હાર્યાના એક દિવસ બાદ જ ભારતે ઝિમ્બાબ્વેને 100 રને હરાવીને લીધો બદલો

ભારત, ઝિમ્બાબ્વે, ટી20 જીત

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

પહેલી ટી20 મૅચમાં મળેલી હાર બાદ બીજા જ દિવસે બીજી ટી20 મૅચમાં ભારતે ઝિમ્બાબ્વેને 100 રને હરાવી દીધું છે.

ભારતે ઝિમ્બાબ્વેને જીતવા માટે 235 રનનું લક્ષ્યાંક આપ્યું હતું જેની સામે ઝિમ્બાબ્વેની ટીમ 18.4 ઓવરમાં 134 રન બનાવી પૅવેલિયન ભેગી થઈ ગઈ.

ભારતીય કૅપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો.

ભારતે 20 ઓવરમાં બે વિકેટના નુકસાને 234 રન બનાવ્યા.

પાંચ ટી20 મૅચોની સિરીઝની આ બીજી મૅચમાં અભિષેક શર્માએ સદી ફટકારી હતી. અભિષેકની આંતરાષ્ટ્રિય કૅરિયરમાં આ પહેલી સદી છે. તેમણે 46 બૉલમાં તેની સદી પૂર્ણ કરી. તેઓ 47ની બૉલ પર આઉટ થયા. તેમણે તેમની શતકીય પારીમાં સાત ચોક્કા અને આઠ છક્કા લગાવ્યા.

અભિષેક શર્મા તેમની પહેલી મૅચમાં શૂન્ય રને આઉટ થઈ ગયા હતા.

આજે કૅપ્ટન શુભમન ગિલ સસ્તામાં એટલે કે માત્ર બે રન બનાવીને આઉટ થઈ ગયા હતા.

ભારત તરફથી ઋતુરાજ ગાયકવાડે 47 બૉલમાં 77 રન જ્યારે કે રિંકુસિંહે 22 બૉલમાં 48 રન બનાવ્યા હતા.

ભારત તરફથી આવેશ ખાન તથા મુકેશકુમારે ત્રણ-ત્રણ વિકેટો ઝડપી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયા પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ પુતિન સાથે કયા મુદ્દે ચર્ચા કરશે?

મોદી, પુતિન

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બે દિવસની રશિયાની મુલાકાત માટે મૉસ્કો પહોંચશે.

રશિયામાં ભારતના રાજદૂત વિનયકુમારે જણાવ્યું, “ત્રણ વર્ષ પછી થઈ રહેલી આ દ્વિપક્ષીય વાતચીત ઘણી મહત્ત્વપૂર્ણ છે. ત્રણ વર્ષોમાં દુનિયામાં ઘણું બદલાયું છે સાથે અમારા સંબંધો પણ વધુ દૃઢ બન્યા છે.”

“બંને દેશો વચ્ચે વેપારનો વિસ્તાર થયો છે. તે લગભગ 65 અબજ ડૉલર્સને પાર થયો છે. ક્રૂડ એનર્જી માટે રશિયા ભારત માટે મહત્ત્વનો સ્ત્રોતો પૈકીનો એક દેશ છે.”

તેમણે એમ પણ જણાવ્યું, “અમારી સામે બે પડકારો છે. પહેલો વેપારને સંતુલિત કરવો કારણકે વેપાર રશિયા તરફી છે.”

રશિયા નિકાસ થતી ચીજવસ્તુઓ પૈકી કૃષિ ઉત્પાદનો, સિરેમિક ટાઇલ્સ, ઑટો પાર્ટ્સ, અને એન્જિનિયરીંગ સામાન તથા રાસાયણિક ઉત્પાદનો જેમાં દવાઓનો સમાવેશ થાય છે.

તેમણે કહ્યું, “કાર્યક્રમો પ્રમાણે પીએમ મોદી રાષ્ટ્રપતિ પુતિન સાથે એક ખાનગી બેઠક કરશે. સાથે કાર્યક્રમમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત, વડા પ્રધાન અને તેમના પ્રતિનિધિમંડળ માટે રાષ્ટ્રપતિ દ્વારા આયોજીત બપોરના ભોજનનો પણ સમાવેશ થાય છે.”

“આ દ્વિપક્ષીય યાત્રા છે અને યુદ્ધ સહિતના વૈશ્વિક મુદ્દા પર પણ ચર્ચા થશે. ભારતમાં સંરક્ષણ વસ્તુઓના સહ-ઉત્પાદનને બનાવવા અંગે તથા તેને વધારવા મામલે પણ ચર્ચા થશે.”

વડા પ્રધાન મોદી રશિયા પ્રવાસ બાદ 9 જુલાઈના રોજ ઑસ્ટ્રિયાના પ્રવાસે પણ જશે.

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ અને ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં કોણ હશે ભારતીય કૅપ્ટન, જય શાહે શું કહ્યું?

જય શાહ, બીસીસીઆઈ, ટી20 વિશ્વકપ, ચૅમ્પિયન્સ ટ્રૉફી, ટેસ્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ટી20 વિશ્વકપ જીત્યા બાદ બીસીસીઆઈના સચિવ જય શાહે ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા છે.

બીબીસીઆઈના સચિવ જય શાહે એક વીડિયો જારી કર્યો છે જેમાં જય શાહે જણાવ્યું કે આવનારી ચૅમ્પિયન્સ ટ્રૉફી અને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં રોહિત શર્મા જ ભારતીય ટીમના કૅપ્ટન રહેશે.

તેમણે કહ્યું, “આ જીત બાદ હવે પછીનો પડાવ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ફાઇનલ અને ચૅમ્પિયન્સ ટ્રૉફી છે. મને ભરોસો છે કે રોહિત શર્માની કૅપ્ટનશિપ હેઠળ આપણે બંને ટુર્નામેન્ટ જીતીશું.”

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર, છ ચરમપંથીઓ માર્યા ગયા

કાશ્મીરમાં એન્કાઉન્ટર

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, કાશ્મીરમાં એન્કાઉન્ટર

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાબળો સાથે બે અલગ-અલગ જગ્યાએ એન્કાઉન્ટરમાં છ ચરમપંથીઓ માર્યા ગયા.

પોલીસને શંકા છે કે આ મામલામાં સ્થાનિક ચરમપંથી પણ સામેલ હોઈ શકે.

જમ્મુ-કાશ્મીર પોલીસના મહાનિદેશક આર આર સ્વૈને પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, "બે અલગ-અલગ જગ્યાએ એન્કાઉન્ટર થયા. આ એન્કાઉન્ટરમાં છ ચરમપંથીઓ માર્યા ગયાની ખબર છે."

"આ સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ઑપરેશન અત્યારે ચાલી રહ્યાં છે. ઑપરેશન ખતમ થયા પછી આ વિશે વધારે જાણકારી આપી શકાય."

સ્વૈને કહ્યું કે અમે આ ઘટનાને ગંભીરતાથી લઈ રહ્યા છીએ. જમ્મુના વિસ્તારમાં ચરમપંથને ફરીથી શરૂ કરવાનો પ્રયત્નો થઈ રહ્યો છે.

સ્વૈનના મત પ્રમાણે, આ પ્રકારની ઘટના પહેલાં 2006-07ની આસપાસ થઈ હતી. આ એક ચિંતાનો વિષય છે. જોકે, આનો અર્થ એ નથી કે ચરમપંથીઓએ મોટી સફળતા મેળવી છે.

પોલીસનો દાવો છે કે તેઓ સ્થાનિક લોકોની મદદથી ચરમપંથને રોકવામા સફળ રહીશું.

ગાઝાની શાળા પર ઇઝરાયલનો હુમલો, 16 લોકોનાં મૃત્યુ

ગાઝાની સ્કુલ પર ઇઝરાયલનો હુમલો

ઇમેજ સ્રોત, Reuters

પેલેસ્ટાઇનના અધિકારીઓએ કહ્યું કે ગાઝા પટ્ટીની એક શાળા પર થયેલા ઇઝરાયલના હવાઈ હુમલામાં લગભગ 16 લોકોનાં મોત થયાં છે. એક ડઝનથી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

બીબીસી ન્યૂઝના રૂશ્દી અબુલૌફ અને ટૉમ મૈકઆર્થરે આપેલી માહિતી મુજબ હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે મધ્ય ગાઝાના નુસીરાત શરણાર્થી શિબિરમાં રહેતા હજારો વિસ્થાપિત લોકો આ ઇમારતમાં આશ્રય લઈ રહ્યા હતા.

ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે કહ્યું, "અલ-જૌની સ્કૂલના વિસ્તારમાં કાર્યરત ઘણા આતંકવાદીઓ હુમલો કર્યો હતો."

અહેવાલો છે કે કેમ્પમાં એક ઘર પર અલગ-અલગ હવાઈ હુમલામાં 10 લોકો માર્યા ગયા હતા.

નુસીરાત શાળા પર હુમલાના વીડિયોમાં જોઈ શકાય કે પુખ્ત વયના લોકો અને બાળકો ધૂળ અને કાટમાળથી ઢંકાયેલી ધુમાડાથી ભરેલી શેરીમાં ચીસો પાડતા દેખાય છે. તેઓ ઘાયલોને મદદ કરવા દોડી રહ્યા છે.

પ્રત્યક્ષદર્શીઓએ બીબીસીને જણાવ્યું કે હુમલામાં વ્યસ્ત બજારની નજીક આવેલી શાળાના ઉપરના માળને નિશાનો બનાવવામાં આવ્યો હતો.

બીબીસીને મળેલી જાણકારી પ્રમાણે લગભગ સાત હજાર લોકો આ ઇમારતનો આશ્રયસ્થાન તરીકે ઉપયોગ કરી રહ્યા હતા.

સાત ઑક્ટોબરે હમાસના ઇઝરાયેલ પર અભૂતપૂર્વ હુમલાથી ઇઝરાયેલનું યુદ્ધ શરૂ થયું હતું. આ હુમલામાં હમાસની આગેવાની હેઠળના બંદૂકધારીઓએ લગભગ 1,200 લોકોને મારી નાખ્યા હતા અને 251 અન્ય લોકોને બંધક તરીકે ગાઝા પાછા લઈ ગયા હતા.

હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલના આક્રમણના પરિણામે ગાઝામાં ઓછામાં ઓછા 38,098 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે.

ફ્રાન્સની ચૂંટણી : બીજા તબક્કાનું મતદાન આજે, દક્ષિણપંથી પાર્ટીને જીતની આશા

ફ્રાન્સમાં રવિવારે સામાન્ય ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફ્રાન્સમાં રવિવારે સામાન્ય ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.

ફ્રાન્સમાં રવિવારે સામાન્ય ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ ચૂંટણીમાં દક્ષિણપંથી પાર્ટીને પોતાની જીતની આશા છે.

આ પ્રથમ વખત છે કે મરીન લી પેન અને જૉર્દન બરદેલાની ઘોર દક્ષિણપંથી પાર્ટી નેશનલ રેલીને (આરએન) સરકાર બનાવવાની અને નેશનલ ઍસેમ્બલીમાં બહુમતી મેળવવાની તક છે.

ગત રવિવારે સંસદીય ચૂંટણીના પ્રથમ તબક્કામાં નેશનલ રેલીની જીતની આશા પછી સેંકડો હરીફ ઉમેદવારોએ પોતાનું નામ પાછું ખેંચ્યું હતું. તેનો હેતુ અન્ય ઉમેદવારોને ઘોર દક્ષિણપંથી પક્ષના ઉમેદવારોને હરાવવા માટે વધુ સારી તક આપવાનો હતો.

પ્રથમ રાઉન્ડની લીડ પછી ઍન્ટી-ઇમિગ્રેશન પાર્ટી નેશનલ રેલીના નેતા મરીન લે પેને કહ્યું, "મેક્રોન જૂથનો લગભગ સફાયો થઈ ગયો છે."

નેશનલ રેલીના 28 વર્ષીય નેતા જૉર્દન બદરેલાએ કહ્યું કે જો ફ્રાન્સના લોકોએ મને મતો આપ્યા તો હું તેમનો વડા પ્રધાન બનવા ઇચ્છું છું.

મરીન લી પેન અને જૉર્દન બરદેલાને ફ્રાન્સની 577 બેઠકો વાળી નેશનલ ઍસેમ્બલીમાં બહુમતી મેળવવા માટે 289 બેઠકોની જરૂર છે.

રાષ્ટ્રપતિ ઇમેનુએલ મૅક્રોંએ યુરોપિયન સંસદની ચૂંટણીમાં નેશનલ રેલીની જીત પછી અચાનક જ ચૂંટણીનું એલાન કર્યું હતું. જોકે, કહેવામાં આવી રહ્યું હતું કે તેની કોઈ જરૂર છે.

સુરતમાં પાંચ માળની ઇમારત જમીનદોસ્ત, સાતનાં મોત

સુરતમાં બિલ્ડિંગ પડી જતાં સાત લોકોનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, સુરતમાં બિલ્ડિંગ પડી જતાં સાત લોકોનાં મૃત્યુ

સુરતના સચિન વિસ્તારમાં શનિવારે એક પાંચ માળની ઇમારત ધરાશાયી થઈ હતી. ઇમારતનાં કાટમાળમાં કેટલાક લોકો દબાયા હોવાની આશંકા છે.

સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ પ્રમાણે, એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ બચાવ કાર્ય કરી રહી છે. કાટમાળમાંથી હાલમાં સાત મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને એક મહિલાને બચાવવામાં આવ્યાં છે.

સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે જણાવ્યું, "એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો બચાવ કાર્ય કરી રહી છે. અમને મળેલી માહિતી પ્રમાણે, છથી સાત લોકો હજી કાટમાળ નીચે ફસાયેલા છે અને ત્રણ મૃતદેહો કાઢવામાં આવ્યા છે."

સુરતના ચીફ ફાયર ઑફિસર બસંત પરીકે એએનઆઈને જણાવ્યું, "સુરત ફાયર અને ઇમરજન્સી સર્વિસને શનિવારે અંદાજે ત્રણ વાગ્યે અને 55 મિનિટે માહિતી મળી કે એક પાંચ માળની ઇમારત ધરાશાયી થઈ હતી. લગભગ 20 ફાયર ઓફિસરો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા."

તેમણે ઉમેર્યું કે અમે કાટમાળમાંથી કુલ સાત મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે અને એક મહિલાને બચાવ્યાં છે. બચાવ કાર્ય હજું પણ ચાલી રહ્યું છે.

અનુપમસિંહે શનિવારે જાણકારી આપી હતી કે ઇમારતમાં 30થી 35 ફ્લેટ હતા, જેમાંથી 4-5 ફ્લેટમાં લોકો રહેતા હતા. ઘણા લોકો કામ પર ગયા હતા અને કેટલાક લોકો નાઇટ શિફ્ટ કરીને આવ્યા હતા.

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાની શરૂઆત, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી પહિંદવિધિ કરી

અમદાવાદમાં રથયાત્રા

છેલ્લાં 147 વર્ષથી અમદાવાદમાં અષાઢી બીજના દિવસે યોજવામાં આવતી જગન્નાથની રથયાત્રા આકર્ષણનું કેન્દ્ર બને છે.

દર વર્ષની જેમ ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર તથા સુભદ્રા રથમાં સવાર થઈને નગર ચર્ચા પર નીકળ્યા છે.

રથયાત્રાની પૂર્વ સંધ્યાએ ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે સંધ્યા આરતીમાં ભાગ લીધો હતો.

તેમણે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર લખ્યું હતું, "ભગવાન જગન્નાથજીની અમદાવાદમાં યોજાનાર 147મી રથયાત્રાની પૂર્વસંધ્યાએ શ્રી જગન્નાથ મંદિર ખાતે પૂજા-અર્ચના તશા સંધ્યાઆરતીમાં સહભાગી થઈને ધન્યતા અનુભવી."

"રથયાત્રા માટે સૌનો ઉત્સાહ હરહંમેશ જળવાઈ રહે અને રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ સતત વધતી રહે, ભગવાન જગન્નાથજીની કૃપા ગુજરાત અને સમગ્ર દેશ પર સદાય વરસતી રહે."

ગુજરાતના મુખ્ય મંત્રી

ઇમેજ સ્રોત, @BhupendraPatelBJP

ઇમેજ કૅપ્શન, વહેલી સવારે રાજ્યના મુખ્ય મંત્રી કે ટોચના નેતા દ્વારા સોનાની સાવરણીથી પ્રતીકાત્મક રીતે પહિંદવિધિ કરવામાં આવે છે, એ પછી ખલાસીઓ રથને આગળ ખેંચે છે

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવાર સવારે પહિંદવિધિમાં પણ ભાગ લીધો હતો. વહેલી સવારે રાજ્યના મુખ્ય મંત્રી કે ટોચના નેતા દ્વારા સોનાની સાવરણીથી પ્રતીકાત્મક રીતે પહિંદવિધિ કરવામાં આવે છે, એ પછી ખલાસીઓ રથને આગળ ખેંચે છે.

રથયાત્રાની પૂર્વ સંધ્યાએ ગુજરાત કૉંગ્રેસના નેતાઓ પણ અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજીના ‘રથ પૂજન’ અને ‘આરતી’માં ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત કૉંગ્રેસે ઍક્સ પર લખ્યું, "અષાઢી બીજની ઐતિહાસિક રથયાત્રાની પૂર્વ સંધ્યાએ ગુજરાત કૉંગ્રેસ પ્રદેશના નેતાઓ દ્વારા શ્રી જગન્નાથમંદિર, અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથના રથ પૂજન અને આરતીમાં ઉપસ્થિત રહી ભગવાન જગન્નાથજીનાં આશીર્વાદ પ્રાપ્ત કર્યા સાથે ગુજરાતના લોકોની સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી."

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પણ પોતાના પરિવાર સાથે રવિવારે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે તે પહેલાં મંગળા આરતીના દર્શન કર્યા હતા.

બીબીસી ગુજરાતી

હાથરસમાં થયેલી નાસભાગની ઘટના વિશે ‘ભોલેબાબા’ની પૂછપરછના સવાલ પર ન્યાયિક તપાસ પંચના સભ્યએ શું કહ્યું?

નારાયણ હરિ સાકાર ઉર્ફે ભોલે બાબા

ઇમેજ સ્રોત, X/AKHILESHYADAV

હાથરસમાં થયેલી નાસભાગની ઘટનાની તપાસ માટે રચાયેલા ત્રણ સભ્યોના ન્યાયિક તપાસ પંચના સભ્યો શનિવારે હાથરસ પહોંચ્યા હતા.

પંચના સભ્યોએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન પંચના સભ્ય રિટાયર્ડ જસ્ટિસ બ્રજેશકુમાર શ્રીવાસ્તવે પત્રકારો સાથે વાતચીત કરી હતી.

તેમણે કહ્યું, "અમે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું. કોણ ક્યાંથી આવ્યું અને ગયું અને ભીડ કેટલી હતી. બહાર નીકળવા માટે રસ્તો ક્યાંથી હતો, સત્સંગ ક્યાં થયો. આ બધી જગ્યાનું અમે નિરીક્ષણ કર્યું."

નારાયણ સાકાર હરિ ઉર્ફે ‘ભોલે બાબા’ને પૂછપરછ માટે બોલાવવામાં આવશે?

આ સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું, "આ મામલે જેની પણ પૂછપરછ કરવાની જરૂર પડશે તેની અમે પૂછપરછ કરીશુ."

તેમણે કહ્યું કે પંચ બે મહિનાની અંદર પોતાનો રિપોર્ટ સરકારને આપશે.

હાથરસના સિકન્દ્રારાઉ વિસ્તારના ફુલરાઈ મુગલગઢી ગામમાં મંગળવારે નારાયણ સાકાર હરિનો સત્સંગ થયો હતો, જેમાં નાસભાગને કારણે 121 લોકોનું મૃત્યુ થયું હતું.