિલ્મનો પુરસ્કાર મળ્યો અને શહજાદ જલાલને બ્રહ્મયુગમ (મલયાલમ) માટે સર્વશ્રેષ્ઠ સિનેમેટોગ્રાફીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સંજય મિશ્રાને સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આપ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના ઇતિહાસમાં આ પહેલી વખત છે કે જ્યારે પુરસ્કાર સમારોહ દિલ્હીની બહાર આયોજિત કરાયો.
મીડિયા સંસ્થાઓ પર પ્રતિબંધથી ટ્રમ્પની મુશ્કેલી વધી, હવે શું થશે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આજે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં બનેલા હૅલિપેડનું ઉદ્ઘાટન કર્યું ત્યારે આ કાર્યક્રમના લાઇવ ફુટેજમાં તેમનો અવાજ સારી રીતે સંભળાતો નહોતો.
મોટા ભાગની મીડિયા સંસ્થાઓએ તેમના કાર્યક્રમની કોઈ તસવીરો પ્રસારિત ન કરી.
જે સંસ્થાઓએ આ તસવીરો પ્રસારિત કરી તેમની પાસે રાષ્ટ્રપતિની વાતને સ્પષ્ટપણે રેકૉર્ડ કરવા માટે માઇક્રોફોન નહોતો.
બીબીસી સંવાદદાતા હેન્રી એસ્ટિયરના જણાવ્યા અનુસાર, આ મુશ્કેલી એટલા માટે પડી હતી કારણ કે આ પ્રસારણ વ્હાઇટ હાઉસ પ્રેસ પૂલે કર્યું હતું.
તાજેતરમાં ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં મીડિયા પર મૂકેલા પ્રતિબંધોને કારણે ટીવી પ્રેસ પૂલે તેમનો બહિષ્કાર કર્યો છે અને તેમણે વ્હાઇટ હાઉસ પ્રેસ પૂલમાંથી હઠી જવાનો નિર્ણય લીધો છે. તેના કારણે આ ખામીઓ આવી હોવાનું મનાય છે.
આ ટીવી પ્રેસ પૂલમાં પાંચ સદસ્યો હતા – સીએનએન, એબીસી, સીબીએસ, ફૉક્સ ન્યૂઝ અને એનબીસી.
ગત શુક્રવારે જ ટ્રમ્પે ત્રણ મીડિયા સંસ્થાઓ સીએનએન, પૉલિટિકો અને એમએસ નાઉને વ્હાઇટહાઉસથી પ્રતિબંધિત કરવાની માગ કરી હતી.
ત્યારબાદ આ તમામ પાંચેય સંસ્થાઓએ રાષ્ટ્રપતિના આ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે. આથી, આ ટીવી પ્રેસ પૂલ સિવાય વ્હાઇટ હાઉસની આ પહેલી પરીક્ષા થઈ હતી. જેનું પરિણામ જોવા મળ્યું હોવાનું મનાય છે.
પ્રેસ પૂલના કૅમેરા ન હોવાથી મોટા ભાગની મીડિયા સંસ્થાઓએ આ કાર્યક્રમની કોઈ તસવીરો પ્રસારિત કરી નહોતી.
જમુઈ યૌન ઉત્પીડન કેસ : મુખ્ય આરોપી પોલીસ સાથેની અથડામણમાં ઘાયલ

ઇમેજ સ્રોત, Santosh Kumar/Hindustan Times via Getty Image
બિહારના જમુઈમાં એક સગીર વિદ્યાર્થિનીના યૌન ઉત્પીડનના મામલે મંગળવારે મુખ્ય આરોપી નંદન યાદવ પોલીસ સાથેની અથડામણમાં ઘાયલ થયા છે.
મુંગેર રેન્જના ડીઆઇજી રાકેશકુમારે બીબીસી ન્યૂઝ હિન્દીને આ માહિતીની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પોલીસ સાથેની અથડામણ દરમિયાન નંદન યાદવના પગમાં ગોળી વાગી હતી.
પોલીસે આ મામલે અન્ય એક આરોપી હરિરામ યાદવની પણ ધરપકડ કરી છે.
આ કેસમાં કુલ પાંચ આરોપી હોવાનો ઉલ્લેખ કરાઈ રહ્યો છે. તેમાંના ત્રણ સગીર આરોપીને પોલીસ પહેલેથી જ ધરપકડ કરી ચૂકી છે.
શું છે મામલો?
વાસ્તવમાં બિહારના જમુઈનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.
આ વીડિયોમાં એક સગીર વિદ્યાર્થી અને વિદ્યાર્થિની સ્કૂટર પર બેઠેલાં છે અને કેટલાક યુવકોએ તેમને ઘેરી લીધા છે.
વીડિયોમાં વિદ્યાર્થિની સાથે યૌન ઉત્પીડન થતું જોવા મળે છે. જ્યારે વિદ્યાર્થી યુવકોના જૂથમાંથી વિદ્યાર્થિનીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનું પણ દેખાય છે.
આ વાઇરલ વીડિયો અંગે જમુઈના એસપી વિશ્વજિત દયાલે મીડિયા સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું, "આજે સવારે (21 સપ્ટેમ્બરે) અમારા ધ્યાનમાં એક વીડિયો આવ્યો, જેમાં બે સગીર વિદ્યાર્થીઓ સાથે દુર્વ્યવહાર થતો જોવા મળે છે. વીડિયોના આધારે અમે પીડિતોની ઓળખ કરી, તેમનાં નિવેદનો નોંધ્યાં અને જાણવા મળ્યું કે આ ઘટના 19 સપ્ટેમ્બરે સાંજે લગભગ 7 વાગ્યે બની હતી. તે સમયે આ છોકરો અને છોકરી કોચિંગ માટે ગયાં હતાં."
"દરમિયાન તેઓ ફોટોશૂટ કરવા માટે તે વિસ્તારમાં ગયાં હતાં, જ્યાં આ ઘટના બની. આ ઘટના જમુઈ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. આરોપીઓની ઓળખ થઈ ગઈ છે અને તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં આ કેસમાં વધુ ધરપકડ કરવામાં આવશે. પીડિતોએ અગાઉ કોઈ સત્તાવાર ફરિયાદ કરી નહોતી, પરંતુ આજે તેમનો સંપર્ક કરવામાં આવતા તેમણે અરજી આપી હતી, જેના આધારે એફઆઇઆર નોંધવામાં આવી છે."
"વાઇરલ વીડિયોના ફ્રેમમાં છથી સાત લોકો જોવા મળે છે. એફઆઇઆરમાં કોઈનું નામ નોંધાયેલું નથી અને તપાસના આધારે જ આરોપીઓની ઓળખ કરાઈ છે."
પાકિસ્તાનમાં ઇમરાન ખાનની પાર્ટીના એક મોટા નેતાનું 'અપહરણ'

ઇમેજ સ્રોત, FazlShakoorKhan/Facebook
પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં સત્તાધારી પાકિસ્તાન તહરિક-એ-ઇન્સાફ (પીટીઆઈ)ના પ્રાંતીય મંત્રી ફઝલ શકૂર ખાનના કથિત અપહરણનો મામલો બહાર આવ્યો છે.
પ્રાંતીય સરકારે દાવો કર્યો છે કે પેશાવરમાં અજાણ્યા લોકોએ ફઝલ શકૂર ખાનનું અપહરણ કરી લીધું છે.
પેશાવરમાં સોમવારે પીટીઆઈના વરિષ્ઠ નેતાઓ સાથે પ્રેસ કૉન્ફરન્સ કરતા મુખ્ય મંત્રી સોહિલ આફ્રિદીએ આરોપ લગાવ્યો કે સાદાં કપડાંમાં આવેલા લોકોએ ફઝલ શકૂર ખાનનું અપહરણ કરી લીધું હતું. તેમણે દાવો કર્યો કે મંત્રીના વાહન પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું કે "કોઈને લાગતું હોય કે આ પ્રકારની કાર્યવાહીથી અમારું આંદોલન નબળું પડશે, તો એવું નહીં થાય."
રવિવારે પીટીઆઈના અન્ય એક મંત્રી શકીલ અહમદ સાથે પણ આવી ઘટના બની હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
અમેરિકાની જાહેરાત પછી આ દેશોમાં પણ ઈરાની ઍરલાઇન્સના પ્રવેશ પર પ્રતિબંધ

ઇમેજ સ્રોત, Nicolas Economou/NurPhoto via Getty Images
અમેરિકાના નાણામંત્રી સ્કૉટ બૅસેન્ટે જાહેરાત કરી છે કે 23 સપ્ટેમ્બરથી દુનિયાભરમાં ઈરાની ઍરલાઇન્સ માટે હવાઈ ક્ષેત્ર બંધ કરવામાં આવશે.
ત્યાર પછી તુર્કી, ઇરાક અને જ્યૉર્જિયાએ ઈરાની ઍરલાઇન્સને પોતાના દેશમાં પ્રવેશવા પર રોક લગાવવાની જાહેરાત કરી છે.
એએફપીના અહેવાલ મુજબ ઇરાકના બે અધિકારીઓએ સોમવારે જણાવ્યું કે અમેરિકન ટ્રેઝરી વિભાગની જાહેરાત પછી ઇરાક ઈરાની ઍરલાઇન્સની ઉડાનોને રદ કરશે.
ત્યાર બાદ જ્યૉર્જિયાએ પણ ઈરાની ઍરલાઇન્સને પોતાના ક્ષેત્રમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી દીધો.
અગાઉ શનિવારે ઈરાની ઍરલાઇન્સ મહાન ઍરે જાહેરાત કરી હતી કે તુર્કી સરકારના અનુરોધ પર તેમણે તુર્કી માટે તમામ ઉડાનો બંધ કરી છે. બે અઠવાડિયાં અગાઉ અમેરિકન ટ્રેઝરી વિભાગે 27 ઈરાની ઍરલાઇન્સને પોતાની પ્રતિબંધિત યાદીમાં સામેલ કરી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
























