ચૂંટણી પંચે કૉંગ્રેસના મહામંત્રી સુરજેવાલાના પ્રચાર કરવા પર 48 કલાક માટે પ્રતિબંધ મૂક્યો

ઇમેજ સ્રોત, Getty Images
ચૂંટણી પંચે મંગળવારે કૉંગ્રેસના સંસદસભ્ય અને પક્ષના મહામંત્રી રણદીપ સુરજેવાલા પર આચાર સંહિતાના ઉલ્લંઘનના આરોપમાં બે દિવસ માટે ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ભાજપનાં સંસદસભ્ય હેમા માલિની માટે રણદીપ સુરજેવાલાએ કથિત રીતે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેમાં મહિલા આયોગે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી.
આ ફરિયાદ અંગે કાર્યવાહી કરતા ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે. ચૂંટણી પંચનો આ પ્રતિબંધ 16 એપ્રિલ 2024ની સાંજે 6 વાગ્યે શરૂ થશે.
કોઈ ટ્રેક્ટર પર ગયું તો કોઈએ રૅલી કાઢી : ભાજપ કૉંગ્રેસનાં ઉમેદવારોએ કેવી રીતે ઉમેદવારી નોંધાવી?

ઇમેજ સ્રોત, Farukh kadri
ગુજરાતમાં લોકસભા બેઠકોની ચૂંટણી માટે ઉમેદવારોએ ફૉર્મ ભરવાની શરૂઆત કરી દીધી છે. ભાજપ અને કૉંગ્રેસ બન્નેના ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન કરીને પોતાની ઉમેદવારી નોંધાવી.
સુરેન્દ્રનગર બેઠકના કૉંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. તો સાથે સાબરકાંઠા બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર શોભનાબહેન બારૈયાએ પણ ઉમેદવારી નોંધાવી. ફૉર્મ ભરતા પહેલાં તેમણે યાત્રાધામ શામળાજીમાં દર્શન કર્યાં. ફૉર્મ ભરતી વખતે તેમની સાથે રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા.
ભાવનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર નિમુબહેન બાંભણીયાએ સ્વામીનારાયણ મંદિરે દર્શન કરીને ફૉર્મ ભર્યું. ફૉર્મ ભરતી વખતે પણ તેમનો ક્ષત્રિય રાજપૂત સમાજે વિરોધ કર્યો.
સભામાં જ્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું ભાષણ ચાલી રહ્યું હતું ત્યારે રાજપૂત સમાજના યુવાનોએ કાળા વાવટા ફરકાવીને વિરોધ કર્યો હતો.
ભાવનગરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાએ પણ આજે ફૉર્મ ભર્યું. તેમની સાથે પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન પણ ઉપસ્થિત રહ્યા. ફૉર્મ ભરતા પહેલાં તેમણે રાજવી પરિવારના સભ્યોની મુલાકાત પણ લીધી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Hanif khokhar
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બારડોલી બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરભુ વસાવાએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી. તો, સુરત બેઠકથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે પોતાના ઘરે જ પૂજા કરીને ઉમેદવારી નોંધાવી.
અમરેલી બેઠકથી કૉંગ્રેસના ઉમેદવાર જેનીબહેન ઠુમ્મરે શક્તિ પ્રદર્શન કરીને પોતાની ઉમેદવારી નોંધાવી. તેમણે સમર્થકો સાથે રેલી કાઢી, જેમાં ટ્રેક્ટર સાથે કાર્યકરો જોડાયા હતા. જય જવાન જય કિસાનના નારા પણ લાગ્યા હતા.
જેની બહેનની સભામાં જાહેર સભામાં વિરજી ઠુમ્મર પોતાની દીકરી અંગે બોલતાં ભાવુક થઈ ગયા હતા. આ સભામાં રાજકોટ બેઠકના કૉંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી પણ ઉપસ્થિત રહ્યા.
તેમણે પક્ષ પલટો કરનારા નેતાઓ પર પ્રહાર કરતાં કહ્યું "પહેલાં કૉંગ્રેસમાં ખૂબ કકળાટ થતો પણ આ બધો જ કકળાટ આ વખતે કમલમમાં ગયો અને કૉંગ્રેસ ટનાટન આગળ વધી રહી છે. જેમાં અમરેલી ઍન્જિન બને એની જવાબદારી તમને સોંપવા આવ્યો છું."
આ જાહેર સભા સંબોધીને પરેશ ધાનાણી પોતે એક્ટિવા પર બેસીને ખભે નાનકડી બેગ રાખીને રાજકોટ જવા રવાના થયા હતા.
તો, જૂનાગઢથી ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ પણ આજે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ફૉર્મ ભરતા પહેલાં તેમણે ભવ્ય રેલી કાઢી હતી. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાયા હતા.
પરશોત્તમ રૂપાલાએ રેલીમાં ક્ષત્રિયોને સંબોધીને શું વિનંતી કરી?

ઇમેજ સ્રોત, Parshottam Rupala/Fb
ગુજરાતમાં આજે ભાજપ અને કૉંગ્રેસના મોટા ભાગના ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ક્ષત્રિય-રાજપૂત સમાજના વિરોધ બાદ પણ ભાજપ એ મુદ્દે સમાધાન કરવા તૈયાર નથી અને રાજકોટથી પરશોત્તમ રૂપાલા આજે પોતાની ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે.
રૂપાલા ઉમેદવારી નોંધાવે તે પહેલાં આજે રાજકોટમાં એક મોટી રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યે રેલીમાં સામેલ ભાજપ સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી હતી. રેલીમાં સામેલ ભાજપના કાર્યકર્તાઓએ રૂપાલા પાંચ લાખથી વધુની લીડથી જીતશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. જોકે, ક્ષત્રિય સમાજના વિરોધનો હજુ સુધી નિવેડો નથી આવ્યો.
પરશોત્તમ રૂપાલાએ રેલીમાં લોકોને 100 ટકા મતદાન કરી નરેન્દ્ર મોદીને પ્રચંડ બહુમતી અપાવવાની હાકલ કરી હતી.
તેમણે ભાષણના અંતે મંચ ઉપર ઉપસ્થિત આગેવાનોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, “હું સમગ્ર ક્ષત્રિય સમાજને પણ વિનંતી કરતા કહું છું કે અમારે તમારા સાથની પણ આવશ્યકતા છે. દેશના હિતને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં તમે પણ જોડાઓ તેવી વિનંતી કરું છું.”
પરશોત્તમ રૂપાલાની આ રેલીમાં ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને વજુભાઈ વાળા પણ સામેલ થયા હતા. રૂપાલા ઉપરાંત આજે ગાંધીનગરથી કૉંગ્રેસનાં ઉમેદવાર સોનલ પટેલ અને વલસાડથી કૉંગ્રેસ ઉમેદવાર અનંત પટેલ પણ ફૉર્મ ભરી રહ્યાં છે.
મોડી રાત સુધી ક્ષત્રિય સમાજની સરકાર સાથે થયેલી બેઠક નિષ્ફળ રહી, આગેવાનોએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, UGC
પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય-રાજપૂત સમાજના આગેવાનોએ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટિલ તથા ભાજપના અન્ય આગેવાનો સાથે બેઠક કરી હતી.
જોકે, સ્થાનિક મીડિયા અહેવાલો પ્રમાણે મોડી રાત સુધી ચાલેલી આ બેઠકમાં કોઈ સમાધાન નીકળ્યું ન હતું.
ક્ષત્રિય-રાજપૂત સમાજના આગેવાનોએ રૂપાલાની ટિકિટને રદ કરવાની માંગ સતત ચાલુ રાખી છે. જોકે, તેના વિરોધ વચ્ચે આજે રૂપાલા પોતાનું ઉમેદવારી ફૉર્મ ભરી રહ્યા છે.
એ પહેલાં રાજકોટ નજીક યોજાયેલા ક્ષત્રિય-રાજપૂત સંમેલનમાં પણ અનેક ક્ષત્રિય આગેવાનોએ એવો દાવો કર્યો હતો કે જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો તેમની પાર્ટ-2 રણનીતિ તૈયાર છે અને તેઓ ગુજરાતમાં ભાજપનો વિરોધ કરશે.
સોમવારે રાત્રે જ આ બેઠક ચાલતી હતી ત્યારે પરશોત્તમ રૂપાલાએ ટ્વીટ કર્યું હતું કે 'રાજકોટના દિલમાં ફક્ત ભાજપ છે.'






















