ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ગાઢ મિત્રતાનું રહસ્ય શું છે?

ઇઝરાયલ અમેરિકાની મિત્રતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને ઇઝરાયલના રાષ્ટ્રપતિ નેતન્યાહૂ
    • લેેખક, દીપક મંડલ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત

સાત ઑક્ટોબરે હમાસે હુમલો કર્યાના કેટલાક દિવસો પછી અમેરિકાના રાષ્ટ્રપતિ તેલ અવીવ પહોંચ્યા હતા અને ઇઝરાયલ સાથેના ગાઢ સંબંધોનો પુરાવો આપ્યો હતો.

તેમણે હમાસને ‘શેતાન’ ગણાવતા કહ્યું હતું કે અમેરિકા કોઈ પણ સ્થિતિમાં ઇઝરાયલ સાથે છે. તેને દરેક મદદ કરાશે.

આ પછી નવેમ્બર મહિનાની શરૂઆતમાં અમેરિકી સંસદના હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવે ઇઝરાયલ માટે 14.5 અરબ ડૉલરની સૈનિક સહાયતાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

ગાઝામાં યુદ્ધવિરામ બાબતે પણ અમેરિકા ઇઝરાયલના મતનું સમર્થન કરે છે.

અમેરિકાના વિદેશમંત્રી ઍન્ટની બ્લિંકને રવિવારે કહ્યું કે યુદ્ધવિરામથી ગાઝામાં હમાસને જ ફાયદો થશે.

ઇઝરાયલને અમેરિકાનું આવું સમર્થન કોઈ નવી વાત નથી.

અમેરિકા પહેલાં પણ ઇઝરાયલનું સમર્થક રહ્યું છે અને આજે પણ તે તેની સાથે મજબૂતીથી ઊભું છે. આખરે તેનું કારણ શું છે?

ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેના સારા સંબંધોનો ઇતિહાસ શુ છે અને આખરે એ કયા રાજકીય, રાજદ્વારી અને આર્થિક સમીકરણો છે જેના કારણે અમેરિકા હંમેશાં ઇઝરાયલનું દરેક પગલે સમર્થન કરે છે તે જાણીએ.

અમેરિકાના રાષ્ટ્રપતિ હૅરી ટ્રુમેન દુનિયાના પહેલા એવા નેતા હતા જેણે ઇઝરાયલને માન્યતા આપી.

અમેરિકા અને ઇઝરાયલના સંબંધો કેટલા જૂના છે?

ઇઝરાયલ અમેરિકાની મિત્રતા

ઇમેજ સ્રોત, CULTURE CLUB/BRIDGEMAN VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, બાલફોર ઘોષણાપત્રની યાદમાં ઇઝરાયલમાં જાહેર કરાયેલું એક પોસ્ટકાર્ડ

ઐતિહાસિક પૅલેસ્ટાઇનની અંદર અલગ યહૂદી વિસ્તાર અસ્તિત્વમાં આવે એવા વિચારનું પહેલેથી જ અમેરિકા સમર્થન કરતું રહ્યું છે.

બીજી નવેમ્બર 1917ના દિવસે બાલફોર ઘોષણાપત્રમાં પૅલેસ્ટાઇનમાં અલગ યહૂદી વિસ્તારની જાહેરાત કરાઈ હતી. તે સમયે તત્કાલીન બ્રિટને તેને સમર્થન આપ્યું હતું.

આના બે વર્ષ પછી 3 માર્ચ, 1919ના રોજ તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ વુડરો વિલ્સને મિત્ર રાષ્ટ્રો તરફથી યહૂદી વિસ્તારની માગનું સમર્થન કરી દીધું.

પછી 1922માં અને 1944માં અમેરિકી સાંસદે બાલફોર ઘોષણાપત્રના સમર્થનમાં ઠરાવો પસાર કર્યા.

1948માં ઇઝરાયલના અસ્તિત્વમાં આવ્યા બાદ અમેરિકા તેને માન્યતા આપનારો પ્રથમ દેશ બન્યો.

ઇઝરાયલના અસ્તિત્વની ઘોષણા કર્યાની માત્ર 11 મિનિટમાં જ તેને અમેરિકની માન્યતા મળી ગઈ.

તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ હૅરી ટ્રુમેન ઇઝરાયલને માન્યતા આપનાર વિશ્વના પહેલા નેતા હતા.

ઇઝરાયલને આટલી ઝડપથી અમેરિકાની માન્યતા કેમ મળી?

ઇઝરાયલ અમેરિકાની મિત્રતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એ સુએજ નહેર જે બાબતે ઇઝરાયલે યુદ્ધ શરૂ કર્યુ હતું

બીજા વિશ્વયુદ્ધ પછીનો આ સમય હતો. જ્યારે અમેરિકા અને સોવિયેટ સંઘ વચ્ચે શીતયુદ્ધે આકાર લેવાનું શરૂ કર્યું હતું.

તે સમયે આરબ દેશ તેલભંડાર અને સમુદ્રી રસ્તાઓ (સ્વેજ નહેરનો રસ્તો એવો વેપારી રસ્તો હતો જેના થકી મોટા પાયે આંતરરાષ્ટ્રીય વેપાર થતો હતો) ને કારણે બ વૈશ્વિક શક્તિઓના શક્તિ પરીક્ષણનો અખાડો બની ગયો હતો.

યુરોપીય તાકાતો નબળી પડી રહી હતી. એવામાં અમેરિકા આરબ જગતમાં સત્તા સંઘર્ષમાં એક મુખ્ય મધ્યસ્થ તરીકે ઊભરી રહ્યું હતું.

તેલના ભંડારો બાબતે આરબ જગતમાં અમેરિકાના હિત વધી ગયા હતા. આથી તેને આરબ દેશોને નિયંત્રિત કરવા માટે ઇઝરાયલની જરૂર હતી.

આ જ કારણ હતું કે અમેરિકાએ ઇઝરાયલને માન્યતા આપી અને તેને સૈન્ય તાકાત તરીકે તેને પ્રોત્સાહન આપવામાં થોડી પણ રાહ નથી જોઈ.

શું ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેના સંબંધો શરૂઆતથી જ સૌહાર્દપૂર્ણ રહ્યા છે?

ઇઝરાયલ અમેરિકાની મિત્રતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતના વડા પ્રધાન જવાહરલાલ નેહરુ સાથે યુએસ પ્રમુખ ડી. આઈઝનહોવર. સુએજ કેનાલ અંગેની તેની નીતિને લઈને આઈઝનહોવર ઈઝરાયેલથી ખૂબ નારાજ હતા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જો કે અમેરિકાએ ઇઝરાયલ અસ્તિત્વમાં આવ્યા પહેલાં જ તેને સમર્થન આપી દીધું હતું.

પરંતુ ભૂતકાળમાં તેમના સંબંધોમાં ખટાશ પણ આવી હતી. જ્યારે ઇઝરાયલે ફ્રાન્સ અને બ્રિટન સાથે સુએજ કેનાલ પર યુદ્ધ શરૂ કર્યું ત્યારે અમેરિકાનું આઇઝનહોવર વહીવટીતંત્ર તેનાથી ખૂબ નારાજ થયું.

અમેરિકી રાષ્ટ્રપતિએ ઇઝરાયલને ધમકી આપી હતી કે જો તે આ યુદ્ધ દરમિયાન કબજે કરેલા વિસ્તારોને ખાલી નહીં કરે તો તેની મદદ બંધ કરી દેવાશે.

સોવિયટ સંઘે એવી પણ ધમકી આપી હતી કે જો ઇઝરાયલ પીછેહઠ નહીં કરે તો તેના પર મિસાઇલોથી હુમલો કરાશે. દબાણ હેઠળ ઇઝરાયલને આ વિસ્તારોમાંથી પીછેહઠ કરવી પડી હતી.

એ જ રીતે 1960ના દાયકામાં અમેરિકા અને ઇઝરાયેલના સંબંધોમાં તણાવ હતો. તે સમયે અમેરિકાનું કેનેડી વહીવટીતંત્ર ઇઝરાયેલના ગુપ્ત પરમાણુ કાર્યક્રમોથી ચિંતિત હતું.

જો કે, 1967માં જ્યારે ઇઝરાયલે માત્ર છ દિવસના યુદ્ધમાં જૉ્ડન, સીરિયા અને ઇજિપ્તને હરાવીને આરબ વિશ્વના મોટા વિસ્તાર પર કબજો કર્યો ત્યારે આ યહૂદી દેશ પ્રત્યેનો અમેરિકન દૃષ્ટિકોણ સંપૂર્ણપણે બદલાઈ ગયો.

આને ત્રીજું આરબ ઇઝરાયેલ યુદ્ધ પણ કહેવામાં આવે છે.

હકીકતમાં તે સમયે અમેરિકા વિયેતનામ યુદ્ધમાં ફસાયેલું હતું અને ઇઝરાયલે તેની કોઈ મોટી મદદ વિના આરબ દેશોને હરાવી દીધા હતા.

ઇઝરાયલે આ યુદ્ધ માત્ર છ દિવસમાં જીતી લીધું હતું. બીજી મહત્ત્વની વાત એ હતી કે તે સમયે ઇઝરાયલ, ઇજિપ્ત અને સીરિયાના હાથે હારેલા બે દેશો સોવિયેટ સંઘના મિત્ર હતા.

ઇઝરાયલની આ જીત પછી અમેરિકાએ તેને આરબ જગતમાં સોવિયટ સંઘ સામે કાયમી ભાગીદાર તરીકે જોવાનું શરૂ કર્યું.

ઇઝરાયલે 1973ના યુદ્ધમાં ઈજિપ્ત અને સીરિયાને પણ હરાવ્યાં હતાં.

બરાક ઓબામા અને નેતન્યાહૂ વચ્ચે શું તફાવત હતા?

ઇઝરાયલ અમેરિકાની મિત્રતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નેતન્યાહૂ અને બરાક ઓબામા વચ્ચે ઇઝરાયલની ઈરાન નીતિને લઈને મતભેદો હતા

ઈરાન સાથેના પરમાણુ કરારને લઈને બંને વચ્ચે સંઘર્ષ થયો હતો. નેતન્યાહૂ રિપબ્લિકન પાર્ટીનું વર્ચસ્વ ધરાવતી યુએસ કૉંગ્રેસમાં ગયા અને અમેરિકાની ઈરાન નીતિને લઈને બરાક ઓબામાની આકરી ટીકા કરી.

આંતરરાષ્ટ્રીય સ્તરે આને મોટા સમાચાર તરીકે જોવાયા. ઓબામા અને નેતન્યાહૂ વચ્ચે મતભેદ હોવાના અહેવાલો આવ્યા હતા અને એવું લાગતું હતું કે અહીંથી અમેરિકા ઇઝરાયલને લઈને તેના પરંપરાગત વલણમાં થોડો ફેરફાર કરી શકે છે.

પરંતુ આવું ન થયું. તેમના આઠ વર્ષના શાસન દરમિયાન, ઓબામાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઇઝરાયલ વિરુદ્ધ લાવવામાં આવેલા એક સિવાયના તમામ ઠરાવોને વીટો કરી દીધા હતા.

તેમના કાર્યકાળના અંતિમ દિવસોમાં ઇઝરાયલ માટે 38 બિલિયન ડૉલરનું પૅકેજ પણ મંજૂર કરવામાં આવ્યું હતું.

બાઇડને તાજેતરમાં ઇઝરાયલમાં ન્યાયતંત્રમાં ફેરફાર કરવાના નેતન્યાહૂના પ્રયાસની ટીકા પણ કરી હતી, પરંતુ 7 ઑક્ટોબરે હમાસના હુમલા બાદ તેઓ સંપૂર્ણપણે ઇઝરાયલના વડા પ્રધાન સાથે જોવા મળ્યા છે.

અમેરિકા અને ઇઝરાયલના સંબંધોની વર્તમાન સ્થિતિ શું છે?

ઇઝરાયલ અમેરિકાની મિત્રતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન ઇઝરાયલના રાષ્ટ્રપતિ

અત્યારે અમેરિકા ઇઝરાયલના અસાધારણ સાથી તરીકે કામ કરી રહ્યું છે. અમેરિકા ઇઝરાયલને બિનશરતી નાણાંકીય, લશ્કરી અને રાજકીય સહાય પૂરી પાડે છે.

ઇઝરાયલ એક અઘોષિત પરમાણુ શક્તિ છે. પરંતુ અમેરિકન સુરક્ષાને કારણે તેણે ક્યારેય કોઈ તપાસનો સામનો કરવો પડ્યો નથી.

અમેરિકા ઇઝરાયલને મહત્તમ આર્થિક મદદ કરે છે. બીજા વિશ્વયુદ્ધ પછી, તેને 158 અબજ ડૉલરની અમેરિકન સહાય મળી છે. દર વર્ષે તે 3.8 અબજ ડૉલરની અમેરિકા તરફથી સહાય મેળવે છે, જે ઇઝરાયલના કુલ સંરક્ષણ બજેટના લગભગ 16 ટકા છે.

ઇઝરાયલ અમેરિકાનું સૌથી મોટું વેપારી ભાગીદાર પણ છે. બંને વચ્ચે દર વર્ષે 50 અબજ ડૉલરનો વેપાર થાય છે.

ઇઝરાયલે અમેરિકાની મદદથી એક વિશાળ સંરક્ષણ ઉદ્યોગ સ્થાપ્યો છે. તેના સંરક્ષણ ઉત્પાદન બેઝને કારણે, તે આજે વિશ્વમાં શસ્ત્રો અને લશ્કરી સાધનોનું દસમું સૌથી મોટું નિકાસકાર બની ગયું છે.

1972થી, અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઇઝરાયેલ વિરુદ્ધ લાવવામાં આવેલા 50 ઠરાવોને ફગાવી દીધા છે.

શા માટે અમેરિકા હંમેશા ઇઝરાયલને સમર્થન આપે છે?

ઇઝરાયલ અમેરિકાની મિત્રતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકા અને ઇઝરાયલના રાષ્ટ્રધ્વજ

તેનું એક મુખ્ય કારણ અમેરિકાની નજરમાં આરબ જગતના તોફાની રાજકારણમાં ઇઝરાયલનું વ્યૂહાત્મક મહત્ત્વ છે.

શીત યુદ્ધ દરમિયાન, અમેરિકાએ આરબ વિશ્વમાં સોવિયેટ યુનિયનના પ્રભાવ સામે ઇઝરાયલનો ઉપયોગ એક મહત્ત્વપૂર્ણ સહાયક તરીકે કર્યો હતો.

શીત યુદ્ધ પછી, અમેરિકા પશ્ચિમ એશિયામાં વધુ સક્રિય બન્યું અને ઇઝરાયલ, સાઉદી અરેબિયા અને ઇજિપ્ત તેના મહત્ત્વપૂર્ણ સાથી બન્યા.

અમેરિકાની ઇઝરાયેલ તરફી નીતિ માટે અમેરિકન લોકોનો અભિપ્રાય, તેની ચૂંટણીની રાજનીતિ અને શક્તિશાળી ઇઝરાયલ લૉબી પણ જવાબદાર છે.

આ બધા મળીને અમેરિકાની ઇઝરાયલ નીતિને દિશા આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

અમેરિકામાં ઇઝરાયલ તરફી લૉબી

ઇઝરાયલ અમેરિકાની મિત્રતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલ તરફી લૉબી AIPAC ની બેઠકમાં હાજરી આપતા યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન

અમેરિકી સંસદમાં રિપબ્લિકન અને ડેમોક્રેટિક બંને પક્ષોના મોટાભાગના સાંસદો શરૂઆતથી જ ઇઝરાયલના સમર્થક છે. અમેરિકન યહૂદી અને એવેન્જીકલ ક્રિશ્ચિયન લૉબી બંને અમેરિકાના રાજકારણમાં ઇઝરાયલ બાબતે ખૂબ જ સક્રિય છે.

રિપબ્લિકન અને ડેમોક્રેટિક બંને પક્ષો માટે તેમનું ખૂબ મહત્ત્વ છે અને બંને ઇઝરાયેલના સમર્થક છે.

અમેરિકામાં ઘણી લૉબીઓ ઇઝરાયલ તરફી નીતિઓ બનાવવામાં મદદરૂપ છે.

આવી જ એક શક્તિશાળી લૉબી છે અમેરિકન ઇઝરાયલ પબ્લિક અફેર્સ કમિટી અથવા AIPAC. ઇઝરાયલ અને અમેરિકાના પ્રમુખો, સેનેટરો અને વડા પ્રધાનો તેની વાર્ષિક બેઠકોમાં અતિથિ તરીકે હાજરી આપે છે.

ઇઝરાયલ તરફી સંસ્થાઓ રિપબ્લિકન અને ડેમોક્રેટિક બંને પક્ષોને નાણાકીય સહાય પૂરી પાડે છે.

2020માં, અમેરિકામાં ઇઝરાયલ તરફી સંગઠનોએ 30 અબજ ડૉલર એકત્ર કર્યા, જેમાંથી 63 ટકા ડેમોક્રેટ્સ અને બાકીના રિપબ્લિકન ધારાશાસ્ત્રીઓને આપવામાં આવ્યા.

શું અમેરિકામાં પૅલેસ્ટાઇન તરફી લૉબી છે?

ઇઝરાયલ અમેરિકાની મિત્રતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પૅલેસ્ટાઇનના સમર્થનમાં અમેરિકામાં પોસ્ટર્સ બતાવતા લોકો

છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન અમેરિકન ડેમોક્રેટિક પાર્ટીમાં બર્ની સેન્ડર્સ અને એલિઝાબેથ વૉરન જેવાં સેનેટરો પૅલેસ્ટાઇનના સમર્થકો તરીકે ઊભરી આવ્યાં છે.

બંને 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણીના ઉમેદવારોની રેસમાં સામેલ હતાં. બર્ની અને વૉરેન જેવા સેનેટરોનું કહેવું છે કે ઇઝરાયલને આપવામાં આવતી આર્થિક મદદ પૅલેસ્ટાઇનના માનવાધિકારની સુરક્ષા જેવી શરતો સાથે જોડાયેલી હોવી જોઈએ.

એલેક્ઝાન્ડ્રિયા ઑકાસિયો-કોર્ટેઝ, ઇલહાન ઓમર, અયના પ્રેસ્લી અને રશીદા તાલેબ જેવા લોકો યુએસ સંસદના હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પેલેસ્ટાઇન માટે અવાજ ઉઠાવનારા અવાજ તરીકે ઊભરી આવ્યા છે.

તાજેતરનાં વર્ષોમાં, અમેરિકન જનતામાં પૅલેસ્ટિનિયન ચળવળને સમર્થન વધ્યું છે. ગેલપ સર્વે અનુસાર, આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમાં ભાગ લેનારા 25 ટકા લોકોએ પેલેસ્ટિનિયન આંદોલન પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. પાંચ વર્ષ પહેલાં તે 19 ટકા હતો.

પરંતુ અમેરિકામાં જનમત હજુ પણ ઇઝરાયલના સમર્થનમાં છે. સરવેમાં સામેલ 58 ટકા અમેરિકનો ઇઝરાયલના હિતો સાથે જોવા મળ્યા હતા. તે જ સમયે, 75 ટકા અમેરિકનોએ ઇઝરાયલને સકારાત્મક રેટિંગ આપ્યું હતું.

બીબીસી
બીબીસી