બીજી એપ્રિલે ડોનાલ્ડ ટ્રમ્પ શું કરવાના છે? ભારત સહિતના દેશો કેમ બેચેન છે?

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ ભારત અમેરિકા રેસિપ્રોકલ ટેરિફ ટૅક્સ શેરબજાર નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ડોનાલ્ડ ટ્રમ્પ
    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

ડોનાલ્ડ ટ્રમ્પ જેને અમેરિકાનો 'લિબરેશન ડે' ગણાવે છે તે બીજી એપ્રિલનો દિવસ નજીક આવી ગયો છે. તે અગાઉ બજારોમાં અનિશ્ચિતતાનો માહોલ છે.

ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી તેઓ કોઈને કોઈ એવી જાહેરાત કરતા રહે છે જેના કારણે અમેરિકાના હરીફો ઉપરાંત પડોશીઓ અને મિત્રો પણ પરેશાન રહે છે.

ટ્રમ્પે કૅનેડા, ચીન સહિત કેટલાક દેશો સામે ટેરિફ વૉરનું શસ્ત્ર ઉગામ્યું છે અને બીજી એપ્રિલે ટ્રમ્પના કેટલાક પ્લાન લાગુ થવાના છે. તેના કારણે ભારત સહિત દુનિયાભરના શેરબજારોમાં ગભરાટ વ્યાપી ગયો છે.

આ અઠવાડિયે 31 માર્ચ, સોમવારે ઈદના કારણે ભારતીય બજાર બંધ હતું, પરંતુ મંગળવારે સેન્સેક્સમાં 1390 પૉઇન્ટનો ઘટાડો થયો હતો.

બીજી એપ્રિલ પર કેમ સૌની નજર છે?

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ ભારત અમેરિકા રેસિપ્રોકલ ટેરિફ ટૅક્સ શેરબજાર નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, એસ એન્ડ પી 500 ઇન્ડેક્સ ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં લગભગ 10 ટકા ઘટ્યો છે

ટ્રમ્પે તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેઓ રેસિપ્રોકલ ટેરિફ લાદશે પરંતુ તે પહેલી એપ્રિલના બદલે બીજી એપ્રિલથી જાહેર થશે જેથી કોઈને એવું ન લાગે કે આ એપ્રિલ ફૂલ છે.

ડોનાલ્ડ ટ્રમ્પ બીજી એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ જાહેર કરવાના છે. એટલે કે જે દેશો અમેરિકન આયાત પર ઊંચો ટૅક્સ નાખે છે, તેના માલ પર અમેરિકા દ્વારા પણ વળતો ટૅક્સ નાખવામાં આવશે. ચીન અને કૅનેડા જેવા દેશો તેમાં ખાસ ટાર્ગેટ હોવાની શક્યતા છે.

બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે વ્હાઇટ હાઉસ ગાર્ડનમાં બુધવારે એક કાર્યક્રમ યોજાશે જેમાં ટ્રમ્પ દ્વારા રેસિપ્રોકલ ટેરિફ યોજના જાહેર થવાની છે. તેમાં કેટલાક દેશોને ધ્યાનમાં રાખીને ટેરિફ જાહેર કરાશે.

વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ કહ્યું કે કેટલાય દાયકાથી ખોટી વ્યાપાર નીતિના કારણે આપણા દેશને નુકસાન થયું છે. હવે તેને ઊલટાવવા માટે ટેરિફ પ્લાન જાહેર કરાશે. અમેરિકન લોકોના હિત માટે રાષ્ટ્રપતિ ઐતિહાસિક ફેરફારો કરવાના છે.

અમેરિકાના સમય પ્રમાણે બપોરે ત્રણ વાગ્યે ટેરિફ યોજના જાહેર થશે. ભારતમાં તે સમયે ગુરુવારે રાતના સાડા બાર વાગ્યા હશે.

સમાચાર સંસ્થા રૉઇટર્સના અહેવાલ મુજબ ટ્રમ્પ રેસિપ્રોકલ ટેરિફ જાહેર કરે તે અગાઉ યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવે એક મોટું લિસ્ટ બહાર પાડ્યું છે જેમાં કયા દેશની કઈ નીતિ અમેરિકાને નડતરરૂપ છે તે જણાવાયું છે. તેમાં ફૂડ સેફ્ટીના નિયમનથી લઈને રિન્યૂએબલ ઍનર્જી સુધીની ચીજો સામેલ છે.

ભારતને પણ અસર થશે?

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ ભારત અમેરિકા રેસિપ્રોકલ ટેરિફ ટૅક્સ શેરબજાર નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાની આર્થિક નીતિઓ ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને પણ અસર કરી શકે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ડોનાલ્ડ ટ્રમ્પે બીજી એપ્રિલને 'લિબરેશન ડૅ' એટલે કે 'મુક્તિનો દિવસ' ગણાવ્યો છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે અમેરિકન ઉત્પાદનો પર ટેરિફમાં મોટા પાયે ઘટાડો કરવા ભારત તૈયાર થયું છે.

રૉઇટર્સ મુજબ ગયા અઠવાડિયે ટ્રમ્પે અમેરિકન ઑટો અમ્પોર્ટ પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી જેનાથી અમેરિકામાં વાહનોનું ઉત્પાદન વધશે, પરંતુ ભાવમાં આંચકો લાગવાની શક્યતા છે.

ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ભારતને પણ નિશાન બનાવતા રહ્યા છે અને ભારત અમેરિકન માલ પર બહુ ઊંચો ટૅક્સ નાખે છે તેવી ફરિયાદ કરી છે. તેમણે માંગણી કરી છે કે અમેરિકન મોટર સાઇકલ પર ભારતે ટૅક્સ ઘટાડવો જોઈએ અને ભારતે અમેરિકા પાસેથી મકાઈ જેવી કૃષિ પેદાશો પણ ખરીદવી જોઈએ.

ટ્રમ્પે તાજેતરમાં કહ્યું હતું કે ઘણા બધા દેશો તેમના ટેરિફ ઘટાડવાના છે કારણ કે અમેરિકા માટે તે અન્યાયકર્તા છે. યુરોપિયન યુનિયને તેમના ટેરિફ ઘટાડીને પહેલેથી 2.5 ટકા કરી નાખ્યા છે. મેં થોડા સમય અગાઉ સાંભળ્યું હતું કે ભારત પણ ટેરિફમાં મોટો ઘટાડો કરવાનું છે.

અમેરિકન કૃષિ ઉત્પાદનો પર ભારત 100 ટકા સુધી ટેરિફ લગાવે છે તેની સામે અમેરિકાએ વાંધો ઉઠાવ્યો છે.

અમેરિકાની નજરમાં 'ડર્ટી 15' દેશો કોણ છે?

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ ભારત અમેરિકા રેસિપ્રોકલ ટેરિફ ટૅક્સ શેરબજાર નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિદેશ વેપાર અને ઈમિગ્રેશનના મામલે ટ્રમ્પ આક્રમક નીતિ ધરાવે છે

ફેબ્રુઆરી મહિનામાં ટ્રમ્પે કૅનેડા અને મૅક્સિકોથી આવતાં ઉત્પાદનો પર સૌથી પહેલાં 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. તેમણે પોતાના ઇમિગ્રેશન એજન્ડા સાથે પણ આ વાત સાંકળી હતી. ત્યાર પછી તેમણે માર્ચ સુધી તેનો અમલ ટાળ્યો હતો અને ઑટો ઉદ્યોગને કામચલાઉ રાહત આપી હતી. પરંતુ બુધવારે શું થશે તે ચોક્કસ કહી શકાય તેમ નથી.

ચીનના માલ પર ટ્રમ્પ વધારાનો 20 ટકા ટેરિફ નાખી ચૂક્યા છે. તેમણે આરોપ મૂક્યો છે કે ફેન્ટેનાઇલ નામનો કેફી પદાર્થ અમેરિકામાં સ્મગલિંગથી ઘુસાડવામાં ચીન પણ સામેલ છે.

ટ્રમ્પ હવે કેવી જાહેરાત કરશે તેના વિશે અટકળો ચાલે છે. પરંતુ એવું માનવામાં આવે છે કે અમેરિકાના 15 ટકા ટ્રેડ પાર્ટનર્સ માટે રેસિપ્રોકલ ટેરિફ જાહેર થઈ શકે છે.

અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કૉટ બેસેન્ટે આ દેશોને 'ડર્ટી 15' તરીકે ઓળખાવ્યા છે. આ દેશોનાં નામ જાહેર નથી થયાં પરંતુ તેમનો ઇશારો ચીન, યુરોપિયન યુનિયન, મૅક્સિકો, વિયેતનામ, તાઇવાન, જાપાન, સાઉથ કોરિયા, કૅનેડા તરફ હોવાનું માનવામાં આવે છે.

અમેરિકામાં એસ ઍન્ડ પી 500 ઇન્ડેક્સ ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં લગભગ 10 ટકા ઘટ્યો છે. તેથી માર્ચ મહિનો તાજેતરનાં વર્ષોમાં સૌથી ખરાબ રહ્યો છે.

નાસ્ડેક ઇન્ડેક્સ 10 ટકા કરતા વધુ ઘટ્યો છે અને 2022 પછી સૌથી ખરાબ ક્વાર્ટર રહ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.