You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પીએમ મોદીએ ગુવાહાટીમાં રેલી રેલીમાં પુલવામા હુમલા અંગે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બ્રહ્મપુત્ર નદી પર ગુવાહાટી અને ઉત્તર ગુવાહાટીને જોડતા કુમાર ભાસ્કર વર્મા પુલનું ઉદઘાટન કર્યું.
અંદાજે 3,030 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ છ-લેનનો પુલ ગુવાહાટીને ઉત્તર ગુવાહાટી સાથે જોડે છે. તે ભારતના ઉત્તરપૂર્વીય ક્ષેત્રમાં પ્રથમ ઍક્સ્ટ્રાડોઝ્ડ પુલ છે.
આ વિસ્તારમાં ભૂકંપ-સંભવિતતાને ધ્યાનમાં રાખીને પુલમાં ફ્રિક્શન પેન્ડુલમ બેરિંગ્સનો ઉપયોગ કરાયો છે.
પીએમ મોદીએ એક ઍક્સ પોસ્ટમાં લખ્યું, "બ્રહ્મપુત્ર પર બનેલો કુમાર ભાસ્કર વર્મા પુલ ગુવાહાટી અને તેની આસપાસના વિસ્તારો માટે એક જરૂરી માળખાકીય પ્રોજેક્ટ છે. તેનાથી કનેક્ટિવિટી, સુવિધા અને વ્યવસાયમાં ઘણો વધારો થશે. તેનાથી શ્રદ્ધાળુઓ સરળતાથી કામાખ્યા મંદિર જઈ શકશે."
પ્રેસ ઇન્ફૉર્મેશન બ્યુરો (પીઆઇબી) અનુસાર, આસામમાં પીએમ મોદીના કાર્યક્રમમાં 5,450 કરોડ રૂપિયાથી વધુના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને તેને લીલી ઝંડી આપવાનું સામેલ છે.
પીએમ મોદીએ આસામમાં એક જાહેર રેલીમાં કહ્યું, "કૉંગ્રેસે સાત દાયકામાં બ્રહ્મપુત્ર પર ફક્ત ત્રણ પુલ બનાવ્યા, જ્યારે ભાજપે દસ વર્ષમાં પાંચ પુલ બનાવ્યા."
પુલવામા હુમલાને યાદ કરીને તેમણે કહ્યું, "આજે પુલવામા હુમલાની વરસી છે... આ આતંકી હુમલા પછી ભારતે જે રીતે આતંકવાદીઓને સજા આપી, તે આખી દુનિયાએ જોઈ છે. કેટલાક લોકો હજુ પણ ધ્રૂજી રહ્યા છે. તમે 'ઑપરેશન સિંદૂર'માં ભારતની આ શક્તિ પણ જોઈ હશે."
કપાસના ખેડૂતો અને ટૅક્સ્ટાઇલ ઍક્સ્પૉર્ટર્સ માટે રાહુલ ગાંધીએ મોદી સરકારને શું કરવા કહ્યું?
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી છે. તેમણે મોદી સરકારની ઉપર કપાસના ખેડૂતો તથા ટેક્સ્ટાઇલ ઍક્સ્પૉર્ટર્સને દગો દેવાનો આરોપ મૂક્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે, વડા પ્રધાન અને તેમનું કૅબિનેટ ખોટું બોલે છે અને ભ્રમ ફેલાવે છે.
રાહુલ ગાંધીએ કહ્યું, "અમેરિકામાં બાંગ્લાદેશનાં કપડાંની નિકાસ ઉપર 0 ટકા ટેરિફનો લાભ આપવામાં આવી રહ્યો છે. આના માટે તેમણે અમેરિકાનો કપાસ આયાત કરવાનો છે, એટલી જ શરત છે. ભારતના ગારમેન્ટ્સ ઉપર 18 ટકા ટેરિફ અંગેની જાહેરાત બાદ, જ્યારે મેં સંસદમાં બાંગ્લાદેશને મળતી વિશેષ છૂટ ઉપર સવાલ ઉઠાવ્યો, ત્યારે મોદી સરકારના મંત્રીએ જવાબ આપ્યો - 'જો આપણે લાભ લેવો હોય, તો આપણે પણ અમેરિકાનો કપાસ મંગાવવો પડશે.'"
