ભારતમાં અમેરિકન દૂતાવાસે H-1B અને H-4 વિઝા અરજદારોને ચેતવણી આપી– ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 8 મિનિટ

ભારતમાં યુએસ દૂતાવાસે તેના સત્તાવાર ઍક્સ એકાઉન્ટ પર H-1B અને H-4 વિઝા અરજદારો માટે ચેતવણી જારી કરી છે.

યુએસ દૂતાવાસે ઍક્સ પર પોસ્ટ કરી કે "15 ડિસેમ્બરથી (યુએસ) ડિપાર્ટમેન્ટ ઑફ સ્ટેટે સ્ટાન્ડર્ડ વિઝા સ્ક્રીનિંગમાં બધા H-1B અને H-4 અરજદારો માટે ઑનલાઇન હાજરી સમીક્ષા કડક બનાવી છે. આ સમીક્ષા વિશ્વભરના તમામ દેશોના H-1B અને H-4 વિઝા અરજદારો માટે હાથ ધરાઈ છે."

"આ એચ-1બી પ્રોગ્રામના દુરુપયોગને રોકવાનો પ્રયાસ છે, તેમજ કંપનીઓને શ્રેષ્ઠ કામચલાઉ વિદેશી કામદારોને નોકરી પર રાખવાની મંજૂરી પણ આપે છે. યુએસ દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસ H-1B અને H-4 નૉન-ઇમિગ્રન્ટ વિઝા અરજીઓ સ્વીકારવાનું અને પ્રક્રિયા કરવાનું ચાલુ રાખશે."

યુએસ દૂતાવાસે વિઝા અરજદારોને શક્ય તેટલી વહેલી તકે અરજી કરવાની સલાહ આપી છે અને તેમને આ વિઝા શ્રેણીઓ માટે લાંબા પ્રક્રિયા સમય વિશે ચેતવણી પણ આપી છે.

અરવલ્લી પર્વતમાળા પર વિવાદ અંગે પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે શું કહ્યું?

અરવલ્લી પર્વતમાળાની 'નવી પરિભાષા' મામલે થઈ રહેલા વિરોધ વચ્ચે પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું છે કે, "કોર્ટે જ અરવલ્લી પહાડો અને અરવલ્લીને લઈને એક ટેક્ટિકલ કમિટીની રચના કરી છે. તેનો હેતુ ખનનને સીમિત કરવાનો છે. પહેલાં એવું હતું કે કોઈ પણ જગ્યાએ ખનનનું કામ થતું હતું, એ નક્કી નહોતું કે અરવલ્લી પહાડ છે કે અરવલ્લી શું છે."

પર્યાવરણ મંત્રીએ આ મુદ્દા પર કેટલાક વરિષ્ઠ નેતાઓ પર ભ્રામક પોસ્ટ કરવાનો આક્ષેપ કર્યો.

તેમણે કહ્યું કે, "કેટલાક લોકો અનેક પ્રકારની વાતો કરે છે, કેટલાક અમારા વરિષ્ઠ નેતાઓ પણ ભ્રામક પોસ્ટ કરી રહ્યા છે. સૌથી પહેલાં હું સ્પષ્ટ કરી દઉં કે એનસીઆર ક્ષેત્રમાં ખનનની મંજૂરી નથી. એનસીઆરનો મતલબ છે દિલ્હી, ગુરુગ્રામ, ફરીદાબાદ, નૂહ અને અલવરનો એનસીઆરનો ભાગ. જ્યારે એનસીઆર ક્ષેત્રમાં ખનનની પરવાનગી નથી, તો તેમનાં તથ્યો ખોટાં છે."

"આ પરિભાષા આવ્યા પછી આ નિર્ણયમાં એવું કહેવામાં આવ્યું છે કે અત્યારે કોઈ નવી માઇનિંગ લીઝ નહીં અપાય. માત્ર ક્રિટિકલ, રણનીતિક રૂપથી મહત્ત્વપૂર્ણ અને પરમાણુ ખનીજોને લઈને અપવાદ હશે."

સરકાર તરફથી 21 ડિસેમ્બરના રોજ જાહેર કરાયેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, "100 મીટર અથવા તેનાથી ઊંચા પહાડોની ફરતે બધી નીચી ભૂ-આકૃતિઓને તેમની ઊંચાઈ અને ઢાળની પરવા કર્યા વિના, ખનનની લીઝ આપવાના હેતુથી બહાર રાખવામાં આવી છે."

