વિદ્યાર્થીઓ માટે 'સાહેબ', સાંજે શાકભાજીની દુકાને કામ, કાયમી નોકરીની રાહ જોતા પ્રોફેસરોની કહાણી

- લેેખક, આશય યેડગે
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
મહારાષ્ટ્રમાં હજારો પ્રોફેસરો નેટ-સેટ, પીએચ.ડી. કર્યા પછી પણ કાયમી નોકરીની રાહ જોઈ રહ્યા છે. કૉલેજોમાં વિદ્યાર્થીઓને ભણાવતા આ પ્રોફેસરો આજે પણ 'ક્લૉક અવર બેસિસ' (સીએચબી) એટલે કે ઘડિયાળના કલાકના ધોરણે કામ કરી રહ્યા છે.
"શરૂઆતમાં 1,500 રૂપિયામાં અમારા બંનેનું ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું. એટલે અમે સંતાન પણ પેદા ન કર્યું," પ્રિન્સિપાલ મહેશ વાઘ કહે છે.
તેઓ છેલ્લાં 19 વર્ષથી કૉલેજમાં પ્રોફેસર તરીકે અને હવે પ્રિન્સિપાલ તરીકે કામ કરી રહ્યા છે, પરંતુ હજુ પણ કાયમી નોકરીની રાહ જોઈ રહ્યા છે.
પુણેના ડૉ. કાદિર શેખ વિદ્યાર્થીઓ માટે 'સર' છે, પરંતુ કૉલેજની બહાર તેઓ પોતાને પ્રોફેસર કહેતા નથી. કારણ કે સાંજે તેઓ એક મિત્રની શાકભાજીની દુકાને કામ કરે છે અને તેના બદલામાં અઠવાડિયા પૂરતું શાકભાજી ઘરે લઈ જાય છે.
કાદિર શેખ ઇતિહાસના પ્રોફેસર છે. તેમણે સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. કર્યું છે. પોતાના પરિવારમાં ડિગ્રી મેળવનારા તેઓ પ્રથમ સભ્ય છે. પરંતુ છેલ્લાં 17 વર્ષથી તેઓ કાયમી નોકરીની રાહ જોઈ રહ્યા છે.
પ્રોફેસર હીરામણ નેતારેની કહાણી પણ કંઈ અલગ નથી.
પછાત વર્ગમાંથી આવતા હીરામણે અર્થશાસ્ત્રમાં અનુસ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. પ્રોફેસર બનવા માટે જરૂરી તમામ શૈક્ષણિક લાયકાત તેમણે મેળવી છે. છતાં છેલ્લા એક દાયકાથી તેમને પૂર્ણ સમયના પ્રોફેસર તરીકે કામ કરવાની તક મળી નથી.
હીરામણ નેતારે કહે છે, "મને લાગ્યું હતું કે શિક્ષણથી સંઘર્ષનો અંત આવશે, પરંતુ સંઘર્ષ હજુ પણ પૂરો થયો નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વાત માત્ર આ ત્રણ લોકોની નથી. કલાકના ધોરણે ભણાવતા પ્રોફેસરોની સ્થિતિ જાણવા માટે અમે ઉત્તર મહારાષ્ટ્ર, મરાઠવાડા અને પશ્ચિમ મહારાષ્ટ્રની અનેક કૉલેજોની મુલાકાત લીધી.

પ્રદેશ અલગ, વિષયો અલગ અને કૉલેજો પણ અલગ. પરંતુ લગભગ દરેક જગ્યાએ એક વાત સરખી જોવા મળી. એક જ કૉલેજમાં એના એ જ વિદ્યાર્થીઓને ભણાવતા પૂર્ણ સમયના અને સીએચબી પ્રોફેસરો આર્થિક રીતે બે અલગ વાસ્તવિકતામાં જીવી રહ્યા છે.
આ તફાવત માત્ર પગાર પૂરતો મર્યાદિત નથી. ઘણી કૉલેજોમાં ભણાવવાનો મોટો બોજ આજે કલાકના ધોરણે કામ કરતા (સીએચબી) પ્રાધ્યાપકોના ખભા પર છે.
પુણેના પૂર્ણ સમયના પ્રોફેસર સતીશ વાઘમારે કહે છે, "2017થી મોટા પાયે પ્રોફેસરોની ભરતી જ થઈ નથી. ઘણી કૉલેજો એવી છે જ્યાં માત્ર બે જ પૂર્ણ સમયના પ્રોફેસરો છે. બાકીની આખી કૉલેજ કલાકના ધોરણે ભણાવતા પ્રોફેસર ચલાવે છે."
તેમના મતે, "85 ટકા કામનો બોજ કલાકના ધોરણે ભણાવતાપ્રોફેસર પર છે."
પરંતુ સીએચબીની આ વ્યવસ્થા ખરેખર શું છે? તેમાં કામ કરતા પ્રોફેસરોની વાસ્તવિક સ્થિતિ કેવી છે?
'કલાકદારી' નામની વ્યવસ્થા
નાશિકના ડૉ. સુદામ રાઠોડ છેલ્લાં 12 વર્ષથી સીએચબી પર ભણાવી રહ્યા છે. તેઓ આ વ્યવસ્થાને એક અલગ જ નામ આપે છે.
"સીએચબી એટલે ક્લૉક અવર બેઝિસ. પરંતુ અમે એને 'કલાકદારી' કહીએ છીએ. જેમ રોજમદારી પર કામ કરતા લોકો કે મજૂરો હોય છે, એ જ રીતે અમે પ્રોફેસરો પણ કલાકદારી પર કામ કરીએ છીએ," સુદામ કહે છે.
સીએચબીમાં પ્રોફેસરોને મહિનાનો નિશ્ચિત પગાર મળતો નથી. તેમણે જેટલા કલાક ભણાવ્યું હોય, એટલા જ કલાકના પૈસા મળે છે.
રવિવાર, દિવાળી કે ઉનાળાની રજાઓ માટે કોઈ પગાર મળતો નથી. તેથી ઘણા પ્રોફેસરને રજાઓ પણ ગમતી નથી, કારણ કે રજા એટલે આવકમાં સીધો ઘટાડો.
કાદિર શેખ કહે છે, "અમારી સાથે પૂર્ણ સમય ભણાવતા પ્રોફેસરો અને અમારી રજાઓનું આયોજન કેવું હોય છે એ તમને કહું. તેમની વચ્ચે ચર્ચા ચાલતી હોય છે કે આ રજામાં આપણે અહીં ફરવા જઈશું, ત્યાં ફરવા જઈશું."
"પરંતુ 'રજા' શબ્દ જ સીએચબી પર ભણાવતા પ્રોફેસરોને ડરાવે છે. એક તો અમને રજાનો પગાર મળતો નથી અને રજા મળે ત્યારે બગીચામાં જઈને ભેળ ખાઈ શકીએ એટલા પૈસા પણ હાથમાં બચતા નથી. અમે બીજા લોકોની જેમ વિચારી પણ શકતા નથી."
આદર્શ પ્રોફેસર બનવાનું સપનું હતું, પણ…

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સુદામ રાઠોડ કહે છે કે યુનિવર્સિટીમાં ભણતા હતા ત્યારે પોતાને પ્રોફેસર સમાજમાં એક આદર્શ વ્યક્તિ લાગતી હતી.
"અમે ભણતા હતા ત્યારે પ્રોફેસરોને સમાજમાં ઘણું માન મળતું હતું. અમારે પણ તેમના જેવા બનવું હતું. વિદ્યાર્થીઓ અમારા 'ફૅન' હોય એવું અમને લાગતું હતું. નેટ-સેટ પાસ કર્યું અને બે વર્ષ પછી કૉલેજમાં નોકરીએ જોડાયો. ત્યારે કલાકના ધોરણે ભણાવવાની મુશ્કેલી શું હોય છે એ સમજાયું."
સુદામ રાઠોડ પોતે લેખક, કવિ અને નવલકથાકાર છે. તેમને લાગતું હતું કે પોતાના જ્ઞાનનો ઉપયોગ સમાજ માટે કરી શકાશે, પરંતુ થોડાં વર્ષો પછી તેમને સમજાયું કે તેઓ એવા ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા છે, જેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો જ નથી.
"બે વર્ષ થયાં, પાંચ વર્ષ થયાં, આઠ વર્ષ થયાં… અને પછી સમજાયું કે આપણે એક ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા છીએ. તમે સીએચબી પર કામ કરતા પ્રોફેસર હો અને તમારી પાસે પૈસા ન હોય તો લેખક કે કવિ તરીકે તમારી ઓળખને જોઈએ એટલું માન મળતું નથી."
"એટલે ઘણી વાર આ કામ છોડી દેવાનો વિચાર આવ્યો. પરંતુ બીજો કોઈ વિકલ્પ નહોતો. યુવાનીનો સમય પ્રોફેસર બનવાની તૈયારીમાં જતો રહ્યો. કંઈક નવું શીખવાની ઉંમર પણ નીકળી ગઈ. એટલે બીજું કંઈક કરવાનું મન થતું હોવા છતાં સીએચબી પર જ કામ કરતા રહ્યા," એમ સુદામ કહે છે.
સીએચબી પ્રોફેસરોને કેટલા પૈસા મળે છે?

પુણેના કાદિર શેખ કહે છે કે સીએચબી પ્રોફેસરોની નોકરી સામાન્ય રીતે નવ મહિનાના કરાર પર હોય છે, પરંતુ વાસ્તવમાં તેમને માત્ર સાતથી સાડા સાત મહિનાનો જ પગાર મળે છે.
કાદિર શેખ કહે છે, "સીએચબી પર કામ કરતા પ્રોફેસરોનો મહિનાનો પગાર સામાન્ય રીતે 30થી 32 હજાર રૂપિયા જેટલો હોય છે. તેમાં પણ કેટલીક રજાઓ આવે તો પગાર ફરી ઘટી જાય છે. આશ્ચર્યની વાત એ છે કે દિવાળીની રજાઓનો પગાર પણ મળતો નથી."
"મૂળ તો સરકાર સાથેનો આ કરાર નવ મહિનાનો જ હોય છે, પરંતુ વાસ્તવમાં સાતથી સાડા સાત મહિનાનો જ પગાર મળે છે. પુણે જેવા શહેરમાં રહેવાનું હોય તો 32 હજાર રૂપિયામાં પૂરું થતું નથી. છતાં ભવિષ્યમાં સરકાર આ બધી બાબતોનો વિચાર કરશે અને જે જગ્યાઓ ખાલી છે તે બધી ભરવાનો પ્રયાસ કરશે, એવી આશા પર સીએચબી પર કામ કરતા આખા મહારાષ્ટ્રના પ્રોફેસરો ટકી રહ્યા છે."
કાદિર શેખ કહે છે, "કૉલેજની બહાર હું પોતાને પ્રોફેસર કહેતો નથી. સાંજે હું મારા મિત્રની શાકભાજીની દુકાનમાં મદદ કરું છું. તેના બદલામાં મને અઠવાડિયા પૂરતું શાકભાજી મળી જાય છે."
મહેશ, કાદિર અને સુદામની કહાણીઓ અલગ લાગે છે, પરંતુ તે એક જ વ્યવસ્થામાંથી જન્મી છે. આખરે સીએચબીની આ વ્યવસ્થા શરૂ કેવી રીતે થઈ?
2023ના સરકારી ઠરાવ મુજબ, ડિગ્રી કૉલેજોમાં કલાકના ધોરણે કામ કરતા (સીએચબી) પ્રોફેસરોને ડિગ્રી અભ્યાસક્રમમાં થિયરી ભણાવવા માટે કલાક દીઠ 900 રૂપિયા અને પ્રૅક્ટિકલ માટે 350 રૂપિયા માનધન આપવામાં આવે છે.
અનુસ્નાતક અભ્યાસક્રમો માટે આ માનધન અનુક્રમે કલાક દીઠ 1,000 અને 450 રૂપિયા કરવામાં આવ્યું છે.