રાહુલ ગાંધીએ આ નીતિ ઉપર સવાલ ઉઠાવતા કહ્યું, "જો આપણે અમેરિકાથી કપાસ મંગાવીએ, તો આપણા ખેડૂત તારાજ થઈ જશે."
"અને જો ન મંગાવીએ, તો આપણો ટૅક્સ્ટાઇલ ઉદ્યોગ પાછળ રહી જશે અને બરબાદ થઈ જશે. અને હવે બાંગ્લાદેશે પણ અણસાર આપ્યા છે કે તે ભારતમાંથી કપાસની આયાત ઓછી કરી દેશે કે બંધ કરી શકે છે."
રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં ટૅક્સ્ટાઇલ ઉદ્યોગ અને કપાસની ખેતીએ આજીવિતાની કરોડરજ્જુ છે, તેના ઉપર કરોડો લોકોની રોજી રોટી નભે છે.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સરકારે કપાસના ખેડૂતો થા ટૅક્સ્ટાઇલ ઍક્સપૉર્ટર્સ એમ બંનેના હિતોનું રક્ષણ કરવું જોઈએ. કારણ કે ભારત-અમેરિકા કરાર બંને ક્ષેત્રોને 'ઊંડો આઘાત કરનાર' સાબિત થઈ શકે છે.
બાંગ્લાદેશ: જમાત-એ-ઇસ્લામીના વડાએ રિઝલ્ટ શીટ સાથે ચેડાના આરોપ મૂક્યા
બાંગ્લાદેશનાં ચૂંટણીપરિણામોમાં જમાત-એ-ઇસ્લામીની હાર થઈ છે. એ પછી જમાતના વડા શફીકુર રહમાને ચૂંટણીપ્રક્રિયા ઉપર ગંભીર પ્રકારના આરોપ મૂક્યા હતા. તેમણે કહ્યું હતું કે મતદાન ભલે નિષ્પક્ષ રહ્યું હોય, પરંતુ મતગણતરી દરમિયાન 'ગેરરીતિ તથા હેરફેર' મારફત ચૂંટણીપરિણામોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
13મી સંસદીય ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ શફીકુર રહમાને શુક્રવારે રાત્રે ઢાકાસ્થિત પાર્ટીના કેન્દ્રીય કાર્યાલયે 11 દળોનાં ચૂંટણીગઠબંધન વતી પત્રકારપરિષદ સંબોધી હતી. જેમાં તેમણે અનેક આરોપ મૂક્યા હતા.
બાંગ્લાદેશના અખબાર 'ધ ડેઇલી સ્ટાર'ના અહેવાલ પ્રમાણે, જમાતના વડાએ દેશના અલગ-અલગ ભાગોમાં ગઠબંધનના નેતાઓ, કાર્યકર્તાઓ, એજન્ટો તથા મતદારોનાં ઘરો ઉપર હુમલાનાં પણ આરોપ મૂક્યા હતા. તેમણે આ પ્રવૃત્તિઓને 'ફાસીવાદી' જણાવી હતી.
જમાત-એ-ઇસ્લામીના વડા શફીકુર રહમાને કહ્યું, "ચૂંટણીમાં હારજીત થવી સ્વાભાવિક છે. અને જો તે સામાન્ય સ્વરૂપે થાય તો લોકો તેનો સ્વીકાર કરે છે, પરંતુ જો મોટાપાયે ભેદભાવ કે અનિયમિતતા આચરવામાં આવે તો સ્વાભાવિકપણે સવાલ ઊભા થાય છે."
તેમણે કહ્યું, "જે લોકો આવા ખોટા કામમાં સામેલ છે, તેમણે આની પૂરેપૂરી જવાબદારી લેવી રહી."
શફીકુર રહમાને આરોપ મૂક્યો હતો કે અનેક સ્થળોએ અચાનક જ પરિણામોની જાહેરાત અટકાવી દેવામાં આવી હતી.