"આ રીતે, અરવલ્લી રેન્જને બધી ભૂ-આકૃતિઓના રૂપમાં સમજવામાં આવી છે જે 100 મીટર અથવા તેનાથી વધારે ઊંચાઈવાળા બે આજુ-બાજુના પહાડોના 500 મીટરના અંતરમાં આવે છે. આ 500 મીટરના ઝોનમાં આવેલી બધી ભૂ-આકૃતિઓને, તેમની ઊંચાઈ અને ઢાળની પરવા કર્યા વિના, માઇનિંગ લીઝ આપવાના હેતુથી બહાર રાખવામાં આવી છે."

સુરત : સાત વર્ષની બાળકીની દીક્ષા મોકૂફ, માતા-પિતા વચ્ચે તકરાર કેમ?

સુરતમાં સાત વર્ષની બાળકીને દીક્ષા આપવાની વિધિ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે.

એ પહેલાં સુરત ફૅમિલી કોર્ટના આંગણે પહોંચેલા વિવાદમાં સોમવારે નવો વળાંક આવ્યો હતો.

અદાલતની બહાર બાળકીના પિતાએ જણાવ્યું હતું, "મારી દીકરી સાત વર્ષની છે, હાલમાં તેની દીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. અત્યારે ઍફિડેવિટ માગી છે, પરંતુ હું ઇચ્છું છું કે સ્ટે મળી જાય."

અદાલતની બહાર બાળકીનાં માતાએ કહ્યું હતું કે, "જ્યારે અમે મહારાજશ્રી પાસે દીક્ષાની મંજૂરી લેવા માટે ગયા, ત્યારે મારા શ્રાવક પણ સાથે હતા. તેમણે ફૅમિલી કોર્ટમાં જવાની જરૂર ન હતી અને માત્ર મહારાજ સાહેબને જાણ કરવાની હતી કે તેઓ દીકરીને દીક્ષા અપાવવા નથી માંગતા."

બાળકીના પિતાના પક્ષે ઉપસ્થિત રહેલાં વકીલે કહ્યું હતું, "નામદાર કોર્ટે સામાવાળા પાસે આઠ તારીખ સુધીના કોઈ કાર્યક્રમ નહીં કરવા અને મોકૂફ રાખવામાં આવશે અને દીક્ષા કરવામાં નહીં આવે, તેવી ઍફિડેવિટ માંગેલી છે."

મૉસ્કોમાં થયેલા વિસ્ફોટમાં સેનાના એક જનરલનું મૃત્યુ, રશિયાએ શું કહ્યું?

રશિયાના અધિકારીઓએ જણાવ્યું છે કે રાજધાની મૉસ્કોમાં થયેલા એક વિસ્ફોટમાં સેનાના એક જનરલનું મૃત્યુ થયું છે.

રશિયાની તપાસ સમિતિએ જણાવ્યું કે લેફ્ટનન્ટ જનરલ ફાનિલ સરવરોવનું મૃત્યુ સોમવારે સવારે એક કારની નીચે લગાવવામાં આવેલા બૉમ્બમાં થયેલા વિસ્ફોટને કારણે થયું.

સમિતિ પ્રમાણે, સરવરોવ સશસ્ત્રદળોના ઑપરેશન ટ્રેનિંગ વિભાગના પ્રમુખ હતા.

આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં યુક્રેનની ગુપ્તચર એજન્સીઓની ભૂમિકાની આશંકાની તપાસ પણ થઈ રહી છે.

યુક્રેન તરફથી આ મામલે કોઈ પ્રતિક્રિયા આવી નથી.

બાબરી મસ્જિદ પર મોહન ભાગવતનું નિવેદન, હુમાયુ કબીર શું બોલ્યા?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતના બાબરી મસ્જિદ સાથે જોડાયેલા નિવેદન પર તૃણમૂલ કૉંગ્રેસથી સસ્પેન્ડ થયેલા નેતા હુમાયુ કબીરે પ્રતિક્રિયા આપી છે.

હુમાયુ કબીરે સોમવારે એક નવો રાજકીય પક્ષ શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે થોડા દિવસો પહેલાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદની માફક મસ્જિદ બનાવવા માટેનો પાયો નાખ્યો હતો.

રવિવારે કોલકાતામાં મોહન ભાગવતે કહ્યું, "...અદાલતે લાંબો સમય લઈને એક ચુકાદો આપ્યો અને ત્યાં રામ મંદિર બન્યું. મસ્જિદ-મંદિરનો ઝઘડો ત્યાં સમાપ્ત થઈ ગયો. હવે ફરીથી બાબરી મસ્જિદ બનાવીને તે ઝઘડાને શરૂ કરવાનું રાજકીય ષડયંત્ર છે. ન તો તેમાં મુસ્લિમોની ભલાઈ છે ન હિંદુઓની."

તેમના આ નિવેદન પર હુમાયુ કબીરે કહ્યું, "અમે મોહન ભાગવતનું સન્માન કરીએ છીએ. પરંતુ તેમનો એ અંદાજો કે અહીં હિંસા વગેરે થઈ શકે છે, અમે એવું કશું નહીં કરવા દઈએ..."

તેમણે કહ્યું, "મુખ્ય મંત્રી (મમતા બેનરજી) અને આરએસએસ વચ્ચે અંદરના સંબંધો છે. મોહન ભાગવત છ મહિના પહેલાં 15 દિવસો માટે બંગાળ આવ્યા હતા. હવે ફરીથી તેઓ અહીં કેવી રીતે આવ્યા? તેમને અહીં આવવા માટે રાજ્ય સરકારની પરવાનગી જોઈએ."

ઇઝરાયલે કબજા ધરાવતા વેસ્ટ બૅન્કમાં 19 નવી વસાહતોને પરવાનગી આપી

ઇઝરાયલની સુરક્ષા કૅબિનેટે કબજા ધરાવતા વેસ્ટ બૅન્કમાં 19 નવી વસાહતોને માન્યતા આપવાનો નિર્ણય કર્યો છે.

અતિ-દક્ષિણપંથી નેતા અને નાણા મંત્રી બેજલેલ સ્મોટ્રિચે સંરક્ષણ મંત્રી ઇઝરાયલ કાટ્ઝ સાથે મળીને આ પ્રસ્તાવ મૂક્યો હતો. સ્મોટ્રિચે કહ્યું કે આ નિર્ણય પેલેસ્ટાઇન રાજ્યની સ્થાપના રોકવાના મામલા સાથે જોડાયેલો છે.

વેજલેલ સ્મોટ્રિચ પોતે એક સેટલર એટલે કે એ પ્રકારની વસાહતોમાં રહેનારા છે.

કબજા ધરાવતા વેસ્ટ બૅન્કમાં ઇઝરાયલી વસાહતોને આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે અવૈધ માનવામાં આવે છે.

સાઉદી અરેબિયાએ આ પગલાંની નિંદા કરી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું છે કે ઇઝરાયલ તરફથી વસાહતોનો સતત વિસ્તાર તણાવને વધારી રહ્યો છે, પેલેસ્ટેનિયનોની જમીન સીમિત કરી રહ્યો છે અને એક સંપ્રભુ પેલેસ્ટાઇન રાજ્યની સંભાવનાને જોખમમાં મૂકી રહ્યો છે.

ઑક્ટોબર 2023માં ગાઝા યુદ્ધ શરૂ થયા બાદ કબજા ધરાવતા વેસ્ટ બૅન્કમાં હિંસા વધી. તેનાથી એ આશંકા વધી ગઈ હતી કે વસાહતોનો વિસ્તાર ઇઝરાયલના કબજાને વધુ મજબૂત કરી શકે છે અને ટુ-નૅશનની થિયરીને કમજોર કરી શકે છે.

આ પહેલા મે મહિનામાં ઇઝરાયલના કબજા ધરાવતા વેસ્ટ બૅન્કમાં 22 નવી વસાહતોને મંજૂરી આપવામાં આવી હતી. તેને છેલ્લાં કેટલાંક વરસોમાં સૌથી મોટો વિસ્તાર માનવામાં આવ્યો હતો.

ભારતે પહેલી ટી20 મૅચમાં શ્રીલંકાને આઠ વિકેટે હરાવ્યું, જેમિમાએ બનાવ્યા 69 રન

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પહેલી ટી20 મૅચમાં શ્રીલંકાની ટીમને આઠ વિકેટે હરાવી દીધી છે. મૅચમાં ભારતની બૉલિંગ અને બેટિંગ એમ બંને હાવી રહ્યાં.

ભારતે ટૉસ જીતીને શ્રીલંકાની ટીમને પહેલી બેટિંગની તક આપી. શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં છ વિકેટના ભોગે માત્ર 121 રન બનાવી શકી.

122 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમે 14.4 ઓવરમાં મૅચ પોતાને નામે કરી લીધી. આ દરમિયાન ભારતની બે વિકેટ પડી.

ભારત તરફથી સૌથી વધુ રન જેમિમા રૉડ્રિગ્સે બનાવ્યા. તેમણે 44 બૉલમાં 69 રન બનાવ્યા અને આ ઇનિંગ માટે તેમને પ્લેયર ઑફ ધ મૅચ પસંદ કરવામાં આવ્યાં.

સ્મૃતિ મંધાનાએ 25 રનની પારી રમી. બૉલિંગમાં ક્રાંતિ ગૌડ, દીપ્તિ શર્મા અને શ્રી ચરણીએ એક-એક વિકેટ પ્રાપ્ત કરી હતી. આ જીત સાથે પાંચ ટી20 મૅચની શ્રેણીમાં ભારત 1-0થી આગળ થઈ ગયું છે.

રીક્ષાચાલકને લાફો મારવાના વાઇરલ વીડિયો અંગે ભાજપના ધારાસભ્યે શું કહ્યું?

મુંબઈની ઘાટકોપર-પૂર્વ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય પરાગ શાહનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયો છે.જેમાં એક રીક્ષાચાલકને લાફો મારતા ધારાસભ્યને જોઈ શકાય છે.

પરાગ શાહે આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે 'ગુસ્સામાં રીક્ષાવાળા ઉપર હાથ ઉપાડ્યો હતો.'

પરાગ શાહના કહેવા પ્રમાણે, ઘાટકોપરમાં રેકડીવાળા, સ્કૂટરવાળા તથા રીક્ષાવાળાઓને કારણે મહિલા, બાળકો તથા વૃદ્ધોને રસ્તા ઉપર અવરજવર કરવામાં તકલીફ પડી રહી હતી. જેની સામે અમે એક કાર્યક્રમ આયોજિત કર્યો હતો.

એ દરમિયાન એક રીક્ષાવાળો રૉંગસાઇડમાંથી આવી રહ્યો હતો. હાથ કરીને તેને અટકવા માટે કહ્યું, પરંતુ તે અટકવા માટે તૈયાર ન હતો.

પરાગ શાહના કહેવા પ્રમાણે, "એક્સપ્રેસ હાઇવે ઉપર રેસ કાર ચલાવી રહ્યા હોય, એવી રીતે રીક્ષાચાલક ગાડી ચલાવી રહ્યો હતો. બધા કાર્યકરોએ મળીને રીક્ષાને અટકાવી. રીક્ષામાં બેઠેલી મહિલાનું કહેવું હતું કે તેણે ચાલકને ધીમે ચલાવવા તથા રૉંગ સાઇડમાં ન લેવા માટે રીક્ષાચાલકને તાકિદ કરી હતી, પરંતુ તેણે વાતને અવગણી."

પરાગ શાહના કહેવા પ્રમાણે, "રીક્ષાચાલક કંઈ સમજવા તૈયાર ન હતો અને તેને પોતાની ભૂલનો કોઈ અહેસાસ પણ ન હતો. મને લાગે છે કે તેને મારવો નહોતો જોઈતો,પરંતુ ગુસ્સામાં હાથ ઉપડી ગયો."

પરાગ શાહનું કહેવું છે કે સોશિયલ મીડિયા ઉપર જે વીડિયો વાઇરલ થયો છે, તે 'મૉર્ફડ' છે, એ સમયે ત્યાં પોલીસ પણ હાજર હતી.

શિવસેનાના (યુબીટી) નેતા આદિત્ય ઠાકરેનું કહેવું છે કે મીડિયાએ આ વીડિયોને 'બહુ થોડો' દેખાડ્યો છે. જો અન્ય કોઈ પક્ષની વાત હોત તો તેને 'વધારી-ચગાવી'ને દેખાડવામાં આવ્યો હોત.

આદિત્ય ઠાકરેના કહેવા પ્રમાણે, "કોઈની ઉપર હાથ ઉગામવોએ ગુનો છે. સરકારમાં હોવા છતાં આટલી હતાશા આવી ગઈ હોય, તો તે દેખાડે છે કે આમની સરકાર કંઈ કામ નથી કરી રહી."

શેખ હસીનાએ બાંગ્લાદેશની વચગાળાની સરકાર વિશે શું કહ્યું?

બાંગ્લાદેશનાં પૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાએ ભારતની ન્યૂઝ એજન્સી એએનઆઈને ઇ-ઇમેલ ઉપર ઇન્ટરવ્યૂ આપ્યો હતો.

જેમાં શેખ હસીનાનું કહેવું છે કે બાંગ્લાદેશમાં હિંસાએ નવસામાન્ય બાબત બની ગઈ છે અને શક્તિવિહિન સરકાર તેને અટકાવી નથી શકતી અથવા અટકાવવા નથી માંગતી.

શેખ હસીનાના કહેવા પ્રમાણે, કાયદાનું રાજ ન રહેવાને કારણે તેમની સરકાર ગઈ અને મુખ્ય સલાહકાર મોહમ્મદ યૂનુસના સમયમાં બાંગ્લાદેશમાં આ પરિસ્થિતિ અનેકગણી વકરી ગઈ છે.

બાંગ્લાદેશની આંતરિક અંધાધૂંધીને કારણે ભારત સહિતના પાડોશી દેશો આ પરિસ્થિતિને સાવચેતીપૂર્વક જોઈ રહ્યા છે અને તે સ્વાભાવિક પણ છે. વચગાળાની સરકારના કાર્યકાળ દરમિયાન પાડોશી દેશો સાથે બાંગ્લાદેશને સંબંધ કથળ્યા છે.

બાંગ્લાદેશમાં કટ્ટરવાદી તત્ત્વોને જેલમાંથી મુક્ત કરવા તથા તેમને કૅબિનેટમાં સ્થાન આપવાનો મુદ્દો પણ શેખ હસીનાએ ઇન્ટરવ્યૂમાં ઊઠાવ્યો હતો.

સાઉદી અરેબિયામાં રેકૉર્ડ સંખ્યામાં મોતની સજા

બ્રિટનસ્થિત રિપ્રીવ ગ્રૂપ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા પ્રમાણે, ચાલુ વર્ષે સાઉદી અરેબિયામાં અત્યારસુધીમાં ઓછામાં ઓછા 347 લોકોને મોતની સજા ફટકારવામાં આવી છે. ગત વર્ષે આ આંકડો 345નો હતો.

રિપ્રીમ ગ્રૂપના કહેવા પ્રમાણે, તેણે આંકડા ઉપર નજર રાખવાનું શરૂ કર્યું, એ પછી 2025નું વર્ષ "સૌથી વધુ લોહિયાળ" રહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયામાં જે લોકોને મોતની સજા મળી હોય, તેમના કેસ લડવાનું કામ પણ રિપ્રીવ ગ્રૂપ કરે છે.

જેમને ફાંસી આપવામાં આવી, તેમાં એક પત્રકાર અને વિરોધપ્રદર્શનમાં સામેલ થયેલા બે યુવાનોનો પણ સમાવેશ થાય છે. જેમાંથી એક શખ્સ પ્રદર્શન સમયે સગીર હતો. ફાંસી પામનારાંમાં પાંચ મહિલા પણ સામેલ છે.

રિપ્રીવ ગ્રૂપનું કહેવું છે કે લગભગ બે-તૃતીયાંશ કેસમાં કોઈનો જીવ નહોતો ગયો અથવા ડ્રગ્સને લગતા કેસ હતા. સંયુક્ત રાષ્ટ્રોનું કહેવું છે કે આવા કેસમાં મોતની સજા આપવીએ 'આંતરરાષ્ટ્રીય માપદંડ અને નિયમોની વિરુદ્ધ' છે.

મૃતકોમાં અડધોઅડધ વિદેશી નાગરિક હતા. સાઉદી અરેબિયા દ્વારા 'ડ્રગ્સ વિરુદ્ધ યુદ્ધ' હાથ ધરવામાં આવ્યું છે અને કદાચ આ અભિયાન હેઠળ જ તેમને આ સજા આપવામાં આવી હતી.

બીબીસીએ આ મામલે સાઉદી અરેબિયાના અધિકારીઓનો સંપર્ક કરીને તેમનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ પ્રતિક્રિયા નહોતી મળી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન