ચોમાસું ત્રણ દિવસ બાદ એક સાથે આ ત્રણ રાજ્યો સુધી પહોંચ્યું, ગુજરાતથી હવે ચોમાસું કેટલું દૂર?

ચોમાસું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
પ્રકાશિત

ચોમાસું ત્રણ દિવસના વિરામ બાદ આખરે આગળ વધ્યું છે અને અરબી સમુદ્ર તરફની તેની શાખાએ નવા વિસ્તારોને આવરી લીધા છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે કેરળ બાદ ચોમાસું આગળ વધીને હવે પાડોશી રાજ્યો સુધી પહોંચી ગયું છે, ઉપરાંત ચોમાસું આગળ વધે એવી સતત અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે.

આ વર્ષે ચોમાસું તેની નિર્ધારિત તારીખ 1 જૂન કરતાં એક દિવસ વહેલું એટલે કે 30 મેના રોજ કેરળ પર પહોંચી ગયું હતું. કેરળમાં ચોમાસું પહોંચે એટલે દેશમાં ચોમાસાની શરૂઆત થઈ ગણાય.

ગુજરાતમાં 15 જૂન ચોમાસાની નિર્ધારિત તારીખ છે અને તે પહેલાં રાજ્યમાં ગરમી પડી રહી છે. ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે.

ચોમાસું કયા-કયા વિસ્તારો સુધી પહોંચ્યું અને હવે કયાં રાજ્યોમાં પહોંચશે?

ભારતીય હવામાન વિભાગ

ઇમેજ સ્રોત, IMD

હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં આગળ ચાલી રહ્યું છે અને અરબી સમુદ્રની શાખા તથા બંગાળની ખાડીની શાખા બંને ઝડપથી આગળ વધી રહી છે.

હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું 2 જૂનના રોજ આગળ વધીને એક સાથે નવાં ત્રણ રાજ્યો સુધી પહોંચી ગયું છે. આગળ વધેલા ચોમાસાએ કેરળના તમામ વિસ્તારો, તમિલનાડુના તમામ વિસ્તારો, રાયલસીમા સહિત આંધ્ર પ્રદેશના કેટલાક વિસ્તારો તથા કર્ણાટકના વિસ્તારોને આવરી લીધા છે.

આ ઉપરાંત હાલ બંગાળની ખાડી અને અરબી સમુદ્ર તરફના વિસ્તારોમાં ગાઢ વાદળો છે અને ચોમાસું ઝડપથી આગળ વધે તેવી સાનુકૂળ પરિસ્થિતિઓ છે.

હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું હજી એકાદ-બે દિવસમાં કર્ણાટકના બાકી રહેલા ભાગો, આંધ્ર પ્રદેશના દરિયાકિનારા તરફના વિસ્તારો તથા અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બાકી રહેલા વિસ્તારોમાં આગળ વધે તેવી શક્યતા છે.

30 મેના રોજ શરૂ થયેલું ચોમાસું અરબી સમુદ્ર તરફ ત્રણ દિવસ સુધી થંભી ગયું હતું અને ત્યારબાદ આગળ વધ્યું છે. જ્યારે બંગાળની ખાડી તરફની શાખાએ ઝડપથી પ્રગતિ કરી હતી.

કર્ણાટક અને આંધ્ર પ્રદેશ બાદ ચોમાસું ગોવા અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં એન્ટ્રી કરશે અને ત્યારબાદ મુંબઈ સુધી પહોંચતા સામાન્ય રીતે તેને 10 જૂન જેટલો સમય લાગતો હોય છે.

ગુજરાતમાં હવામાન પલટાશે?

ભારતમાં  ક્યાં કેટલો વરસાદ પડ્યો, એ જાણકારી આપતો મૅપ

ઇમેજ સ્રોત, IMD

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ઝડપી પવન ફૂંકાવાની આગાહી કરી છે, એટલે કે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં પવનની ગતિ સામાન્ય કરતાં વધારે જોવા મળશે.

કચ્છ, સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પવનની ગતિ રાજ્યના અન્ય વિસ્તારો કરતાં વધારે રહેવાની સંભાવના છે. જોકે, કેટલાક વિસ્તારોને બાદ કરતાં પવનની ઝડપ 40 કિમી પ્રતિકલાક કરતાં ઓછી રહેવાની સંભાવના છે.

ગુજરાતમાં હાલ અરબી સમુદ્ર તરફથી પવનો આવી રહ્યા છે અને બીજી તરફ ગરમી પડી રહી છે. દરિયા પરથી આવતા પવનો ભેજ લઈને આવે છે જેથી દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારાનો અનુભવ થાય છે.

ગુજરાતમાં સાત-આઠ જૂનની આસપાસ હવામાન પલટાય તેવી શક્યતા દેખાઈ રહી છે, જે ઝડપથી ચોમાસું આગળ વધી રહ્યું છે તે જોતાં લાગી રહ્યું છે કે રાજ્યમાં 10 જૂન પહેલાં વરસાદ શરૂ થાય તેવી સંભાવના છે.

હાલની સ્થિતિ પ્રમાણે અને ચોમાસાને અસર કરતાં પરિબળોમાં કોઈ ફેરફાર ના થાય તો રાજ્યમાં ચોમાસું તેના નિર્ધારિત સમય પ્રમાણે જ શરૂ થાય તેવું લાગી રહ્યું છે.

હાલ ગુજરાત અને રાજસ્થાન સિવાય દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં વરસાદની આગાહી છે, ક્યાંક હળવા તો ક્યાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે ગુજરાતમાં 6 જૂન સુધી કોઈ વરસાદની આગાહી કરી નથી, પરંતુ ગરમી અને ભેજવાળા પવનોને કારણે આવનારા બેથી ત્રણ દિવસોમાં કદાય રાજ્યના કોઈ વિસ્તારમાં છુટોછવાયો સાવ ઓછો વરસાદ પડી જાય તેવી સંભાવના દેખાઈ રહી છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને તેના પાસે આવેલા અરબી સમુદ્ર પર એક સાયક્લૉનિક સર્ક્યુલેશન સર્જાયું છે, આ સિસ્ટમની ગુજરાત પર વધારે અસર થવાની શક્યતા નથી. જોકે, તેના કારણે સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વાદળો આવે તેવી સંભાવના દેખાઈ રહી છે.

અરબી સમુદ્રમાં એક બીજી પણ સિસ્ટમ બનેલી છે, હવામાન વિભાગના કહેવા પ્રમાણે પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્રમાં એક સાયક્લૉનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જોકે, તેના કારણે હાલ રાજ્યમાં વરસાદ પડે તેવી સંભાવના નથી.