તેમણે કહ્યું, "અમારી પાસે એવા દસ્તાવેજ છે, જે દર્શાવે છે કે અનેક સ્થળોએ રિઝલ્ટ શીટ સાથે ચેડાં કરવામાં આવ્યાં હતાં. કેટલીક બેઠકો ઉપર બેવડા માપદંડ અપનાવવામાં આવ્યા હતા."
'ઈરાનનો કાયમ માટે ઉકેલ આવી જશે'
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે 47 વર્ષોથી ઈરાન માત્ર વાતો જ કરી રહ્યું છે અને લોકોનાં જીવ જઈ રહ્યાં છે.
પત્રકારો સાથેની ટ્રમ્પની વાતચીતને ટાંકતા ન્યૂઝ એજન્સી એએનઆઈ લખે છે, "47 વર્ષથી તેઓ વાતો, વાતો અને વાતો જ કરી રહ્યા છે. તેઓ વાટાઘાટો કરે એ ગાળામાં આપણે જીવ ગુમાવ્યા છે. જોઈએ શું થાય છે."
"દરમિયાન જબરદસ્ત તાકત પહોંચી છે અને તમે જાણો છો એ મુજબ વધારાના (ઍરક્રાફ્ટ) કૅરિયર્સ, ટૂંક સમયમાં રવાના થશે. અમે જોઈશું. એક વખત અને કાયમને માટે ઉકેલ આવી જાય તે સારું હશે."
તેમણે ઈરાનના મોરચે મોટાપાયે નૌકાકાફલો મોકલવામાં આવ્યો હોવાની વાત પણ કરી હતી.
ટ્રમ્પે કહ્યું, "આપણે ઈરાનમાં ખૂબ જ મોટો નૌકાકાફલો મોકલ્યો છે. ડીલ થઈ જાય તો મને ગમશે. ડીલ કરવાની બાબતમાં તેઓ કપરા છે. ગઈ વખતે મને હતું કે ડીલ થઈ જશે."
ટ્રમ્પે ફરીથી દાવો કર્યો હતો કે 10 મહિનાના ગાળામાં તેમણે આઠ યુદ્ધ અટકાવ્યા હતા અને તેમાં રશિયા-યુક્રેનની લડાઈ ખૂબ જ કપરી રહી છે.
'વિશ્વમાં નિયમ આધારિત વ્યવસ્થા નથી રહી'
મ્યૂનિચ સિક્યૉરિટી કૉન્ફરન્સને સંબોધિત કરતા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ત્ઝે કહ્યું હતું કે 'નિયમ આધારિત વૈશ્વિકવ્યવસ્થાનું અસ્તિત્વ' નથી રહ્યું.
વિશ્વના અન્ય નેતાઓને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે મહાસત્તાઓનાં રાજકારણમાં "આપણી સ્વતંત્રતાની ગૅરંટી" નથી રહી અને યુરોપિયનોએ "કુર્બાની" આપવા તૈયાર રહેવું જોઈએ.
તેમણે સ્વીકાર્યું હતું કે "અમેરિકા અને યુરોપ વચ્ચે વ્યાપક તિરાડ પ્રવર્તે છે."
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અવારનવાર ગ્રીનલૅન્ડને અમેરિકા સાથે જોડવાની વાત કરી ચૂક્યા છે. જે યુરોપિયન દેશ ડેન્માર્કનો અર્ધ-સ્વાયત પ્રદેશ છે.
આ કૉન્ફરન્સ દરમિયાન અમેરિકાના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ કહ્યું હતું, "વિશ્વનો સમય ખૂબ જ ઝડપભેર બદલાઈ રહ્યો છે. આપણે ભૂરાજકારણના એવા યુગમાં જીવી રહ્યા છીએ કે જ્યાં આપણે આપણી ભૂમિકા શું છે, તે જોવું પડશે."
નાટોના સેક્રેટરી જનરલ માર્ક રૂટે ટ્રાન્સ-ઍટલાન્ટિક સંબંધો ઉપર અગાઉ જેવી જ નિકટતા ઉપર ભાર મૂક્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન