ગુજરાતમાં આ દિવસથી વધશે વરસાદનું જોર, આ જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદ?

આકાશમાં વાદળોની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાતમાં આગામી દિવસોમાં ફરીથી ભારેથી અતિભારે વરસાદનો નવો રાઉન્ડ આવે તેવી સંભાવના છે. બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધીને ગુજરાત પરથી પસાર થશે અને ત્યારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થાય તેવી શક્યતા છે.

હાલ આ સિસ્ટમ છેલ્લા બે-ત્રણ દિવસથી બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના વિસ્તારો પર સ્થિર થયેલી છે અને આગામી એકાદ દિવસમાં સિસ્ટમ ત્યાંથી આગળ વધશે. આ સિસ્ટમ આગળ વધ્યા બાદ ઝડપથી ગુજરાત પર આવશે.

સૌથી પહેલાં આ સિસ્ટમ મધ્ય ભારત પર પહોંચશે અને ત્યાં ભારે વરસાદ પડશે. જે બાદ તે ગુજરાત પર આવશે અને ત્યાં વરસાદ આપ્યા બાદ તે આગળ વધીને અરબી સમુદ્રમાં જતી રહેશે.

હાલ ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં છૂટોછવાયો અને હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી રહ્યો છે. જે બાદ ગુજરાતમાં આગામી આખું અઠવાડિયું આ સિસ્ટમની અસર રહે તેવી સંભાવના છે અને તેના કારણે સતત ઘણા વિસ્તારોમાં વરસાદ થશે.

ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે ભારે વરસાદ?

ગુજરાતના નક્શા ઉપર હવામાનની આગાહીની તસવીર

ઇમેજ સ્રોત, mausam.imd.gov.in/

ગુજરાતમાં હાલ વરસાદનું થોડું વધારે પ્રમાણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ કેટલીક જગ્યાએ સારો વરસાદ થયો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખૂબ વધારે વરસાદ નથી અને ઘણા વિસ્તારોમાં વરાપ નીકળી છે.

હાલની સ્થિતિ પ્રમાણે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી વરસાદનું પ્રમાણ વધારે રહેશે. જેમાં 24 ઑગસ્ટથી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.

જે બાદ ગુજરાતમાં 25 ઑગસ્ટથી વરસાદનું પ્રમાણ વધવાનું શરૂ થશે એટલે કે બંગાળની ખાડીની સિસ્ટમની અસર શરૂ થશે અને ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

ગુજરાતમાં 25 ઑગસ્ટથી લઈને આગામી ચાર દિવસ સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વધશે અને ફરી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે.

હાલની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં 1 જૂનથી 22 ઑગસ્ટ સુધીમાં સરેરાશ કરતાં 2 ટકા વધારે વરસાદ થયો છે જ્યારે 20થી વધારે જિલ્લામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે.

જૂન મહિનામાં શરૂ થયેલા ચોમાસાના અઢી મહિના પસાર થઈ ગયા છે અને હવે દોઢ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. આ સમયે ઘણા વિસ્તારોમાં વરસાદની ઘટ છે તે કદાચ આ નવા વરસાદી રાઉન્ડમાં પૂરી થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.

ગુજરાતમાં કયા જિલ્લામાં પડશે ભારે વરસાદ?

વીડિયો કૅપ્શન, વરસાદનું જોર ક્યારે વધશે? કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે?
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતમાં બંગાળની ખાડીની અસર સૌથી પહેલાં દક્ષિણ-પૂર્વ-મધ્ય ગુજરાતને થવાની શરૂઆત થશે અને ત્યારબાદ આગળ વધીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં તેની અસર દેખાશે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાત રીજનમાં 25 ઑગસ્ટથી વરસાદનું પ્રમાણ વધવાનું શરૂ થઈ જશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. જેમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ અને અમદાવાદ જિલ્લામાં 25 અને 26 ઑગસ્ટથી વરસાદનું પ્રમાણ વધશે.

જે બાદ 27 અને 28 ઑગસ્ટના રોજ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ, કચ્છ અને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

સૌપ્રથમ ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદ વધવાની શક્યતા છે. જે બાદ પોરબંદર, ગીર-સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, કચ્છ અને પાટણ જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધશે. જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે છે.

25થી 30 ઑગસ્ટ દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ પડી શકે છે.

ગુજરાતમાં અડધાથી વધારે ચોમાસું પૂરું થઈ ગયું છે ત્યારે સરકારે જારી કરેલા આંકડા પ્રમાણે રાજ્યના ડૅમોમાં પાણીનો કુલ સરેરાશ જથ્થો 63.20 ટકા છે. જોકે, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આવેલાં જળાશયોમાં પાણીનો સંગ્રહ ખૂબ ઓછો થયો છે. અત્યાર સુધી ઉત્તર ગુજરાતમાં સરેરાશ 30.52 ટકા જેટલો જ પાણીનો સંગ્રહ થયો છે. કચ્છમાં 50.55 ટકા, સૌરાષ્ટ્રમાં 54.22 ટકા તથા મધ્ય ગુજરાતમાં 54.47 ટકા જેટલો પાણીનો જથ્થો હાલ છે.

દક્ષિણ ગુજરાતમાં સતત પડી રહેલા વરસાદને કારણે અહીંના ડૅમોમાં સરેરાશ 76.16 ટકા જેટલો પાણીનો જથ્થાનો સંગ્રહ થયો છે. આગામી નવા રાઉન્ડમાં આ ડૅમોમાં વધારે પાણી આવે તેવી શક્યતા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.