સીએચબી વ્યવસ્થા કામચલાઉ કે કાયમી?
સુદામ રાઠોડ કહે છે કે સીએચબીની વ્યવસ્થા મૂળ કાયમી રોજગાર માટે બનાવવામાં આવી નહોતી.
તેઓ કહે છે, "1998માં શૂન્ય બજેટ નીતિ આવી. ખાલી જગ્યાઓ ભરાય ત્યાં સુધી વિદ્યાર્થીઓનું નુકસાન ન થાય એ માટે કામચલાઉ ધોરણે કલાકના હિસાબે પ્રોફેસરોની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો."
તેમના મતે, આગળ જતાં આ વ્યવસ્થા સરકાર અને સંસ્થાના સંચાલકો બંને માટે અનુકૂળ બની ગઈ.
"સરકાર પર કાયમી જગ્યાઓનો આર્થિક બોજ પડતો નથી અને કેટલીક સંસ્થાઓના સંચાલકોને માનધનના મામલે પણ વધુ સ્વતંત્રતા મળે છે. એટલે આ વ્યવસ્થા બંનેના ફાયદાની હતી."
આજે લગભગ 28 વર્ષ પછી પણ ઘણા પ્રોફેસરો એ જ કામચલાઉ વ્યવસ્થામાં કામ કરી રહ્યા છે.
સુદામ કહે છે, "મેં એવા પ્રોફેસરો જોયા છે, જેઓ વર્ષ 2000થી સીએચબી પર કામ કરી રહ્યા છે. હવે તેઓ નિવૃત્તિના આરે પહોંચી ગયા છે. કેટલાક તો સીએચબી પર ભણાવતાં ભણાવતાં નિવૃત્ત પણ થઈ ગયા છે."
આંકડા શું કહે છે?

ઇમેજ સ્રોત, Maharashtra Council Live/Youtube
રાજ્યની યુનિવર્સિટીઓ અને અનુદાનિત કૉલેજોમાં પ્રોફેસરોની મંજૂર થયેલી 11,918 જગ્યાઓ ખાલી છે. તેમાંથી 5,012 જગ્યાઓ ભરવા માટે રાજ્ય સરકારને મંજૂરી મળી છે. જોકે, ભરતી પ્રક્રિયા ઘણાં વર્ષોથી અટવાયેલી છે અને સપ્ટેમ્બર 2026 સુધી તમામ જગ્યાઓ પર નિમણૂક થઈ નથી.
પ્રોફેસર સંગઠનોનો આરોપ છે કે 2017 પછી મોટા પાયે ભરતી અટકી ગઈ છે. જોકે, સરકારનું કહેવું છે કે ભરતી તબક્કા વાર ચાલી રહી છે.
10 માર્ચ, 2026ના રોજ વિધાન પરિષદમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમંત્રી ચંદ્રકાંત પાટીલે કહ્યું હતું, "રાજ્યમાં પ્રોફેસરની કુલ 31,385 મંજૂર જગ્યાઓમાંથી 19,267 જગ્યાઓ ભરાયેલી છે. બાકીની 11,918 જગ્યાઓ ખાલી છે."
તે સમયે તેમણે 5,012 જગ્યાઓ માટે ભરતીને મંજૂરી મળી હોવાનું જણાવ્યું હતું અને જૂન પહેલાં ભરતીપ્રક્રિયા પૂર્ણ કરવા આગ્રહ કર્યો હતો.
કલાકના ધોરણે ભણાવતા પ્રોફેસરો વિશે વાત કરતાં ચંદ્રકાંત પાટીલે કહ્યું, "કલાકના ધોરણે કરવામાં આવતી નિમણૂકોને આ ભરતીમાં પ્રાથમિકતા આપી શકાય નહીં. તેમણે પણ જાહેરાતના આધારે અરજી કરીને બીજા ઉમેદવારોની સાથે ભરતીપ્રક્રિયામાં સામેલ થવું પડશે."
"તેઓ અનુભવી હોય તો તેમની પસંદગી થઈ શકે છે. પરંતુ તેમના માટે અલગ ક્વૉટા રાખી શકાય નહીં. તેથી તેમણે જાહેરાતના આધારે અરજી કરીને જ ભરતીપ્રક્રિયામાં આવવું પડશે."
ઉચ્ચ શિક્ષણ વિભાગના પ્રભારી નિયામક શૈલેન્દ્ર દેવળાણકરે પણ મીડિયાને જણાવ્યું હતું કે મંજૂર થયેલી જગ્યાઓ પર તબક્કા વાર ભરતી કરવામાં આવશે.
પરંતુ સીએચબી પ્રોફેસરોનો પ્રશ્ન અહીં પૂરો થતો નથી. કારણ કે ઘણા પ્રાધ્યાપકો છેલ્લા એક દાયકાથી આ ભરતીની રાહ જોઈ રહ્યા છે.
પુરસ્કારો છે, પણ ઘર નથી

સતીશ વાઘમારે પોતે પણ એક સમયે સીએચબી પર કામ કરતા હતા. તેમનો અનુભવ આ વ્યવસ્થાનું એક અલગ પાસું દર્શાવે છે.
સતીશ કહે છે, "શરૂઆતમાં કોઈ 'સર' કહીને બોલાવે તો આનંદ થતો. છ મહિને પગાર મળે તો પણ ચાલતું, પરંતુ લગ્ન, પરિવાર અને આર્થિક જવાબદારીઓ વધ્યા પછી વાસ્તવિકતા બદલાઈ ગઈ. આર્થિક સ્થિતિ નબળી પડે તો પ્રોફેસરનું જીવન પણ નબળું પડવા લાગે છે."
તેમના મતે, તેની અસર ભણાવવા પર પણ થાય છે. ઉત્સાહથી પુસ્તકો વાંચવાનું, નોંધો બનાવવાનું, વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાનું… ધીમે ધીમે ઓછું થતું જાય છે.
સુદામ રાઠોડ સાહિત્યકાર છે. તેમને અનેક પુરસ્કારો મળ્યા છે, પરંતુ આજે એ પુરસ્કારોનાં સ્મૃતિચિહ્નો તેમના ઘરમાં રાખવાની પણ જગ્યા નથી. "આ સ્મૃતિચિહ્નો મેં બે કોથળામાં ભરીને રાખ્યાં છે. કેટલાંક તો ઉપરના માળે ફેંકી દીધાં છે. હવે મારું પોતાનું ઘર જ નથી રહ્યું. તો આ સ્મૃતિચિહ્નો ક્યાં રાખું?" સુદામ પૂછે છે.
રાઠોડનો પ્રશ્ન વ્યક્તિગત છે, પરંતુ એ માત્ર તેમનો એકલાનો પ્રશ્ન નથી.
પુરસ્કારો, પીએચ.ડી., નેટ-સેટ અને એક દાયકાના અધ્યાપનના અનુભવ છતાં કાયમી નોકરીની રાહ જોઈ રહેલા હજારો સીએચબી પ્રોફેસરોની વાસ્તવિકતાનું તે એક પ્રતીક છે.

મહેશ વાઘ આજે કૉલેજના પ્રિન્સિપાલ છે. લગભગ બે દાયકાથી વિદ્યાર્થીઓને ભણાવ્યા પછી પણ તેઓ પોતે કાયમી પ્રોફેસર નથી.
કાદિર શેખ હજુ પણ કૉલેજ પૂરી થયા પછી શાકભાજીની દુકાને જાય છે. સુદામ રાઠોડને મળેલા પુરસ્કારોનાં કોથળા હજુ પણ ઘરમાં મૂકાવાને બદલે એક ખૂણામાં પડ્યા છે.
સરકાર કહે છે કે ભરતીપ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ આ ત્રણેયની જેમ હજારો સીએચબી પ્રાધ્યાપકો હજુ પણ એક જ સવાલના જવાબની રાહ જોઈ રહ્યા છે: "મહારાષ્ટ્રના પ્રોફેસરોની 'કલાકદારી નોકરી' આખરે ક્યારે પૂરી થશે?"
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




















